બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ બદલાવને પારખીને એનો ગુણાકાર કરો… | મુંબઈ સમાચાર

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ બદલાવને પારખીને એનો ગુણાકાર કરો…

સમીર જોશી

ગયા અઠવાડિયે એક જાણીતી ટીવી ચેનલની સિનિયર ટીમ સાથે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમિયાન પૂછવામાં આવ્યું: ‘આજની તારીખે અમારી સ્પર્ધા કોની સાથે છે તે કહી શકો?’ આપણે સહજ ભાવે ધારીએ કે બીજી ટીવી ચેનલો અને તેનાથી આગળ OTT ચેનલ્સ, યુટયૂબ વગેરે.

જવાબ મળ્યો બ્રાન્ડ ડેટાના સહારે, જે ટીવી ચેનલ્સ પર ખર્ચ કરતી હતી તે હવે ઓનલાઇન શોપિંગ સાઈટ અને ક્વિક કોમર્સ પર કરે છે. કારણ સરળ છે, આ ચેનલ્સ પોતાના પ્લેટફોર્મ પર એડ કરવાની સામે નિશ્ચિત સેલની ખાતરી આપે છે. આવા સમયે કોઈપણ સમજદાર વ્યક્તિ પોતાનું બજેટ આ પ્લેટફોર્મ પર વધારી દે અને ટીવી પર ઓછુ કરી દે. આજે વાત આવા બદલાવની કરવાની છે, જે આપણે ધારીએ તેના કરતાં અલગ જ અનુભવ કરાવે છે.

સૌપ્રથમ આજે ઇનસાઈટ આધારિત વેચાણની જરૂર છે. પહેલા વેપારીઓ પ્રોડક્ટ વિશેની માહિતી આપી માલ વેચતા હતા. આજે વેબ પર લગભગ બધી માહિતી ઉપલબ્ધ છે તો તમે નવું શું કહેશો જયારે ગ્રાહક માલ ખરીદવા આવશે? આવા સમયે ઇનસાઈટ આધારિત વેચાણનો વિચાર કરવો પડશે. આ ઇન્સાઇટ આધારિત વેચાણ સરળતાથી સમજીએ તો બ્રાન્ડની ખરી તકલીફ શું છે અને તે બ્રાન્ડના ગ્રાહકોની વિશેષ માહિતીઓ મેળવી કઇ રીતે તકલીફનું નિવારણ લાવી શકાય તેની વાતો કરવી.

આને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીયે, જેમકે આજે લોકો પાસે સમય નથી. આ સમસ્યા છે. તેનો ઉકેલ રેડી ટુ ઈટના પેકેટ્સ આવ્યા, માઇક્રોવેવ ઓવન આવ્યા વગેરે. આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રોડક્ટ લાવ્યા. બધા કહી રહ્યા છે કે સમય નથી તો તે મુજબના ઉત્પાદનો બનાવો. હવે એક બ્રાન્ડ આવી, જેણે કન્ઝ્યુમરના ડેટાનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો અને ઇનસાઈટ મેળવી તારણો કાઢ્યા કે સમય નથી તે હકીકત છે, પણ આજે કન્ઝ્યુમર ઘરથી દૂર રહે છે તે પછી અભ્યાસાર્થે હોય કે નોકરી ધંધા માટે.

આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: જાણો છો, તમારો ખરો સ્પર્ધક કોણ છે?

બીજુ એને ખાવાનું બનાવતા મોટે ભાગે નથી આવડતું અથવા બનાવવું નથી ગમતું, પણ હકીકત એ છે કે એને ઘરનું ખાવાનું જોઈએ છે. તો આ કંપનીએ રેડી ટુ ઈટ સાથે સરળતાથી ઈડલી કે મેદુ વડા સીધા તેલમાં નાખી તે જ આકાર અને સ્વાદ મળે તેવાં ઉત્પાદનો લાવ્યા. બસ, કન્ઝ્યુમર ખુશ ને માલ વેચાવા લાગ્યો. આમ તમે કઇ રીતે ડેટાનો ઉપયોગ કરી ઇનસાઈટ મેળવો છો જેના દ્વારા કન્ઝ્યુમરને જે જોઈએ છે, તે જાણે છે પણ તે કહી નથી શકતો તેવી વાતો એના જીવનમાં લાવો… આ છે ઇનસાઈટ આધારિત વેચાણ.

