બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : ‘ઓપરેશન સિંદૂર’…… નામ મેં સબ કુછ હે!

-સમીર જોશી
ગયા અઠવાડિયે આપણે યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ શું હોવો જોઈએ તે જોયું. હાલમાં જે આપણે આંગણે આંશિક યુદ્ધ થયું તેને આપણે તકની દૃષ્ટિએ ના જોતા આને શીખ અથવા પાઠ તરીકે જોવાની કોશિશ કરીએ.
જ્યારે જ્યારે યુદ્ધ થયા છે ત્યારે તે યુદ્ધને યાદ રાખવા તેને એક નામ આપવામાં આવે છે. લશ્કરી કાર્યવાહીને નામ આપવું એ સરળ નથી. આ જે મિલિટરી ઓપરેશન થાય છે તે નામો ફક્ત લેબલ જ નથી, પણ તેની પાછળ એક થીમ વિષય વસ્તુ હોય છે. યુએસ ઘણીવાર કોડેડ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય લોકો પ્રેરણાત્મક થીમ્સ પસંદ કરે છે. ભારતે ભૂતકાળના મિશનને એવાં નામ આપ્યા છે, જે ઇરાદાને પ્રતિબિંબિત કરે છે અને પ્રેરણા આપે છે. બુદ્ધ, તલવાર, સફેદ, બંદર, વિજય, રાહત, ઇન્સાનિયત એવાં દરેક નામ એક ભાવનાને વ્યકત કરે છે.
વેપાર અને બ્રાન્ડિંગ માટે સૌથી મહત્ત્વની વાત એટલે બ્રાન્ડ નેમ- બ્રાન્ડનું નામ. આ વખતે જે નામ આપવામાં આવ્યું તે નામે આખા દેશમાં જોમ પૂર્યું. અત્યંત સમજી વિચારીને નામકરણ થયું. શેના માટે યુદ્ધ છે તેની સ્પષ્ટતા નામ દ્વારા થઇ ગઈ. પહલગામમાં જે સ્ત્રીઓએ પોતાનો સુહાગ ગુમાવ્યો, જેમનું સિંદૂર ઉજડ્યું તેનો બદલો લેવાનો હતો અને તે અનુરૂપ સચોટ નામકરણ થયું.
સિંદૂર -જે પરિણીતાના કપાળને શણગારે છે-શોભાવે છે. એ માત્ર એક પરંપરા નથી. એથી વિશેષ એક ઓળખ છે. ભારતીય પરંપરામાં સિંદૂર ફક્ત એક સૌંદર્ય પ્રસાધન નથી. તે સ્ત્રીના વૈવાહિક દરજ્જા, ગૌરવ અને શક્તિનું પવિત્ર પ્રતીક છે.
આ શબ્દ પ્રતીકવાદથી ભરેલો છે. એ પ્રતીકનો ઉપયોગ કરીને આ ઓપરેશન પાછળ એક સ્ત્રીની વ્યથાને સ્વીકારી એને ન્યાયનું વચન આપવામાં આવ્યું .
આ પણ વાંચો….બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ કેવો હોવો જોઈએ…-સમીર જોશી
આ ‘ઓપરેશન સિંદૂર’ માત્ર શબ્દની રમત નથી. નાગરિકો સાથે એ સીધી વાત કરે છે, ખાસ કરીને પહલગામ હુમલામાં જેમના જીવન આધાર અચાનક તૂટી ગયા એવી મહિલાઓને ખાતરી આપે છે કે તમારું દુ:ખ અમારું છે. તમારું નુકસાન અનુત્તર રહેશે નહીં. તે ફક્ત ન્યાયનું વચન આપતું નથી, તે ગૌરવનું પણ વચન આપે છે.
સ્પર્ધા અને યુદ્ધ બંનેમાં સામેવાળાની માનસિકતા પર વાર-પ્રહાર કરવો જરૂરી છે. જ્યારે આ નામે આખા દેશને જાગૃત કર્યો. ત્યારે દુશ્મન દેશને પણ મેસેજ પહોંચાડ્યો કે એના પર કેવો પ્રહાર થશે.
‘ઑપરેશન સિંદૂર’ જેવા નામની સાથે આપણો બીજો માસ્ટર સ્ટ્રોક હતો જ્યારે આપણા સૈન્યની બે મહિલાએ પત્રકાર પરિષદને સંબોધી. એક મુસ્લિમ અને બીજી હિન્દુ. આના દ્વારા એક શક્તિશાળી સંદેશ એ હતો કે આ લડાઈ કોઈ ધર્મ સામે નહીં, પણ આતંક સામે છે !
આ યુદ્ધે એક વાત દુનિયામાં સ્પષ્ટ કરી કે ભારતનું નેતૃત્વ શું કરી શકે છે. આપણા આ ઑપરેશન પાછળની આખી કવાયત એક પર્સેપ્શન મેનેજમેન્ટ માટેનો માસ્ટરક્લાસ છે. એક દેશ, બ્રાન્ડ અથવા નેતા તાકાત, નિયંત્રણ અને સંયમની આસપાસની કથાને કેવી રીતે આકાર આપી શકે છે તેનો આ પાઠ છે.
ભારતે પોતાની તલવાર મ્યાનમાં રાખીને પોતાના સંયમ અને આત્મવિશ્વાસનો પરિચય જગતભરને કરાવ્યો છે. ભારતે વ્યૂહાત્મક રીતે તણાવ ઓછો કરવાનું પસંદ કર્યું. અહીં મોટો પાઠ એ છે કે તાકાત હંમેશાં ઉગ્રતાથી આવતી નથી. કેટલીકવાર, તે પાછળ રહેવાની ક્ષમતામાં રહે છે.
આમ, આ યુદ્ધે નામ અને પર્સેપ્શન મેનેજમેન્ટની તાકાત શું છે તેની જાણ કરી. ‘સિંદૂર’ નામમાં એક પ્રતિજ્ઞા રહેલી છે. આ ફક્ત એક ઓપરેશન નહોતું. તે એક ઝુંબેશ હતી. એક સંદેશ હતો… એક બ્રાન્ડ મોમેન્ટ હતી… ‘ઓપરેશન સિંદૂર’એ જે કર્યું એ એક શ્રેષ્ઠ બ્રાન્ડિંગ હંમેશાં કરે છે….!
આ પણ વાંચો….બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વ્યૂહરચનાને કઈ રીતે અમલમાં મૂકવી એ જાણો…