ઉત્સવ

પ્રિયંકા આવી રહી છે…

રાજકારણ અને ચૂંટણીપ્રચારની ખાસ્સી અનુભવી પ્રિયંકા ગાંધી-વાડ્રા હવે પહેલી વાર ચૂંટણીજંગમાં ઝુકાવી રહી છે. આકર્ષક વ્યક્તિત્વ અને આક્રમકતા ધરાવતી પ્રિયંકા પોતાના ભાઈ રાહુલના સંગાથે દેશના રાજકારણનો પ્રવાહ પલટાવી શકશે ખરી? 

કવર સ્ટોરી -વિજય વ્યાસ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે સાથે દેશમાં વિધાનસભા અને લોકસભાની કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ થવાની છે. આ બેઠકોમાં એક કેરળની વાયનાડ લોકસભા બેઠક પણ છે. દેશમાં લોકોને લોકસભાની બીજી કઈ કઈ પેટાચૂંટણી થવાની છે એ ખબર પણ નથી, પણ વાયનાડ લોકસભા બેઠકની બધે ચર્ચા છે, કેમ કે વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી-વાડ્રા ચૂંટણી લડી રહ્યાં છે. કૉંગ્રેસનાં નેતા પ્રિયંકાએ વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પણ નોંધાવી દીધી છે.

| Also Read: ગામ પોતે પ્રકાશમાન થયું ને રાજ્યને વીજળી વેચે છે

વાયનાડ પરથી થોડા મહિના પહેલાં પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધી જીત્યા હતા. રાહુલ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ એમ બે બેઠક પર ચૂંટણી જીત્યા હતા, પણ કાયદા પ્રમાણે રાહુલ એક જ બેઠક પરથી લોકસભાના સભ્ય રહી શકે તેથી એક બેઠક ખાલી કરવી પડે. રાહુલે યુપીની રાયબરેલી બેઠક જાળવીને કેરળની વાયનાડ લોકસભા બેઠક ખાલી કરી દીધી હતી. રાહુલે ખાલી કરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી-વાડ્રા ચૂંટણી લડશે એવો નિર્ણય પણ કૉંગ્રેસે લઈ લીધેલો. વાયનાડ બેઠકની પેટાચૂંટણીની તારીખની જાહેરાતની રાહ જોવાતી હતી. ચૂંટણી પંચે એ ઔપચારિકતા પણ પૂરી કરતાં હવે પ્રિયંકા સત્તાવાર રીતે મેદાનમાં આવી ગયાં છે.

દેશભરની નજર વાયનાડ બેઠક પર છે કેમ કે પ્રિયંકા પહેલી વાર ચૂંટણી લડી રહ્યાં છે. પ્રિયંકાએ સમજી વિચારીને મેદાનમાં ઊતરવાનું નક્કી કર્યું છે તેથી પ્રથમ ગ્રાસે મક્ષિકા થવાની શક્યતા ઓછી છે ને પ્રિયંકાના લોકસભામાં પ્રવેશનો તખ્તો લગભગ તૈયાર છે. પ્રિયંકા ૨૦૧૯માં ચૂંટણી લડશે એવું મનાતું હતું પણ પ્રિયંકાએ ચૂંટણીના મેદાનમાં નહીં ઊતરવાનું નક્કી કરી નાખેલું. સોનિયા ગાંધી ૨૦૨૩માં રાજસ્થાનમાંથી રાજ્યસભામાં સભ્ય બન્યાં ત્યારે એમણે રાયબરેલી લોકસભા બેઠક ખાલી કરી હતી.

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પ્રિયંકા માતા સોનિયા ગાંધીએ ખાલી કરેલી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે એવી અટકળો ચાલી હતી, પણ કૉંગ્રેસે રાહુલને રાયબરેલીમાંથી ઉતારવાનું નક્કી કરતાં પ્રિયંકાએ ચૂંટણી જંગમાં ઊતરવાના બદલે ભાઈ રાહુલને મદદરૂપ થવા કૉંગ્રેસનો પ્રચાર કરવાનું પસંદ કર્યું તેથી પ્રિયંકા ફરી ચૂંટણી નહોતાં લડ્યાં. પ્રિયંકાના સદનસીબે રાહુલ બંને બેઠક પરથી જીતતાં પ્રિયંકા માટે વાયનાડ પરથી લડવાનો રસ્તો સાફ થઈ ગયો.

પ્રિયંકા સામે ભાજપે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યાં છે, જેમને બહુ લોકો ઓળખતાં નથી. કેરળમાં ડાબેરી મોરચાની સરકાર હોવા છતાં રાહુલ સળંગ બે વાર વાયનાડમાંથી જીત્યા છે અને અત્યારે તો ડાબેરી મોરચો પણ કૉંગ્રેસની તરફેણમાં છે તેથી પ્રિયંકાની જીત સરળ મનાય છે. કેરળમાં કૉંગ્રેસ મજબૂત છે. આ કારણે ૨૦૨૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ બેઠક પર ચાર લાખથી વધારે મતે જીત્યા હતા. તેના પરથી જ પ્રિયંકા માટે વાયનાડમાંથી જીતવું બહુ સરળ છે એવી ધારણા છે.

| Also Read: ફોકસ ઃ રિલ્સ ને વીડિયો બનાવવા માટે પાળેલાં પ્રાણીઓ સાથે વધી રહી છે ક્રૂરતા….

