ઘરની બહાર, છતાં ઘરથી વધુ એવો ઓટલો!

- જૂઈ પાર્થ
ગીતાબા આજે બહુ દુ:ખી હતાં. કારણ? એમની બારીએ બેસતી ચકલી આજે નહોતી આવી. ચકલી વિશે વહુને પૂછ્યું તો વહુએ રાઈનો પહાડ બનાવ્યો. એટલે બા ઘરની બહાર ઓટલે આવી બેઠાં. ઘરમાં જે થયું એ ઝીણું ઝીણું બબડતા જાય ને આંખમાંથી આંસુ સરતાં જાય. પાડોશમાંથી હેમાબહેન આવ્યાં ને બાને છાના રાખવા પ્રયત્ન કર્યો. એમાં સામેવાળી સવિતા પણ જોડાઈ. પછી આવ્યા પદ્માભાભી, ગોમતીબા, મીનાબહેન અને જોતજોતામાં આખી પોળ ગીતાબાનાં ઓટલે ભેગી થઈ ગઈ.
નેવુંએ પહોંચવા આવ્યાં હતાં ગીતાબા. નાની નાની વાતે ખોટું લાગી જતું એમને. ચકલી ના આવી એમાં બિચારી વહુ શું કરે? પણ ગીતાબાને લાગે કે વહુ ચકલી ઉડાડી દે છે, એને ચણ નથી આપતી એટલે ચકલી રિસાઈ ગઈ ને ના આવી. હવે બાને કોણ સમજાવે કે ચકલી એની મરજીથી નહીં આવી હોય પણ એમાં ઓટલા પરિષદ થોડી બેસાડાય?!
આ માત્ર ગીતાબા નહીં પણ આખી પોળનાં દરેક ઘરનાં ઓટલાની વાત ઘરની બહાર તોય ઘરથી વધુ વાત-કજિયા, રિસામણા, મનામણા, ગીતો ગાવાનાં, શાક સમારવાનું ને વટાણા ફોલવાનાં, મજાક મસ્તી, પંચાત, જાસૂસી બધુંય જ્યાં થાય એનું નામ ઓટલો.
પોળનાં ઘર, શહેરનાં દેખાવડા બંગલા બધે ઘરનાં બારણા પાસે બહાર બેઉ બાજુ જમીનથી જરા ઊંચી કરેલી માટી પથ્થર કે ઈંટની ચણેલી બેઠક એટલે ઓટલો. ઓટલાથી ઘરની, પડોશની, પોળની, પરિવારની કે પારાયણની કોઈ વાત છૂપી ન રહે. ઓટલો દોસ્તોનો દોસ્ત ને દુશ્મનોનો પણ દોસ્ત એવો આ ઓટલો રાત- દિવસ આસપાસ બનતી ઘટનાઓને જોયા કરે, પોતાની સાક્ષીએ થયેલી વાતો પચાવ્યા કરે.
આમ તો ઓટલો તો મંદિરમાં પણ હોય છે. કહેવાય છે કે ભક્તોએ ભગવાનનાં દર્શન કરીને થોડીવાર મંદિરના ઓટલે બેસવું જોઈએ. આમ કરવાથી વધુ પુણ્ય મળે છે. ઓટલાવાળા વિચાર પાછળનો હેતુ એ પણ હોઈ શકે કે દર્શન કરીને હાલ મંદિરમાંથી બહાર આવેલ વ્યક્તિ થોડો વધુ સમય ઈશ્વરનાં સાનિધ્યમાં, તેનાં વિચારોમાં રહે તેમ જ સુવિચારોનું મનમાં ચિંતન કરે. ઈશ્વરની આભામાં થોડો સમય વધુ લીન રહે. જેમ મંદિર નાનું હોય કે મોટું, પરંતુ આવનાર સૌ ભક્તોને સમાવી લે છે તેમ મંદિરનો ઓટલો પણ ઉદારતાથી ભક્તોને ભક્તિનાં ઊંડાણમાં લઈ જવામાં મદદ કરે છે.
ઓટલો ફક્ત બેસવા, વાતો કરવા માટે હોય તેમ માની લેવું ભૂલ ભરેલું છે. માનવીના જીવનમાં ઓટલો એક એવું પાત્ર છે, જેનો પોતાનો પણ ઈતિહાસ છે. ઈતિહાસમાં સમયગાળાનાં ભેદભાવો વચ્ચે પણ એવું કહેવાય છે કે વડનગરમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન તથા શોધકામ દરમિયાન 1600 વર્ષ જૂની એક આખી વસાહતનું બાંધકામ મળ્યું હતું, જેના પરથી ગુજરાતીઓની ગૃહ નિર્માણ શૈલીનો તાગ મળ્યો હતો. આ જગ્યાનાં બધાં મકાનોમાં એક જે સામાન્ય તેમ જ ધ્યાનાકર્ષિત બાબત હતી તે હતી ઓટલાનું બાંધકામ….! આમ ઓટલાનો ઈતિહાસ 1600 વર્ષ કદાચ તેનાથી પણ જૂનો હોઈ શકે.
કહેવતોથી છલોછલ ગુજરાતી ભાષામાં ઓટલા પર પણ ઘણી કહેવતો છે. જેમકે ‘ચાર મળે ચોટલા, ભાંગે કોઈનાં ઓટલા’ એટલે કે જ્યાં સ્ત્રીઓ ભેગી થઈને પંચાત કરે છે ત્યાં કોઈનું ને કોઈનું ઘર ભાંગે જ છે. મોટા શહેરોને એમાંય ખાસ કરીને મુંબઈ માટે કહેવાય છે કે ત્યાં ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એટલેકે વગર પૈસે કે ઓછા પૈસૈ એક ટંક ખોરાક મળી જાય પણ રહેવા માટે ઘર તો પછી પણ ઓટલો સુધ્ધાં નથી મળતો. એ જ રીતે, ‘મૂછ પાઘ કે મોભો, દેખાડવાનો ઓટલો’ એટલે કે અજાણ્યા પુરુષને ઘરની અંદર પ્રવેશ ના આપવો જોઈએ. જો એ કંઈ કામથી આવ્યો હોય તો ઓટલા પર જ બેસીને તેને ચા-પાણી કરાવીને કામ પૂરું કરી તેને વિદાય કરવો જોઈએ.
ઓટલો એટલે RGM- રોજિંદી જનરલ મીટિંગ કે જેમાં હાજર રહેલા સૌ કોઈ એકબીજાના સુખ દુ:ખમાં સહભાગી બને છે. ઓટલો એટલે એવી ઘરસભા કે જેમાં ઘરનાં સદસ્યો સિવાય બધાં હાજર રહે છે. ઓટલો એટલે એક એવી નિ:શુલ્ક સારવાર જે મનની તંદુરસ્તી વધારે છે. ઓટલો એટલે એક એવી જગ્યા જ્યાંથી બૂમ પાડતાંની સાથે મદદે આખી પોળ કે સોસાયટી ઊમટી પડે. ઓટલો એટલે આમંત્રણ વિના કોઈનાં પણ ધેર જવાની પરવાનગી. ઓટલો એટલે અંત વિનાની વાતો અને બીજું ઘણું બધું.
આપણે સૌ ક્યારેક ને ક્યારેક તો ઓટલા પરિષદમાં સહભાગી થયા જ હોઈશું. આવા ઓટલા પર કરેલી અગણિત વાતો અને યાદો હંમેશાં માટે હૃદયસ્થ થઈ જાય છે બોલો, તમે શું કહો છો?



