લાંબા- સ્વસ્થ જીવન માટે સૌ દોડી જાય છે નિકોયા

હેં… ખરેખર?! – પ્રફુલ શાહ
Nicoya Peninsula. હા, આ નિકોયા દ્વીપકલ્પનું નામ સાંભળ્યું છે ખરું? કોસ્ટા રિકાના આ સ્થળે વિશ્ર્વભરમાંથી ઘણાં લોકો ફરવા અને વધુને વધુ રહેવા જાય છે. શા માટે? લાંબું જીવવા, સ્વસ્થ જીવવા. આજના જમાનામાં એવું તે નવીનતાવાળું શું છે નિકોયા દ્વીપકલ્પમાં?
સેન્ટ્રલ અમેરિકાનો દેશ કોસ્ટા રિકા ભૌગોલિક રીતે અમેરિકાથી ઝાઝો દૂર નથી. પરંતુ લાંબી આયુષ્ય-રેખામાં એ મહાસત્તા નંબર વનથી ઘણો આગળ છે. આ કેરેબિયન દેશ આર્થિક રીતે ઠીકઠાક છે. સાથોસાથ ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જાણીતો છે. આવું શક્ય બન્યું જીવનશૈલીથી. એકદમ સરળ, સહજ અને કુદરતી જીવનથી.
આજે સૌ નિકોયાની જીવનશૈલીથી નવાઈ પામે છે, આકર્ષાય છે. પરંતુ આપણે પોતાની ચાર-પાંચ જૂની જીવનશૈલીને યાદ કરીએ તો નિકોયામાં ખાસ નવું નથી. પરંતુ આપણે કથિત આધુનિકતા પાછળની આંધળી દોટમાં સારી વાતોને છોડી દીધી છે, સાવ ભૂલી ગયા છે. આથી આપણેય નિકોયા શૈલી જાણવા, સમજવા અને અપનાવવાની તાતી જરૂર છે.
શબ્દોના સાથિયા ચિતરવા અને વાતોના વડા કરવાને બદલે થોડી આંકડાલક્ષી હકીકત જોઈએ. 2024માં હાથ ધરાયેલા એક અભ્યાસમાં કોસ્ટા રિકાના 60 વર્ષથી ઉપરની ઉંમરના 2827 નાગરિકોનું નિરીક્ષણ કરાયું હતું. નિષ્કર્ષમાં બહાર આવ્યું કે આ લોકો નિષ્ઠાપૂર્વક પારંપારિક ડાયેટ (ખાદ્ય-શૈલી)નું પાલન કરે છે. આને લીધે સમય કરતા વહેલા મરી જવાનું જોખમ 18 ટકા ઘટી જાય છે. આ પ્રજા માત્ર ખાણીપીણીને જ મહત્ત્વ નથી આપતી પરંતુ જીવનશૈલી એકદમ શાંત, સંતુલિત અને કુદરતી રાખે છે.
નિકોયાની જ વાત કરીએ તો અહીંના પાણીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર છે. આનાથી હાડકાં મજબૂત બને છે અને હૃદયરોગથી દૂર રહેવાય છે. આ લોકો એ.સી. રૂમમાં ભરાઈને ટીવી, લૅપટોપ કે મોબાઈલોમાં ડોકું ઘુસાડી દેવાને બદલે વધુને વધુ સમય તડકામાં રહે છે. ખુલ્લા વાતાવરણમાં સક્રિય રહેવાને તેઓ પ્રાધાન્ય આપે છે.
યાદ કરો કે થોડા વર્ષ અગાઉ ગામના ખેતર, પાદર, જંગલ કે બગીચામાં રખડપટ્ટી અથવા શહેરમાં દરિયા કિનારા, ગાર્ડન કે મેદાનમાં થતી મસ્તી હવે એ બધુ ટીવી, મોબાઈલ ફોને આંચકી લીધું છે જેની આકરી કિંમત આપણે ચૂકવી રહ્યાં છીએ. આ બધું ફરી શરૂ કરવાનું મુશ્કેલ કે ખર્ચાળ નથી પણ એની અક્કલ લાવવી ક્યાંથી?
