ઉત્સવ

ભારતમાં લોકો પ્રદૂષણની પરવા શા માટે નથી કરતા?

આપણે ત્યાં જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

અહીં શીર્ષકમાં પૂછાયેલો સવાલ જેટલો સામાન્ય લાગે છે તેટલો જ જટિલ છે.

તાજેતરમાં દિવાળી દરમિયાન દિલ્હીમાં ફટાકડા ફોડવાના પગલે હવાનું પ્રદૂષણ સાધારણ કરતાં ઘણું બધું વધી ગયું હતું. દેશમાં મોસમના બદલાવની સાથે તહેવારોનો પ્રભાવ પણ હવામાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પ્રસંગે દેશભરમાં જબરદસ્ત ફટકડા અને આતશબાજી થઇ હતી, જેણે હવાને ફરીથી વધુ ઝેરી બનાવી દીધી હતી.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 23 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા આંકડાઓના વિશ્ર્લેષણથી ખબર પડે છે કે દેશમાં માત્ર 16 ટકા શહેરમાં જ શુદ્ધ હવા છે. લગભગ 33 ટકા શહેરોમાં સ્થિતિ સંતોષજનક છે, જ્યારે બીજી બાજુ 51 ટકા શહેરોમાં સ્થિતિ ચિંતાજનક છે અર્થાત્ દેશમાં મોટા ભાગના શહેરોમાં આજે હવા ચિંતાજનક છે.

આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે દિવાળીના બીજા દિવસથી શહેરોમાં હવા શુદ્ધ થવા લાગી હતી.

આવું દર વર્ષે થાય છે. કેમ?

દિલ્હી જેવાં શહેરોમાં હવાનું પ્રદૂષણ મોસમની જેમ નિયમિત થઇ ગયું છે તે બતાવે છે કે તેનો સંબંધ ટેક્નિકલ કમી અથવા જાગૃતિના અભાવ સાથે નથી. તેમાં મનોવિજ્ઞાન, સમાજ-સંસ્કાર, આર્થિક અને સંસ્થાકીય કારણો બધાનું મિશ્રણ છે. આ વાત જરા સમજવાની કોશિશ કરીએ:

દિવાળી અને ફટાકડા અસ્થાયી તો હોય છે, પરંતુ તેની અસર ખૂબ જ તીવ્ર હોય છે. ફટાકડા ફૂટવાથી PM 2.5 અને PM 10 (અત્યંત સૂક્ષ્મ કણો)નું જબરદસ્ત ઉત્સર્જન થાય છે; અનેક અભ્યાસે દર્શાવ્યુ છે કે દિવાળીની રાત્રે હવામાં આ કણોની ઘનતા તહેવાર પહેલાંના નાના સ્તર કરતાં અનેક ગણી વધી જાય છે અને તેમાં લોખંડ આધારિત મિશ્રણો (બેરિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે) પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર છે- તેનાથી શ્વાસના – હૃદયના રોગો, શ્વસન સંક્રમણ અને દીર્ઘકાલીન કેન્સરની સમસ્યાઓનું જોખમ વધે છે. ઉપરાંત, શિયાળામાં હવા સ્થિર રહે છે અને ધુમાડાને વિખરવા નથી દેતા, તેથી ઉત્સર્જન જમીનના સ્તરે રહે છે, જેને આપણે ‘સ્મોગ’ અથવા ધુમ્મસ કહીએ છીએ.

આટલી સાદી અને વૈજ્ઞાનિક સ્પષ્ટતા આપણી સમજમાં કેમ નથી આવતી? મૂળ કારણ છે માનસિકતા. માણસ ‘દેખીતા અને તાત્કાલિક’ જોખમ પર ઝડપથી પ્રતિક્રિયા આપે છે, પણ ભવિષ્યના જોખમ પ્રત્યે ઉદાસીન હોય છે. પ્રદૂષણનું જોખમ ધીમું, અસ્પષ્ટ અને સમયમાં ફેલાયેલું હોય છે- થોડી ખાંસી આવે કે આંખોમાં જલન થાય તો માણસોને એવું નથી લાગતું કે આ જીવન-મરણનો મામલો છે. લોકો તેને તરત જ અવગણી કાઢે છે એટલું જ નહીં, તેને હવાની સમસ્યા ગણવાને બદલે શરીરની કમજોરી પણ માની લેતા હોય છે.

બીજું, ઉત્સવોમાં લોકો સામૂહિક રીતે ઉત્સાહિત હોય છે. તે સોશ્યલ કોન્ટેજન (સામાજિક સંસર્ગ) કામ કરે છે- જ્યારે આસપાસમાં અનેક લોકો ફટાકડા ફોડતા હોય ત્યારે, વ્યક્તિગત જોખમને જોવા-સમજવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. આપણી ‘ક્રાઉડ સાઈકોલોજી’ એવું પ્રતીત કરાવે છે કે આટલા બધા લોકો ફટાકડા ફોડતા હોય, તો એ બધા સારું જ કરતા હશે ને!

ઉપરાંત, કોગ્નેટિવ ડિઝોનન્સ (બૌદ્ધિક અસંગતિ) પણ કામ કરે છે. લોકો જાણે છે કે ફટાકડા હાનિકારક છે, પરંતુ આનંદની પરંપરાની વિરુદ્ધ જવું મુશ્કેલ લાગે છે. તેમના માટે આનંદ જોખમ પર ભારે પડે છે એટલે એ બધા જાતને આ રીતે સમજાવે છે; ‘થોડાંક જ ફટાકડા ફોડીશું’ અથવા ‘ગ્રીન-ક્રેકર્સની અસર તો ઓછી હોય છે.’ અને આ રીતે એ મનને ‘મનાવી’ લે છે.

