સર્જકના સથવારે : અલખને ઓટલે અઠીંગો જમાવીને બેઠેલો શાયર ‘મેહુલ’...
ઉત્સવ

સર્જકના સથવારે : અલખને ઓટલે અઠીંગો જમાવીને બેઠેલો શાયર ‘મેહુલ’…

રમેશ પુરોહિત

પાંગરે પોતા પણું વરસાદમાં
ઝળહળે છે આંગણું વરસાદમાં
નામ સુરેન ઠાકર પણ કોઈ ન ઓળખે એ નામે, પણ ‘મેહુલ’ બોલોને એક બહુઆયામી વ્યક્તિત્વ સામે તરવરવા માંડે. ઈશ્વરદત્ત રૂપાળો ચહેરો, બેઠી દડીનો પાતળિયો પરમાર, સાત સૂરોના માળા સમો આષાઢી કંઠ, બોલે તે ફૂલ ઝરે, સદાય ફરકતું સ્મિત, મીઠી વાણી અને એમાં રહે રમૂજ અને વ્યંગ. મિજાજ હાજર જવાબી. આ છે સુરેન ઠાકર ‘મેહુલ’નો પ્રાથમિક પરિચય.

મેહુલ સ્વભાવે મુલાયમ, મહેફિલનો માણસ, સંબંધોનો કદરદાન, મૈત્રીની મિરાત, એ કેળવાયેલો કેળવણીકાર, લોકસાહિત્યના મેળાવડાઓમાં લોકગાયક, ગઝલના મુશાયરાઓમાં ગઝલકાર, સંગીત અને ગીતનો ગિરનારી અવાજ અલખને ઓટલે અઠીંગો જમાવીને બેઠેલો સાધક, એ નરસૈંયાના પરભાતિયામાં, મીરાંનાં પદોમાં, કબીરની કબીરાઈમાં, સૂર તાલ સંગોપીને શબ્દોથી તેજકિરણોને અવતારતો સર્જક.

‘મેહુલ’ એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્યને પ્રજા સુધી પહોંચાડતો સારથિ, રથિ અને મહારથી ગુજરાતી અસ્મિતા, ગૌરવ, ખુમારી, લોકસાહિત્ય અને ગુર્જરીના વૈભવ સત્ત્વશીલ અવાજ. એ ગુજરાતી રંગભૂમિનો નટસમ્રાટ, નાટકો, ફિલ્મો, નૃત્ય નાટિકાઓ એમની કલમને સહજપણે વરેલા હતા. સર્જક તરીકેની પોતાની નિપુણતા, પ્રતિભા અને અભ્યાસ આગવા ગુણો હતા.

મુખ્યત્વે ગઝલકાર ‘મેહુલ’ ગઝલ, ગીત, છાંદસ-અછાંદસ, પદ, ભજન અને મુક્તકોમાં વિહાર કર્યો છે. એમની પાસે શબ્દ સમૃદ્ધિ હતી. રજૂઆતમાં નજાકત અને બુલંદી હતી. વિચાર સૌન્દર્ય અને અભિવ્યક્તિનું આભિજાત્ય અકબંધ હતું. એની રચના સૃષ્ટિમાં પ્રણયરંગી નજાકત છે. વ્યથા અને પીડાના નિર્દેશો છે પણ ક્યાંય રોદણાં નથી.

ઈશ્કે – મિજાજથી શરૂ કરેલી સર્જનયાત્રામાં ધીરે ધીરે આ સાધક ઈશ્કે-અનલહક સુધીની યાત્રામાં રમમાણ દેખાય છે. મેહુલ પાસે અભિવ્યક્તિની સરલતા હોવાથી તાજગી, રવાની અને તરન્નુમ આપોઆપ પ્રકટે છે. પોતાની સંવેદનાની વાત કરવામાં એને ભાષા ક્યારેય અંતરાય બની નથી.

