ઉત્સવ

પેરીસની ઓમનીબસ, લંડનની બસ અને મુંબઈની ડબલ ડેકર

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

ગ્રીક ચિંતક હેરાક્લિટસે કહ્યું હતું કે, જીવનમાં માત્ર પરિવર્તન જ સ્થાયી છે. દરેક ચીજ સતત બદલાતી રહે છે. સારી ચીજનો પણ અંત આવે છે. આ લેખ સાથે જે તસવીર છે, તે મુંબઈની અંતિમ ‘બેસ્ટ બસ’ની છે. ધ બૃહનમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (બેસ્ટ) કંપની સંચાલિત આ લાલ રંગની ડબલ ડેકર બસ, ૮૦ વર્ષથી મુંબઈની સાર્વજનિક પરિવહન સેવામાં સક્રિય હતી. તાજેતરમાં, સપ્ટેમ્બર ૧૫ના રોજ, મરોલ ડેપોમાંથી તે છેલ્લીવાર નીકળી.

એક જમાનામાં મુંબઈની સડકો પર ૯૦૦ ડબલ-ડેકર બસો ફરતી હતી, પરંતુ ખાનગી વાહનો વધવાની સાથે ટ્રાફિકની સમસ્યાઓ વધી અને લોકલ ટ્રેનની સુવિધા સુધરી એટલે બસોની મુસાફરી ઘટવા લાગી હતી અને ૨૦૨૪માં માત્ર સાત ડબલ-ડેકર બસો બચી હતી. એ પણ મુંબઈ દર્શન પૂરતી જ સીમિત થઇ હતી. ડબલ ડેકર બસો ખર્ચાળ હોવાથી ૨૦૦૮ પછી તેને બનાવવાનું જ બંધ થઇ ગયું હતું.

૧૯૩૭માં બ્રિટિશરો ડબલ-ડેકર બસને મુંબઈમાં (ત્યારે બોમ્બે) લાવ્યા હતા. લંડનમાં છેક ૧૮૨૯થી ઘોડાવાળી બસો સડકો પર ફરતી હતી (૧૮૫૨માં ડબલ-ડેકર બસો આવી હતી). જ્યોર્જ શિલિબીયર નામના એક માણસે પહેલીવાર પેડિંગટનથી લંડન વચ્ચે ઘોડાથી ચાલતી બસ શરૂ કરી હતી અને તે એટલી લોકપ્રિય થઇ કે પછી ઘણા બધા લોકોએ પોતાની ‘ઘોડા-બસ’ સેવાઓ શરૂ કરી. આવી બસોનું નિયમન કરવા માટે ૧૮૫૫માં લંડન જનરલ ઓમનીબસ કંપની શરૂ કરવામાં આવી હતી. આ કંપની ૧૯૩૩ સુધી સક્રિય હતી. તે બસો પણ બનાવતી હતી.

આ કંપનીના નામમાં ‘ઓમનીબસ’ શબ્દ અગત્યનો છે. તમારામાંથી ઘણા લોકોને મારુતિની ઓમની કાર યાદ હશે. મારુતિ ૧૦૦ બજારમાં આવી તે પછી, ૧૯૮૪માં, મારુતિએ ઓમની કાર મૂકી હતી. એ ફેમિલી કાર હતી, પરંતુ ધીમે ધીમે તે સ્કૂલ-વાન તરીકે સીમિત થઇ ગઈ હતી.

મૂળ શબ્દ ‘ઓમનીબસ’ હતો, પરંતુ મારુતિએ એમાંથી ‘ઓમની’ શબ્દ ઉપાડ્યો હતો. ઓમનીનો અર્થ થાય છે સર્વે, બહુ, સઘળું; બધા માટે કામમાં આવે તેવી કાર. ઈશ્ર્વર માટે ઓમનીપોટન્ટ શબ્દ વપરાય છે- સર્વશક્તિમાન. એવી રીતે ઓમનીપ્રેઝન્ટ, ઓમનીસાયન્ટ શબ્દો પણ છે.

ઓમની ફ્રેંચ ભાષાનો શબ્દ છે, જે મૂળ લેટિનમાંથી આવ્યો છે. એમાંથી જ બસ શબ્દ આવ્યો છે.