બીજો બદલાવ એટલે સ્ક્રીન-ટીવીની સ્ક્રીન નહિં પણ મોબાઈલની સ્ક્રીન. આજે આ સ્ક્રીને ટીવીને પાછળ ધકેલી દીધી છે આથી આપણે આને ધ્યાનમાં રાખી વેબસાઈટ, કોમ્યૂનિકેશન બનાવવા પડશે. લોકો મોટા એપિસોડ નહિં પણ નાના વીડિયોને પ્રાધાન્યતા આપે છે તો તે પ્રમાણે પોકેટ સાઈઝ ક્ધટેન્ટ બનાવવું પડશે.

એ જ રીતે, સેલિબ્રિટીની જગ્યા ઇન્ફ્લ્યુન્સરોએ કે નવી ટર્મિનોલોજી ક્રિએટરે લીધી છે. એ નાનાં શહેરોથી પણ હોઈ શકે અને આનાથી વિશ્વસનીયતા વધે છે. આપણે જોયું હશે કે આજના નામી સેલિબ્રિટીસ પણ નિયમિતપણે રીલ બનાવતા હોય છે. એ બધા જાણે છે કે જો એ આમ નહિં કરે તો આ ક્રિએટરોની હોડમાં ઊભા નહિ રહી શકે. સમય સાથે એ પણ પોતાની ચાલ બદલે છે. તો, આવા માઇક્રો ક્રિએટરો મોટો બદલાવ લાવ્યા છે.

આપણે ઘણીવાર સાંભળ્યુ છે કે આજે તમે જે વેચવા માગો છો તે નહિ, પણ ગ્રાહકને શું જોઈએ છે તે આપવું પડશે. બસ, આજ વાત કન્ટેન્ટ માટે પણ છે, ગ્રાહક્ને જેવું ક્ધટેન્ટ ગમે છે તેવું આપવું. આજે રી-ટાર્ગેટીંગનો જમાનો છે. ટેક્નોલોજીના સહારે તમે જાણી શકો છો કે તમારો ગ્રાહક શું ગોતી રહ્યો છે. આવા સમયે તમારું કન્ટેન્ટ જો એને નજરમાં રાખી અર્થાત પરસોના બેઝડ હશે તો એનું ધ્યાન તરત તે તરફ આકર્ષાશે. આમ સમાન નહિ પણ અલગ અલગ વ્યક્તિને એના મુજબનું કન્ટેન્ટ પિરસવુ.

સૌથી મોટો બદલાવ એટલે AI… કઇ રીતે તેનો ઉપયોગ કરવો તે મહત્ત્વનું છે. તેના માટે શું પ્રોમ્પ્ટ કરવું તે શીખવું પડશે, કારણ જેવું વાવશો તેવું લણશો. માર્કેટિંગમાં આપણે SEO (સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન) ની ટર્મિનોલોજીથી વાકેફ છીએ. આજે SEO માં મારું સ્થાન પહેલા પેજ પર છે તે જેટલું મહત્ત્વનું છે તેનાથી વધુ મહત્ત્વનું છે કે મારી બ્રાન્ડ AI સર્ચમાં આવે. આજે આપણે જયારે સર્ચ કરતા હશું ત્યારે ગૂગલ પોતાની રીતે બીજી વેબસાઇટની પહેલા માહિતી આપે છે તે AI આધારિત હોય છે અને ત્યાં મારું સ્થાન હોવું જોઈએ.

આવા તો ઘણા બદલાવો આપણે જોઈ શકીયે જે આજે વ્યવસાય માટે નવી વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છે. આ બદલાવનો ફાયદો તે છે કે, આનો ફાયદો ફક્ત મોટી બ્રાન્ડને જ થાય છે અથવા મોટા વેપારીઓને થાય છે તે નથી. કોઈ પણ વેપારી અથવા બ્રાન્ડ જે આને સમજી તરત અમલમાં મૂકે એ નવા બદલાવનો ગુણાકાર કરી અગ્રસર બનવાની હોડમાં સામેલ થઇ જાય છે.

આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : જેનું પ્રદર્શન મૂલ્ય વધુ એ ઉત્પાદનની કિંમત વધારે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button