‘મેહુલ’ને મેહુલિયો કહીને લોકસાહિત્ય લાડ લડાવે છે. મેહુલ શબ્દ બોલીએ એટલે ભીનાશનો, ધરતીની સોડમનો, મોરના થનગાટનો અને રોમાંચક કેકારવનો અનુભવ તરત જ થાય. મેહુલને વર્ષારાણીની રત બહુ ગમતી. પહેલા વરસાદને એ મનભરીને માણતો એટલે તો ‘વરસાદ’માં રદાફવાળી સરસ ગઝલ આપી છે. ગઝલમાં વિસ્મય છે, પોતીકાપણું છે, ઝળહળ છે. તો પ્રતીવછોયાનું સંભારણું છે. થોડાક શેર માણીએ:

પાંગરે પોતાપણું વરસાદમાં
ઝળહળે છે આંગણું વરસાદમાં
કેટલા કિસ્સા ગણું વરસાદમાં
ખળભળું કે રણઝણું વરસાદમાં
તે દીધું સંભારણું વરસાદમાં
તું જ વરસે છે અવિરત એટલે
પી લીધું બેત્રણ ગણું વરસાદમાં

મેહુલે મોસમનો અદકેરો આનંદ અને પ્રકૃતિનો નિજાનંદ આબાદ રીતે આલેખ્યો છે. સૌન્દર્ય સૃષ્ટિનું હોય કે આકાશી એમના એ રસના વિષયો રહ્યા હતા. જોઈએ એમની કેટલીક રચનાઓ:

એકધારું આજ તો વરસ્યા છે ગુલમ્હોરો અહીં
એકશ્વાસે આજ તો હું પી ગયો છું પણ ઘણું

મોસમની મરઝાદ વછૂટી
લૂંટી, મબલખ મબલખ લૂંટી
રેશમ રેશમ રૂપનું રેશમ
ચાલ ધીરેથી ખણીએ ચૂંટી

આ ઘરમાં ગહક્યા મોર કે ઢેલડ ઢૂકી પણ
એ કોયલ કેરા કહેણ કે ઉમ્મર પાકીજી.

મેહુલને જૂનાગઢ, ગીર, નરસૈંયો અને ગિરનારની ગેબી અહાલેકનું આકર્ષણ હતું. એના રોમેરોમમાં કરતાલ અને એકતારાનો નાદ ગૂંઝતો હતો. નરસિંહના ગિરનારી પ્રભાતિયાની પરજમાં રંગાઈને મેહુલ વારંવાર રાખોડી રંગને યાદ કરે છે. આ છે મેહુલની ગેબી તરસ અને તરજ:

ગઢ જુનાણે લ્હેરતી ગેબી તરજ તે આપણે
ભક્તરાજે ભોરમાં ગાઈ પરજ તે આપણે
તાર સ્વરના સોગઠે રમશું અહર્નિશ આપણે
મીંડના માલિક અને આદિ ખરજ તે આપણે

કરતાલના નશામાં ત્યાગી તમામ દુનિયા
અણદીઠના અંજપે થૈ એકતાર નીકળ્યો

અમે ઓલિયા ભક્ત નરસૈંયા જેવા
જીવ્યા જળકમળવત્ મર્યા મુક્ત રાહે
અમે ઓગળીને અકિંચન થયા પણ,
અમે શબ્દે શબ્દે મરમ લઈને આવ્યા.

આજ ગિરનારી ગઝલ ગાવા દીયો
સાંભળો પડઘે પડી તે લાગણી
ધૂળ ડમરી ગીર સાસણ આ ડણક
ને કસુંબલ આંખડી તે લાગણી
સોરઠી દુહાથી દાઝી બહુ અને
આજ દિ’ સુધી રડી તે લાગણી

પ્રેમદીવાની કે નરસૈંયાને જે મીડા મળી
વારસામાં લઈને એ વ્યાધિને નીકળ્યો વેચવા

ગઝલમાં મિલન અને વિરહ બન્નેની વાત થતી હોય છે. મોટેભાગે વિરહની વ્યથા ઘૂંટાયા કરે છે. મેહુલની કવિ તરીકેની, પ્રેમી તરીકેની, વ્યક્તિ તરીકે પોતીકી પીડા હતી. એમણે ક્યારેક તારસ્વરે તો ક્યારેક વિષાદના સ્વરે શબ્દોમાં ઉતારી છે. ગઝલમાં આમ હતાશા – નિરાશા, અવહેલના, બેવફાઈ પરંપરાગત આવે છે. મેહુલની બળકટ વાણીમાં આ વિષાદ વધારે ઘેરો બને છે:
માઝમ રાતે ટહુકાઓની વચ્ચે મારાં વલખાં
સરવર તીરે સૂના અંજપા ઘટ ભીતર હું ધોળું
દિશ દિશામાં અવરુધન ને દવ લાગ્યો ડુંગરીયે
વ્યથા વાંઝણી અઢળક થઈ છે પહેરીને ઘરચોળું

