મોર્નિંગ મ્યૂસિંગ : મધર્સ-ડે પહેલાંની માતા: ભારત માતા કી જય!

-રાજ ગોસ્વામી
બનાવટથી ભરેલી આ દુનિયામાં બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ જ વાસ્તવિક છે. કહેવાય છે કે ભગવાન તો સુખ અને દુખ આપે છે, પરંતુ માતા તો પોતાના બાળકને સુખ અને સુખ જ આપે છે.
આજે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ છે. સૌ જાણે છે તેમ આ દિવસની ઉજવણી 1908માં અમેરિકામાં થઇ હતી. એનરીવ્ઝ જાર્વિસ નામની એક મહિલાએ 1850ના દાયકામાં રોગચાળા અને ખરાબ દૂધનો નાશ કરવા માટે મહિલાની ક્લબ શરૂ કરી હતી.
એનાને એની માતા સાથે વિશેષ જોડાણ હતું. એણે લગ્ન કર્યાં નહોતાં અને માતા સાથે રહેતી હતી. માતાનું નિધન થયા પછી એણે આ ક્લબ શરૂ કરી. આ મહિલાઓ ગૃહ યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સારવાર પણ કરતી હતી. એનાએ આપસમાં લડતા સૈનિકોના ઘરની સ્ત્રીઓ માટે પિકનિક પાર્ટીઓ પણ યોજી હતી. ધીમે ધીમે આ પ્રવૃત્તિ મહિલા દિવસમાં પરિવર્તિત થઇ ગઈ.
આધુનિક સમયમાં નારીવાદી ચળવળમાં જોર આવ્યું તે પછી મહિલા દિવસનું મહત્ત્વ વધવા લાગ્યું હતું અને આજે તો તે દરેક દેશમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. એવું નથી કે માતાનું મહત્ત્વ આજે જ સમજાયું છે. આધુનિક સમય હોય કે પૌરાણિક, માતાની છબી અનન્ય રહી છે.
ભારતીય પૌરાણિક કથાઓમાં, માતા શક્તિ, પ્રેમ, બલિદાન અને માતૃત્વનું પ્રતીક હોવાનું કહેવાય છે. ભારતમાં
મા શક્તિ તમામ દેવતાની માતા ગણાય છે. એ પૃથ્વીને દુષ્ટ શક્તિઓથી સુરક્ષિત કરે છે. આપણે ત્યાં બધી પૌરાણિક કથાઓમાં, માતાઓને દૈવી પાત્ર તરીકે રજૂ કરવામાં આવી છે. એને ખબર છે કે ભક્તોની સંભાળ બાળકની જેમ રાખવી જોઈએ. અમુક નામો કેટલાં જ્વલંત છે, જેમકે…મા દુર્ગા, મા અન્નપુર્ણા, માતા પાર્વતી, યશોદા, સીતામાતા, માતા કૌશલ્યા…માતા એનાં સંતાન માટે ઘણી મુશ્કેલીઓ વેઠીને એનો ઉછેર કરે છે માતા એના બાળક માટે જેટલું સહન કરે છે, તેટલું કોઈ નથી કરતું એટલા માટે ધરતીને મા કહેવામાં આવે છે- આપણે કહીએ છીએ કે પૃથ્વી મારી માતા છે અને હું એનો પુત્ર છું.
આ પણ વાંચો….મોર્નિંગ મ્યૂસિંગ : હવે સોશ્યલ મીડિયા કોઈ પણ દેશમાં ગૃહ યુદ્ધ ભડકાવી શકે
નારીવાદ આજે ભલે સૌથી વધુ તાકાતવર હોય, પરંતુ હિંદુ, બૌદ્ધ અને જૈન લોકકથાઓમાં સ્ત્રીને સ્વતંત્ર અને સશક્ત બતાવવામાં આવી છે. વેદ કથાઓમાં સ્ત્રીઓ જાતે પોતાના નિર્ણયો કરે છે. પશ્ર્ચિમમાં પુરુષસત્તા અને નારીવાદને પરસ્પર વિરોધી તરીકે જોવામાં આવે છે. ભારતમાં સદીઓથી બંનેનું સહઅસ્તિત્વ છે.
