વલો કચ્છ : મહાદેવનું પ્રિય વાદ્ય નાગફણી: મહત્ત્વ ને અસ્તિત્વ વિલુપ્તિના આરે… | મુંબઈ સમાચાર

વલો કચ્છ : મહાદેવનું પ્રિય વાદ્ય નાગફણી: મહત્ત્વ ને અસ્તિત્વ વિલુપ્તિના આરે…

-ડૉ. પૂર્વી ગોસ્વામી

ૐ નમ: શિવાયમ શિવો ભૂતપતિરદહમ નાદે બ્રહ્મા તત્ત્વમય:મમ
નાદ બ્રહ્મ છે અને નાગફણી તેનો ધર્મસૂત્ર…

શ્રાવણ માસનો આરંભ એટલે ભક્તિનો મહોત્સવ. શિવભક્તિથી મહેકતા મંદિરોમાં જ્યારે ઘંટ, ડમરુ અને શંખનો ધ્વનિ ગૂંજે છે ત્યારે કચ્છના શિવ મંદિરોમાં સંભળાતું એક એવું વાદ્ય પણ છે જે ધ્વનિથી વધારે એક સંકેતનું પ્રતીક છે, પરંપરાનો પાયો છે અને અસ્તિત્વના બરાબર સીમાડે ઊભેલું છે એ છે ‘નાગફણી’.

શિવમંદિરોમાં દશનામી સમાજ દ્વારા શંખની માફક ફૂંકાતા આ વાદ્યને શાસ્ત્રીય અને આધ્યાત્મિક બન્ને સ્તરે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત છે. અખાડામાં પંચની હાજરીની પ્રતીતિ આપતું આ વાદ્ય ધર્મ અનુયાયીઓ પર થનારા આક્રમણ વખતે સંદેશાવાહક ગણાતું. મહત્ત્વ અને અસ્તિત્વ બંને વિનાશના આરે છે, એવું આ નાગફણી મહાદેવનું પ્રિય વાદ્ય છે.

આ પણ વાંચો: કેમ શ્રાવણમાં માંસાહારની મનાઈ છે? ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ છે જવાબદાર…

હાલ જૂનાગઢ સ્થિત પંચ દશનામ જૂના અખાડાના મહંત ઇન્દ્રભારથી બાપુ કચ્છ પ્રદેશનું ગૌરવ છે અને એમના અનુભવે આ વાદ્યને સમજવા વધુ મદદ કરી. તેમના મુજબ, આજના આધુનિક સમયમાં સલામતીના પ્રશ્નોને હલ કરવા ઘણા સાધનો આવી ગયા છે. એક ફોન કરતાં પોલીસ કે ગામના લોકોને ભેગા કરી શકાય છે, પણ પહેલા એવું ન હતું ત્યારે આ વાદ્ય સંકટ સમયનું સાયરન હતું. મંદિરોમાં પણ તૈયાર આરતીઓ આવી ગઈ છે તો નાગફણી ફૂંકીને ગામના લોકોને ભેગા કરવાનું હવે રહ્યું નથી.
આ બધા કારણોસર નાગફણીનું મહત્ત્વ ઘટી ગયું છે, પરંતુ અખાડા પરંપરા હજુ નાગફણીના અસ્તિત્વને ટકાવી શક્યું છે. આજે પણ કુંભના મેળામાં એકઠા થતા સાધુપુરુષોના હાથે તમને નાગફણી જોવા મળશે. શિવલિંગની સામે, પૂજા સાધનાઓ સાથે, મંદિરમાં મૂકાયેલી નાગફણી માત્ર એક ધાતુનિર્મિત પિત્તળની વસ્તુ નથી, તે એક નાદ છે જે ભક્તિ અને રક્ષણ બંનેનું પ્રતીક છે.

