હેં… ખરેખર?!: માનવ સહવાસ વગર 33 વર્ષ નિર્જન ટાપુમાં વસવાટ

- પ્રફુલ શાહ
નામ Mauro morandi. હા, માઉરો મોરાંદી. દેખીતી રીતે એકદમ સાધારણ, સજ્જ અને સામાન્ય માનવી. કોઈ તકલીફ નહીં પણ વિચારવંત ને સંવેદનશીલ ખૂબ જ. આને લીધે બની ગયા એકદમ હટકે અને વિશિષ્ટ. આ માઉરોભાઈ 33 વર્ષ એક જ સ્થળે રહ્યા. એ પણ એક ટાપુ પર. આમાં કંઈ ખાસ ન લાગે પણ સાવ એકલા રહ્યા. ન પરિવાર, ન દોસ્ત. આવું શા માટે જીવ્યા? કેવી રીતે રહી શક્યા? કારણ શું હતા?
દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં આશ્રયસ્થાન તરીકે વપરાતા ઈટાલીના સાર્ડિનિયા પાસેના બુડેલી નામના ટાપુ પર મોરાંદી જંગલી પંખી અને પંખીઓના સહવાસમાં રહ્યા હતા. ત્યાં શા માટે ગયા? તેઓ ભયંકર હદે વધી રહેલા ક્ધઝયુમરિઝમ (ગ્રાહકવાદ) અને અસહ્ય બનતા જતા સમાજથી કંટાળી ગયા હતા. આથી તેઓ 1989માં દરિયાઈ માર્ગે પોલેનેશિયા જઈ રહ્યા હતા. જે કેટામરાનમાં નીકળ્યા હતા એ ખોટવાઈ જતાં તેઓ નજીકના બુડેલી ટાપુ પર રહેવા જતા રહ્યા. એની પાછળનું મૂળ કારણ સમાજથી દૂર રહેવાની અદમ્ય ઈચ્છા.
અલબત્ત, બુડેલી ટાપુ પર રહેવાનું જરાય આરામદાયક કે સુખદાયક નહોતું. એક જમાનાના શેલ્ટર તરીકે ત્યજી દેવાયેલા ટાપુ પર જેવું તેવું કાચું ઘર બનાવી લીધું. હવામાન અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તેમણે સોલાર એનર્જી સિસ્ટમ બનાવી. એક સામાન્ય ચુલા થકી તેઓ ઘરમાં ગરમાવો રાખતા હતા.
તથાકથિત સમાજથી દૂર રહેવા માટે એકલા રહેવાનું પસંદ કરનારા માઉરો મોરાંદીએ ટાપુના કેરટેકર એટલે કે રખેવાળની નોકરી કરી લીધી. તેમની જવાબદારી આખા ટાપુને સાફ રાખવાની અને એના પર્યાવરણની જાળવણી કરવાની હતી. આ કામ એમણે ખૂબ ધગશ, મહેનત, આનંદ અને ઉત્સાહ સાથે કર્યું.
આ બધા વચ્ચે માઉરો રહે સાવ એકલા-અટુલા. કોઈ સાથે ન સંબંધ, ન વાતચીત. તેઓ પોતાને નસીબદાર માનતા હતા કે બુડેલીનો રખેવાળ નિવૃત્તિને આરે હતો એટલે એ નોકરી પોતાને મળી ગઈ. તેઓ પંખીને જુએ, પ્રાણીઓ સાથે રમે. ટાપુને સાફ-સ્વચ્છ રાખવાની કામગીરી નિભાવતા જાય. સાથોસાથ ટાપુ પર આવનારા પર્યટકોને પર્યાવરણ વિશે સમજાવે, જાગૃત કરવા પ્રયત્નશીલ રહ્યા.
માઉરો મોરાંદીને નહોતી બહારની ધમધમાટ કરતી દુનિયા યાદ આવતી કે નહોતી માનવીઓની ગેરહાજરી ખૂંચતી. તેઓ શાંતિ અને નિરવતાથી ટેવાઈ ગયા. કહો કે એને માણવા માંડ્યા હતા. પોતાને એકલા કે બિચારા નહોતા સમજતા. તેમને એકલતા ગમતી હતી, ખૂબ જ ગમતી હતી. એમના જીવનની આ ઘટમાળ સતત 32-33 વર્ષ ચાલતી રહી.
