ઉત્સવ

કવર સ્ટોરી : રશિયા-ભારત કરાર… મોદીનો ટ્રમ્પને તમાચો

  • વિજય વ્યાસ

અમેરિકાના ટ્રમ્પની ટૅરિફને લઈને વારંવાર આપણને ધમકી-ચીમકીની વચ્ચે રશિયાના પ્રમુખ પુતિનની આ માત્ર 27 કલાક્ની ભારતયાત્રા ઘણી રીતે સૂચક અને સમયસરની છે, કારણ કે આ દરમિયાન થયેલાં 16 જેટલાં અતિ મહત્ત્વના કરારના કારણે બંને દેશ વચ્ચેનો વ્યાપાર 100 અબજ ડોલરનો આંક વટાવી જશે…! એટલું જ નહીં, આપણે ટ્રમ્પને એ પણ સાનમાં સમજાવી દીધું કે અમે કોઈના પણ દબાણથી ડરતા નથી!

કુડનકુલમ પ્લાન્ટ

પ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરમાં ભારતની યાત્રા પૂરી થઈ. એક રીતે આને એક ઐતિહાસિક યાત્રા કહી શકાય, કારણ કે ગણતરીના એ 27 કલાકની ભારત યાત્રા દરમિયાન અનેક સૂચક નિણર્યો કરાર થયા.

એક તરફ પુતિને ભારતની ઉર્જા જરૂરિયાતોમાં કોઈ વિઘ્ન નહીં આવે તેની ખાતરી આપી તો બીજી તરફ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-રશિયા વચ્ચેનો વ્યાપાર ઝડપથી 100 અબજ ડોલરને આંબી જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પુતિનની ખાતરીનો મતલબ એ થાય કે, અમેરિકા ગમે તે ચીમકી આપે –

ધમકીઓ આપે પણ ભારતને ક્રુડ ઓઈલ આપવાનું રશિયા બંધ નહીં કરે. એટલું જ નહીં , ભારતના પરમાણુ ઉર્જા પ્લાન્ટ્સ માટે યુરેનિયમ આપવાનું પણ ચાલુ રાખશે.

ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારોમાં એક મહત્ત્વનો કરાર રશિયામાં યુરિયા પ્લાન્ટની સ્થાપનાનો છે. ભારતીય કંપનીઓએ રશિયાની યુરલકેમ (URALCHEM)) સાથે યુરિયા પ્લાન્ટની સ્થાપના માટે કરાર કર્યો છે. ભારતમાં ખેતી માટે યુરિયા બહુ મહત્ત્વનું છે અને તેની અછત વર્તાયા કરે છે. આ કરારના કારણે તેમાં ઘટાડો થશે ને ભારતીય ખેતીને ફાયદો થશે. યુરિયા બીજી પણ ઘણી ઈન્ડસ્ટ્રીમાં વપરાય છે તેથી ભારતીય ઉદ્યોગ જગત માટે આ કરાર મહત્વનો છે. ભારતની વીજળીની જરૂરિયાતને સંતોષવા માટે પુતિને નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સ અને ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ બનાવી આપવા પણ ઓફર કરી છે. આ દિશામાં બંને દેશ આગળ વધશે તો ભારતની શિકલ જ બદલાઈ જશે.

આ ઉપરાંત બીજા ઘણાં ક્ષેત્રોમાં સહકાર વધારવા બંને દેશ સહમત થયા છે. વ્યાપાર માટેના સ્ટ્રેટેજિક રૂટથી માંડીને સાંસ્કૃતિક બાબતો સુધીના મુદ્દે બંને દેશો સહકાર વધારવા સહમત થયા છે. દક્ષિણ ધ્રુવ, અવકાશ સંશોધનમાં ભારતને મદદ કરવા રશિયા તૈયાર છે. ધ્રુવીય જળ પરિવહન માટે તાલીમ આપવાના પણ એમઓયુ થયા છે તેથી આ સેક્ટરમાં સહકાર વધશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર

((INSTC), ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક દરિયાઈ માર્ગ અને ઉત્તરીય સમુદ્ર માર્ગને મજબૂત બનાવવા પણ બંને દેશ સહમત થયા છે તેનો પણ ભારતને ફાયદો મળશે. બંને દેશના સંબંધોને મજબૂત બનાવવા માટે સરળ વિઝા પ્રક્રિયા, ઈ-વિઝા, સંયુક્ત ફિલ્મ પ્રોજેક્ટ્સ અને સાંસ્કૃતિક ઉત્સવો યોજવા પણ મોદી-પુતિન સંમત થયા છે એ પણ મહત્ત્વની વાત છે.