ભાતીગળ સમાજના ધર્મગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે નાગફણીનો ધ્વનિ મહાદેવને અતિપ્રિય છે અને તેથી જ માત્ર શિવ મંદિરોમાં આ વાદ્ય જોવા મળે છે. શિવ જેવી તપસ્વી અને તાણમુક્ત શક્તિને આ નાદ શાંતિ અને સતર્કતા આપે છે.
નાગ જેવો આકાર ધરાવતું અને મોઢેથી ફૂંકી વગાડાતું નાગફણી પ્રાચીન વાદ્યની શ્રેણીમાં મૂકી શકાય. તેનું નામ ગુજરાતના લુપ્ત થઈ રહેલા વાદ્યોની યાદીમાં પણ સામેલ છે. આ લખનારે જ્યારે ભુજના એક શિવ મંદિરના પૂજારી અમૃતગીરી પાસે મુલાકાત દરમિયાન નાગફણી વગાડવાનો અનુભવ લીધેલો ત્યારે સમજાયું કે, પિત્તળમાંથી બનેલી આ નાગફણીને ફૂંકવા માટે ફેફસાની તાકાત અને ઊંડો શ્વાસ આવશ્યક છે. જેમાં વિવિધ સ્વરો ફૂંકી શકાય છે.

આ પણ વાંચો: ‘શ્રાવણ’ના પહેલા દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટીઃ ‘હર હર ભોલે’ના નાદથી ગૂંજી ઊઠ્યું

અતીતમાં ગામના મહાદેવ મંદિરમાં જ્યારે પૂજારી નાગફણી ફૂંકે ત્યારે ગામલોકો સમજી લેતા કે આરતી શરૂ થવાની છે અને ભક્તો ભેગા થવા લાગતા. આવી જ રીતે અખાડા પરંપરામાં સહાયબી દરમ્યાન અખાડાના પંચ જ્યારે ધર્મપ્રચાર માટે બહાર જતા ત્યારે નાગફણી સાથે રાખતા. કોઈ આશ્રમ બહાર મહંતના આગમન સમયે ‘કોટવાલ’ તરીકે ઓળખાતા સાધુ દ્વારા નાગફણી ફૂંકવામાં આવતી જેથી આશ્રમના મહંત બારણે આવી મહેમાન મહંતનું સ્વાગત કરી શકે. કચ્છના રાજાશાહી વખતમાં યોજાતી નાગપંચમીની સવારીમાં પણ નાગફણી ફૂંકવાની પરંપરા હતી.

એક સમય એવો હતો કે આખા ભારતમાં નાગફણી અને કમંડળ બનાવનારા કારીગર માત્ર અંજારના કંસારા જ્ઞાતિના લોકો હતા. આજકાલ આવા કારીગરો તો ઘટી ગયા છે, પણ વાદ્ય ફૂંકનારા પણ ઓછા પડી ગયા છે. આજના મોબાઈલના યુગમાં નાગફણી ફૂંકવાનો સમય નથી રહ્યો.

આ પણ વાંચો: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવ મંદિરોમાં જામશે ભક્તોની ભીડ

બીજી તરફ, નાગફણી ધાર્મિક વાદ્ય તો છે જ પણ સલામતીના સંકેત તરીકે પણ તેનું વિશિષ્ટ સ્થાન હતું. સાધુઓના આશ્રમો ગામની પાદરે સ્થાપિત થતા, જ્યાં આસપાસ ઓછી વસતી હોવાના કારણે આક્રમણ થવાની શક્યતા રહેતી. ત્યારે આવી ઇમર્જન્સી પરિસ્થિતિમાં સાધુ કે મહંત નાગફણી ફૂંકી ગ્રામજનોને બોલાવી સહાય માગતા.

આવી પરંપરા, સંકેત અને ભક્તિનો ભાવ સમેત વાદ્ય આજે ગણતરીના મંદિરોમાં અસ્તિત્વ જાળવી રહ્યું છે. ‘નાદ બ્રહ્મ છે’ એવી માન્યતાને અનુરૂપ, નાગફણીનો ધ્વનિ માત્ર વાદ્ય નથી એ ધર્મ, સંસ્કૃતિ અને રક્ષણનો ત્રિવેણી સંગમ છે તેનું મહત્ત્વ સમજવા સાથે હર હર મહાદેવ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button