ઉત્સવ

સુખનો પાસવર્ડ : તમે કોઈના માટે ‘સુખનો પાસવર્ડ’ બની શકો છો?

  • આશુ પટેલ

આ વખતે આ કોલમમાં એક ઝેન ગુરુની વાત કરવી છે. આધ્યાત્મિક સામયિક ‘ઋષિ અમૃત’માં આ ઝેન ગુરુની વાત વાંચી એ હૃદયને સ્પર્શી ગઈ એટલે વાચકમિત્રો સાથે શેર કરવાની ઇચ્છા થઈ.

આજના સમયમાં ઘણા લોકોમાં કોઇની પાસેથી કશુંક મેળવી લેવાની કે પડાવી લેવાની વૃત્તિ વધુ જોવા મળે છે ત્યારે કશુંક આપવાની ઇચ્છા જગાવે એવી આ વાત છે. તમે પણ જાણો અને માણો, આ અનોખા ઝેન ગુરુની વાત….

જપાનના આ ગુરુ રોકોન બહુ સાધારણ સહજ જીવન જીવતા હતા. એમણે એક પહાડ પર એક નાનકડી કુટિર બનાવી રાખી હતી. ચેલાઓની કોઈ ભીડ નહીં, કોઈ આશ્રમ નહીં. જો આશ્રમ હોય તો ભીડ હોવાની. ભીડ હોય તો ધન આવે, સામાન આવે, પરંતુ રોકોને એક સાધારણ અજ્ઞાત જીવન જીવવાનું પસંદ કર્યું. પોતાની ભીતરની સહજતામાં એ બહુ શાંત અને મસ્ત જીવન જીવતા રહ્યા.

એક દિવસ સંધ્યાના સમયે રોકોન પોતાની કુટિરની બહાર બેસીને ધ્યાન કરી રહ્યા હતા. એક ચોર પાછળથી નિસરણી મૂકીને એમની કુટિરમાં ઘૂસી ગયો. ચોર ભીતર બધી જગ્યાએ શોધવા માંડ્યો. ત્યાં બહુ વધારે સામાન તો હતો નહીં. જે કંઈ હતું એ ખોલીને જોવા માંડ્યો કે કદાચ કંઈક ઢંગની વસ્તુ મળી જાય.

બહાર થોડી ઠંડી વધવા માંડી હતી તો રોકોન અચાનક ભીતર આવી ગયા. હવે ચોર તો કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વિના અંદર આવ્યો હતો. રોકોને અચાનક જ્યારે ચોરને જોયો તો જોઈને ઊભા રહ્યા. ચોરના મોંમાંથી તો ચીસ નીકળી ગઈ. એ ડરી ગયો. એની વેશભૂષા, એના હાવભાવ, એનું ડરી જવું દર્શાવી રહ્યું હતું કે એ ચોર છે.

રોકોને ચોંકી જઈને ચોરને પૂછ્યું, ‘તું મારા જેવા માણસના ઘરમાં શું કરવા આવ્યો છે? મારા જેવા માણસને ત્યાં તને શું મળશે?’

એમને તો ચોર માટે હમદર્દી થવા માંડી કે આટલી મહેનત કરીને નિસરણી લગાડી એ આવ્યો, પણ મળ્યું શું! રોકોન ચોર પર નારાજ ન થયા. એમણે કહ્યું, ‘તેં અહીં આવીને તારો સમય બરબાદ કર્યો … કોઈક યોગ્ય જગ્યાએ જાત તો કંઈક હાથમાં આવત.’

ચોર આમ તો પહેલેથી જ ડરી ગયો હતો. ઉપરથી રોકોનની આવી વાત સાંભળીને એને લાગ્યું કે ‘હું ક્યાંક કોઈક પાગલના ચક્કરમાં તો નથી પડી ગયોને!’ ચોર વિચારવા માંડ્યો કે ‘અહીંથી કઈ રીતે નીકળું?’ પણ રોકોન દરવાજાની બરાબર વચ્ચોવચ્ચ ઊભા હતા. ચોર તો એક નાનકડી નિસરણી લગાડીને ભીતર આવ્યો હતો, પણ હવે ત્યાંથી તો બહાર નહોતો જઈ શકતો અને રોકોન બહુ સહજતાથી તેની સાથે વાત કરી રહ્યા હતા. એમણે ચોરને પૂછ્યું :

‘હું તો ચા પીવા માટે અંદર આવ્યો હતો. તું પણ ચા પીશ?’

ચોર તો હતપ્રભ થઈને વિચારવા માંડ્યો કે હવે હું આમને કહું તો પણ શું કહું?
રોકોને બહુ આરામથી ચાની કીટલી ચૂલા પર ચડાવી પછી પૂછ્યું, ‘તારું નામ તો કહે. ક્યાંથી આવ્યો છે? આટલી દૂર મહેનત કરીને આવ્યો છે તો હવે શું ખાલી હાથે જઈશ?’

