વન એંડ ઓન્લી બક્ષીબાબુ: મહાજાતિ ગુજરાતીના મહારથી… | મુંબઈ સમાચાર
ઉત્સવ

વન એંડ ઓન્લી બક્ષીબાબુ: મહાજાતિ ગુજરાતીના મહારથી…

  • સંજય છેલ

ગુજરાતી સ્ટારલેખકોની સરખામણી હિન્દી ફિલ્મસ્ટારો સાથે કરવાની હોય તો? તો કદાચ, મેઘાણી ગુજરાતી સાહિત્યના રાજ કપૂર છે, જેમણે સાવ ધરતીથી જોડાયેલ આમઆદમીની ચોટદાર વાતો લખી. રમેશ પારેખ એટલે દેવ આનંદ છે, જેમણે સદાબહાર રોમાન્સ આપ્યો. મરીઝ એટલે દિલીપકુમાર જેમણે ટ્રેજેડી કિંગ બનીને ગઝલો આપી.

કનૈયાલાલ મુન્શી એટલે સોહરાબ મોદી, જેમણે ઇતિહાસ ઊભો કર્યો, હરકિસન મહેતા એટલે ધર્મેન્દ્ર, જેમણે ડાકુઓની એક્શનપેક કથાઓ લખી.. અને લેખક કોલમિસ્ટ ચંદ્રકાંત બક્ષી એટલે ‘એન્ગ્રી યંગ મેન’ અમિતાભ, જેણે કારણ-અકારણ ગુસ્સૈલ તેજાબી ઇમેજ બનાવી…

આજે વિશ્વ ગુજરાતી ભાષાદિન છે ત્યારે એ કહેવામાં જરાયે અતિશયોક્તિ કરી ન કહેવાય કે સાહિત્યમાં જે ટોપ 10 લેખક છે એમાં બક્ષીનું નામ ચોક્કસ હશે.

આ ચંદ્રકાન્ત ઊર્ફે બક્ષી, આખરે કોણ હતા?
તેઝતર્રાર લેખક હતા કે સનસનીખેજ માણસ? બક્ષી સાથે વિતાવેલો સમય કે ફોનની લાંબી ચર્ચાઓ હજુયે યાદ છે, બક્ષીની વાતોમાં અઘરી યુરોપિયન ફિલ્મની પટકથાની ફિલિંગ્ઝ, ચમકદાર રોમેન્ટિક સંવાદો ને ઉદાસીના અમુક રંગો. ગંભીરતાને બોરિંગ બનાવ્યા વિના ટૂરિસ્ટની અદાએ જોઈને લખતો મશ્કરો માનવી: બક્ષી.

બક્ષી, મને હંમેશાં કોલેજ કેન્ટિનમાં બેઠેલા તોફાની માથાભારે સ્ટુડન્ટ જેવા લાગ્યા છે, જે નવા સ્ટુડન્ટોને પાસે બેસાડીને ચા પીવડાવે, થોડું રેગિંગ કરે, છોકરીઓ વિશે ગોસિપ કરે ને પછી જીવન વિશે બે-ચાર સલાહો આપે. વળી, કોલેજના મેનેજમેન્ટને આવા એક્સ-સ્ટુડન્ટની હાજરી ક્યારેય ગમતી ન હોય, પણ એની દાદાગીરીને લીધે કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં. યેસ, ગુજરાતી સાહિત્યના મેનેજમેન્ટને માથે બક્ષી એક એવા જ એક્સ-સ્ટુડન્ટ કે આઉટસાઈડર હતા, જે હંમેશાં દૂર બેસીને મેનેજમેન્ટની મખૌલ ઉડાવતા.

86ની આઈ.એન.ટી.ની નાટ્યસ્પર્ધામાં મારે મધુ રાયનું કોઇ નાટક ભજવવું હતું. રાતોરાત મધુ રાયની પરમિશન જોઈતી હતી એટલે મેં બક્ષીનો કોન્ટેક્ટ કર્યો. એમણે ઘરે બોલાવ્યો. બારણું ખોલ્યું. ટુવાલભેર ઊભા રહીને એમણે પાસેથી કાગળ લઇને મધુ રાય વતી પરમિશન આપી. કોઈ સવાલ નહીં, લાંબી પૂછપરછ નહીં. એક વાર બક્ષીની ‘આકાર’ નોવેલ વાંચીને પાર્લાથી છેક વર્લી એમને ખાસ મળવા ગયો… પછી તરત જ એક બુક આપીને બક્ષીબાબુ બોલ્યા: ‘વાંચજો ને પછી પાછી પણ આપજો!’

