પ. પૂ. પિતાજી સંતાનોના કહ્યામાં નથી એટલે…!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ
‘વકીલ સાહેબ એક નોટિસ કાઢવી છે.’ બન્ટી, બબલી અને ગુડુએ વકીલ અનિલભાઇ અડબંગને વિનંતી કરી.
‘શેની નોટિસ કાઢવી છે?’ કાળો કોટ પર ખુરશી પર ટાંગી વકીલે કડક ટાઇનોટ ઢીલી કરીને પૂછયું. વકીલ માટે નોટિસ લખવી એ તો ડાબા હાથનો ખેલ કહેવાય.
‘સાહેબ, ખર્ચો કેટલો આવશે?’ બન્ટીએ પૂછયું. કોઇ માણસ પોલીસ સ્ટેશન કે કોર્ટના ચક્કરમાં પડે એટલે પૂરો થઇ જાય. વહેલું કે મોડું ગમે ત્યારે હાથમાં શકોરું આવી જ જાય.
‘જો તમારે બદનક્ષીની નોટિસ તૈયાર કરાવવી હોય તો લગભગ પંદર હજાર વતા ટાઇપિંગ, ઝેરોકસ અને અઢાર ટકા જીએસટી અલગ ગણી લેવાનો.’ વકીલે ફીનો આંકડો કહ્યો. વકીલનું સરકારી ઓફિસો જેવું જ હોય. બજેટમાં તોપ ખરીદવા માટે અંદાજો રજૂ કરે તો લવિંગિયા ખરીદવા માટે બજેટ જોગવાઇ થાય. વકીલ મોટો આંકડો કહે. અસીલ રકઝક કરે. અડધા પૈસા ચૂકવે. અડધા પૈસા ભૂલવાડી દે. ભૂલચૂકે વકીલ કેસ હારી જાય તો ફીથી હાથ તો ધોવા પડે, પરંતુ અસીલોનો ટપલીદાવ કે ઘૂંસા પણ સહન કરવા પડે.
‘અમારે બદનક્ષીની નોટિસ કાઢવી નથી.’ બબલી કાબરની જેમ બોલી.
‘ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાઢવી હોય તો લગભગ લાખ રૂપિયા ઢીલા કરવા પડે. કેમ કે, તે નોટિસ તૈયાર કરતાં કરતાં આંખો ઓડ પર આવી જાય. કાયદાના થોથા, ચુકાદાના ઓલ ઇન્ડિયા રિપોર્ટ, સાઇટેશન, પ્રિસિડેન્ડસ કેસ વગેરે ડોકયુમેન્ટ એનેકસ કરવા પડે.’ અનિલે પ્રોસેસ સમજાવી.
‘ના, સર, અમારે એ પણ કઢાવવી નથી.’ ગુડુએ નકારમાં નવ શેર માથું ધુણાવ્યું.
‘સીઆરપીસી એટલે ક્રિમિનલ કોડ પ્રોસિજરની કલમ -80ની નોટિસ આપવી છે.?’ અનિલે પૂછયું. કોઇ પણ કોર્ટ કેસ શરૂ કરતાં પહેલાં સામેવાળાને આવી નોટિસ આપીને સચેત કરવામાં આવે છે. કોઇ પડતર માગ પૂરી ન કરવામાં આવશે તો નાછૂટકે કે નાઇલાજે અરજદારને કોર્ટ ન્યાય માટે માઇબાપને ગુહાર લગાવવી પડશે તેવી ગર્ભિત ધમકી હોય છે.
‘સાહેબ, અમારે એવી પણ કાઢવી નથી.’ બન્ટી, બબલી અને ગુડુએ આ વિકલ્પ પર પણ ચોકડી મારી.
‘અમારા ફલાણા ઢીંકણા ગૂમ થયેલ છે. એમને કોઇ ખખડાવશે નહીં. પતો આપવારને સવા અગિયાર રૂપિયાનું જંગી ઇનામ આપવામાં આવશે.’ આવી જાહેરાત તો કિફાયતી દરે કાઢી આપીશ. મારે નામ, સરનામું અને ફોટો જ બદલવાનો છે.’ વકીલે ઓફર આપી.