પ્રિયંકા લોકસભાનાં સભ્ય બનશે તો કૉંગ્રેસની સ્થિતિ મજબૂત બનશે તેમાં શંકા નથી. પ્રિયંકા પાસે કરિશ્મા છે અને આકર્ષક વ્યક્તિત્વ છે. બોલવાની આગવી છટા છે અને ઘણાં એની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરે છે. પ્રિયંકાએ જો કે ઈન્દિરા જેવો જબરદસ્ત કરિશ્મા અને મુત્સદીગીરી પોતાની પાસે હોવાનું હજુ સાબિત કર્યું નથી, પણ પ્રિયંકા આકર્ષક વ્યક્તિત્વ અને આક્રમકતા ધરાવે છે તેમાં બેમત નથી. કૉંગ્રેસમાં અને ખાનગીમાં શાસક પક્ષના પણ ઘણાં લોકો માને છે કે પ્રિયંકા પાસે લોકોને આકર્ષવાની ક્ષમતા રાહુલ ગાંધી કરતાં વધારે છે. આ વાત સાથે સંમત ના થઈએ તો પણ પ્રિયંકા અસહ્ય નથી એ સ્વીકારવું પડે.

પ્રિયંકા લાંબા સમયથી સક્રિય રાજકારણમાં છે. માત્ર ૧૭ વર્ષની વયે એણે પિતા રાજીવ માટે સર્વપ્રથમ અને પછી મમ્મી સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ માટે ઉપરાંત પોતાના પક્ષના અન્ય ઉમેદવારો માટે પણ વરસોથી ચૂંટણી પ્રચાર કરે છે. સોનિયા-રાહુલ બંનેના મતવિસ્તારોમાં લોકોને મળીને જનસંપર્ક કરવાનું કામ પણ કરે છે તેથી લોકો સાથે એમનો સીધો સંપર્ક છે. ચૂંટણી સભાઓમાં પણ આક્રમક ભાષામાં અને અસરકારક મુદ્દાઓ ઉઠાવીને વાત કરે છે. પ્રિયંકા ૨૦૧૯થી સત્તાવાર રીતે કૉંગ્રેસનાં  મહામંત્રી છે તેથી રાજકારણ સાથે લાંબા સમયથી સીધાં સંકળાયેલાં પણ છે. લોકસભા ને વિધાનસભાની ચૂંટણીઓમાં  લગભગ ૩૫ વર્ષથી ચૂંટણી પ્રચાર સાથે સંકલાયેલાં પ્રિયંકાની લોકસભામાં એન્ટ્રીથી કૉંગ્રેસમાં જોમ આવશે તેમાં શંકા નથી. પ્રિયંકા સારાં વક્તા છે, લડાયક છે અને આક્રમક છે.     

રાહુલ અત્યારે એકલા હાથે ભાજપને હંફાવી રહ્યા છે ને પ્રિયંકાનો સાથ મળશે તો રાહુલ-પ્રિયંકાની ભાઈ-બહેનની જોડી લોકસભામાં ભાજપને જોરદાર ટક્કર આપશે તેમાં શંકા નથી. કૉંગ્રેસ વધારે અસરકારક રીતે મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવી શકશે. પ્રિયંકા વાયનાડમાંથી લોકસભાની ચૂંટણી જીતશે તો લોકસભામાંથી સાંસદ બનનારાં નહેરૂ-ગાંધી ખાનદાનના પાંચમાં મહિલા હશે. આ પહેલાં નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી વિજયાલક્ષ્મી પંડિત, ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને મેનકા ગાંધી એમ ૪ મહિલા લોકસભામાં પહોંચી છે.

| Also Read: મિજાજ મસ્તી ઃ પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ… ઈશ્કના વહાલા વિચાર

જવાહરલાલ નહેરૂનાં મોટાં બહેન વિજયાલક્ષ્મી પંડિત નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી લોકસભાનાં સભ્ય બનનારાં પહેલાં મહિલા હતાં. નહેરૂ-ગાંધી ખાનદાનમાં સૌથી લાંબો સમય લોકસભાનાં સભ્ય તરીકે સોનિયા ગાંધી રહ્યાં છે. સોનિયા કદી લોકસભાની ચૂંટણી હાર્યાં નથી. મમ્મી સોનિયાની જેમ જ પ્રિયંકા લાંબી ઈનિંગ રમશે અને ભારતીય રાજકારણનો પ્રવાહ પલટાવશે એવું પ્રિયંકાના ચાહકો-ટેકેદારોનું માનવું છે.   

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button