આપણે તો ભારત દેશની કલ્પના જ માતા તરીકે કરી છે. તેનું એક ચિત્ર પણ લોકોની ચેતનામાં જોડાયેલું છે. ‘ભારત માતા’ની સચિત્ર કલ્પના પહેલીવાર કવિ રવીન્દ્રનાથ ટાગોરના ચિત્રકાર ભત્રીજા અભિન્દ્રનાથ ટાગોરે 1905માં કરી હતી. 1905માં લોર્ડ કર્ઝને હિંદુ-મુસ્લિમ આબાદીના આધારે બંગાળનું વિભાજન કર્યું, ત્યારે એની પ્રતિક્રિયા રૂપે રાષ્ટ્રવાદી અભિન્દ્રનાથ ટાગોરે ભારત ભૂમિને ભગવી સાડીમાં સજ્જએક એવી માતાના રૂપમાં ચીતરી હતી, જેના ચાર હાથ છે, એક હાથમાં પુસ્તક (શિક્ષા), બીજા હાથમાં ડાંગરનાં ડોડવાં (અન્ન), ત્રીજા હાથમાં સફેદ કપડું (વસ્ત્ર) અને ચોથા હાથમાં માળા (દીક્ષા) છે…..
એનું મૂળ નામ (બંગાળ પરથી) ‘બંગ માતા’ હતું, જે પાછળથી ‘ભારત માતા’ થયું. ભારતવર્ષને માતા તરીકે જોવાની શરૂઆત જ 19મી સદીમાં થઇ હતી અને અભિન્દ્રનાથ ટાગોરે એ કલ્પનાને પહેલીવાર ચિત્રરૂપે કાગળ પર ઉતારી હતી. 2016માં આ ચિત્રને પહેલીવાર કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું. સિસ્ટર નિવેદિતાએ આ ચિત્ર માટે કહ્યું હતું, ‘મારું ચાલે તો હું હજારોની સંખ્યામાં આ ચિત્રને છાપું અને દરેક ખેડૂત અને દરેક કારીગરની ઝૂંપડીમાં દીવાલ પર લટકતું જોઉં…’
દુનિયામાં 50 જેટલી ભાષા કે દેશોમાં પિતૃભૂમિ અથવા તો તેનો સમકક્ષ શબ્દ વપરાય છે. મોટાભાગે પિતૃભૂમિ શબ્દ યુરોપિયન દેશોનો છે. બાકીના દેશો માતૃભૂમિ શબ્દ વાપરે છે. જર્મન લોકો એમના દેશને ફાધરલેન્ડ કહે છે. રશિયામાં મધરલેન્ડ છે. આપણે ‘ભારત માતા કી જય’ કહીએ છીએ. એના પરથી ભારત માતૃભૂમિ છે તે સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો….મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
ભારતની ભૂમિને માતા તરીકે જોવાની કલ્પના બહુ જૂની છે, અને મોટાભાગે સાંસ્કૃતિક પરંપરામાંથી આવે છે. બીજી તરફ. એને દેવીની કક્ષાએ મૂકવામાં આવી છે તે પણ હકીકત છે અને મોટાભાગે એમાં રાજનૈતિક ચળવળોની હિસ્સેદારી છે.
વારાણસીમાં ભારત-અંબાનું મંદિર છે, જેમાં ભારતના નકશા સાથેની ભારત માતાની માર્બલની પ્રતિમા છે. ગાંધીજીએ 1936માં મંદિર ખુલ્લું મૂકતાં કહ્યું હતું કે, ‘મને આશા છે કે મંદિર હરિજન સહિતની તમામ જાતિઓ અને દરેક ધર્મ અને પંથના લોકો વચ્ચે ધાર્મિક એકતા, શાંતિ અને પ્રેમનું સ્થાન બની રહેશે.’
