સુખનો પાસવર્ડ : એક નર્સે કેટલાય દર્દીઓને સુખનો પાસવર્ડ આપ્યો!

- આશુ પટેલ
છેલ્લાં 40 વર્ષ દરમિયાન સેંકડો વ્યક્તિઓના અંતિમ સમયની સાક્ષી બનેલી નર્સ બેલિન્ડા માર્ક્સ પાસેથી આ પ્રેરણા લેવા જેવી છે…
ઇન્ટરનેટ પર ઇંગ્લેન્ડની એક અનોખી નર્સ વિશે વાંચીને વાચકો સાથે તેની વાત શેર કરવાની ઇચ્છા થઈ. જુદાજુદાં માધ્યમોમાંથી તેના વિષે માહિતી એકઠી કરીને વાચકો સમક્ષ મૂકું છું.
ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરની ‘સ્યૂ રાઇડર મેનરલેન્ડસ હોસ્પાઇસ’ (હૉસ્પિટલ)માં નર્સ તરીકે ફરજ બજાવતી 62 વર્ષીય બેલિન્ડા માર્ક્સનું કામ મૃત્યુ પામી રહેલા લોકોને મદદ કરવાનું છે. તેણે સેંકડો વ્યક્તિઓને શાંતિપૂર્ણ રીતે અને ગરિમા સાથે મૃત્યુ સુધી પહોંચવામાં મદદ કરી છે.
બેલિન્ડા સાડા ચાર દાયકા અગાઉ નર્સ બની હતી તેણે ગાયનેકોલોજી અને ડિસ્ટ્રિક્ટ નર્સિંગમાં કામ કર્યું. એ પછી તે એડવાન્સ્ડ ક્લિનિકલ પ્રેક્ટિશનર બની હતી. છેલ્લાં 40 વર્ષ દરમિયાન તે સેંકડો વ્યક્તિઓના અંતિમ સમયની સાક્ષી બની છે. તે લોકોને તેમના અંતિમ સમયમાં તેમની ઈચ્છાઓ અનુસાર દુનિયામાંથી વિદાય લેવા માટે મદદરૂપ બને છે. મનોરોગી દર્દીઓને અથવા તો ડિમેન્શિયાને કારણે (એટલે કે ભૂલી જવાની બીમારીને કારણે) એકલા પડી ગયેલા દર્દીઓને મદદ કરવાનું કામ પણ બેલિન્ડા કરે છે. તેમના જીવનનો અંતિમ સમય તો બહુ ખરાબ હોય છે. એટલે તે તેમની વધુ કાળજી લે છે.
બેલિન્ડાની ફરજ લોકોને મૃત્યુ અગાઉ મદદરૂપ બનવાની છે. તે લોકોને મૃત્યુ માટે માનસિક રીતે તૈયાર કરે છે તે તેમની સાથે તેમને ગમતી વાતો કરે છે અને સાથેસાથે તે જીવનનું સત્ય પણ સમજાવે છે કે અહીંથી જવાનું છે એ નિશ્ર્ચિત છે. તે તેમને કહે છે કે ‘મૃત્યુ નિશ્ર્ચિત જ છે તો એ અગાઉ તમે તમને ગમતી પ્રવૃત્તિ કરીને જાઓ અથવા ગમતાં વાતાવરણમાં પૃથ્વી પરથી વિદાય લો.’
બેલિન્ડા કહે છે કે ‘હું ક્યારેય કોઈને કોઈ વાત ભારપૂર્વક કહેતી નથી. કેટલાક એવા દર્દીઓ હોય છે જે હૉસ્પિટલમાં મૃત્યુ પામવા ઈચ્છે છે તો કેટલાક દર્દીઓ એવી ઇચ્છા વ્યક્ત કરતા હોય છે કે અમારે અમારા ઘરે મરવું છે. જેનું મૃત્યુ નજીક હોય એવી વ્યક્તિની સાથે બેલિન્ડા તે વ્યક્તિના કુટુંબના સભ્યો સાથે પણ હળીમળી જાય છે. દર્દી અને તેમના કુટુંબના સભ્યો વચ્ચે અંતર થઈ ગયું હોય તો એ ઓછું કરવાની તે કોશિશ કરે છે.
બેલિન્ડા કહે છે કે ‘નર્સનું કામ માત્ર ઇન્જેક્શન કે દવા આપવાનું જ નથી હોતું, પરંતુ દર્દીઓને બધી રીતે સંભાળવાનું હોય છે. તેની સૌથી અગત્યની ફરજ દર્દીઓની લાગણીઓ સમજીને તેની સંભાળ લેવાની છે.’