ઘોડાથી ચાલતી બસો (આપણી ભાષામાં તેને ઘોડાગાડી કહે છે)ની શરૂઆત ફ્રાન્સમાં થઇ હતી. પશ્ર્ચિમ ફ્રાન્સમાં નાન્ટેસ નામનું એક શહેર છે, જે આજે તેના વાઈન નિર્માણ માટે પ્રખ્યાત છે. ૧૮૨૩માં, નાન્ટેસના મોન્સ્યોર ઓમનેસ નામના એક વેપારીએ ઘોડાગાડીની વ્યવસાયિક સેવા શરૂ કરી હતી. એ પહેલાં લોકો પોતાની ઘોડાગાડીઓમાં ફરતા હતા. તેમાં લાકડાનો પૈડાવાળા ડબ્બાને ઘોડો ખેંચે. વડોદરા સ્ટેટમાં ગાયકવાડે મુંબઈ માટે તેમની ટ્રેન શરૂ કરી, ત્યારે પાટા પર આવી રીતે ઘોડાઓ ડબ્બા ખેંચતા હતા.

મોન્સ્યોર ઓમનેસ શહેરમાં જે જગ્યાએ તેની ઘોડાગાડી ઊભી રાખતો હતો, ત્યાં તેણે લેટિન ભાષામાં બોર્ડ લગાવ્યું હતું, ઓમનેસ ઓમનીબસ-સૌના માટે ઓમની. ફ્રેંચ ગણિતજ્ઞ અને વિજ્ઞાની બ્લેઝ પાસ્કલે, ૧૬૬૧માં, પહેલીવાર એવો વિચાર વહેતો મુક્યો હતો કે પેરિસમાં નિશ્ર્ચિત સડક પર નિશ્ર્ચિત સંખ્યામાં કોચ ફરતા હોય અને લોકોને ક્યાંક જવું હોય તો એમાં બેસી જાય. બસ સેવાનો આ પહેલો આઈડિયા હતો. તેના માટે ઓમનીબસ શબ્દ હતો-સૌના માટે.

નાન્ટેસના મોન્સ્યોર ઓમનેસે તેની ઘોડાગાડીનું માર્કેટિંગ કરવા માટે ઓમનેસ સાથે ઓમનીબસ જોડી દીધું. તેની ઘોડાગાડી અને નામ બંને લોકપ્રિય થઇ ગયાં. ત્રણ-ચાર વર્ષ પછી, એ ઘોડાગાડીનું લંડનમાં આગમન થયું અને તે સાથે અંગ્રેજી ભાષામાં ઓમનીબસ શબ્દ પણ આવ્યો.

એક બીજી વાત એવી પણ છે કે સ્ટાનિસ્લાસ બઉડ્રી નામના એક નિવૃત સૈનિકે, ૧૮૨૭માં, નાન્ટેસ શહેરની પડોશમાં ગરમ પાણીમાં સ્નાન કરવાનો સાર્વજનિક ધંધો શરૂ કર્યો હતો. તેના માટે તેણે સ્નાનાગૃહ બનાવ્યા હતા. એ જગ્યા શહેરથી દૂર હતી એટલે પૂરતા પ્રમાણમાં લોકો ત્યાં આવતા નહોતા, એટલે તેમની સુવિધા માટે ઘોડાગાડીની વ્યવસ્થા કરી હતી.

એ જગ્યા રિચરબર્ગના જંગલમાં આવેલી હતી એટલે તેણે તેની પરિવહન સેવાનું નામ (ફ્રેંચમાં) ‘વોઈટર ડેસ બાઈન્સ ડે રિચરબર્ગ,’ પરંતુ એક મિત્રએ સૂચન કર્યું કે આ નામ બહુ લાંબું છે, પરિણામે બઉડ્રીએ એનું નામ ‘ઓમનીબસ’ રાખી દીધું, કારણ કે નાન્ટેસમાં એક દુકાનવાળાએ તેની દુકાન પર ‘ઓમનેસ ઓમનીબસ’નું પાટિયું મારેલું હતું.