ભારત અને રશિયા વચ્ચે ફાઈટર જેટ અને સબમરીન માટેના કરાર થશે એવી અપેક્ષા હતી. મીડિયામાં તો ભારત રશિયા પાસેથી 200 કરોડ ડોલરમાં સબમરીન્સ ખરીદશે એવા સમાચાર પણ આવી ગયા હતા, પણ સરકારે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. એ વાત ખોટી હોય તો પણ મોદી – પુતિન વચ્ચે સંરક્ષણમાં સહયોગ વધારવા માટે તો સંમતિ સધાઈ જ છે તેથી આજે નહીં તો કાલે, રશિયાનાં શસ્ત્ર-સરંજામ ભારતને મળશે એ નક્કી છે.

આવાં બધા મળીને થયેલાં 16 જેટલાં કરારના કારણે બંને દેશો વચ્ચેનો વ્યાપાર વધશે અને તેના કારણે બંનેને ફાયદો થશે. ભારત-રશિયા વચ્ચેનો વ્યાપાર નાણાકીય વર્ષ 2024-25માં 68.7 અબજ ડોલર પર પહોંચ્યો હતો. ભારત-રશિયા 2030 સુધીમાં આ વ્યાપાર 100 અબજ ડોલર પર લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યાં છે. જોકે વડા પ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી કે, 2030 પહેલાં જ બંને દેશો વચ્ચેનો વ્યાપાર 100 અબજ ડોલરનો આંક વટાવી જશે …!

અહીં મહત્તવની વાત એ છે કે, 100 અબજ ડોલરના વ્યાપારમાં ભારતનો હિસ્સો વધશે. 2024-25માં થયેલા 68.7 અબજ ડોલરના વ્યાપારમાં ભારતીય નિકાસ માત્ર 4.9 અબજ હતી જ્યારે રશિયાથી આયાત 63.8 અબજ ડોલર હતી.

રશિયાની ભારતમાં નિકાસ વધારે છે કેમ કે ભારત હવે તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાત મુખ્યત્વે રશિયા પાસેથી મેળવે છે. ક્રૂડ તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપરાંત સૂર્યમુખી તેલ, ખાતરો, કોકિંગ કોલસો અને કિંમતી પથ્થરો/ધાતુઓ પણ રશિયાથી ભારત આવે છે જ્યારે ભારતથી મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો, લોખંડ અને સ્ટીલ અને દરિયાઈ ઉત્પાદનો રશિયા જાય છે. ભારત સાથેના સંબધો ગાઢ બનાવવા માટે રશિયા ભારત પાસેથી વધારે માલ લેવા સંમત થયું છે તેથી ભારતને આર્થિક રીતે મોટો ફાયદો થશે.

આ બધા વચ્ચે ભારત અને રશિયા વચ્ચેનો વધતો આર્થિક સહકાર ભારતની વિદેશી નીતિના સંદર્ભમાં પણ મહત્વનો છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તેમણે અમેરિકા તરફ ઢળવાનું વલણ અપનાવેલું. તેમાં પણ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી તો ભારતની વિદેશી નીતિ અમેરિકા તરફી જ થઈ ગયેલી. મોદીને મસકા મારવા ટ્રમ્પે પોતાના ‘ડિયર ફ્રેન્ડ ’ ગણાવ્યા પછી ને મોદીજીએ પણ સામે ‘વાટકી વ્યવહાર’ રૂપે ટ્રમ્પને ફ્રેન્ડ ગણાવતા, પણ તેના કારણે ભારતનું કશું ભલું ના થયું.

