ઉત્સવ

હવે દુર્ગાદાસની એક સાથે અનેક કસોટી થવાની હતી

વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ

(૧૨)
હવે દુર્ગાદાસની એક સામટી ક્ષમતાઓની કસોટીનો સમય આવી પહોંચ્યો હતો. વીરતા, સ્વામી-ભક્તિ, માતૃભૂમિ-પ્રેમ, વફાદારી, ધર્મ-પ્રેમ અને વતન-પ્રેમની પરીક્ષા શરૂ થવાની હતી. બદ્ધે બધી એક સાથે, ભયંકર જોખમ સાથે. આ ઉપરાંત પોતાના સર્વસ્વ સમાન મહારાજા જસવંતસિંહે વરસો પહેલાં કરેલી આગાહીને સાચી સાબિત કરવાની હતી. જસવંતસિંહની આ આગાહી આ રીતે શબ્દસ્થ થઇ-

લખિ દુર્ગા કે બદન પૈ,
ગિરત ધૂપ પ્રતિબિમ્બ
આપ નરાધપિ શ્રમઇતો,
કરત વ્યર્થ કિહિં કાજ
કઉ દિન દુર્ગા દેશ પૈ
છાયા કરહિ વિશેષ
જસવંત કહિયો જોય,
ઘર રખવાળો ગૂદડા
સાચી કીધી સોય,
આછી આસકરણ વત

અર્થાત્ આ દુર્ગાદાસ ખૂબ હોનહાર, પરાક્રમી છે. એક દિવસ આખા મારવાડનું એ છત્ર બનશે. એને છાયા આપશે. એ ઘરની મર્યાદાની રક્ષા કરનારો થશે. આસકરણનો પુત્ર આ સાચું ઠેરવશે.

મહારાજા જસવંતસિંહના અવસાનનો લાભ લઇને ઔરંગઝેબ કંઇ ખોટું પગલું ભરે, એ અગાઉ સાથી, સંબંધી અને વિશ્ર્વાસુઓએ બધો જરૂરી સરસામાન મોગલ સામ્રાજયના કાજી અને અમલદારોને સોંપી દીધો અને એના પર સહી-સિક્કા ય કરાવી લીધા. આમ છતાં થોડી અત્યંત અનિવાર્ય એવી સામગ્રી તાત્કાલિક ગુપ્ત પણે જમીનમાં દાટી દેવાઇ.

આ કપરો અને નાજુક સમય હતો. એક ખોટા પગલાંથી બધું ઊંધું ચત્તું થઇ શકે એમ હતું. મહારાજા જસવંતસિંહના દૂરંદેશીવાળા સાથીઓએ મારવાડમાં મહત્ત્વના અને વિશ્ર્વાસુ સાથીઓ અને સલાહકારોને પત્ર મોકલાવ્યો. ‘જો ઔરંગઝેબ કોઇ પણ પગલું ભરવા માટે જોધપુર પોતાના માણસો મોકલે તો સંપૂર્ણ શાંતિ રાખવી. કોઇ પ્રકારની લડાઇ કે ઘર્ષણના વગર એમને જોધપુરમાં પ્રવેશવા દેવા અને હા. એક ખાસ, યુદ્ધની જે તૈયારી થાય એવી મોગલ સામ્રાજયના માણસોને જરાય ગંધ આવવી ન જોઇએ.

બીજી તરફ દિલ્હીમાં મહારાજા જસવંતસિંહના વકીલ શામદાસને સંદેશો મોકલાવાયો કે જો ઔરંગઝેબ જોધપુર આપવા તૈયાર ન થાય તો અરજ કરતા રહેજો. એની સાથેના સંબંધ એકદમ મીઠા બનાવી રાખવા.

સમય અને સંજોગો એકદમ નાજુક હતા. મહારાજાને ગુમાવવાની વેદનાને દિલમાં ધરબી રાખીને સૌ પોતપોતાની ફરજ બજાવવામાં મચી પડયા હતા. જોધપુરના ગઢ પરથી મહારાજા સ્વર્ગવાસની ઘોષણા થઇ એ જ સમયે રાણી ચંદ્રાવતી સતી થઇ ગયા, બાકીના ચાર રાણી સતી ન થયા. ચોમેર વિષાદ અને નિરાશાનો માહોલ છવાઇ ગયો. મહારાજાના ઉત્તરાધિકારી વગર સ્વર્ગે સિધાવી ગયા હતા. એટલે રાજ ખટપટ, અરાજકતા અને અશાંતિના ભણકારા વાગવા માંડયા.

હજુ શોકનો સમય પૂરો થાય એ પહેલાં જ મોગલોએ પોત પ્રકાશ્યું. અજમેરના સૂબાનો સંદેશો આવી પહોંચ્યો કે હવે જોધપુર અને મેડતે ઉપર બાદશાહી શાસનનો સીધો અમલ થશે.

આ અપેક્ષિત હતો પણ આંચકો હતો જ, પરંતુ વ્યથિત થયા કે ઉશ્કેરાયા વગર સમજુ જનોએ જવાબ મોકલી દીધો. ‘દિલ્હીમાં અમારા રાજના વકીલ ઘટતું કરશે અને બાદશાહને અરજ કરશે. મહરાજાની બે પત્ની ગર્ભવતી છે અને ચાર મહિનામાં સંતાન જન્મ લેશે. ત્યાં સુધી આ વિષયને જૈસે થે રાખવા વિનંતી, નહિતર આ વતન અમારા મસ્તક સાથે છે, મસ્તક પર છે.’

આ એક રીતે બાદશાહ ઔરંગઝેબ માટે ગર્ભિત ધમકી હતી. આનું પરિણામ શું આવે તે બધા બરાબર જાણતા હતા. કોઇ એક જણ ઉતાવળમાં બધુ બગાડી ન નાખે એટલે આગળની કાર્યવાહી નક્કી કરવા માટે નવ મહાનુભાવોની સમિતિ બનાવાઇ.

પરંતુ બધા ઔરંગઝેબની તાકાત અને મેલી મુરાદથી સુપેરે પરિચિત હતા. મોગલો તાત્કાલિકપણે મારવાડ હડપ કરી લેવા માગતા હતા. એ સ્પષ્ટ થઇ ગયું. આ સાથે જ પ્રજાએ માથે હાથ મૂકીને પોક મૂકવાને બદલે લડી લેવાની તૈયારી આરંભી દીધી. હજારો અસ્વાર અને પગપાળા સૈનિકો જોધપુર પહોંચી ગયા. ઠેર-ઠેર સૈનિકો અને તોપ તહેનાત થઇ ગયા.

આની ખબર ઔરંગઝેબ સુધી પહોંચ્યા વગર રહે? તેણે તપાસ કરાવી તો વાત સાચી નીકળી. હવે ઔરંગઝેબે દેશભરમાંથી શાહજાદા અકબર સહિતના સૂબાઓને બોલાવીને દશ હજાર અશ્ર્વ-સવાર અને મોટી સેનાને જોધપુર માટે રવાના કરી. મોગલ સેના એક ઘાને બે કટકા કરવાના મિજાજમાં હતી. એમની લોહી અને લૂંટફાટ લલચાવતા હતા, પરંતુ નિયતિ એ કંઇક અલગ નક્કી કર્યું હતું, જેમાં દુર્ગાદાસ રાઠોડે મેઇન હીરો બનવાનું હતું. (ક્રમશ:) ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો