સર્જકના સથવારે : ફૂલના રંગોમાં ગુલશનની કહાની કહેતા શાયર નૂર પોરબંદરી

- રમેશ પુરોહિત
હામ બાકી છે જીવી જવાની ઘણી
મારા દિલમાં હજી દર્દ સચવાય છે
ચલ મન શબદને વેપાર’ મેઘાણી શબ્દ-વ્યવસાયની વાટ ચીંધે છે. પોતાના અંતરતમ ચેતન વિના શબ્દોના ચેતનને કોણ પામી શકશે? શબ્દકોશમાં રહેલાં શબ્દો કોલસો છે. કવિ તેને પોતાની અંતરની ભઠ્ઠીમાં અંગાર કરી મૂકે છે. એટલે તો વેદ કહે છે:પાવકા ન: સરસ્વતી’ – સરસ્વતી અમને પાવન કરો! અરબીમાં એક કહેવત છે: કવિઓ તો પાયા છે, જેના પર પ્રભુ પોતાના મહાલય રચે છે.’ આમ જે કવિ એક એક શબ્દનો મહિમા પિછાણે છે, તેને માટે, અને તેના મારફત ચેતનના કાંગરા ચણાય છે. આવા એક બહુ ઓછા જાણીતા શાયરનૂર’ પોરબંદરીની ગઝલસૃષ્ટિ પાસે જઈએ અને એમના સાચા શબ્દોને જાણીએ.
એમનું આખું નામ નૂરમોહંમદ અબ્દુલ રહેમાન અયબાની. પોરબંદરના બેરાવાળા નામના અતિસમૃદ્ધ વેપારી કુટુંબ સાથે સંબંધ ધરાવતા નૂર’ નાનપણથી જ શબ્દોના ચેતનને પામી ગયા હતા. એ કુટુંબનો વ્યવસાય પથ્થરનો, વહાણવટાનો અને અનાજનો, પણનૂર’નો જીવ એમાં લાગ્યો નહીં. વીસમી સદીના પાંચમાં દાયકામાં લખાતી ગુજરાતી ગઝલો વાંચીને-સાંભળીને એનામાં પણ ગઝલ કહેવાની અદમ્ય ઈચ્છા જાગી કે પોતે પણ કંઈક આવું લખે. પોરબંદરમાં એ વખતના ગઝલકારો પાસેથી ગુરુમંત્ર લઈને આગળ વધ્યા. એમણે ક્યારેય આગળ આવવાનો પ્રયત્ન ન કર્યો, એમ પાછળ પણ ન રહ્યા – એ સ્થિરતાથી પોતાના સ્થાને અડગ રહીને લખ્યા કર્યા જેના પરિપાકરૂપે સરભરા’ નામના ગઝલસંગ્રહથી પોતાનું આસન જમાવ્યું છે. ભાઈ નૂરની પહેલી ગઝલ 1945માં રાંદરેના માસિક પત્રકારવા’માં પ્રગટ થઈ અને 1946માં મુંબઈના સાપ્તાહિક પત્ર `બે ઘડી મોજ’માં એમણે મુક્તકો મોકલ્યા ત્યારે શયદા સાહેબે આખું પાનું આપીને પાંખડીઓ એવા શીર્ષકથી મુક્તકો પ્રગટ કર્યા. એ પાંખડીઓએ ભાઈ નૂરને એવું પ્રોત્સાહન આપ્યું કે એમણે પછી તો પાંખડીમાંથી ફૂલ અને ફૂલમાંથી બગીચાનું સર્જન કર્યું. ચાલો એ ઉદ્યાનની મહેક ફેલાવતા ફૂલોને માણીએ:
જ્યારે હવા ચમનની ગમી ગઈ’તી એમને
ત્યારે હું આસપાસ હતો, કોણ માનશે?
- *
હાલ જીવનનો પૂછો, જોઈ લો મારી ગઝલ
ફૂલના રંગોમાં ગુલશનની કહાની હોય છે
- *
ચમનમાં ફૂલ મારા પગલે ના વેરાય તો સારું
મને મારાજ ઘરમાં સરભરા માફક નહીં આવે.
- *
એ જરૂરી નથી પાલવમાં ચમન આખું હો
કોઈ એકાદ સુમન હો તો ગઝલ થઈ જાયે.