બેલિન્ડા જેની સંભાળ લઈ રહી હતી એવા એક વૃદ્ધ દર્દીના ત્રણ દીકરા હતા, પરંતુ એ દરરોજ ઝઘડતા હતા કે ‘પિતાની વધુ જવાબદારી કોણે લેવી જોઈએ, કોણે પિતાજી સાથે રહેવું જોઈએ.’ તે વૃદ્ધ દર્દીએ એક વાર ભીની આંખે બેલિન્ડા સાથે વાત કરી. તેણે કહ્યું, ‘મારે હૉસ્પિટલમાં નથી મરવું. મારા ઘરમાં – મારા બેડરૂમમાં જ મારી અંતિમ ક્ષણો પસાર કરવી છે…’
બેલિન્ડાએ એક સાંજે તે વૃદ્ધ દર્દીના કુટુંબના બધા જ સભ્યોને ભેગા કર્યા અને તેમને કહ્યું કે ‘તમારા પિતાની ઈચ્છા હૉસ્પિટલમાં નહીં, પરંતુ ઘરમાં અંતિમ ક્ષણો પસાર કરવાની છે.’ પરિવારના સભ્યોને પહેલા તો આંચકો લાગ્યો.
એ લોકો પિતાને ઘરે લઈ જવા ઇચ્છતા નહોતા, પરંતુ પછી તે બધા એ વાતે સહમત થયા. બેલિન્ડાને કારણે તે વૃદ્ધ દર્દીને અંતિમ ક્ષણે પોતાની પ્રિય જગ્યા એટલે કે પોતાના ઘરમાં પોતાના બેડરૂમમાં અંતિમ ક્ષણો પસાર કરવાની તક મળી. તેમને પોતાની પ્રિય જગ્યામાં શાંતિપૂર્વક મૃત્યુ પામતા જોઈને તેના દીકરાઓ રડી પડ્યા. તેમણે કહ્યું, ‘અમે અમારા પિતાને માન ન આપી શક્યા, પરંતુ તમે અમારા પિતાને સાચું સમ્માન આપ્યું અને અપાવ્યું.’
બેલિન્ડા કહે છે કે ‘દર્દી જો પથારી પર લાચાર બનીને, અસહાય બનીને પડ્યો હોય તો પણ તે માત્ર શરીર નથી. તે હજી પણ જીવંત મનુષ્ય છે. તેની પણ ઈચ્છાઓ છે, ભાવનાઓ છે તેનું પણ સ્વાભિમાન છે.’ મૃત્યુ તરફ ધકેલાઇ રહેલા એવા દર્દીઓની ઈચ્છાઓ અને ભાવનાઓનો આદર કરીને તેમનું સ્વાભિમાન જળવાય એ રીતે તેમના છેલ્લાં દિવસો પસાર થાય એ માટે બેલિન્ડા કોશિશ કરે છે બેલિન્ડા તેના દર્દીઓના શરીરને સ્વચ્છ રાખવા માટે કાર્યરત રહે છે. તે તેમને મનપસંદ કપડાં પહેરાવે છે. દર્દીઓ ઈચ્છે તો તેમનું પ્રિય હોય એવું સંગીત પણ સંભળાવે છે. તે કહે છે કે ‘મૃત્યુની નજીક હોય એવા દર્દીઓને ગમતું સંગીત સાંભળવા મળે, પરિવારના સભ્યો સાથે રહેવાની તક મળે તો તેનામાં ઉત્સાહનો સંચાર થાય છે. આવી નાની-નાની લાગતી વાત દર્દી માટે અંતિમ ક્ષણોમાં અણમોલ બની જાય છે.’
બેલિન્ડાની એક 52 વર્ષીય પેશન્ટને ફેફસાનું કેન્સર થયું હતું. લીલી નામની તે સ્ત્રીનું કેન્સર છેલ્લાં સ્ટેજમાં હતું. લીલી દવાઓ અને સારવારથી થાકી ગઈ હતી. એક દિવસ તેણે બેલિન્ડાને કહ્યું, ‘હવે મારું શરીર દવાઓથી જ જીવી રહ્યું છે. મારું મન તો પહેલેથી જ થાકી ગયું છે. મારી ઇચ્છા છે કે હું મૃત્યુ પામું ત્યારે મારી દીકરી મારી બાજુમાં હોય.’
બેલિન્ડાએ લીલીની ઇચ્છા વિશે તેની દીકરીને કહ્યું અને તેને સમજાવી કે ‘તારે તારી માતાને ખુશ કરીને વિદાય આપવી જોઈએ.’
