સ્પોટ લાઈટ: અમેરિકાના પ્રવાસમાં આનંદનો ગુણાકાર…

- મહેશ્ર્વરી
દીકરાએ પત્નીની તરફદારી કરવી પડી હોવાથી માએ એટલે કે મેં એના ઘરમાંથી ચાલતી પકડી અને મારી મોટી દીકરી દર્શના (ચેરી)ને ત્યાં અંધેરીના ઘરે રહેવા જતી રહી. અલબત્ત, એને ત્યાં કેટલું રહીશ એનો મને પોતાને કોઈ અંદાજ નહોતો. જોકે, મારા દીકરાએ જ એની સાથે વાત કરી બધી ગોઠવણ કરી હશે એટલે એમ તો કોઈ વાંધો નહોતો. હું ક્યારેક વિચારે ચડી જતી હતી કે ખૂબ મહેનત કરી પોતાનું ઘર બે વાર બનાવ્યું હોવા છતાં આજે હું ઘર વિનાની થઈ ગઈ હતી. સેનેટોરિયમના ધક્કા ખાતી હતી એ દિવસો પણ મને યાદ આવી ગયા. જોકે, એ સંઘર્ષના દિવસો દરમિયાન મારું મનોબળ વધુ ને વધુ મક્કમ બન્યું હતું. પ્રતિકૂળતામાં જ માનવીની ખરી કસોટી થતી હોય છે. એમાં જો એકાદ બે વાર સાંગોપાંગ ઉતરી ગયા તો પછી મુશ્કેલી કોઠે પડી જતી હોય છે. હચમચાવી નથી દેતી, બલકે વધુ સ્ટ્રોંગ બનાવે છે. દીકરીને ઘરે રહેવા ગઈ એને હજી દસ – બાર દિવસ થયા હશે ત્યાં રાગિણીની ફોન આવ્યો. ઔપચારિક વાતચીત પૂરી થઈ એટલે તેણે મને પૂછ્યું,
‘મહેશ્વરી બહેન, અમેરિકા આવશો? બે મહિનાની ટૂર છે.’
રાગિણીની ઓફર સાંભળી મારા મગજમાં અસંખ્ય બાબતો દોડાદોડ કરવા લાગી. અમેરિકા? અત્યંત સમૃદ્ધ દેશ. સંપત્તિની રેલમછેલ. હરીફરી માણવાનો દેશ. નાટક કરવા અમેરિકા જવાની ઓફર આવે એટલે કલાકાર થનગની ઊઠે. જોકે, અગાઉ અમેરિકાની બે મહિનાની કરેલી ટૂર દરમિયાન મને માણવા જેવા કરતા અણગમો પેદા કરતા અનુભવ વધુ થયા હતા. આફ્રિકાના પ્રવાસમાં આનંદ આવ્યો હતો, પણ અમેરિકા તો જવાય જ નહીં એવી ગાંઠ મેં ત્યારે વાળી લીધી હતી. પણ રાગિણીની ઓફર આવી ત્યારે મારી માનસિક અવસ્થા જુદી હતી.
આપણે આર્થિક પ્રગતિની સાથે વૈચારિક પ્રગતિ ઘણી કરી છે. અનેક જૂની પ્રથા – વિચારો ફગાવી નવી પ્રથા, નવા વિચારો અપનાવ્યા છે, પણ કેટલીક વિચારસરણી આજની તારીખમાં પણ જડમૂળથી નથી નીકળી. પરણેલી દીકરીને ત્યાં વધુ સમય રહેવાય નહીં એ એવી જ માનસિકતા છે. દીકરીને તો મા માટે અપાર સ્નેહ હોય અને જમાઈ પણ દીકરાની જેમ રાખતો હોય તો પણ… હા, તો પણ માતા – પિતા ‘દીકરીના ઘરનું ન ખપે’ એ માનસિકતામાંથી પૂર્ણપણે હજી સુધી મુક્ત નથી થઈ શક્યા. હું પણ એ જ પંગતમાં બિરાજમાન હતી. એટલે મને વિચાર આવ્યો કે દીકરીના ઘરે પડ્યા પાથર્યા રહેવાને બદલે આ ઓફર સ્વીકારી લઉં. ભલે ઝાઝા પૈસા ન મળે, બે મહિનાનો મૂલ્યવાન સમય તો નીકળી જશે. એ સમય દરમિયાન મારા વન રૂમ કિચનના નાનકડા ફ્લેટમાં રહેતા શાંતાબહેન અને એમના દીકરાને ભાડાનું ઘર મળી જશે અને હું મારા ઘરમાં રહેવા જતી રહીશ એવા સમીકરણ મારા મગજમાં રમવા લાગ્યા.
