સર્જકના સથવારે : સંનિષ્ઠ પત્રકાર ને ગઝલકાર કુતુબ ‘આઝાદ’

-રમેશ પુરોહિત
ગુજરાતી ગઝલની વિશેષતા એ છે કે એ ફક્ત નગર કે મહાનગરમાં ફૂલીફાલી નથી પણ નાનાં નાનાં શહેરોમાં, નગરોમાં અને ગ્રામ વિસ્તારોમાં પણ પોતાના મજબૂત મૂળિયાં નાખીને ઘટાટોપ બની છે. પછી એ જામનગર, ભાવનગર, જૂનાગઢ, માંગરોળ, પાજોદ ધ્રોળ, મોરબી, સુરેન્દ્રનગર, રાંદેર, સૂરત, ભરૂચ, વટવા વગેરે નગરોમાં વિસ્તરી ગઈ. મુશાયરાઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ વખતે આ બધાં શહેરો બહુ જ નાનાં હતાં. અત્યારના એક પરાવિસ્તાર જેટલા પણ નહીં. આવી રીતે અમરેલી જિલ્લાના બગસરામાં કુતુબ આઝાદ નામના શાયરે જીવાતા જીવનની આબેહૂબ તસ્વીર સમી ગઝલો લખી. ગઝલવેદો પાંચથી છ દાયકા સુધી કાર્યરત રહ્યા.
ગુજરાતના મૂર્ધન્ય ગઝલકાર મરીઝ પછી આવે છે જનાબ કુતુબ આઝાદ. જેમનું પ્રદાન ખૂબ બહોળું છે. બગસરામાં થાણું. વ્યવસાય શિક્ષણથી લઈને પત્રકારિતા. એમનું ‘તમન્ના’ નામનું સામયિક બસગરા જેવા નાના નગરમાંથી વર્ષોથી એકધારું પ્રકટ થઈ રહ્યું છે. અત્યારે એમના પુત્ર અને શાયર તુરાબ હમદમ ‘તમન્ના’ સંભાળે છે. કુતુબભાઈ જીવનના વિશ્ર્વ વિદ્યાલયમાં દરેક ક્ષેત્રે ઘડાઈને જ્ઞાનપુત થયા હતા. એ કવિ, પત્રકાર, શિક્ષણવિદ્, સમાજસેવક અને ઘણા નવોદિત ગઝલકારોના માર્ગદર્શક હતા. જીવનના અંતરંગ અનુભવોનું ભાથું હતું.
લોકોને નિકટતાથી જોયા હતા એટલે એમની રચનાઓમાં સચ્ચાઈનો રણકો છે. છ એક ગઝલસંગ્રહો આપ્યા છે. પ્રથમ ગઝલ-નઝમ-મુક્તક સંગ્રહ ‘આગ અને બાગ’ પ્રકટ થયો. કવિ બરકત વીરાણી ‘બેફામ’ કહે છે: એમણે (કુતુબ આઝાદ) પદ્યના પદાર્થમાં પોતાના મન અને હૃદયના સુવાસ અને ઉજાસ આપ્યા છે. શબ્દ અને અર્થની સંપત્તિ અને સમૃદ્ધિનું ગુજરાતને સમર્પણ કર્યું છે. ગઝલ ક્યારે મળે? કુતુબભાઈનો જવાબ યાદ રાખવા જેવો છે:
તુજને નિહાળવાની યુગ-જૂની ઝંખનાઓ
આંખોમાં ઝળહળે છે, ત્યારે ગઝલ મળે છે.
એમની 1976માં ‘કુમાર’માં પ્રકટ થયેલ ગઝલોમાં શ્રેષ્ઠ ગઝલ તરીકે પુરસ્કૃત થયેલી ગઝલનો ‘મત્લો છે:
ભ્રમરના સંગમાં રંગે નથી થાતાં સુમન કાળાં
ગિરિની શ્યામ છાયાથી કદી ના થાય વન કાળાં
પરંપરાના જમાનામાં પોતાની ગઝલોને બિબાંઢાળથી બચાવીને કુતુબ આઝાદે ગઝલના વિશિષ્ટ ભાવ ઉપરાંત ખુવારી, ખુમારી, સ્નેહ, સમર્પણ, શ્રમ, દેશદાઝ, સંગઠન, સંઘબળ, એકતા, માનવપ્રેમ વગેરે લાગણીઓ રમતી કરી. મહત્ત્વની વાત એ છે કે એમણે કલ્પનાની કલાને જીવનની કલા બનાવી. એમની ભાષાશુદ્ધિ અને માવજત ધ્યાન ખેંચે છે જેમ કે
અભિનય થાય છે જાણે અજાણ્યે વિશ્વ તખ્તા પર,
જીવન-નાટક છે રોજિંદું ને પડદા રોજ બદલે છે
શમ્મા તો એકની એક જ બળે છે રાત વેળાએ
સમર્પણ પ્રાણ કરવાને પતંગા રોજ બદલે છે.
