સુખનો પાસવર્ડ : આવી પરીક્ષા તો આવે ને જાય….

-આશુ પટેલ
કર્ણાટકના બગલકોટની બસવેશ્વર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થી અભિષેક ચોલચાગુડાએ એસએસસીની પરીક્ષા આપી હતી. થોડા દિવસ પહેલાં તેનું પરિણામ આવ્યું અને તે તમામ છ વિષયમાં નાપાસ થયો. તેને કુલ 600 માર્ક્સના છ પેપરમાંથી માત્ર 200 માર્ક્સ મળ્યા એટલે કે તે 32ટકા માર્ક્સ જ મેળવી શક્યો.
આજના સમયમાં સામાન્ય રીતે કોઈ વિદ્યાર્થીનું આટલું ખરાબ પરિણામ આવે તો તે ભાંગી પડે અને તેના માતા-પિતા માટે તો જાણે આભ ફાટી પડ્યું હોય એવી સ્થિતિ સર્જાય, પરંતુ અભિષેકના કિસ્સામાં એવું કશું ન થયું. માતા- પિતાએ એને કહ્યું, :
‘તું એસ.એસ.સી.ની પરીક્ષામાં ફેલ થયો છે જિંદગીની પરીક્ષામાં નહીં. જિંદગીમાં ઘણી પરીક્ષાઓ આવશે એ તારે પાસ કરવાની છે. અને વાત એસ.એસ.સી.ની પરીક્ષાની છે તો એના માટે પણ અમને વિશ્વાસ છે કે તું વધુ મહેનત કરીને એસ.એસ.સી.ની પરીક્ષા પણ ફરી આપીશ અને પાસ થઈશ. તું પાસ નથી થઈ શક્યો કે આટલા ઓછા માર્ક્સ લાવ્યો એ માટે સહેજ પણ નિરાશા અનુભવતો નહીં.’
એક તરફ, અભિષેકના સહાધ્યાયીઓ અને મિત્રોએ એની મજાક ઉડાવી હતી, પરંતુ માતા-પિતા એની સાથે ઢાલ બનીને ઊભા રહ્યા. અભિષેકને ભાંગી પડવાને બદલે ફરી પ્રયાસ કરવાની સલાહ આપી અને એ ફેલ થયો એના માટે ઘરમાં માતમ જેવું વાતાવરણ સર્જવાને બદલે એમણે કેક ખરીદી અને અભિષેકની નિષ્ફળતાની ઉજવણી કરી!
આપણા દેશના તમામ માતા- પિતા આવાં સમજુ હોય તો એસ.એસ.સી. કે એચ.એસ.સી.ની અથવા અન્ય કોઈ પરીક્ષામાં નાપાસ થવાને કારણે અથવા તો નાપાસ થવાના ડરને કારણે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આત્મહત્યા કરી લે એવી ઘટનાઓ બને નહીં.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…
એક વારએક પરિચિતના ઘરે જવાનું થયું ત્યારે એમના લિવિંગ રૂમમાં ટીવી પ્લાસ્ટિકમાં વીંટાળેલું જોઈને મને નવાઈ લાગી હતી. એ પરિચિત અને એમની પત્નીને ટીવી જોવાનો બહુ શોખ હતો. ટીવીને પ્લાસ્ટિકમાં વીંટાળેલું જોઈને મને આશ્ર્ચર્ય થયું. મેં પૂછયું ત્યારે તેમણે ખુલાસો કર્યો કે ‘અમારી દીકરી એસ.એસ.સી.માં આવી છે એટલે અમે હવે ટીવી બંધ જ રાખીએ છીએ! અમે કેબલ કનેક્શન જ કઢાવી નખ્યું છે. એ હવે એચ.એસ.સી.ની પરીક્ષા આપશે પછી જ અમે ઘરમાં ફરી ટીવી ચાલુ કરીશું!’
એ સાંભળીને મને એ કુટુંબની દયા આવી ગઈ. વિદ્યાર્થીઓ ભણતરના ભારને કારણે અને પોતે પરીક્ષામાં નિષ્ફળતા મળશે એવા ખોફને કારણે જીવન ટૂંકાવી લે એવા કેટલાય કિસ્સાઓ આપણા દેશમાં સતત બનતા રહે છે. આપણા દેશમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. એ માટે આપણી શિક્ષણ પદ્ધતિ જેટલી જવાબદાર છે એટલા જ જવાબદાર પેરન્ટ્સ પણ છે.