લોકોને મફતમાં લાવવા-લઇ જવાની આ સેવા ઘણી લોકપ્રિય થઇ, પણ એમાં એક સમસ્યા એ પેદા થઇ કે લોકો રસ્તામાં ગમે ત્યાં ઊતરી જતા અથવા ચઢી જતા. એમાંથી બઉડ્રીને વિચાર આવ્યો કે લોકોને જ્યાંથી બેસવું હોય ત્યાંથી બેસે અથવા જ્યાં ઊતરવું હોય ત્યાં ઊતરે, તેમની પાસેથી નિશ્ર્ચિત પૈસા વસૂલ કરવા જોઈએ.

સાર્વજનિક સ્નાનને બદલે ઘોડાગાડીમાં બેસવાના પૈસાનો આઈડિયા વધુ સફળ ગયો અને થોડા જ સમયમાં બઉડ્રીએ સ્નાનાગૃહ બંધ કરી દઈને સાર્વજનિક પરિવહનનો ધંધો કર્યો. થોડા જ વખતમાં ફ્રાન્સમાં અનેક જગ્યાએ આવી સેવાઓ શરૂ થઇ અને થોડાં વર્ષોમાં લંડન સહિત અન્ય યુરોપિયન શહેરોમાં ઘોડાગાડીઓનું આગમન થયું. ફ્રેંચમાં એના માટે ‘વોઈટર ઓમનીબસ’ શબ્દ હતો, વોઈટર એટલે વિહિકલ અને ઓમનીબસ એટલે સર્વે માટે.

ઉપર વાત કરી તે પ્રમાણે, લંડનનો જ્યોર્જ શિલિબીયર પેરિસમાં આવા ડબ્બા બનાવતો હતો. તે એકસાથે વધુ લોકો બેસી શકે તેવા ડબ્બા બનાવવામાં માહેર હતો. લંડનના પરિવહન ઈતિહાસમાં શિલિબીયરને કોચ-બિલ્ડર તરીકે યાદ કરવામાં આવે છે. તેણે જ પહેલીવાર લંડનમાં ઘોડાઓથી ચાલતી કોચ-સર્વિસ શરૂ કરી હતી.

શિલિબીયરે તેનું નામ ‘ઓમનીબસ’ રાખ્યું હતું. ૪ જુલાઈ, ૧૮૨૯ના રોજ શિલિબીયરની પહેલી બસ પેડિંગટનથી લંડન ચાલી હતી. એ રૂટ પર કુલ ચાર બસો ફરતી હતી. સ્થાનિક અખબારોમાં તેની જાહેરાતમાં ‘પેરિસ જેવી બસ’ એવું લખાતું હતું. ‘મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારમાં આવો એક અહેવાલ આવ્યો હતો.

શનિવારે, ઓમનીબસ નામનું એક નવું વાહન, પેડિંગટનથી શહેર સુધી શરૂ થયું, ત્યારે આ એક નવા પ્રકારના ભવ્ય ડબ્બાને જોઇને લોકો ખુશ થયા હતા. એમાં ૧૬ કે ૧૮ માણસોની બેસવાની ક્ષમતા છે અને અમને શંકા છે કે ગાડીની પહોળાઈ જોતાં તેનું ઊંધા થઇ જવાનું લગભગ અસંભવ હશે. ફ્રેંચ પ્રણાલી પ્રમાણે તેને ત્રણ ઘોડા ખેંચે છે.

ઓમનીબસ એક સુંદર મશીન છે, જે એક વેનના આકારનું છે. ઘોડા જેટલી પહોળી જગ્યા રોકે છે તે જોતાં તેને લંડનની અમુક સડકો પર વાળવામાં તકલીફ પડશે.

શિલિબીયરની ઓમનીબસનો રંગ લીલો અને પીળો હતો. ૨૧ ઓગસ્ટ, ૧૮૬૬ના રોજ શિલિબીયરનું અવસાન થયું હતું. ૧૯૭૯માં, લંડનમાં પહેલી બસ સેવાનાં દોઢસો વર્ષની ઉજવણી કરવામાં આવી, ત્યારે લંડનની અમુક બસોને લીલા અને પીળા રંગથી રંગવામાં આવી હતી. ઇસ્ટ સસેક્સના બ્રાઈગટન શહેરમાં આજે પણ જ્યોર્જ શિલિબીયરની સમાધિ પર લંડનની ‘ઓમનીબસ’ના જનક તરીકે તેનું નામ રોશન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button