આ પણ વાંચો…સર્જકના સથવારે : શબ્દ બ્રહ્મના સાચા સાધક શ્યામ સાધુ
આમ તો ચારે તરફ દીવાલ પથ્થરની હતી
પણ વાત જે ફૂટી ગઈ એ વાત ઘરની હતી
ભણકાર આગમનના સતત એમ આવશે
હમણાં જ જાણે દ્વાર પર કોઈ ખટખટાવશે
આવી હવાઓ લઈ જશે ગુલશનથી દૂર દૂર
ફૂલો સુવાસ ક્યાં સુધી દિલમાં છુપાવશે
કેવા પ્રણયના પંથે અનુભવ થતા હતા
નિદ્રામાં હું હતો ને દરદ જાગતાં હતાં
મનમાં ઓછું લાવીએ શી વાતનું?
જિંદગી છે નામ ઝંઝાવાતનું.
જિંદગીની વ્યથા અને વિષમતા એમને નાની વયથી અનુભવવી પડી. પરંતુ આ વિકટ માર્ગમાંથી વિચલિત થયા વગર એમને કરતા ઝાળ કરોળિયાની જેમ દર વખતે સખ્ત પરિશ્રમથી અને આવડતથી રસ્તો કાઢ્યો. દુ:ખ દર્દને હાવી થવા ન દીધા એટલે એમના જીવનમાં કે કવનમાં ક્યાંય કડવાશ નથી. એમણે હંમેશાં જીવનદર્શી રહીને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને એક સફળ કેળવણીકાર બની રહ્યા.
સામાજિક ક્ષેત્રો પણ એમનો ધર્મ અને મર્મ માનવતાલક્ષી જ રહ્યો તેથી કોઈ ભેદભાવ વગરએમને અત્ર, તત્ર અને સર્વત્ર માનપાન મળતા રહ્યા. સમાજની વિષમ પરિસ્થિતિમાં એમનું કાળજું કંપી ઉઠે છે. એમની સામાજિક નિસ્બતમાં સર્વજન હિતાયની ભાવના ભળી છે એટલે એ કહે છે:
સાચા સંબંધ હો તો કાયમ નભી જવાના
પાખંડ પર રચેલા મહેલો ઢળી જવાના
ઈશ્ર્વરની આંખ આજે શોધી રહી છે માણસ
સોગંધ કોઈ તો લો માણસ થઈ જવાના
ગઝલના તગઝૂઝૂલના રંગને એમણે સુપેરે ગાયો છે અને તસવ્વુફના સૂફી રંગને ફકીરોની અદાથી નિજમાં સમાવ્યો છે. વિરહના અનેક પ્રકારના ધૂપછાંવની લીલીસુકીના રંગમાંથી એ પસાર થાય છે અને રોદણાં રોયા વગર તારસ્વરે વિરહને ઘૂંટ્યો છે. મિલનના અને વિરહના, રંગના અને ભગવા રંગના કેટલાક શેરો જોઈએ:
આ પણ વાંચો…સર્જકના સથવારે : ગઝલના સ્વયં પ્રકાશિત સિતારા હરકિસન જોશી
એ ઘડીઓ મિલનની ઘડીઓ હતી
પ્રેમ ઉત્સવ હતો ને ખુશીઓ હતી
મારો પાલવ છલોછલ હતો પ્રેમથી
તારા પાલવમાં પણ લાગણીઓ હતી
હા, ગુલાબી ગુલાબી એ મોસમ હતી
રંગ ભીની હતી રાત માઝમ હતી
હર્ષ અશ્રુ ટપકતાં હતા આંખથી
ફૂલ ગાલો ઉપર જાણે શબનમ હતી.
એ હતા પ્રાણ પ્યારા મિલનના દિવસ
યાદ આવે છે તારા મિલનના દિવસ
ખીલી’તી વસંતો તમારાજ પગલે
તમે વહી ગયા ને હવે પાનખર છે
ગુજરાતના અગ્રગણ્ય ગઝલકાર અમૃત ઘાયલ સાહેને નોંધ્યું છે કે ‘બહુમુખી પ્રતિભા શક્તિ ધરાવતા તમન્ના તંત્રી કુતુબ આઝાદ મારા જૂના મિત્ર છે. કુતુબ આઝાદ પૂરા ચાર દાયકાથી પત્રકારત્વ અને ગુજરાતી ગઝલ સાહિત્યની ખંતથી સેવા કરી રહ્યા છે કુતુબ આઝાદના સમર્પણ અને નમ્રતા ઉપરના નીચેના બે અશઆર આપણી દૃષ્ટિ સમક્ષ સમર્પણ અને નમ્રતાની જીવંત મૂર્તિ સાકાર થાય છે:
સમર્પણ એજ ઊંચાઈ ઉપર જાવાનું સાધન છે
નદીને જાત ન્યોછાવાર કરી સાગર થવાનું છે
શીખી લો નમ્રતાના પાઠ કોઈ વૃક્ષ પાસેથી
ફળે ત્યારે નથી નાનપ અનુભવતાં નમન કરતાં
આ પણ વાંચો…સર્જકના સથવારે : અલખને ઓટલે અઠીંગો જમાવીને બેઠેલો શાયર ‘મેહુલ’…