લીલીની દીકરીએ પોતાની મમ્મીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘મમ્મી તું ડરીશ નહીં. અમે બધા તારી સાથે છીએ.’ લીલીનું મૃત્યુ થયું ત્યારે તેની દીકરી તેની બાજુમાં બેઠી હતી. બેલિન્ડા પણ ત્યાં હાજર હતી. તેણે લીલીને ગમતું સંગીત વગાડ્યું. તેણે લીલીને ગમતા સુગંધી ફૂલોની વ્યવસ્થા પણ કરી હતી. લીલીના ચહેરા પર મૃત્યુની છેલ્લી ક્ષણોમાં પણ તેજ આવ્યું. જાણે લાંબી લડાઈ બાદ તેને શાંતિ મળી હોય એ રીતે તેણે શાંતિથી છેલ્લાં શ્વાસ લીધા.
બેલિન્ડા જેની સાક્ષી બની હતી એવો અન્ય એક કિસ્સો પણ જાણવા જેવો છે. એક 11 વર્ષીય છોકરો બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યો હતો. ડૉક્ટરોએ કહી દીધું હતું કે ‘હવે આ છોકરા પાસે બહુ ઓછો સમય બચ્યો છે.’ તે છોકરાનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. તે છોકરો હવે થોડા સમયમાં મૃત્યુ પામશે એવું વિચારીને તેના પરિવારના તમામ સભ્યો અત્યંત દુ:ખી અને વ્યથિત હતા, પરંતુ બેલિન્ડાએ તેમને સમજાવ્યું કે આપના હાથમાં જીવન અને મૃત્યુ નથી, પણ આપણે તમારા બાળકનો જન્મદિવસ યાદગાર બનાવવો જોઈએ. તેણે હૉસ્પિટલમાં જ તે છોકરાના જન્મદિવસની ઉજવણી કરી. તેણે બલુન્સ, ચોકલેટ કેક અને તે છોકરાના મનપસંદ કાર્ટુન કેરેક્ટર સાથેની કેકની વ્યવસ્થા કરી. તે છોકરો ખુશ થઈ ગયો અને હસતાહસતા બોલ્યો: ‘આ મારી જિંદગીનો સૌથી બેસ્ટ બર્થ- ડે છે.’
ત્રણ દિવસ પછી તે છોકરો મૃત્યુ પામ્યો, પરંતુ તેના પરિવારને થયું કે મૃત્યુ અગાઉ અમારો છોકરો છેલ્લી ક્ષણ સુધી ખુશ રહ્યો હતો. બેલિન્ડા કહે છે કે ‘એ ઘટનાએ મારા જીવનમાં અવિસ્મરણીય છાપ છોડી દીધી હતી.’
બેલિન્ડા કહે છે કે ‘મૃત્યુ દુશ્મન નથી. દુનિયામાં મોટાભાગના લોકો મૃત્યુને જીવનના અંત કે જીવનની હાર તરીકે જુએ છે, પરંતુ મૃત્યુ હાર નથી. એ તો સફરની છેલ્લી સીડી છે. જો એ સીડીનું છેલ્લું પગથિયું ગૌરવપૂર્વક ચડી શકાય તો માણસ જીવન જીતી ગયો એવું કહી શકાય.’
બેલિન્ડા ઉમેરે છે કે ‘દર્દીની અંતિમ ક્ષણોમાં તેની પીડા ઓછી થાય, તેની એકલતા દૂર થાય એવી કોશિશ કરીએ અને તેને ખૂબ પ્રેમ આપીએ એ જ તેની સાચી સેવા છે. મને આ કામની તક મળી એને હું મારું સદનસીબ ગણું છું. મેં કેટલાય લોકોને મૃત્યુ શાંતિપૂર્ણ રીતે અને ગરિમા પૂર્ણ રીતે મૃત્યુ પામવામાં મદદ કરી છે એ વાતનો મને આનંદ છે.’
બેલિન્ડા બીજી વ્યક્તિઓને તો મૃત્યુ માટે માનસિક રીતે તૈયાર કરવામાં મદદરૂપ બને છે, પરંતુ તે પોતે પણ એ વિશે સજાગ છે. તેણે અને તેના પતિએ તેમની વસિયત અને અંતિમસંસ્કારની યોજના અત્યારથી જ બનાવી લીધી છે. ‘એક દિવસ અહીંથી જવાનું છે એ નિશ્ર્ચિત જ છે એટલે એ વાસ્તવિકતા સ્વીકારીને મૃત્યુ માટે માનસિક રીતે સજ્જ રહેવું જોઈએ.’
આપણ વાંચો: સર્જકના સથવારે : હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે આવે તે ભલે લયલા બનીને