અહીંના નાગરિકો અમેરિકનોથી સરેરાશ દસ વર્ષ વધુ જીવે છે ને આપણે અમેરિકન સ્ટાઈલનું આંધળું અનુકરણ કરીએ છીએ! આ નિકોયા દુનિયાના પાંચ બ્લુ ઝોનમાંનો એક છે. બ્લુ ઝોન એટલે ખાનપાન અને જીવનશૈલીને પ્રતાપે વધુ જીવતા લોકોનો વિસ્તાર. અહીં પેઢીઓથી કુદરતી અને પારંપારિક ભોજન પદ્ધતિ જાળવી રખાયેલી છે.
આ લોકોના ભોજનની સૌથી મોટી અને તાત્કાલિક અપનાવવા જેવી બાબત છે કૃત્રિમ પદાર્થો, રસાયણ કે એડિટિવ્સની સંપૂર્ણ બાદબાકી.
આ લોકોનો મુખ્ય ખોરાક ‘ગોલ્ડન ટ્રાયો’ તરીકે ઓળખાય છે. આ ‘સોનેરી ત્રિપુટી’ વળી શું છે? મકાઈ, શાકભાજીના લીલાદાણા (દા.ત. તુવેર, વટાણા, રાજમા, ચોળી, સોયાબીન દાણા) અને સ્કવૉશ (નહિવ્ત પાણી સાથેનો ફળોનો રસ.) આ ત્રણેયના સેવનથી શરીરને પ્રમાણસર પ્રોટીન, ફાયબર અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. માંસને બદલે આ લોકો એવાકાડો, તાજા ફળ અને શાકભાજી પર પસંદગી ઉતારે છે.
આરોગ્યપ્રદ અને પોષણક્ષમ ખાણીપીણી સાથે પોઝિટિવીટી અને સક્રિયતાને ય ખૂબ પ્રાધાન્ય અપાય છે. અહીંના સદીવીર જીવનમાં ધ્યેયને ખૂબ મહત્ત્વ આપે છે. તેઓ પોતાને સમાજ-કુટુંબ માટે જરૂરી હોવાનું સાબિત કરતા રહે છે અને સૌથી બહેતરીન માટે સતત કંઈને કંઈ પ્રદાન કરતા રહે છે. તેઓ પરિવારને અત્યંત મહત્ત્વ આપે છે. સો વર્ષ પૂરા કરી ચૂકેલા વડીલો દીકરા, પૂત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓની સંગત પસંદ કરે છે. સાથોસાથ પાડોશીઓ સાથે હળવામળવાનું ચૂકતા નથી. હસતા રહેવાનું, સંગીત સાંભળવાનું અને ખાસ તો પોતાની પાસે જે છે એનું માન કરવાનું- ગૌરવ અનુભવવું એ એમની રગેરગમાં વહે છે.
સો વર્ષ થઈ ગયા એટલે ઘરનો સોફો પકડી લેવાનું કે ‘ભગવાન- ભગવાન’ની માળા ફેરવતા બેસવાને બદલે શારીરિક રીતે સક્રિય રહે. થઈ શકે એટલું અને એવું કામ અવશ્ય કરે. આ બધાને પ્રતાપે જીવનમાં તાણ, હતાશા કે નિરાશા માટે અવકાશ રહેતો નથી.
નિકોયામાં સૌથી વધુ જીવતા દંપતી જોવા મળશે. શા માટે? તેઓ પ્રેમ કરવાનું ભૂલતા નથી, છોડતા નથી. અહીં 91 વયનાં કેલેમેન્ટીના એસ્પિનોમા 100 વર્ષના પતિ આંખ બંધ કરીને બેઠા હોય, ત્યારે એમના કપાળ પર ચુંબન કરવાનું ચૂકતા નથી.
આવક બહુ વધુ ન હોય છતાં શાંતિ, સુખ અને સ્વાસ્થ્ય કેમ મેળવવા-જાળવવા એ નિકોયાવાસીઓ જાણે છે, સમજે છે, સ્વીકારે છે અને અપનાવે છે.
ઘરમાં દાદા, દાદી, નાના કે નાની સાથે નિકોયાની વાત કરજો. બોખા મોઢે જવાબ મળશે કે અમે તો એવું જ જીવતા હતા. ગામમાં પણ તમે શહેરમાં લાવીને બધું છોડાવી દીધું હો બેટા.
આ પણ વાંચો…હેં… ખરેખર?!: અલ્લાઉદ્દીન ખિલજીએ શ્રી રંગનાથ સ્વામીની લૂંટેલી મૂર્તિ કેમ પાછી આપી?



