બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : રક્ષાબંધનના અવસરે તમારી બ્રાન્ડની સુરક્ષા કરો…

- સમીર જોશી
ગઈકાલે ભારતભરમાં અને જ્યાં પણ ભારતીયો છે ત્યાં પવિત્ર રક્ષાબંધનનો ઉત્સવ ઉજવાઈ ગયો. ભાઈ – બહેનનો નિસ્વાર્થ પ્રેમ, સ્ત્રી તરફ જોવાની પવિત્ર દૃષ્ટિ અને રક્ષા માટેની બાંયધરી આપતો આ ઉત્સવ આ સંબંધને વધુ ગાઢ બનાવે છે. સમય સમયે મુશ્કેલીઓના પ્રકાર બદલાતા જાય અને તે પ્રમાણે એની રક્ષા કરવાના વિવિધ આયામ પણ ગોતવા પડે. આજની તારીખે જો ભાઈ તેમ કહે કે કંઈપણ થાય તારું ભરણ પોષણ આખી જિંદગી હું કરીશ કે તને કોઈપણ આર્થિક મુશ્કેલી નહિં આવવા દઉં તો બહેન કહેશે આના માટે હું સક્ષમ છું.
બહેન કહેશે કે જો તારે મારી રક્ષા જ કરવી હોય તો મને અને મારા વિચારોને બાંધ નહિં, મને જીવનમાં આગળ વધવામાં મદદ કર અને તેમાં આવતા અવરોધ સામે મારી સાથે રહે…
સમય સાથે સંબંધ અને વેપારના આયામ પણ બદલાયા છે- સ્પર્ધાઓ વધી રહી છે આવા સમયે બ્રાન્ડને પણ રક્ષાની જરૂર છે, જેથી તેને આગળ વધવામાં આસાની રહે. આની જરૂરત ત્યારે વર્તાય છે જયારે તમારી બ્રાન્ડ સફળ થાય છે અને લોકો તેની નકલ કરવા માંડે છે. આથી પહેલેથી તકેદારી લેવી અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો પાણી પહેલા પાળ બાંધવી.
હવે પ્રશ્ન થશે કે બ્રાન્ડની પણ કઈ રક્ષા થતી હશે? હા, જે કિંમતી હોય તેની સુરક્ષા જરૂરી છે. બ્રાન્ડ કિંમતી છે અને આથી તેની સુરક્ષા થવી જોઈએ.
સૌપ્રથમ કાયદેસર રીતે તમારા બ્રાન્ડનાં નામ, ઉત્પાદનનાં નામ, ક્ધટેન્ટ, કોઈ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી, પેટેન્ટ જેવી બ્રાન્ડને લગતી વળગતી વાતોને યોગ્ય કોપીરાઇટ અને ટ્રેડમાર્ક્સ દ્વારા સુરક્ષિત કરો. આમ કરવાથી સ્પર્ધક તમારી બ્રાન્ડને લગતી વળગતી વાતો પર પોતાની હોવાનો દાવો નહિં કરી શકે.
આજ રીતે આપણે જાણીયે છીએ કે આપણે ફક્ત એક જ ડોમેનનો ઉપયોગ કરી શકીયે છીએ વેબસાઈટ માટે. આવા સમયે તમારા બ્રાન્ડેડ ડોમેનના બીજા વર્ઝન, જેમ કે,com .org .in .net ખરીદી તમારી પાસે રાખી મૂકો. આનાં બે કારણ છે એક, બીજું કોઈ પણ આમાંથી એક વર્ઝન લઇ પોતાનો માલ તમારા નામે વેચવા લાગશે અને બીજું, કોઈ આમાંથી એક વર્ઝન ખરીદી તમને ભવિષ્યમાં ઊંચા ભાવે વેચશે. આથી પહેલેથી બધા વર્ઝન ખરીદી લો. આ ઉપરાંત બધા સંબંધિત સોશ્યલ મીડિયા હેન્ડલ્સ, સર્ચ એન્જિન પર કીવર્ડ્સને પણ આ રીતે સુરક્ષિત કરો.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ બદલાવને પારખીને એનો ગુણાકાર કરો…
આ તો થઇ કાયદેસર કઈ રીતે બ્રાન્ડને સુરક્ષિત કરી શકાય તેની પદ્ધતિ. બ્રાન્ડને વ્યૂહાત્મક રીતે સુરક્ષિત કરવાની રીત અથવા કઈ રીતે તેની માલિકીનો દાવો કરી શકીયે તે જોઈએ.