2004માં કોઈ પુસ્તકના વિમોચન પ્રસંગે ‘ભાઈદાસ સભાગૃહ’ માં બક્ષી વક્તા હતા. બક્ષીએ પહેલીવાર બુઝુર્ગની જેમ કહેલું ‘બાળબચ્ચાં સાથે ઘરે આવો ક્યારેક.’ બસ,એ છેલ્લી મુલાકાત બક્ષી સાથે. ફોન પર બક્ષી સાથે કલાકો સુધી વાતો કરી છે. રિસીવરમાં સામેથી ખુમાર કે ગુરુરવાળો અવાજ સંભળાય: ‘બક્ષી સ્પીકિંગ’ પણ એ જ બક્ષીમાં, પર્સનલી ખૂબ ભીનાશ અનુભવાય. ક્યારેક થતું, બક્ષીનો ગુરુર સિસ્ટમ સામેનો સેલ્ફડિફેન્સ કે પ્રતિકાર હતો કે પછી જાણી જોઈને અંગિકાર કરેલો ‘ઇગો’?

લેખક-વિવેચક પ્રો.કાંતિ પટેલે 1988માં અંધેરી-ભવન્સ કોલેજ ખાતે વાર્તાસ્પર્ધામાં, ચંદ્રકાંત બક્ષીને અતિથિવિશેષ તરીકે બોલાવેલા. ત્યારે બક્ષીએ મંચ પરથી મારા જેવા ઉત્સાહીઓને જોઈને કહ્યું,‘ગુજરાતી સાહિત્યની આવતી કાલને આ યુવાનોની આંખોમાં જોઈ શકું છું.’ અમે સૌ તો ગદગદ.

પછી મોડેથી સમજાયું: ‘હી ઇઝ અ સ્માર્ટ સેલ્સમેન.’ ઓડિયન્સને શું ગમશે એની બક્ષીને બરાબર ખબર હતી: નાટકી એક્ટરો જેવી ડાયલોગબાજી, વાતને રમાડીને, પોઝ આપીને બોલવાની અદા.

બક્ષી ફોન કરીને કહેતા, ‘છેલબાબુ, અંગ્રેજી છાપામાં તમારો ઇન્ટરવ્યૂ વાંચ્યો, પણ નવા ફોટા પડાવો. માર્કેટિંગ શીખો! મારો બેટો રજનીશ, દરરોજ નવા ફોટા પડાવતો. શીખો, શરમાઓ નહીં… અરે આ પણ એક ખેલ છે દુનિયાદારીનો!’

‘90માં બક્ષીની નોવેલ ‘હું, કોનારક શાહ’ પરથી ટેલીફિલ્મ બનાવવા નોવેલના રાઈટ્સ લેવા ગયો. મૂળ નોવેલમાં અંત જુદો હતો પણ ફિલ્મ માટે ભલભલા ડિરેક્ટરોને જે ઘટના કે વિઝ્યુઅલ ના સૂઝે નહીં એવો ક્લાઈમેક્સ બક્ષીએ પાંચ મિનિટમાં સૂચવેલો: ‘ફિલ્મના અંતે મેનેજમેન્ટના કાવાદાવાની સામે લડીને જ્યારે કથાનો નાયક પ્રો. કોનારક કેસ જીતી જાય ત્યારે માત્ર એક દિવસ, સ્વમાન ખાતર એ કોલેજમાં નોકરીએ જાય. વિદ્યાર્થીઓ વચ્ચે જઈ એ જ ક્લાસમાં, એ જ ખુરશીમાં બેસે, પછી પેનમાં શાહી ભરે ને ચૂપચાપ રાજીનામું આપી દે અને જતો રહે! ધેટ્સ ઈટ!’

બક્ષીને હિન્દી સાહિત્યકારો પણ એટલા જ માનથી જોતા. હિન્દી લેખક કમલેશ્વર કે રાજેંદ્ર યાદવ, ભારતીય સાહિત્યના સંદર્ભમાં બક્ષીનો ઉલ્લેખ ખૂબ આદરથી કરતાં જે મેં સગી આંખે જોયું છે. બોરડમ ને બેવકૂફીના બ્રાન્ડ એમ્બેસેડર જેવા ગુજ્જુ લેખકો વચ્ચે ચંદ્રકાંત બક્ષી, ગુજરાતી ભાષાના ‘કલ્ચરલ એમ્બેસેડર’ હતા. ગુજરાતી અસ્મિતાના વકીલ હતા.