રોકોન તે ચોર સાથે એવી રીતે વાત કરી રહ્યા હતા કે જાણે કોઈ મિત્ર આવ્યો હોય. ચોરને આટલી સભ્ય, આટલા કોમળ સ્વભાવની વ્યક્તિ સાથે હિંસા કરવી ઉચિત ન લાગ્યું. એ ચૂપચાપ ઊભો રહીને સાંભળતો રહ્યો. રોકોને ચોરને ચાની પ્યાલી પકડાવી.
આમ પણ જપાનમાં એવો રિવાજ છે કે તમારા ઘરે ભલે કોઈ અજાણી વ્યક્તિ પણ આવે, કોઈ પણ સમયે આવે, ચા હંમેશાં તૈયાર હોય છે. જપાનમાં ચા ચિન્હ છે ધ્યાનનું. હંમેશાં પ્રત્યેક ઘરમાં કિટલીમાં ગરમ ચા મળે જ છે. ચાનો મતલબ ઊકળતા પાણીમાં લીલી ચાની પત્તીઓ નાખીને થોડી વાર રાખે છે. પછી એને પી જાય છે, ન ગાળવાની જરૂર, ન સાકર, ન દૂધ, કંઈ જ નહીં.

જેમ ઘરમાં હંમેશાં ચાની કીટલી ગરમ રહે છે બસ, બરાબર એ જ રીતે સંતમાં પણ ધ્યાન ઊકળતું રહે છે તેમની વાણીમાં, સ્વભાવમાં અને એમના હાવભાવમાં કરુણા અને પ્રેમ છલકાતાં રહે છે. એવું નહીં કે પોતાનાં મા, બાપ, ભાઈ મળે તો જ પ્રેમ ઊભરાશે. જે બરાબર ધ્યાન કરવા માંડે છે એમની ભીતર પ્રેમ સહજતાથી વહેવા માંડે છે. જ્યાં પ્રેમની અધિકતા છે ત્યાં સામે કોણ છે એ સવાલ જ ઉપસ્થિત નથી થતો.

ગભરાઈ ગયેલો ચોર ભાગી જવાની તૈયારીમાં હતો, પણ રોકોને પોતાના ઘરમાં આવેલા તે અજાણ્યા મહેમાનને ચા પીવડાવી અને કહ્યું, ‘મારું દિલ બહુ દુ:ખી થઈ રહ્યું છે કે તું ખાલી હાથ જશે…? અહીં તો કંઈ છે નહીં, પણ આ જે મેં કોટ પહેર્યો છે એ સારો છે. અરે, કોટ જ શું કામ, આ પાટલૂન પણ સારું છે. પાટલૂન જ શું કામ, આ ખમીસ પહેયુર્ં છે એ પણ સારું છે…..તું આ બધું લઈ જા ! ’ .

રોકોને કોટ ઉતારીને આપી દીધો, પેન્ટ અને ખમીસ ઉતારીને આપી દીધાં. પછી કહે ‘હવે તું જા. રાત થઈ રહી છે. મારી પાસે તને આપવા માટે દીવો નથી. અંધારામાં તને જવામાં તકલીફ થશે. એટલા માટે હવે તું જા.’

આપણ વાંચો:  સર્જકના સથવારે : શબ્દ બ્રહ્મના સાચા સાધક શ્યામ સાધુ

રોકોન બહુ ખુશ થયા કે ચોર બિલકુલ ખાલી હાથે તો ન ગયો. રોકોને બહાર જોયું તો રાત થઈ ગઈ હતી અને પૂર્ણિમાનો ચંદ્રમા પોતાનાં કિરણો વિખેરી રહ્યો હતો. રોકોને ઠંડો નિશ્વાસ મૂક્યો અને પોતાની જાતને કહ્યું, ‘કાશ! ચોરને આ ચાંદ આપી શક્ત. દેવા માટે કંઈ હતું જ નહીં મારી પાસે. મેં એક બેકાર કોટ અને જૂનું પેન્ટ-ખમીસ આપી દીધાં. ચાંદ આપી શકત તો કમસે કમ તેને રસ્તામાં રોશની થઈ જાત. આટલો ખૂબસૂરત ચાંદ તો અહીં જ રહી ગયો!’

એ જપાનીઝ ગુરુ રોકોનની આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. બધા માણસો સંત તો ન બની શકે, પણ દરેક વ્યક્તિ કોઈને કશુંક આપવાની ઇચ્છા મનમાં રાખે તો દુનિયા બદલાઈ જાય. કોઈનું અહિત કરવાની ઇચ્છા ન જાગે એ પણ મોટી વાત છે, પણ આપણે કોઈના માટે સુખના પાસવર્ડ સમા બની શકીએ તો જીવન અર્થસભર બની જાય. આપણે કોઈને સુખ આપી શકીએ એનાથી રૂડું શું હોઈ શકે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button