બ્રાન્ડનું નામ અને લોગો એવા રાખો જેની નકલ કરવી મુશ્કેલ હોય. જયારે નામ અને લોગો બનાવો કે તરત તેની માહિતી માર્કેટમાં અને ક્ધઝ્યુમરની સમક્ષ એડ કેમ્પેઇન દ્વારા આપો. આનાથી તમારી માલિકી તમે સિદ્ધ કરી શકો.
આ ઉપરાંત જયારે તમે લોગો બનાવી તૈયાર છો ત્યારે બ્રાન્ડની ગાઇડલાઇન બનાવો, જેને બ્રાન્ડ મેન્યુઅલ પણ કહે છે. આ બ્રાન્ડને સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રદાન કરે છે. આમાં બ્રાન્ડના કલર, લોગોની સાઈઝ, લોગોનું પ્લેસમેન્ટ વગેરે બાબતનો સમાવેશ થાય છે. આના સહારે બ્રાન્ડનું કોમ્યૂનિકેશન બને છે જેને જોતા લોકોને ખબર પડે છે કે આ જે-તે બ્રાન્ડનું કોમ્યૂનિકેશન છે. તમારી બ્રાન્ડ જો રિટેલમાં છે તો તેના સ્ટોર પણ સમાન દેખાવ અને ડિઝાઇન વાળા હશે. તમારો જો મેસકોટ હશે તો તે પણ અમુક રીતે ડિસ્પ્લે થશે.
આપણી સ્મક્ષ આનું ઉત્તમ ઉદાહરણ એટલે, ‘શોપર્સ સ્ટોપ’ના કેમ્પેઇન, જે તમને હંમેશાં બ્લેક અને વાઇટમાં જોવા મળશે. આથી જો તમે લોગો પણ નહિ જોવો તો તમે જાણી જશો કે કઈ બ્રાન્ડનું આ કેમ્પેઇન છે. આમ બ્રાન્ડ મેન્યુઅલ અને ગાઈડલાઈન દ્વારા પણ તમે બ્રાન્ડને સમાનતા પ્રદાન કરી સુરક્ષિત કરી શકો છો, જેથી કોઈ તેની નકલ ના કરે.
આથી આગળ, બ્રાન્ડનું પોઝિશનિંગ જેના પર આપણે વારંવાર ભાર આપીયે છીએ. પોઝિશનિંગ તમને અલગતા તો આપશે પણ સુરક્ષા પણ આપશે. આનું કારણ, કોઈ પણ બીજી બ્રાન્ડ વપરાઈ ગયેલું પોઝિશનિંગ નહિં વાપરે, કારણ કે એ તેને નુકસાનકર્તા હશે. આથી બ્રાન્ડનું પોઝિશનિંગ જયારે નિશ્ર્ચિત કરો ત્યારે તેને સતત ઉપયોગમાં લઇ તેની પણ માલિકીનો દાવો કરી લો, જેથી લોકો તેનો ઉપયોગ ના કરી શકે.
પોઝિશનિંગના સહારે તમારી ટેગલાઈન બને છે, તેને પણ જોઈએ તો રજિસ્ટર કરી તેને તમારી એસેટ બનાવો.
બ્રાન્ડની સુરક્ષા શા માટે જરૂરી છે? તમારી બ્રાન્ડ સ્પર્ધાત્મક બજારમાં તમારી ઓળખ, મૂલ્યો અને પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી બ્રાન્ડનું રક્ષણ કરીને, તમે ગ્રાહકોમાં વિશ્વાસ અને ઓળખ સ્થાપિત કરો છો, રિપીટ પરચેઝને- પુન : વેચાણને પ્રોત્સાહન આપો છો. વધુમાં, બ્રાન્ડની સુરક્ષા ગેરકાયદે ઉપયોગને અટકાવે છે, જેથી તમારું સેલ ટકી રહે અને તમારા ક્ધઝ્યુમર તમારી સાથે રહે.
તમારી બ્રાન્ડની વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે અને સૌથી મહત્ત્વનું તમને સ્પર્ધકોથી અલગ પાડે છે. આખરે બ્રાન્ડની સુરક્ષા તમારા વેપારના પાયાને મજબૂત બનાવે છે- વેપારની વૃદ્ધિને વેગ આપે છે, ગ્રાહકનો વિશ્વાસ અકબંધ રાખે છે અને સૌથી મહત્ત્વનું આજની તારીખે ઈ-કોમર્સની ગતિશીલ દુનિયામાં લાંબા ગાળાની સફળતાને સક્ષમ બનાવે છે.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : પોઝિશનિંગ પેપર પર છે કે અમલમાં?