પરંતુ કોઈ ક્યાં કાયમી હોય છે કે કાયમ માટે ટકી રહે? 2021માં એમના જીવનમાં અણધાર્યો વળાંક આવ્યો. ઈટાલીની સરકારે બુડેલી ટાપુને નેચર પાર્ક જાહેર કરી દીધો. માઉરો મોરાંદીની ઈચ્છાનું ઈટાલીના અધિકારીઓ સામે બે ફદિયા ય ન ઊપજ્યા. તેને પોતાની 33 વર્ષની એકલાતાના સાથી સમાન બુડેલી ટાપુ છોડવો પડ્યો.
ત્રણ દાયકા ઉપરાંત લગભગ નિર્જન ટાપુ પર એકલા-એકાંકી રહેનારા 80 વર્ષનો પુરુષ આધુનિક સમાજમાં ફરીથી ગોઠવાઈ શકે? મોરાંદી ભૂતકાળમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. એમાંથી મળેલ નિવૃત્તિ ભથ્થામાંથી તેમણે સાર્ડિનિયાના લા મદાલેનામાં એક નાનકડું એપાર્ટમેન્ટ લીધું: ત્રણ દાયકાથી વધુ સમય કાચા ઘરમાં શાંત-સુખી જીવન વિતાવનારા માઉરોને કેવું લાગ્યું હશે? એમના જ શબ્દો આ બધાનો ક્યાં, ક્યારેય અંત આવે છે. એનું જીવતું જાગતું ઉદાહરણ હું પોતે છું. તમે કાયમ બધું ફરીથી શરૂ કરી શકો છો, પછી ભલેને ઉંમર 80 વર્ષથી વધુ હોય. કારણકે હજી એવી ઘણી બાબત હોય છે જે તમે અનુભવી શકો છો. હું ખુશ છું અને જીવન જીવવા અને આધુનિક સગવડોનો ફરીથી આનંદ માણી રહ્યો છું.
આ સુખ-સુવિધા વચ્ચે માઉરોને વધુ એક સુખદ સરપ્રાઈઝ મળી. 2021ના મે મહિનામાં નવા સ્થળ-ઘરમાં રહેવા ગયા બાદ યુવાનીના દિવસોની પ્રેમિકા મળી ગઈ. એટલું જ નહીં, માઉરોની સાથે રહેવા ય આવી ગઈ! માઉરોએ પોતાના ટાપુના જીવન પર પુસ્તક લખ્યું ને સોશ્યલ મીડિયા પર પણ અનુભવ-ફોટા મૂકતા રહ્યા, પરંતુ એક અકસ્માતને લીધે તેમને સસારીના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ અનોખા જીવે ઉત્તર ઈટાલીના મોડેનામાં અંતિમ શ્ર્વાસ લીધા.
પશ્ર્ચિમી મીડિયાએ માઉરો મોરાંદીને રોબિન્સન ક્રુઝો ગણાવ્યા. આમ તો કોઠાસૂઝ અને પ્રયાસો થકી પોતાની રીતે જીવન જીવનારા માનવીને રોબિન્સન ક્રુઝો ગણાવાય છે. હકિકતમાં ડેનિયલ ક્રુઝોની નવલકથા રોબિન્સન ક્રુઝોના મુખ્ય પાત્ર પરથી આ નામ આવ્યું છે. એનો નાયક જહાજ ડૂબી જવાથી વેનેઝુએલા અને ત્રિનિદાદના દરિયાના નિર્જન ટાપુ પર કેદીઓ, વિદ્રોહીઓ અને નરભક્ષીઓનો સામનો કરતાં કરતાં 28 વર્ષ વિતાવ્યા હતાં. આ કાલ્પનિક નાયકનો રેકોર્ડ વાસ્તવિક હીરોએ તોડી નાખ્યો એ કેવી રસપ્રદ બાબત?
આપણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ: કેથાર્સિસ એટલે રમત-સ્પર્ધા-સિનેમા મારફત આક્રમકતાનું શુદ્ધિકરણ



