નવો પ્રસંગ… નવાં કપડાં

જૂઈ પાર્થ
‘મોમ, સમ્યકનાં લગ્નમાં હું શું પહેરું?’ દિવ્યાએ મમ્મીને પૂછ્યું.
‘બેટા સાગરનાં લગ્નમાં તે જે નવાં ચણિયાચોળી લીધાં હતાં ને એ પહેરી લે, કેટલાં સુંદર છે. એ કેસરી રંગ તને બહુ સરસ લાગે છે. મારી દિવ્યા કેસરિયા રંગે કેવી બ્યૂટીફુલ લાગે તને એ ચણિયાચોળીમાં જોઈને તરત તારા માટે માંગું આવશે. અને પછી તો તારા લગ્ન નક્કી થશે, તૈયારીઓ ચાલશે, વહેવાર-ખરીદી-પ્લાનિંગ ઓ માય ગોડ!’
શું પહેરુંના સવાલથી દીકરીનાં લગ્નની તૈયારીઓનાં દિવાસ્વપ્નમાં ખોવાયેલી માલિની પર દિવ્યા તડૂકી.
‘અરે મોમ, તને બસ મારા લગન જ દેખાય છે આખો દિવસ! સાગરનાં લગ્નવાળા ચણિયા-ચોળી હું રિપીટ નથી કરવાની.’
માલિનીએ ફરી એને સમજાવાનો પ્રયત્ન કર્યો :
‘બેટા, આટલાં મોંઘાં કપડાં ફરી પહેરવાં તો પડે ને? એકવાર પહેર્યા એટલે બીજીવાર નહીં પહેરવાનાં? આ ભારે કપડાનાં ઢગલા તો જો પૈસાની બરબાદી ઉપરથી કોઈના કામમાં ના આવે, જગ્યા રોકે અને એમાંય પાછી સાચવી રાખવાની જવાબદારી.’
આ બાજુ દિવ્યા મક્કમ હતી :
‘મોમ અત્યારનાં કલ્ચરની તને સમજ ના પડે. મારી કોઈ ફ્રેન્ડ્સ રોજિંદા કપડાં પણ રિપીટ નથી કરતી અને હું વેડિંગ ફંક્શનમાં એકનાં એક કપડાં ફરી પહેરું? તું કઝિન્સમાંથી જેને મારા કપડાં થાય એને આપી દે જે. હું તો રિપીટ નહીં જ કરું! બાય, હું નવા ચણિયા-ચોળી લેવા જઉ છું, તું આવે છે મારી સાથે?’
આમ નવા કે એકાદવાર પહેરેલાં ડ્રેસ હોવા છતાં દિવ્યા એક વધુ નવાં ચણિયા-ચોળી લેવા ગઈ એ પણ લગ્નપ્રસંગે પહેરાય એવા ભારે માંહ્યલા! આ નવાં વસ્ત્રો પણ કદાચ એક કે બે વાર પહેરાશે અને પછી કબાટમાં, માળિયામાં કે પછી પેટી પલંગમાં સ્થાન પામશે. પાછું એમાં જીવાત ના થાય એટલે ડામરની ગોળીઓ પણ મુકાશે. દર પ્રસંગે આવાં સાચવીને મૂકેલા કપડાં યાદ આવશે, એ કેવા સરસ છે એની ચર્ચા પણ થશે, પરંતુ છેવટે કોઈ બીજા પ્રસંગે ફરી પાછા નવા કપડાં અને એ જ સાઈકલ ચાલ્યા કરશે, દરેક પ્રસંગે ‘નવી ગિલ્લી – નવો દાવ.’
આપણામાંથી કેટલા લોકો આવું કરતાં હશે? ચોક્કસ આંકડો તો નહીં, પણ સંશોધકો થકી ખૂબ રસપ્રદ તારણ બહાર આવ્યા છે એ મુજબ લગભગ 16% એટલે કે છમાંથી એક યુવાનને એકનાં એક વસ્ત્રો-ડ્રેસ ફરી પહેરવા નથી ગમતાં. ત્રણમાંથી એક યુવતી કોઈ પણ ડ્રેસ એકથી ત્રણ વખત પહેરે તો તેને જૂનું માનવા લાગે છે. જેન ઝી વર્તુળમાં ઓનલાઈન શોપિંગ કરતાં પાછું મોકલવાનાં ઈરાદે વધુ પડતી ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે એ પણ સોશ્યલ મીડિયા માટે. આ જનરેશન એક ડ્રેસ સરેરાશ સાત વખત પહેરે છે.