હાડ હેમાળે ગાળ્યાનું દુ:ખ નથી
પણ તમે ના પીગળ્યાનું દુ:ખ છે
વલ્કલે ઢાંકી સતીની આબરુ
સભ્યતા રઝળી પડ્યાનું દુ:ખ છે

ઓ પ્રવાસી આવી એકલતા કદી સાલી નથી
હું દીવાલે લિટીઓ દોરી, નિસાસાઓ ગણું છું

બારસાખે મોરલા દોર્યા પછી
કેટલા કોરા અષાઢો તે ગણું?

સ્મરણ કરવાના બહાનાં પણ હવે ક્યાંથી
મળે મેહુલ
નથી ખંડેરરૂપે પણ ચણેલી ભીંતના ચિન્હો


રખે કોઈ આવે રખે કોઈ ના’વે
અમારે તો આઠે પ્રહર છે પ્રતીક્ષા
અમે તો અનાદિના યાચકને પાછા
પ્રણય નામનો એક ધરમ લઈને આવ્યા

લોકબોલીના તળપદા શબ્દો, કડવા-મીઠા અનુભવો થકી આ કવિએ પુષ્પના પડને કોતર્યું છે. ગોરીના કમખે તડકાને ગૂંથ્યો છે. અક્ષરોના વળાંકમાં મોરને ગહેકાવીને મહેલ વિસ્તર્યો છે ધરાથી ગગન સુધી.

એમનું સર્જન પરંપરા તરફી રહ્યું છે પણ કહેવાની કલા, ભાષા, લઢણ અને રંગ પરંપરાગત નથી. તબક્કાવાર બદલાવ સર્જન પ્રતિભાની સજાગતાનું દ્યોતક છે, અને એનો તો મહિમા છે. મેહુલ કહે છે કે મેં હંમેશા કરુણને આસ્વાદ્યો છે અને એમાંથી ઊર્ધ્વીકરણની ક્ષણ પ્રાપ્ત કરી છે. મને સમ્યક્ દર્શનમાં સુખ મળ્યું છે. આ સર્જનોએ અહ્મને ઓગાળી નાખે એવી પારદર્શક દૃષ્ટિ આપી છે. માઝમરાતે એકાંતના ઓચ્છવમાં આંખના ખૂણે ઝામેલા અશ્રુબુંદને આંગળીના ટેરવે ઝીલી ફરી આંખમાં આંજી દીધું છે. ચાલોછેલ્લે માણીએ એકાંતનો આ ઓચ્છવ:

ગિરનારી ધૂણી તો આંજી છે આંખમાને…
ગોરંભે ગોરખની ટૂંક…
જીવે છે ત્યાં જ હજી અમરોના ઓરતા
ને ત્યાં જ ક્યાંક ગૂંજે છે ગૂંજ

ગહન કૈક પીધું અતલ તાગતાં
અને એક ગેબી તરસ ઉઘડે
નિજાન્દ સાચો નિજાનન્દ અંગે
નિજાન્દ છલકાય ભગવા અભંગે
બધા રંગ લોપાય ત્યારે જ આવી
મને ગેરુઓ વ્હાલથી આવી રંગે
અઢી અક્ષરોથી અજાણ્યો નથી હું
ઉછાળું છું મુજને અગમના ઉછંગે

તમે સબૂણી, દીધા રાગ રંગ કલશોરી
ગમી ગમીને ગમ્યો રાખનો જ રંગ મને

છેલ્લે એક સુંદર મુક્તક:
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે?
જે માની ગોદમાં છે, એ હિમાલયમાં નથી હોતી.

આપણ વાંચો : સર્જકના સથવારે ઃ ગઝલનો ભેખધારી પ્રતિભાવંત શાયર રતિલાલ ‘અનિલ’ નથી એક માનવી પાસે બીજો માનવી પહોંચ્યો ‘અનિલ’ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button