અને મેં અમેરિકા પ્રવાસ માટે રાગિણીને હા પાડી દીધી. ‘મને હતું જ કે તમે ના નહીં પાડો’ એમ રાગિણીએ ફોન પર કહ્યું ત્યારે મારું મન એક તરફ રાજી હતું તો બીજી તરફ સહેજ ઉદાસ પણ હતું. મને મનોજ કુમારની ફિલ્મ ‘શોર’નું ગીત ‘જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ – ઓ – શામ’ યાદ આવી ગયું. મન મક્કમ કરી અમેરિકા પ્રવાસ માટે જરૂરી તૈયારીમાં લાગી ગઈ.
રાગિણી કોઈ નવું નાટક નહોતી કરી રહી. મુંબઈમાં ચાલી રહ્યું હતું એ જ નાટક લઈ અમેરિકા જવાનું હતું. જોકે, એમાં રોલ કરતાં એક અભિનેત્રી ટૂરમાં નહોતા જોડાવાનાં. એટલે એમના રિપ્લેસમેન્ટ તરીકે મારે કામ કરવાનું હતું. મેં વિઝા મેળવવા માટે ફોર્મ વગેરે ભરવાની અને બીજી જરૂરી કાર્ય વિધિ શરૂ કરી દીધી. બીજી તરફ રાગિણીના ઘરે રિહર્સલ પણ શરૂ થઈ ગયા. મારા સહ કલાકારોમાં સમીર રાજડા, મલ્લિકા, નિમેષ શાહ વગેરે હતા. એકંદરે ગ્રૂપ સારું હતું. નાટકના કલાકારો માટે રોલની સાથે સાથે કયા ગ્રૂપ સાથે કામ કરવાનું છે એ બાબત પણ મહત્ત્વ ધરાવતી હોય છે.
વિઝા માટે અરજી કરી દીધી પણ જે દિવસે વિઝા મેળવવા ગયા તો ખબર પડી કે એમ્બેસીએ અમારા વિઝા રિજેક્ટ કર્યા છે. બધા આર્ટિસ્ટ ચોંકી ગયા, કારણ કે દિમાગમાં રનવે પર દોડી રહેલા વિમાનની ફ્લાઈટ જ કેન્સલ થાય એવી આ વાત હતી. વિશેષ ટેન્શન તો નિર્માતાને થાય, કારણ કે અમેરિકામાં બધા શો બુક થઈ ગયા હોય. ટિકિટો પણ વેચાઈ ગઈ હોય. જો નાટક ન પહોંચે તો અમેરિકાના આયોજકને બહુ મોટો ફટકો પડે અને બીજી વાર તમને આમંત્રણ પણ ન આપે એવું બની શકે. જોકે, હજુ સમય હાથમાં હતો એટલે અમે બીજી વાર વિઝા માટે નવેસરથી અરજી કરી. બીજા પ્રયાસે સફળતા મળી પણ કોન્સ્યુલેટના નિયમ અનુસાર અમારે એમના ઓફિસર સમક્ષ જે નાટક લઈ જવાના હતા એનું પરફોર્મન્સ આપવું પડ્યું હતું. બધું ઓકે થઈ ગયું, અમારો જવાનો દિવસ નક્કી થઈ ગયો અને હું ઉપડી અમેરિકા… સાત સમુંદર પાર…