‘અમારો પ્રશ્ન જુદો છે.’ બબલી બોલી.
‘શું છે તમારો પ્રશ્ન?’ વકીલે બન્ટી, બબલી અને ગુડુ સામે વિનંતીસૂચક અવાજે પૃચ્છા કરી.
‘એ વડીલ અમારા કહ્યામાં નથી.’ પેલા ત્રણેયે એક સાથે પોતાના પાનાં ખુલ્લા કર્યા.
‘કોણ દાદાજી? એ તો ઉંમરલાયક હોય. ઘરડાંઓ તો બાળકો જેવા હેન્ડલ વીથ કેર હોય છે.’ વકીલે અનુમાન રજૂ કર્યું.
‘અમારા દાદાના ફોટા પર સુખડનો હાર લાગી ગયો છે.’ બન્ટીએ દાદા વૈકુંઠવાસી હોવાની માહિતી આપી.
‘ઓહ સોરી … તો શું દીકરી કહ્યામાં નથી?’ વકીલે પૂછ્યું.
‘અરે અમારી દીકરી જ નથી. જો અમારે દીકરી હોય અને જાય તો સગા બાપથી તો તેવા સંજોગોમાં અમને ઓનર કિલિંગ કરતાં આવડે છે.’ બન્ટી, બબલી અને ગુડુનાં વસ્ત્રો આધુનિક હતા, પરંતુ, વિચારસરણી પ્રાચીનતમ હતી.
‘ઘણા ઘરમાં બા રિટાયર થતી નથી અને માથાભારે હોય છે. એ તેનો કકકો ખરો કરાવવા ઘરના સભ્યો પર ત્રાસ ગુજારી ત્રાહિમામ પોકારાવતી હોય છે. બા કહ્યામાં નથી?’ અનિલને તેમના સંભવિત અસીલ ભેદભરમવાળા લાગ્યા.
‘બા તો બાપડી ભગવાનના ઘરનું માણસ છે. ગરીબ ગાય જેવી છે. હા, ક્યારેક બાપુજીને ઢીંક મારી લે છે.’ પેલા ત્રણેયે ફરી એક અવાજે સ્પષ્ટતા કરી.
‘તો પછી વેવાઇ – વેવાણ કહ્યામાં નથી? એની દીકરીને તેના સાસરિયા વિરુદ્ધ સતત ચાવી ટાઇટ કરી દીકરીને સાસુસસરાથી અલગ થવા ચડવણી કરે છે?’ વકીલ અનિલે નવો પાસો ફેંક્યો.
‘સાહેબ, અમારા લગ્ન થયા નથી. તો વેવાઇ- વેવાણનો સવાલ ઊભો થતો નથી.’ બન્ટી, બબલી અને ગુડુએ સ્પષ્ટતા કરી.
‘જુઓ, મને તમારા કેસમાં ટપ્પો પડતો નથી. તમે લોકો કશું ખુલીને કહેતાં નથી. વૈદ-વકીલ ને વૈશ્યા પાસે કશું છુપાવાય નહીં. પેટછૂટી વાત કરવી પડે. નહીંતર હું તમારો કેસ લડી શકીશ નહીં.’ વકીલે છેલ્લા પાટલે જઇ કેસની વિગતો આપવા કહ્યું.
‘વકીલ સાહેબ, અમે સગા બે ભાઇ અને એક બહેન છીએ.’ એ ત્રણે મુદ્ા પર આવી ગયા.
વકીલે શિર ધુણાવ્યું.
‘અમારે એક બાપા છે.’ ત્રણેયે કહ્યું.
‘એમ? સગા છે કે સાવકા છે?
‘સાહેબ,બાપા સગા છે, પરંતુ સાવકા બાપની જેમ વર્તે છે.’ બન્ટી, બબલી અને ગુડુએ ખમચાઈને કહ્યું.
