કવર સ્ટોરી: ગુજરાતમાં નવું પ્રધાનમંડળ: નવું સોશ્યલ એન્જિનિયરિંગ

- વિજય વ્યાસ
આમ તો એવી કોઈ કટોકટી નહોતી કે ગુજરાતના પ્રધાનમંડળમાં કોઈ ફેરફાર કરવાની તાત્કાલિક જરૂર પડે. આમ છતાં, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શાસક પક્ષે ઓબીસી તેમ જ -પાટીદાર મતબૅંકને મહત્ત્વ આપી અત્યારથી પાણી પહેલાં પાળ બાંધી લઈને પ્રધાનમંડળની નવરચના કરી છે.
ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , કનુ દેસાઈ , કુંવરજી બાવળિયા , રિવાબા જાડેજા , અર્જુન મોઢવાડિયા
ગુજરાતમાં અંતે નવું પ્રધાનમંડળ રચાઈ ગયું. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા 26 પ્રધાનના આ પ્રધાનમંડળમાં ભાજપે નવા અને જૂના ચહેરાઓની સપ્રમાણ મિલાવટ-મિશ્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ માત્ર 38 વર્ષના હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીપદ અને ગૃહ મંત્રાલય જેવા અત્યંત વજનદાર મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે તો બીજી તરફ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, જીતુભાઈ વાઘાણી સહિતના ભાજપના જૂના જોગીઓને પણ મહત્ત્વનાં ખાતાં સોંપ્યાં છે.
નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી ગુજરાત ભાજપમાં અમિત શાહ અને આનંદીબહેન પટેલનું જૂથ વર્ચસ્વ માટે લડતું હતું. અમિત શાહે ક્રમશ : આનંદીબહેન પટેલ જૂથનો સફાયો કરી નાખ્યો પછી નરેન્દ્ર મોદીએ સંતુલન જાળવવા માટે સી.આર. પાટીલને ઊભા કરી દીધા. નવા મંત્રીમંડળમાં શાહ અને સી.આર. બંને જૂથ માટે વિન-વિન સિચ્યુએશન છે. પહેલાં આનંદીબહેન અને હવે અમિત શાહના કહ્યાગરા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તો સી.આર. પાટીલના આંગળિયાત હર્ષ સંઘવી ગૃહ મંત્રાલય સાથે નાયબ મુખ્યમંત્રી છે.
કૉંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને સાચવીને ભાજપે ફરી પ્રધાન બનાવ્યા છે તો ભાઈ પરસોત્તમ સોલંકીને પણ કશું નહીં કરતા હોવા છતાં પ્રધાનપદે ચાલુ રાખ્યા છે. અર્જુન મોઢવાડિયાને પણ મંત્રીપદ આપીને કૉંગ્રેસમાંથી ભાજપમાં આવવા ઈચ્છુકો માટે ગાજર લટકાવી દીધું છે. એકંદરે ભાજપે તેની સાથે સંકળાયેલા રાજકારણીઓના અલગ અલગ તબક્કામાં ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના નારાને અમલમાં મૂકવા પ્રયાસ કર્યો છે.
ભાજપે નવા મંત્રીમંડળની આખી ક્વાયત શું કરવા કરી એ સ્પષ્ટ નથી. મીડિયામાં જાત જાતનાં કારણો અપાય છે. કેટલાક પ્રધાનોની કામગીરી નબળી હતી તેથી તગેડી મુકાયા એવી વાત થાય છે તો બચુ ખાબડ સહિતના પ્રધાનો ભ્રષ્ટાચારમાં ખરડાયા તેના કારણે ઘરભેગા થયા એવા દાવા પણ થાય છે. આ દાવામાં દમ નથી કેમ કે ભાજપને નબળી કામગીરી કે ભ્રષ્ટાચાર કશાનો છોછ નથી. ભાજપને માત્ર ને માત્ર સત્તામાં રસ છે અને ગુજરાતનું નવું મંત્રીમંડળ પણ સત્તા જાળવી રાખવાના ઉદ્દેશથી બનાવાયું છે. ભાજપના હાઈકમાન્ડને મજબૂત નેતાઓ નથી ગમતા પણ કહ્યાગરા નેતાઓ ગમે છે ને એ વાતનું પણ પૂરું ધ્યાન રખાયું છે.