રાગિણી અને દિપક ઘીવાલાએ કલાકાર તરીકે તો ઉત્તમ કોટિનું દંપતી, પણ પતિ – પત્નીનો સ્વભાવ પણ ઉમદા. નાટકના શો ન હોય ત્યારે રાગિણીએ અમારા હરવા ફરવાની ગોઠવણ પણ કરી હતી. ફ્લોરિડામાં હોલિવૂડ સ્ટુડિયોની સફર કરાવી. ‘ટેન કમાન્ડમેન્ટ્સ’, ‘બેન હર’ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’, ‘ગોન વિથ ધ વિન્ડ’ વગેરે ઓલટાઈમ ગ્રેટ વિદેશી ફિલ્મો વિશે ઘણું સાંભળ્યું હતું પણ એ જ્યાં બની હતી એ જગ્યા જોવા મળશે એવું તો સપનામાંય નહોતું વિચાર્યું. સિનિયર સિટીઝન માટે પ્રખ્યાત સન સિટી જોયું, એના ગોલ્ફ કોર્સ ભવ્ય હતા. જોકે, એ રમત વિશે કોઈ ગતાગમ નહોતી પણ જે જોયું એમાં મજા પડી.
બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં એક પ્રોબ્લેમ ઊભો થયો. એક એવી સમસ્યા જેનો અમને કોઈને અંદાજ – અણસાર પણ નહોતા. વાત એમ હતી કે નાટકના શો થયા એને એક મહિનો પૂરો થયો ત્યાં વચ્ચે નવરાત્રી આવી ગઈ. એ સમયે ત્યાં નાટકના શો થાય નહીં. નવરાત્રીના 15 દિવસ અને પછી દિવાળી હોવાથી લગભગ એકાદ મહિનો નવરા બેસી રહેવું પડે એમ હતું. યુએસના આયોજકની દલીલ હતી કે જો બધાને પાછા મોકલી ફરી અમેરિકા બોલાવે તો બહુ ખર્ચ થઈ જાય. એની બદલે જો બધા કલાકાર એકાદ મહિનો વધુ ખેંચવા તૈયાર થઈ જાય તો વ્યવસ્થા થઈ જાય. અમને બધાને પૂછવામાં આવ્યું અને મેં તો હા પાડી દીધી. સાચું કહું તો મારા માટે તો ભાવતું’તું ને વૈદે કીધા જેવો ઘાટ થયો. વધુ એક મહિનો નીકળી જશે અને ત્યાં સુધીમાં બીજી વ્યવસ્થા થઈ જશે અને દીકરીના ઘરે રહેવા નહીં જવું પડે એ વિચારે મને બહુ નિરાંત થઈ. એટલે બે મહિનાની ટૂર લંબાઈને સાડા ત્રણ મહિનાની થઈ ગઈ. પણ ગ્રૂપ મજાનું હતું એટલે સમય સરસ રીતે પસાર થઈ ગયો. ભેગા રહીએ ત્યારે કોઈવાર ભાગાકાર થાય અને ભાગી જવાનું મન થાય અને ક્યારેક ગુણાકાર પણ થાય તો સથવારો વધુ લંબાય એવી ઈચ્છા થાય. સદભાગ્યે આ વખતે અમેરિકાના પ્રવાસમાં આનંદનો ગુણાકાર થયો.
