ઉત્સવ

નીતીશકુમારની આ તે કેવી ઘૃણાસ્પદ ચેષ્ટા…

એક જાહેર સરકારી કાર્યક્રમમાં ખુદ બિહારના મુખ્ય પ્રધાને એક મુસ્લિમ મહિલાનો બુરખો દૂર કરવાની જે હરકત કરી એને કારણે જબરો રાજકીય ઊહાપોહ મચી ગયો છે… એથી વિશેષ સત્તાધારી અને સહયોગી પક્ષો જે રીતે નીતીશકુમારનો આંધળો બચાવ કરે છે એ વધુ લજ્જાસ્પદ છે… બીજી તરફ વિપક્ષો કહે છે કે નીતીશે આ પ્રમાણે કોઈ હિંદુ સ્ત્રીનો ઘૂમટો ઉઠાવવાની હિંમત સુદ્ધાં કરી હોત ખરી?

કવર સ્ટોરી – વિજય વ્યાસ

પટણામાં સરકારી ‘આયુષ’ સંસ્થા માટે ડૉક્ટરોને નિયુકત કરવાના એપોઈન્ટમેન્ટ લેટર આપવાના કાર્યક્રમમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કરેલી કુચેષ્ટાએ ભારે આક્રોશ પેદા કરી દીધો છે.

એ સમારંભમાં એક મુસ્લિમ ડૉક્ટર હિજાબ પહેરીને નિયુક્તિ પત્ર લેવા આવી હતી. ત્યારે નીતીશે તેનો બુરખો ખેંચીને તેનો ચહેરો ખુલ્લો કરી દીધો ને કંઈક કહ્યું. નીતીશનો બુરખો ખેંચવા પાછળ શું ઈરાદો હશે એ કોઈને ખબર નથી. નીતીશનો કોઈ ખરાબ ઈરાદો ના હોય એ શક્ય છે, પણ એક મુખ્યપ્રધાન કક્ષાની વ્યક્તિ જાહેરમાં આ પ્રકારની ચેષ્ટા કરે એ શોભાસ્પદ ના જ કહેવાય.

બુરખો ખેંચવાની વાત છોડો, પણ નીતીશે કોઈ છોકરીને સ્પર્શ પણ ના કરવો જોઈએ, પણ વધુ આઘાતજનક એ વાત છે કે ભાજપ અને જેડીયુના નેતાઓ નીતીશના બચાવમાં કૂદી પડ્યા છે, જ્યારે વિપક્ષો નીતીશના માથે માછલાં ધોઈ રહ્યા છે. નીતીશની આ નામોશીભરી હરકતને લઈને અહીં રાજકીય જંગ જામ્યો છે.

આ જંગમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કરેલાં નિવેદનોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ગિરિરાજે સાવ હલકી કક્ષાનાં નિવેદનો કરીને પોતાની છિછરી માનસિકતા તો છતી કરી પણ સાથે સાથે ભાજપના નેતાઓ રાજકીય ફાયદા માટે મહિલાના આત્મગૌરવને પણ ગણકારતા નથી કે તેમને જાહેરમાં ઉતારી પાડતાં પણ ખચકાતા નથી એ પણ છતું કરી દીધું.

ગિરિરાજ સિંહે નીતીશના બચાવની આગેવાની લીધી છે. નીતીશે કશું ખોટું કર્યું નથી એવી રેકર્ડ વગાડ્યા કરતા ગિરિરાજે એવી વાહિયાત દલીલ કરી કે, ભારત મુસ્લિમ રાષ્ટ્ર નથી કે ડૉ. પરવીન બુરખો પહેરીને આવી હતી. આ ઘટનાથી આઘાત પામેલી ડૉ. નુસરત પરવિન સરકારી નોકરી નથી લેવાની એવો સવાલ પૂછાતાં ગિરિરાજે એવો હલકી માનસિકતાને છતી કરતો જવાબ આપીને ચાલતી પકડી કે, ‘વો રીફ્યુઝ કરે યા જહન્નુમ મેં જાયે…!’