અત્યારની મોંઘવારીમાં મધ્યમવર્ગની વાત કરીએ તો એક વર્ગ એવો છે જે ખૂબ કરકસરથી રહે તો પણ મહિનો પૂરો નથી થતો. બે ટંકનું ખાવાનું માંડ પહોંચાતું હોય ત્યાં નવાં કપડાં અને રિપીટ કરવા-ના કરવાનો વિચાર સુધ્ધાં નથી આવતો. અને સામે બીજો વર્ગ છે જે પણ કરકસરથી રહે છે તેમ છતાં કપડાં રિપીટ કરવામાં સમાધાન નથી કરતો. આ પ્રકારની ઘેલછા પાછળ અનેક કારણ જવાબદાર છે.
આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સતત તુલના અને ચડસાચડસી જોવા મળે છે. સમાજમાં બધા કરતાં વધારે સારા કે શ્રેષ્ઠ દેખાવું, આકર્ષક લાગવું, પ્રશંસા થવી, વગેરે પ્રત્યે લોકો સંવેદનશીલ બન્યા છે અને માટે એમને કોઈ પણ પ્રકારે અલગ તરી આવવું હોય છે. જો એક જ વસ્ત્રો રિપીટ કરે તો એનો પોતાની ઈમેજ પર નકારાત્મક પ્રભાવ પડશે એમ એ માને છે. સોશ્યલ મીડિયાનું દબાણ, દરેક પ્રકારની ફેશનનાં નવા કપડાં ખરીદવા, કે પછી જવલ્લે જ જોવા મળે એવું કારણ- કે જે તે ડ્રેસ પહેરીને એ સમયે અતિશય નકારાત્મક અનુભવ થયો હોય તો એ ફરી બીજીવાર પહેરવાનું મન નથી થતું. આવાં અનેક કારણોસર ભારે કે રોજિંદા એક ને એક કપડાં વારે વારે પહેરાતા નથી તેં એકવાર પહેરીને પડ્યા રહે છે અથવા તો બીજાને આપી દેવામાં આવે છે.
એકનાં એક કપડાં વારેવારે, બીજી-ત્રીજીવાર કે ક્યારેક રિપીટ ના કરવા એવું જેના મનમાં હોય છે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે નવું ખરીદવાનાં કે પહેરવાનાં સતત દબાણ હેઠળ રહે છે. આ દબાણના કારણે ચિંતા, હતાશા, ઉદાસીનતા, હરીફાઈ જેવી માનસિક સમસ્યાઓ સર્જાઈ શકે છે. સાથે મહેનતથી કમાયેલા રૂપિયાનો વ્યય થાય છે. આ પરિસ્થિતિમાં જૂનાં કપડાંને વિવિધ કોમ્બિનેશનનાં અલગ અલગ રીતે ઉપયોગમાં લેતા શીખી શકાય. ‘કપડાં રિપીટ કરી શકાય’ એ સ્થિતિને કોઈ નાનમ વિના સ્વાભાવિક રીતે સ્વીકારી શકાય. કેટલાક સેલિબ્રિટીઓ પણ કપડાં રિપીટ કરે છે એનું ઉદાહરણ પોતાનાં માટે લાગુ કરી શકાય. આમેય કહેવાય છે કે આપણી પાસે ગમે એટલા કપડાં-વસ્ત્રો ડ્રેસ હોય પણ છેવટે તો આપણે 80% કબાટમાં મૂકી રાખી 20% જ પહેરીએ છીએ…
બોલો, તમે શું કહો છો?
આપણ વાંચો: યે શાદી કભી નહીં હો સકતી, ક્યોં કી…