આ સાથે સામાજિક અને સાંસ્કૃતિક કારણો પણ વધુ ઊંડા હોય છે. દિવાળી જેવા તહેવારોનો સામાજિક-સાંસ્કૃતિક અર્થ માત્ર રોશની નથી. તે ઓળખ, સમુદાય સાથે મેળ-મિલાપ અને ‘પરંપરાગત સ્વાતંત્ર્ય’નું પ્રતીક પણ છે એટલે આ તહેવારોમાં ફટાકડા ફોડવાનો સંદર્ભ સદીઓ જૂની પરંપરાઓ સાથે જોડાયેલો છે- તે બાળકોની ખુશી છે અને અંધકારનો વિનાશ છે.

હા, જ્યારે સરકાર અથવા અદાલત એના પર પ્રતિબંધ મુકે ત્યારે કેટલાક જૂથ આ પ્રતિબંધને સાંસ્કૃતિક દબાવ તરીકે લેતા હોય છે- અને તેનો વિરોધ સહજ બની જાય છે. આ વિરોધ પ્રદર્શનની પાછળ રાજકીય ઓળખ, સામુદાયિક ગર્વ અને ‘અલગાવનો ભય’ પણ હોય છે તેથી લોકો નિયમોનું ઉલ્લંઘન કરવાને રાજકીય અથવા સાંસ્કૃતિક અવાજ ગણી લેતા હોય છે. એટલા માટે સરકાર અને કોર્ટ હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે.

બીજી તરફ, લોકોએ પણ સમજતા નથી કે પ્રદૂષણ બહુ-સ્તરીય સ્ત્રોતોનું મિશ્રણ છે. વાહનો, બાંધકામ, બાયોમાસ સળગાવવો, ઔદ્યોગિક ધુમાડા, અને ઉત્સર્જન કરતા ફટાકડા- આ બધાનો સંયુક્ત પ્રભાવ બને છે. જ્યારે કારણો અલગઅલગ હોય ત્યારે વ્યક્તિગત જવાબદારીનો ભાર ઓછો લાગતો હોય છે: ‘મારા એક-બે ફટાકડા શું ખરાબી લાવશે?’ પ્રદૂષણ જ્યારે પ્રણાલીગત હોય અને તેના ઉપાય માટે મોટા પાયે પગલાં લેવાની જરૂર હોય (કૃષિ-કચરાની વ્યવસ્થા, પાવર-પ્લાન્ટ સ્વચાલન), ત્યારે વ્યક્તિગત નિર્ણયનો પ્રભાવ સીમિત લાગે છે, અને લોકો એવું માનતા થઇ જાય છે કે આ કામ મારું નથી, સરકારનું છે.

આનું સમાધાન શું? માત્ર ‘લોકોને ચેતવણી આપવી’ પૂરતી નથી- આપણને બહુ-સ્તરીય રણનીતિની જરૂર છે:

*વૈજ્ઞાનિક અને સરળ રીતે સમજી શકાય તેવી સરકારી માહિતી (રીઅલ-ટાઇમ AQI, આરોગ્ય માટેનો સંદેશ) જેથી જોખમ તાત્કાલિક અનુભવાય.

*સામાજિક વિકલ્પ- સ્થાનિક સ્તરે ‘ફટાકડા-વગર’ના સામૂહિક ઉત્સવનું આયોજન

*આર્થિક પ્રોત્સાહન- વૈકલ્પિક ગ્રીન મનોરંજન (લાઈટ શો, ડ્રોન શો) સસ્તું અને સુલભ બનાવવું

*કડક અને કાયદેસર દેખરેખ- જે વિસ્તારોમાં ઉલ્લંઘન વધારે થાય ત્યાં તરત દંડ અને જાહેરમાં નામકરણ

*અને સૌથી જરૂરી- કૃષિ-કચરા, ઇંધણ અને વાહન ઉત્સર્જન પર લાંબાગાળાની નીતિ, કારણ કે દિવાળી જેવા ઘટનાક્રમ માત્ર તાત્કાલિક અસર છે, મૂળ સમસ્યા તો વર્ષભરના ઉત્સર્જનમાં છે.

નિષ્કર્ષ એ છે કે ‘લોકો પ્રદૂષણ વિશે ચિંતા કરતા નથી’ એવું કહેવું અર્ધસત્ય છે. વાસ્તવમાં ઘણા લોકો ચિંતા કરે છે, પરંતુ ભાવનાત્મક, સામાજિક અને માનસિકતા તેમને એવું વર્તન કરવા દેતું નથી જે વૈજ્ઞાનિક રૂપે યોગ્ય હોય. જ્યાં સુધી સરકાર લોકોની ચિંતાને સામાજિક-સાંસ્કૃતિક ભાષામાં નહીં બાંધે- પરંપરાનું સન્માન જાળવી રાખીને નવી આદતો નહીં વિકસાવે, સંસ્થાકીય જવાબદારી નહીં વધારે અને પ્રદૂષણના હાનિકારક પ્રભાવને સીધા જીવન (બાળકોની તંદુરસ્તી, વૃદ્ધોના રોગ, આર્થિક ભાર) સાથે નહીં જોડે- ત્યાં સુધી દિવાળી જેવા દરેક અવસરો પર આપણે આનંદની સાથે જોખમની પણ આગતાસ્વાગતા કરતા રહીશું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button