ગિરિરાજની આવી દલીલ બુદ્ધિહીનતાની ચરમસીમા જેવી છે અને ‘ડૉ. પરવિન જહન્નુમમાં જાય…’ એ જવાબ અત્યંત આઘાતજનક છે. ભાજપના નેતા ભારતીય સંસ્કૃતિની વાતો કરે છે ને એક દીકરીને જહન્નુમમાં જવાની વાતો કરે છે. ગિરિરાજની ઉંમર 72 વર્ષ છે ને પોતાની પૌત્રીની ઉંમરની 22 વર્ષની છોકરી માટે આવી ગલીચ ભાષા નીચ માનસિકતા ધરાવતી વ્યક્તિ જ વાપરી શકે. ડૉ. નુસરતને નોકરી લેવી કે ના લેવી એ નક્કી કરવાનો અધિકાર છે. આ અધિકારનો ઉપયોગ કરે તેમાં જહન્નુમમાં જવાની વાત ક્યાંથી આવી?

બીજું એ કે, ડૉ. પરવીનના બુરખા પહેરવાને ભારત મુસ્લિમ રાષ્ટ્ર છે કે નહીં તેની સાથે શું લેવાદેવા? આ દેશમાં કરોડો મુસ્લિમ સ્ત્રીઓ બુરખો પહેરે છે કેમ કે ભારતમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ નથી. આ દેશનું બંધારણ, આ દેશનો કાયદો તેમને બુરખો પહેરવાની છૂટ આપે છે ને કોઈ તેમનો આ અધિકાર ના છિનવી શકે. નુસરત આ દેશની દીકરી છે, આ દેશની નાગરિક છે ને બુરખો પહેરીને તેણે કશું ખોટું કર્યું નથી કે કોઈ કાયદો તોડ્યો નથી.

બીજી તરફ ડૉ. નુસરત બુરખો પહેરીને આવી એ અંગે સલામતીનાં કારણોસર વાંધો ચોક્કસ ઉઠાવી શકાયો હોત , પણ એવો વાંધો હતો તો સીક્યુરિટી સ્ટાફની કોઈ મહિલાને બુરખો ન હટાવી શક્યા હોત… એમાં નીતીશ કુમારે જાતે બુરખો દૂર કરવાની શું જરૂર હતી? બીજું, ગિરિરાજ સહિતના નીતીશની દલાલી કરતા નમૂનાઓને એ વાતની ખબર હોવી જોઈએ કે, આ દેશમાં કોઈ પણ મહિલાને તેની મરજી વિના સ્પર્શ કરવો પણ અપરાધ છે અને આ કાયદો નીતીશને પણ લાગુ પડે છે. નીતીશ મુખ્યપ્રધાન છે એટલે તેમને મનફાવે એ રીતે વર્તીને કોઈ દીકરીનો બુરખો ખેંચવાની છૂટ નથી મળી જતી.

ભાજપના પ્રધાનો એવાં નિવેદનો કરે છે કે, ભારત ઈસ્લામિક રાષ્ટ્ર નથી તેથી જાહેર કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ બુરખો પહેરીને આવે એ ના ચાલે. સવાલ એ છે કે, ભારત સરકારમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની હિંમત છે ખરી ? દુનિયાના ઘણા દેશોએ સલામતીનાં કારણોસર બુરખા પર પ્રતિબંધ મૂક્યો છે.

ભાજપ સરકાર પણ એ કરી શકે પણ એવું કરતી નથી કેમ કે ભાજપને બુરખા પર પ્રતિબંધમાં નહીં પણ તેના નામે ચરી ખાવામાં રસ છે. મતદાન વખતે કે બીજે પણ ઘણી હિંદુ સ્ત્રીઓ ચહેરો ના દેખાય એટલો લાંબો ઘૂમટો તાણીને આવે જ છે ત્યારે ગિરિરાજ સહિતના નેતાઓને એક એ પણ સવાલ છે કે, કોઈ હિંદુ સ્ત્રી ઘૂમટો તાણીને આવી હોય અને કોઈ વિપક્ષી નેતાએ તેનો ઘૂમટો ખેંચીને મોં ખુલ્લું કરી દીધું હોત તો પણ ભાજપના નેતા તેનો બચાવ કરતા હોત ખરા?