જન્મભૂમિને માતા તરીકે જોવાની વાત સર્વકાલીન છે, પરંતુ માત્ર ભારતના કિસ્સામાં આઝાદી આંદોલનને કારણે માતાએ દુર્ગાનું સ્વરૂપ પણ ધારણ કર્યું છે. મુસ્લિમોને દેવત્વારોપણ સામે વાંધો છે, કારણ કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જિત છે. પાકિસ્તાન તેની ભૂમિ માટે ‘વતન’ શબ્દ વાપરે છે, જે પિતૃભૂમિનો દ્યોષક છે.
આજથી 100 વર્ષ પૂર્વે 1905માં કનૈયાલાલ મુન્શીએ અરવિંદ ઘોષને પૂછેલું, ‘દેશપ્રેમી કેવી રીતે બનાય?’ ત્યારે અરવિંદે બ્રિટિશ ઇન્ડિયાનો નકશો બતાવીને જવાબ આપેલો, ‘આ નકશો દેખાય છે? નકશો નથી, પણ ભારત માતાનું ચિત્ર છે. એનાં શહેરો, પર્વતો, નદીઓ ને જંગલોથી અને શરીર બને છે. ભારતને એક જીવતી માની જેમ ધારી લો, અને નવવિધા ભક્તિથી એની પૂજા કરો.’
અગાઉ 1882માં આવેલી બંકીમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’માં માતાની કલ્પના શિવજીની છાતી પર નૃત્ય કરતી કાલિકા અને દસ હાથવાળી દુર્ગા તરીકે કરવામાં આવી હતી. અવનીન્દ્રનાથે એમના ચિત્રમાં વૈભવ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી તરીકે એની કલ્પના કરી હતી.
ભારત માતાનો બીજો એક અવતાર ભારતીય ગૃહિણી તરીકેનો છે. પશ્ર્ચિમની દુનિયાને ભારતીય કળાનો પરિચય કરાવનારા તમિળ ઇતિહાસકાર કુમાર સ્વામીએ એક કહાનીમાં ‘ઊંચી, ગોરી અને યુવાન સ્ત્રી’ તરીકે ભારત માતાનું ચિત્રણ કર્યું હતું. 1935માં ચિત્રકાર અમૃતા શેરગિલે ભારત માતાને આદિવાસી સ્ત્રી તરીકે દોરી હતી.
ગુલામી અને પછાતપણાની માનસિકતામાં સડતા ભારતીય સમાજમાં ચેતના જગાવવા માટે ભારત માતાની કોરી કલ્પના એક સશક્ત પ્રતીક તરીકે ઊભરી આવી તે સાચું, પરંતુ એ કરોડો લોકોની એક દેવી બની જાય અને બહુમતી હિન્દુઓના પ્રભુત્વની લાકડી બની જાય તેની ચિંતા ત્યારે પણ થઈ હતી.
1920માં એક લેખમાં રાષ્ટ્રપ્રેમી અરવિંદ ઘોષે લખેલું, ‘કૉંગ્રેસની જે ભારત માતાની આપણે પૂજા કરીએ છીએ તે કૃત્રિમ છે અને બ્રિટિશરોની ગુલામ છે, આપણી મા નથી. જે દિવસે આપણે અખંડ ભારતમાનાં દર્શન કરીશું ત્યારે ભારતની સ્વતંત્રતા, એકતા અને વિકાસનો માર્ગ ખૂલી જશે, પણ આપણે હિન્દુ માતા કે હિન્દુ રાષ્ટ્રવાદનાં દર્શન પર ભાર મૂકીશું તો ભયાનક ભૂલ હશે, અને આપણું રાષ્ટ્રત્વ પૂરેપૂરું ખીલી નહીં શકે…’
આ પણ વાંચો….મોર્નિંગ મ્યૂસિંગ : હિમાલયમાં ‘અટકી’ ગયેલા એટકિન, જેણે નંદાને મુગટ બનાવી ને ગંગાને ગોદ !