1પ0થી વધુ પુસ્તકો, આધુનિક ને છતાં લોકપ્રિય નોવેલ્સ, 350 ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ સંશોધનનાં પુસ્તકો અને પુષ્કળ લેખો લખીને, સખત વિચારો ને સતત વિવાદો સર્જીને બક્ષી ન્યૂઝમાં રહેતા. આપણે ત્યાં તમે ગાંધીવાદી નીતિમત્તા છાંટેલું, ગામડિયું વેજિટેરિયન સાહિત્ય લખો કે તરત અન્ય ભાષામાં સરકારી અનુવાદો થાય, ઈનામો મળે પણ એ કિતાબો વાચકો સુધી મુશ્કેલીથી પહોંચે. મોડર્ન, બિન્ધાસ્ત ને લેટિનઅમેરિકન છાંટવાળું ગંભીર છતાં મજેદાર સાહિત્ય, ગુજરાતીમાં લોકપ્રિય બનાવ્યું, એ બક્ષીની સાચી સિદ્ધિ.

મારી હિન્દી ફિલ્મોની કમર્શિયલ સફળતાને જોઈને પ્રેમથી વઢતા,‘આ બધી રોમેન્ટિક કોમેડીઓ તો ઠીક છે, પણ કાંઈક ગંભીર બનાવો નહીં તો ક્યારેય કદર નહીં થાય. રોમાંસ-કોમેડી છોડો, ઉદાસીનો રંગ, ઘેરો ને શાશ્વત છે. હિંદુસ્તાનમાં વેદના કે સંવેદનાને જ ઇજ્જત મળે છે. આ સાલો રાજ કપૂર, આખી ફિલ્મ નાગી ઉઘાડી બનાવે પણ એક દૃશ્ય એવું આપે કે જેમાં ઊંડાણ હોય. છેલબાબુ, એન્ટરટેઈનર ને આર્ટિસ્ટ વચ્ચેનો ભેદ સમજો.’

બદનસીબે, બક્ષીને લોકપ્રિયતા સાહિત્યસર્જનને લીધે જ નહોતી મળી પણ સેન્સેશનલ વિચિત્ર વિધાન, વાહિયાત વિવાદો ને 1993 પછી અચાનક અતિજમણેરી, ઉશ્કેરતી કોલમોને કારણે પણ મળેલી. ‘આકાર’ કે ‘પડઘા ડૂબી ગયા’ જેવી નોવેલનાં મહાન લેખક તરીકે બક્ષીને બહુ ઓછા સમજ્યા છે. લેખક કરતાં ‘પર્સનાલિટી ઓફ બક્ષી’ વધુ વેચાતી વંચાતી.

બક્ષીનો કલકત્તામાં ઊછેર હોવાને કારણે શરૂશરૂમાં કોમ્યુનિસ્ટ ‘લાલ’ રંગે રંગાયેલા હતા, પછી ધીમે ધીમે એ લાલ રંગ મુંબઇમાં ઝાંખો પડ્યો ને છેલ્લે ગુજરાત જઈને લાલમાંથી કેસરી બનતો ગયો. બક્ષીની કલમમાં સરકારો અને પોપ્યુલર મતને આંધળું સમર્થન વધ્યું ને કથા નવલકથાઓ ઓસરતી ગઈ. જાણકારો કહેતા:

‘પેરેલિસિસ’ પછી બક્ષીની કલમને પેરેલિસિસ થઈ ગયો છે. શું રાજકારણની મહત્ત્વાકાંક્ષાએ ખુદ્દાર કહેવાતા બક્ષીને બદલી નાખેલા? જે સિસ્ટમ સામે સતત લખ્યું, એની જ સાથે એમણે સમાધાનો કરવા માંડેલાં?

અરે, ‘તમે આવશો’ જેવી ગુજરાતીની અદ્ભુત વાર્તાના લેખક બક્ષીને પૂછવાનું મન થતું:

‘બક્ષી, તમે પણ?!’
એ બધું છોડો, લેખકોમાંની ઘેટાંભીડ વચ્ચે બક્ષી ‘આખરી મુગલ’ હતા. પોચટ સાહિત્યકારોની વચ્ચે બક્ષી જ એકમાત્ર ‘મૃત્યુ’થી ‘માઓત્સેતુંગ’ સુધી કે ‘સેક્સ’થી ‘સામ્યવાદ’ સુધી અસ્ખલિત બોલી લખી શકનારા ઓલરાઉન્ડર હતા. બક્ષીની નોવેલના હીરોની જેમ ‘ક્યાં’ની દિશામાં એક આકાર લુપ્ત થઈ ગયો!
આકાર, એટલે હેશ ટેગ બક્ષી.

આપણ વાંચો:  આંખનું કાજલ ગાલે ઘસ્યું અખો થયો અખા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button