આવા તો ઘણા કિસ્સા છે. કુશ્તીબાજ દીકરીઓના બ્રિજભૂષણ સિંહ શરણ દ્વારા થયેલા જાતીય શોષણના મુદ્દે પણ ભાજપની આ માનસિકતા છતી થયેલી ને રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને આંખ મારી હોવાના સાવ ખોટ્ટા દેકારામાં પણ આ માનસિકતા છતી થયેલી.

રાહુલ ગાંધીએ કશું કર્યું નહીં હોવા છતાં સ્મૃતિ ઈરાનીને આંખ મારી એવો સાવ ખોટો દેકારો ભાજપે મચાવી દીધેલો. રાહુલને લંપટ સાબિત કરવા માટે ભાજપની માનનીય મહિલા સાંસદો પણ મેદાનમાં આવી ગયેલી. એ જ મહિલા સાંસદો બ્રિજભૂષણની ને હવે નીતીશની હરકત વિશે પણ મૌન છે.. આ ક્યાં ભારતીય સંસ્કાર છે, કઈ ભારતીય સંસ્કૃતિ છે તેની ભાજપને જ ખબર…

જાણો છો, સંખ્યાબંધ દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે?

અનેક દેશોમાં હિજાબ અથવા બુરખો પહેરવા પર પ્રતિબંધ છે. યુરોપમાં ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેન્માર્ક, સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ્સમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં બુરખો પહેરીને નીકળી શકતી નથી. આ દેશોના કાયદા પ્રમાણે, કોઈ પણ વ્યક્તિનો ચહેરો બિલકુલ ઢંકાયેલો ના હોવો જોઈએ. આ સિવાય આફ્રિકાના કેમરૂન, ચાડ, કોંગો. ગેબોનમાં પણ બુરખો પ્રતિબંધિત છે. ચીનના શિનજિયાંગ પ્રાંત, તઝાકિસ્તાન અને શ્રીલંકા સહિતના એશિયન દેશોમાં પણ બુરખો પ્રતિબંધિત છે.

દુનિયામાં બુરખાને પ્રતિબંધિત કરનારો પહેલો દેશ હતો ફ્રાન્સ. ફ્રાન્સે ઉપરાછાપરી આતંકવાદી હુમલાને પગલે 2010માં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે મુસ્લિમોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પણ ફ્રાન્સની સરકાર પોતાના નિર્ણયને વળગી રહી તેથી વિરોધ ઠંડો પડી ગયો. શ્રીલંકાએ પણ કોલંબોના ચર્ચ સહિતનાં સ્થળે ભીષણ આતંકી હુમલાને પગલે બુરખા પર પ્રતિબંધ મૂક્યો છે.

આમ યુરોપના મોટા ભાગના દેશોમાં બુરખા પરના પ્રતિબંધ માટે સલામતીનું કારણ અપાયું છે. હિજાબ પહેરેલી વ્યક્તિની માત્ર આંખો દેખાતી હોય છે તેથી એ ખરેખર સ્ત્રી છે કે પુરુષ એ નક્કી કરવું મુશ્કેલ હોય છે. આતંકવાદીઓ તેનો ફાયદો ઉઠાવીને હુમલો કરી નાંખે તો મોટી તારાજી થઈ જાય તેથી બુરખા પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ચીન સહિતના દેશોમાં બુરખા પર પ્રતિબંધ માટે સેક્યુલારિઝમ અને રાષ્ટ્રીય એકતાનું કારણ અપાય છે. બુરખો પહેરનારી મુસ્લિમ સ્ત્રીઓ બીજાં બધાંથી અલગ તરી આવે છે તેથી રાષ્ટ્રીય એકતા પ્રબળ ના બને એવું આ દેશો માને છે. બુરખાને સ્ત્રીઓ પરના દમનના પ્રતીક તરીકે જોવામાં આવે છે તેના કારણે પણ તેના પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી : રશિયા-ભારત કરાર… મોદીનો ટ્રમ્પને તમાચો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button