ભાજપ માટે અત્યારે સૌથી મોટો પડકાર સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘આમ આદમી’ પાર્ટીનો ઉદય છે. વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત પછી સૌરાષ્ટ્રના પાટીદારોને ‘આમ આદમી’ પાર્ટીના રૂપમાં ભાજપનો વિકલ્પ મળ્યો હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે. ‘આપ’માં ગોપાલ ઈટાલિયા સિવાય બીજા કોઈ નેતા દેખાતા નથી., પણ ભાજપ પાણી પહેલાં પાળ બાંધવા માગે છે તેથી અત્યારથી સૌરાષ્ટ્ર-કચ્છના પાટીદારોને મનાવવાની ક્વાયત શરૂ કરી છે તો બીજી તરફ, પાટીદારો ભાજપ સાથે ના રહે તો શું કરવું તેનો બંદોબસ્ત પણ થઈ રહ્યો છે.
ભાજપનું નવું પ્રધાનમંડળ આ બંદોબસ્તનો પુરાવો છે કેમ કે ભાજપ આ પ્રધાનમંડળની રચનામાં તેના નવા સોશ્યલ એન્જિનિયરિંગ સમીકરણો અમલમાં મૂક્યાં છે. ભાજપનાં નવાં નવા સોશ્યલ એન્જિનિયરિંગ સમીકરણોમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેન્દ્રસ્થાને છે તેથી સત્તાસ્થાને બેસનારા લોકોની પસંદગીમાં ભાજપ હવે ઓબીસીને વધારે પ્રાધાન્ય આપે છે. ગુજરાતના નવા પ્રધાનમંડળમાં એ જ કરવામાં આવ્યું છે અને 8 ઓબીસી નેતાને પ્રધાન બનાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પાટીદાર છે અને બીજા સાત પ્રધાન પણ પાટીદાર છે તેથી પાટીદારોને સાવ કોરાણે નથી મુકાયા, પણ વાણિયા- બ્રાહ્મણોની બાદબાકી કરવામાં આવી છે એવું ચિત્ર સ્પષ્ટ ઉપસે છે.
એક સમયે ભાજપની છાપ સવર્ણોના પક્ષ તરીકેની હતી. ભાજપ વાણિયા- બ્રાહ્મણ -પટેલ અને ક્ષત્રિયો એ ચાર સવર્ણ મનાતી જ્ઞાતિઓનો જ પક્ષ મનાતો હતો. ભાજપના શરૂઆતના સમયના નેતાઓની યાદી પર નજર નાખશો તો આ વાત સાચી જ લાગશે. ભાજપે 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં સોશ્યલ એન્જિનિયરિંગના ભાગરૂપે હિંદુઓની એકતાની ફોર્મ્યુલા અપનાવી ત્યારે સૌથી પહેલાં દલિતોને પોતાની તરફ વાળવાની ક્વાયત આદરી હતી.
ગુજરાતમાં અડધાથી વધારે મતદારો દલિતો અને સવર્ણ સમુદાયના છે તેથી ભાજપે ગુજરાતમાં ઝડપભેર પ્રગતિ કરી અને 1995માં તો ગુજરાતમાં ભાજપ સત્તામાં આવી પણ ગયો હતો.
ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે મોદીની કટ્ટર હિંદુવાદીની ઈમેજ પર દાવ ખેલ્યો હતો. આ દાવ ફળ્યો પછી ભાજપે આદિવાસીઓને પોતાની તરફ વાળવાના પ્રયત્નો શરૂ કરેલા. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી ભાજપને લાગ્યું કે, સૌથી મહત્ત્વની મતબેંક તો ઓબીસીની છે. ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતદારોની નારાજગીના કારણે ભાજપને 30 બેઠકનો ફટકો પડી ગયો ને તેના કારણે સ્પષ્ટ બહુમતીમાં 32 બેઠકની ઘટ પડી એટલે ભાજપે ઓબીસી મતબેંકને મહત્ત્વ આપવા માંડ્યું છે.