ટ્રમ્પ પહેલી ઈનિંગમાં 4 વર્ષ પછી ઘરભેગા થઈ ગયા એ પહેલાં તેમણે ભારતની બરાબર મેથી મારી લીધેલી ને બાકી રહી ગયેલી કસર હવે ‘ટૅરિફ પર ટૅરિફ’ ફટકારીને પૂરી કરી રહ્યા છે. ભારતના માલ પર ટ્રમ્પે 25 ટકા ટૅરિફ લાદ્યા છે અને રશિયા સાથે ભારત વ્યાપાર કરે તો વધારાના 25 ટકા ટૅરિફ લાદવાનું એલાન કર્યું છે. ટ્રમ્પ ટૅરિફની તલવારથી મોદીને ડરાવવા નિકળ્યા છે પણ મોદીએ રશિયા સાથે આર્થિક સંબંધો મજબૂત બનાવવાનું એલાન કરીને ટ્રમ્પને કસીને તમાચો મારી દીધો છે. ટ્રમ્પની તલવાર હાથમાં જ રહી ગઈ ને મોદીએ ઝાપટ મારી દઈને સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત કોઈનું આંગળિયાત નથી ને કોઈની ધમકી કે દબાણ હેઠળ નિર્ણયો લેતું નથી કે પોતાની નીતિ નક્કી કરતું નથી…!

આમ ભારતે લાંબા ગાળે અમેરિકાની ઐસીતૈસી કરવાનો આવો મર્દાના મિજાજ બતાવ્યો છે એ ઘટના મહત્ત્વની છે. ભૂરાંટા થયેલા ટ્રમ્પ તેના જવાબમાં કંઈક અટકચાળું કરી શકે છે , પણ ભારતને તેની પરવા નથી. ઈન્દિરાજીના સમયથી રશિયા સાથેની દોસ્તી હંમેશાં ભારતને ફળી છે એ જોતાં મોદી સાચી દિશામાં જ છે.

કુડનકુલમ પ્લાન્ટ માટે પુતિનની ખાતરી એ સૌથી મોટો ફાયદો…

ભારત અને રશિયા વચ્ચેની સમજૂતીમાં સૌથી મહત્ત્વની બાબત ભારતના સૌથી મોટા પરમાણુ ઊર્જા પ્લાન્ટ કુડનકુલમ અંગે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આપેલી ખાતરી છે. પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન એલાન કર્યું કે, તમિલનાડુના કુડનકુલમમાં ભારતનો સૌથી મોટો પરમાણુ ઉર્જા પ્લાન્ટ તેની સંપૂર્ણ ક્ષમતાએ કામ કરતો થશે તેની રશિયા ખાતરી આપે છે. રશિયા કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટને સંપૂર્ણ કાર્યરત કરવા બંધાયેલું છે.

તમિલનાડુમાં આવેલા આ પરમાણુ પ્લાન્ટના છ રિએક્ટરમાંથી બે પહેલાંથી જ કાર્યરત છે અને બીજાં ચાર રિએક્ટરનું કામકાજ ચાલી રહ્યું છે. એ પરમાણુ પ્લાન્ટમાં છ VVER -1000 રિએક્ટર હશે કે જેની કુલ ક્ષમતા 6,000 મેગાવોટ હશે. પહેલાં બે રિએક્ટર 2013 અને 2016માં પાવર ગ્રીડ સાથે જોડી દેવાયાં છે તેથી તેમાંથી વીજળી મળે છે, પણ બાકીના ચારનું કામકાજ છેલ્લાં 10 વર્ષથી ચાલે છે. રશિયા આ પરમાણુ પ્લાન્ટને યુરેનિયમ પૂરું પાડે છે.

પુતિને પોતે પોતાના વચન વિશે ગંભીર છે એ સાબિત કરવા ત્રીજા રિએક્ટર માટે ફ્યુઅલ એસેમ્બલિંગ પણ તાત્કાલિક મોકલી આપ્યું હતું.

રશિયાના સરકારી ન્યુક્લિયર કોર્પોરેશન રોસાટોમે તેના નોવોસિબિર્સ્ક કેમિકલ કોન્સન્ટ્રેટ્સ પ્લાન્ટમાં બનાવેલું ફ્યુઅલ એસેમ્બલિંગ કાર્ગો ફ્લાઇટમાં ભારતને મોકલી આપતાં ત્રીજું રિએક્ટર બહુ જલદી કામ કરતું થઈ જશે. ભારત અત્યારે વીજળીમાં લગભગ સ્વાવલંબી દેશ છે તેથી પરમાણુ ઊર્જાનું ઉત્પાદન વધતાં કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટાડીને પર્યાવરણને બચાવી શકશે.

આપણ વાંચો:  વ્યંગ: ગણપતે ડૉક્ટર રાઠોડ પાસે આ શું માગ્યું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button