ટૂર સરસ રીતે સમાપ્ત થઈ અને હું મુંબઈ પછી ફરી. આવીને જોયું તો ખબર પડી કે શાંતાબહેન અને એમના દીકરા માટે વૈકલ્પિક વ્યવસ્થા નહોતી થઈ. જોકે, દીકરીના ઘરે રહેવા નથી જવું એ મેં નક્કી કરી નાખ્યું હતું. એટલે મારા વન રૂમ કિચનમાં શાંતાબહેન સાથે રહેવા જતી રહી. રાત્રે પાડોશમાં રહેતી મારી ફ્રેન્ડને ત્યાં સુવા જતી રહેતી હતી. આમ દિવસો પસાર થઈ રહ્યા હતા ત્યાં એક દિવસ દીકરો મને મળવા આવ્યો અને…
‘સો ટચનું સોનું’ ઉર્દૂમાં ભજવાયું
મુંબઈમાં એક સમયે જે વિવિધ નાટ્ય કંપની કાર્યરત હતી એમાં એક નામ હતું મધર ઈન્ડિયા થિયેટર્સ. નામવંત તેરસિંહ ઉદેશી આ કંપનીના સ્થાપક હતા. તેમણે લખેલા ‘સો ટચનું સોનું’ નાટકને ગજબનાક સફળતા મળી હતી અને મુંબઈ ઉપરાંત સુરત અને અમદાવાદમાં મળી એના એક હજારથી વધારે પ્રયોગ થયા હતા. આ નાટકમાં તેરસિંહ ભાઈએ ડબલ રોલ કર્યો હતો. મળતાવડો સ્વભાવ ધરાવતા તેરસિંહભાઈ લેખક ઉપરાંત એક અચ્છા અભિનેતા સુધ્ધાં હતા. 1960 – 70ના દાયકામાં મુંબઈમાં ઉર્દૂ નાટકોની ભજવણી થતી હતી. બબ્બન ખાનના ‘અદરક કે પંજે’ નાટકે મુંબઈ ઉપરાંત વિદેશમાં પણ ધૂમ મચાવી હતી. એ નાટકના 5 હજારથી વધુ શો થયા હતા. ઉર્દૂ રંગભૂમિનો ઈતિહાસ પ્રભાવી છે અને એની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે નોંધાયો છે. તેરસિંહભાઈએ 1967માં ‘સો ટચ નું સોનું’ નાટકનું ઉર્દૂમાં રૂપાંતર કરાવ્યું હતું અને એનું નામ ‘શરીક – એ – હયાત’ રાખ્યું હતું. આ નાટકમાં તેરસિંહભાઈએ સલીમ અને બુલબુલ એમ ડબલ રોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે ‘મૃગજળ’ અને ‘હીરા માણેક’ જેવા નાટકો પણ લખ્યા હતા. જોકે, તેરસિંહભાઈની નાટ્ય કંપની બરાબર ચાલી નહીં અને સ્થાપનાના પાંચેક વર્ષમાં જ એનો વીંટો વળી ગયો હતો. જોકે, તેમની કલમને વધુ નિખાર આવી રહ્યો હતો. ‘હીરા માણેક’ નાટકમાં તો તેમણે માણેકની ભૂમિકા ભજવી દર્શકોને દંગ કરી દીધા હતા. નાનપણમાં ‘બંકિમચંદ્ર’ નાટકમાં અછૂત બાળકની તેમણે ભજવેલી ભૂમિકાની ખાસ્સી પ્રશંસા થઈ હતી. પોતે જ લખેલા ‘જાગૃતિ’ તેમજ ‘મૃગજળ’ નાટકમાં તેરસિંહભાઈએ મુખ્ય ભૂમિકાને યોગ્ય ન્યાય આપ્યો હતો. ‘મૃગજળ’ નાટકમાં તો તેમની સાથે માસ્ટર અશરફખાન અને પ્રાણસુખ ‘એડિપોલો’ જેવા ખ્યાતનામ નટ પણ હતા. નાટક ઉપરાંત ચિત્રપટ લેખનમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો. ‘છોગાળા છગનલાલનો વરઘોડો’ નામનું ચલચિત્ર તેમણે 1960ના દાયકામાં બનાવ્યું હતું.
આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સબકથી લઈને સફળતા સુધીનું વરસ…