સંતાનનું બારમું ધોરણ પૂરું ન થાય ત્યાં સુધી માતા-પિતા પોતે ખોફ હેઠળ જીવે અને સંતાનને પણ ખોફ હેઠળ જીવવા મજબૂર કરે એવા કિસ્સાઓ સામાન્ય છે. આ સ્થિતિમાં ઘણા પેરન્ટ્સે ક્યારેક સંતાનના અકાળ મોતને કારણે માથે હાથ મૂકીને રડવાનો વારો આવે છે. એ વખતે કેટલાક પેરન્ટ્સને સમજાય છે કે આપણે જ આપણા સંતાનનો ભોગ લઈ લીધો! પછી જિંદગી આખી પસ્તાવો કરવા સિવાય એ કશું કરી શકતાં નથી. ‘કોટા’ નામના કતલખાનામાં (કોટા શહેરના કોચિંગ ક્લાસીસ માટે આ જ શબ્દપ્રયોગ બરાબર છે) વિદ્યાર્થીઓ અભ્યાસના દબાણને કારણે જીવન ટૂંકાવી લે એવી ઘટનાઓ અવારનવાર બહાર આવતી જ રહે છે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : નાનીનાની વાતે રાજી થવાનું શીખવું જોઈએ…
પરિણામોની ‘મોસમ’ આવે એ પછી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જાણે જીવન હારી ગયા હોય એવા મોઢા લઈને ફરતા જોવા મળશે અને એમનાં માતા-પિતાઓ એવા ચહેરાઓ સાથે ફરતા જોવા મળે છે કે જાણે એમનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય. આવા બેવકૂફ વિદ્યાર્થીઓ અને ઘેટાં જેવા વડીલો પરીક્ષાને જિંદગીથી પણ વધુ મહત્ત્વ આપી દે છે અને જીવનની પરીક્ષામાં આવા પેરન્ટ્સ અને સંતાન સાગમટે નાપાસ થાય છે. માત્ર પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે આપણા દેશમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે.‘નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો’ના આંકડા પ્રમાણે દર વર્ષે 13 હજારથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ આપઘાત કરી લે છે. યાદ રહે, આ માત્ર સત્તાવાર રીતે નોંધાયેલા આંકડાની જ વાત છે!
આવી સ્થિતિમાં માતા-પિતા સમજદાર હોય તો સંતાનને ડિપ્રેશનમાં જતાં કે જીવન ટૂંકાવતાં અટકાવી શકે છે, પણ કડવી વાસ્તવિકતા એ છે કે સંતાનોના અભ્યાસને કારણે માતા કે પિતા ડિપ્રેશનમાં સરી પડે છે અને એમણે સાઇકોલોજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટ પાસે જવું પડે એવા કિસ્સાઓ પણ બનતા રહે છે.
થોડા વર્ષો અગાઉ નાગપુરમાં એક છોકરી ધાર્યા માર્ક્સ ન લાવી શકી એના કારણે એના ઘરમાંથી એક દિવસે ત્રણ અંતિમયાત્રા નીકળી હતી! છોકરીની બોર્ડની પરીક્ષાનું પરિણામ નબળું આવ્યું એટલે માતા એના પર તૂટી પડી. છોકરીના ભાઈએ મમ્મીને બહેન પર ગુસ્સો કરતાં જોઈ. છોકરો નવમા ધોરણમાં ભણતો હતો, પણ તેના પર એસ.એસ.સીની પરીક્ષાનું દબાણ આવી ચૂક્યું હતું. બહેનના પરિણામને કારણે ઘરમાં જે ધમાલ થઈ જોઈને નવમા ધોરણમાં ભણતા છોકરાએ આપઘાત કરી લીધો અને એને કારણે માતાએ પણ આત્મહત્યા કરી લીધી. પોતાના કારણે ભાઈ અને માતાએ જીવન ટૂંકાવી લીધાં એથી વ્યથિત થઈને પેલી છોકરીએ પણ આયખાનો અંત આણી દીધો! બોર્ડની પરીક્ષામાં નબળું પરિણામ આવ્યું એમાં આખું કુટુંબ ખતમ થઈ ગયું!
પેરન્ટસે સંતાનોને દસમા કે બારમા ધોરણની પરીક્ષાઓમાં ઊંચા માર્ક્સ સાથે પાસ થવાનું શીખવવાને બદલે જીવનની પરીક્ષાઓમાં પાસ થવાનું શીખવવું જોઈએ. એવું કરવાથી બાળકો સુખી રહી શકશે અને પેરન્ટસે પણ અકાળે બાળકો ગુમાવવાનું દુ:ખ ભોગવવાનો વારો નહીં આવે!
બિલ ગેટ્સ, જેક મા કે ધીરુભાઈ અંબાણી કે બીજા ઘણા સફળતમ માણસો કોઈ ઊંચી ડિગ્રી વિના જગવિખ્યાત બની શક્યા એ વાત પેરેન્ટ્સ સમજી લે તો એ અજાણે સંતાનના દુશ્મન ન બને.
એસ.એસ.સી.ની કે એચ.એસ.સી.ની પરીક્ષાઓ કોઈ પણ વિદ્યાર્થી માટે મહત્ત્વની ગણાય છે, પણ આવી પરીક્ષાઓ એ જીવનના પર્યાય સમી નથી એ વાત વડીલોએ સમજવી જોઈએ અને પોતાના સંતાનોને ય સમજાવવી જોઈએ. કર્ણાટકના વિદ્યાર્થી અભિષેકના માતા- પિતાએ એ કરી બતાવ્યું છે. એના પરથી દેશના તમામ વડીલોએ પ્રેરણા લેવી જોઈએ.
કોઈ વિદ્યાર્થી એસ.એસ.સી.ની કે એચ.એસ.સી.ની પરીક્ષામાં કે અન્ય કોઈ પરીક્ષામાં નિષ્ફળ સાબિત થાય તો ચાલે, પણ તે જીવનની પરીક્ષામાં નિષ્ફળ ન થવો જોઈએ.