- *
પાલવમાં કંટકો છે અમારા, ભલે રહ્યા
ક્નિતુ તમારા માર્ગમાં ફૂલો બિછાવશું.
- *
એકાદ એની વેણીમાં ગૂંથી શક્યો નહીં
મારા ચમનમાં ફૂલ વિવિધ રંગના હતાં
- *
જીવનમાં એટલે જ ખિલાવ્યાં હતા સુમન
મૃત્યુ પછી મઝારની શોભા બની શકે.
આપણાં અગ્રગણ્ય શાયર શૂન્ય પાલનપુરીએ સરભરા' ગઝલ સંગ્રહની પ્રસ્તાવનમાં કહ્યું છે કે
સરભરા’ એટલે સાદગીના આંગણે, સ્વયં લખીને, પ્રકાશ રેલવનારી શમાની કદરદાનીનો અણમોલ અવસર.’ જનાબ નૂર પોરબંદરીના જીવન-કવનથી સંપૂર્ણપણે વાકેફ છું. પ્રસિદ્ધિના મોહ વિના એમણે ગઝલની કરેલી મૂક સાધના મારા મન પર અમીટ છાપ મૂકી ગઈ છે. ગઝલમાં એમણે ગાયું છે એ એમની જીવનશૈલીનો આબેહૂબ ચિતાર છે, એમ કહીએ કે ગઝલના શેરો એમના જીવનનું પ્રતિબિંબ છે. ગઝલ એક કાવ્ય પ્રકાર છે, જેમાં જિંદગી પ્રેમની પરિભાષામાં પોતાના મનોભાવો, પોતાની વેદનાઓ, ખુશીઓ વગેરે આડંબર રહિત શૈલીમાં વ્યક્ત કરતી રહે છે. આ સાદગી ગઝલનો પ્રાણ છે. ગઝલમાં બુદ્ધિની વેવલાઈને કોઈ સ્થાન નથી. એમાં તો ઊર્મિની ભાવ ગૂંથણી જ હોઈ શકે. સાવ સરળ ભાષામાં હાડ સોંસરી નીકળી જાય એવી લાગણીની અભિવ્યક્તિ એજ ગઝલની અસલિયત.
નૂર વ્યવસાયે પત્રકાર હતા. ધાર્યુ હોત તો પોતાનું ઘણું છપાવી શક્યા હોત પણ એ હંમેશાં પ્રસિદ્ધિથી દૂર રહ્યા અને બીજાઓને બિરદાવતા રહ્યા. પોતાની સંગ્રહ પણ પ્રકાશિત ના કર્યો. મરણોત્તર પ્રકાશન થયું એ ખૂબ જ સંતોષની ઘટના છે. શૂન્યભાઈએ નૂરના વિવિધ પાસાંઓની છણાવટ કરતાં નોંધ્યું છે કે: `ગઝલની આ સરળતા અને વેધકતા માત્ર એ લોકોને જ નસીબ થઈ શકે જેમનું જીવન સાવ સાદું હોય પણ વિચારો બહુ ઊંચા હોય. જનાબ નૂર પોરબંદરી આ વિષયમાં બહુ ભાગ્યશાળી છે. એમના જીવનની સાદગી પર સાચી ગઝલ ફિદા ગઈ છે:
નજર બનીને સમાયા છો એની આંખોમાં
હવે તમારા ઉપર નૂર કોઈ ઘાત નથી
નૂરનો દિવાન એટલે એમની જીવન-કથાના વેધક પ્રસંગો. એમણે બધું જ ખુલ્લે દિલે કહી નાંખ્યું છે:
જિંદગી મારી છે કંગાળના પહેરણ જેવી
એના પાલવમાં કોઈ ચીજનો ચમકાર નથી
આવા ચોખ્ખું કહ્યા પછી એ બીજાના જીવનનું મૂલ્યાંકન કરનારને ઈશારો કરવાનું ચુક્તા નથી જેમ કે:
દુ:ખમાં ના માપો કોઈને
રાતે રંગો ના પરખાય!