ગુજરાતમાં એ જ ફોર્મ્યુલા અપનાવીને હમણાં ઓબીસી ધારાસભ્યોને પ્રધાનપદોની લહાણી કરવામાં આવી છે. ગુજરાતમાં ઓબીસી મતબેંક મોટી છે તેથી 2027માં તેના જોરે ભાજપની નૈયા પાર થઈ જશે એવું હાઈકમાન્ડને લાગે છે. આ માન્યતા સાચી પડે એવી પ્રબળ શક્યતા છે, પણ સામે ઓબીસીને વધારે મહત્ત્વ આપવામાં સવર્ણો વંકાઈ જાય એ ખતરો પણ છે. 2017ની ચૂંટણીમાં પાટીદારો વંકાયા તેમાં ભાજપ માંડ માંડ સત્તા ટકાવી શકેલો. આ વખતે ભાજપે પાટીદારો નારાજ ના થાય તેનું અત્યારથી ધ્યાન રાખ્યું છે તેથી 2017 જેવી સ્થિતિ ના સર્જાય એવું બને , પણ ‘ચેતતા નર સદા સુખી’ એ હિસાબે ભાજપે અત્યારથી ગોઠવણ કરી દીધી છે.
ભાજપને વાણિયા- બ્રાહ્મણ- ક્ષત્રિયો વગેરે સવર્ણોની ચિંતા નથી કેમ કે આ મતદારો બીજે ક્યાંય જવાના નથી એવું ભાજપને લાગે છે. જ્યારે ઓબીસી કે બીજા સમુદાયો જેવી એકતા સવર્ણ સમુદાયોમાં નથી તેથી પણ ભાજપ નચિંત છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : સ્વદેશી ’ ઝુંબેશ વાત – વિચાર સારા, પણ…
સી.ડી. પટેલ પછી ગુજરાતને 30 વર્ષે ફુલટાઈમ ગૃહ મંત્રી મળ્યા!
ગુજરાતમાં લાંબા સમયથી ગૃહ મંત્રાલય મુખ્યમંત્રી પાસે જ રહેતું. મુખ્યમંત્રીના હાથ નીચે રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હોય પણ ગૃહ ખાતાના કેબિનેટ મંત્રી મુખ્યમંત્રી જ હોય એવું બનતું. આ વખતે એ પરંપરા તૂટી છે અને 30 વર્ષ પછી ગુજરાતને હર્ષ સંઘવીના રૂપમાં કેબિનેટ કક્ષાના એક સ્વતંત્ર ગૃહ મંત્રી મળ્યા છે.
વર્તમાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગુજરાતના ગૃહ મંત્રી હતા ત્યારે શાહ પણ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હતા અને ગૃહ ખાતું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે જ હતું.
યોગાનુયોગ ગુજરાતના છેલ્લા મુખ્યમંત્રી ના હોય છતાં કેબિનેટ કક્ષાના ગૃહ મંત્રી પણ હર્ષ સંઘવીની જેમ દક્ષિણ ગુજરાતના જ હતા એમનું નામ છગનભાઈ દેવાભાઈ પટેલ હતું. ‘સી.ડી. પટેલ’ તરીકે જાણીતા છગનભાઈ નવસારી પાસેના જલાલપોર વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. સી.ડી. પટેલ પહેલાં ચીમનભાઈ પટેલ અને પછી છબિલદાસ મહેતાના કાર્યકાળમાં કેબિનેટ કક્ષાના ગૃહ મંત્રી હતા.
સી.ડી. પટેલ કૉંગ્રેસી હતા. ચીમનભાઈ પટેલે પોતાના પ્રાદેશિક પક્ષ ‘જનતા દળ (ગુજરાત)’નું કૉંગ્રેસમાં વિલિનીકરણ કર્યું ત્યારે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. તેમાં સી.ડી. ગૃહ મંત્રી બન્યા હતા.
સી.ડી. પટેલે ગૃહ મંત્રી તરીકે સારી કામગીરી બજાવી હતી અને મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને તાબે થયા વિના નિષ્પક્ષ રીતે કામ કરનારા મંત્રી તરીકે નામના મેળવી હતી.
આ પણ વાંચો…કવર સ્ટોરી : પાકિસ્તાન સાથેની ટક્કર વખતે અમેરિકાના દબાણ હેઠળ કઈ કઈ સરકાર ખરેખર નહોતી ઝૂકી?