‘હું સમજ્યો નહીં. તમે સમીકરણ જેવો કોયડો રજૂ કરો છો.’
‘ સાહેબ, તમારી આગળ કશું છુપાવવા માગતા નથી. અમે પેટછૂટી વાત કરીએ છીએ. અમારા બાપા અમારા કહ્યામાં નથી. બાપાઅમને ટેકન ફોર ગ્રાંટેડ ગણે છો. બાપા અમને ગાંઠતા નથી.’ બન્ટી, બબલી અને ગુડુએ સમસ્યા જણાવી. લગભગ દરેક યુવાનયુવતીને એમના પરમ પૂજય અને પરમાદરણીય પિતાજી કહ્યામાં નથી તેવું લાગતું હોય છે.
‘હે? તમે શું કહો છો? આમ, તો દીકરો કે દીકરી કપાતર હોય એવું બંને. આ તો ઉલ્ટી ગંગા વહેડાવવા જેવું કહો છો.’ વકીલે તારણ કાઢ્યું.
‘સાહેબ, આ હકીકત છે.’
‘પણ એનું કારણ હશે ને?’
‘સાહેબ, એક તો એમની ઉંમર થઇ. બે વરસ પહેલાં ઘરભંગ થયા. એમની દેખભાળ કરવા આવતી નર્સ સાથે સ્નેહાંકુર ફૂટ્યા છે.’ બન્ટી, બબલી અને ગુડુએ કારણ રજૂ કર્યું.
‘એટલે કે બાપા ઠરકી થઇ ગયા છે એમ જ ને?’ વકીલે પિતાજીની ચાલ, ચલગત અને ચારિત્ર્ય વિષયક સવાલ કર્યો.
‘લગભગ એવું જ.’ બન્ટી, બબલી અને ગુડુએ માથું ઝૂકાવી કબૂલ કર્યું.
‘હવે શું કરવું છે? જ્યારે કોઇ દીકરો કે પત્ની માથાભારે હોય ત્યારે મા-બાપ દીકરાને કે પતિ પત્નીને તેની મિલકતમાંથી બેદખલ કરે છે.’ વકીલે સામાન્ય શિરસ્તો જણાવ્યો.
‘આ આઇડિયા બરાબર છે.’ બન્ટી, બબલી અને ગુડુ ખુશ થઇ ગયા. વકીલ અનિલને ‘બાપા કહ્યામાં નથી’ તેવી નોટિસ તૈયાર કરવા સૂચના આપી વકીલે કાનૂની નોટિસ તૈયાર કરી :
‘લો નમૂનો તમે પણ સાચવીને રાખજો. ભવિષ્યમાં જરૂર પડે તો બાપબાણ ઇલાજ થઇ શકશે.’
કાનૂની નોટિસ
‘અમે નીચે સહી કરનાર અમારા અસીલની ફરમાઇશ (આ કંઇ બિનાકા ગીત માલા છે કે શ્રોતા ગીતની ફરમાઇશ કરે તેમ ફરમાઇશથી નોટિસ કાઢવાની?)થી નોટિસ કાઢવામાં આવે છે કે શ્રી અ બ-ક અમારા એકમાત્ર પરમ પૂજય પરમાદરણીય રાજમાન રાજેશ્રી પિતાશ્રી કે તાત છે. જે બહેકી ગયા છે અને અમારા સહેજે કહ્યામાં નથી. (આમ તો અમો તેના કહ્યામાં નથી. જો કે, એ વાત અલગ છે.)આથી એમને સંતાનોપાર્જિત મિલકતમાંથી બેદખલ કરવામાં આવે છે. એમની સાથે કોઇ નાણાકીય કે લાગણીશીલ વ્યવહાર કરવો નહીં નહીંતર અમારી કોઇ જવાબદારી નથી. જેની જાહેર જનતાએ નોંધ લેવી.’
લિખિતંગ:
બન્ટી, બબલી અને ગુડુ (નઠારાં સંતાનો)
એડવોકેટ અનિલ અડબંગ મારફત