નૂરની વ્યથા અને વેદના મહાસાગરમાં તરતી હિમશિલાઓ જેવી છેતરામણી છે. સપાટી પર માત્ર હોય દેખાય પણ ભીતર માઈલો સુધી પથરાયેલાં હિમનો ડુંગર હોય જેમ કે:
તમને હું નૂર હસીને મળ્યો હતો
મારા જીવનમાં સુખની એ અંતિમ ઘડી હતી.
- *
અંતે કાંઠે આવીને નાવ ડૂબી ગઈ
બુદબુદાથી નાવ ટકરાઈ હતી.
અહીં બુદબુદા સાથે નાવની ટક્કર ઘણું કહી જાય છે. એનું વિવરણ જૂજ શબ્દોમાં શક્ય નથી. નૂર જીવનમાં બીજાની લાગણીઓનો પણ ખ્યાલ રાખે છે:
ગમતું નથી કે કોઈની આશાનું ખૂન હો
જીવનનું ચિત્ર દોર્યું છે રંગો ભર્યા વિના
નૂર કંગાળતા પહેરણ શબ્દનો ઉપયોગ કરીને જીવન દશાને છુપાવતા નથી. તો બીજીબાજુ સાંકેતિક ભાષાનો પણ કલામય ઉપયોગ કરી લે છે:
આવી વિષમ દશાનું નિવારણ કહો કોઈ
ફૂલોની ગોદમાં મને શબનમનો ત્રાસ છે.
- *
મીટ માંડી સુખના સૂરજને નિહાળી ના શક્યો
આંખ જ્યાં મારી ખુલી આકાશ કાળુંમસ હતું.
શૂન્યભાઈએ બહુ સરસ વાત કરી છે કે ઘણાં ફૂલો એકલા એકલા ખિલે છે. એને કોઈ જોતું નથી: MANY A flower are born to blush unseen. ભાઈ નૂર આ વાતને બીજા રૂપકમાં રજૂ કરે છે:
એવા સિતારા પણ આ ગગનમાં અસંખ્ય છે
ચમકીને ડૂબી જાય છે, આંખે ચડ્યા વિના
આ શાયર સ્વયંના તેજે તપતા હતા અને એ ખુમારીમાં જીવતા હતા. કોઈની ક્યારેય મોહતાજી કરી ન હતી એટલે કહે છે કે-
નથી અંધકારમાં મેં માર્ગ શોધ્યો પારકા તેજે
ગઝલમાં `નૂર’ છું ને જિંદગીમાં ખુદ પ્રકાશિત છું
નૂરનો એવો આગ્રહ હતો `કોઈ મારી ઓળખાણથી મારી ગઝલોનો પરિચય મેળવે એ કરતાં મારી ગઝલો દ્વારા મને ઓળખે એ મને ગમે.’ એમની ગઝલો જ એમનો પરિચય છે. શેરોની મોતન માળ સજાવેલી છે ચાલો આપણે તેના પ્રકાશમાં ઝળહળિએ:
હામ બાકી છે જીવી જવાની ઘણી
મારા દિલમાં હજી દર્દ સચવાય છે
- *
નિશ્ચિત જગા જીવનમાં મળી જ્યારે એમને નૂર
બેસી શક્યા ના એટલા થાકી ગયા હતા.
- *
બહુ સાવધાનીથી પગલાં ભરું છું
મને જિંદગી થોડી ભારે પડી છે
- *
નૂરને મગ્ન રહેવા દો એકાંતમાં
મેદની વચ્ચે જઈ એકલા થઈ જશે
- *
દશા મારી સમજી શકો તેવી સમજો
હસીને કહું છું – ખુદાની દયા છે
- *
નૂર ચણતર કરે છે જીવનનું
તારા આપેલા જખ્મ ખડકે છે.
- *
હમણાં અમારી રીતે આ જીવન વિતાવશું
સુખ જેવું કંઈ થશે પછી તમને જણાવશું
- *
જીવનની હકીકત પૂછ નહીં વ્યાપક છે જીવનમાં એકલતા
હું નૂર થઈને અંધારી રાતોના
સહારે જીવું છું
- *
અંતે જ્યાં થાકીને બેસી જઈશ
એ તો કેવળ નૂર મારું ઘર હશે.
આપણ વાંચો: આજે આટલું જ : શું વાંકમાં કોઈ જ નથી?