ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : ફ્રેડરિક ફોર્સિથ: કેવી રીતે એક દેવાદાર યુવક બેસ્ટસેલર જાસૂસી લેખક બની ગયો!

રાજ ગોસ્વામી

મશહૂર જાસૂસી નવલકથા લેખક ફ્રેડરિક ફોર્સિથનું 86 વર્ષે 10 જૂને અવસાન થઇ ગયું. એ ઇંગ્લેન્ડના બકિંગહામશાયરમાં રહેતા હતા. ભારતમાં બીજી ભાષાના વાચકોમાં એમનું નામ એટલું જાણીતું નહોતું (કારણ એ એમની વાર્તાઓના એવા અનુવાદ થયા નથી), પરંતુ એ અંગ્રેજી ભાષી વાચકોમાં દુનિયાભરમાં જાણીતા હતા. એમની નવલકથાઓ થ્રિલર હતી અને અમુકમાં તો રાજકીય થ્રિલર હતી, કારણ કે ફોર્સિથ ખુદ જાસૂસ રહી ચૂક્યા હતા. એમની નવલકથાઓની વિશ્વભરમાં 75 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે.

ઈંગ્લેંડના કેંટ રાજ્યમાં એશફોર્ડ નામના નગરમાં 1938માં જન્મેલા ફોર્સિથે મોટા થઈને હવાઈ દળના પાઈલટની નોકરી કરી હતી. તે પછી પત્રકાર તરીકે ‘રોયટર્સ’ નામની સમાચાર સંસ્થા અને ‘બીબીસી’માં પણ કામ કર્યું છે. એમણે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલની હત્યાના કાવતરાની ઘટનાનું રિપોર્ટિંગ કર્યું હતું. એ અહેવાલ બહુ વખાણાયો હતો. આગળ જતા આ અનુભવ એમને એક લોકપ્રિય અને સફળ નવલકથાકાર બનવા તરફ લઇ ગયો…

ફોર્સિથે 1971માં The Day of the Jackal નામની પહેલી નવલકથા લખી હતી. આ નવલકથા આજે પણ એમની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ફોર્સિથ મજબૂરીના માર્યા મહાત્મા એટલે કે લેખક બન્યા હતા. દુનિયાને જોવા માટે થઈને એ પાઈલટમાંથી પત્રકાર બન્યા હતા, પણ પત્રકારની નોકરી એટલી સલામત નહોતી.

આ પુસ્તક આવ્યું તે પહેલાં, ત્રણ વર્ષ માટે એ વેસ્ટ આફ્રિકામાં યુદ્ધનું રિપોર્ટિંગ કરવા રહ્યા હતા. પાછા આવ્યા પછી, એમણે તે યુદ્ધના અનુભવ પરથી, ‘ધ બિયાફ્રા સ્ટોરી: ધ મેકિંગ ઓફ એન આફ્રિકન લીજેન્ડ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક ન વેચાયું એ તો કમનસીબી હતી જ, છોગામાં નોકરી પણ નહોતી રહી.

31 વર્ષનો ફ્રીલાન્સ પત્રકાર, આંતરરાષ્ટ્રીય સાહસિક અને સૌથી યુવા વયનો ફાઈટર પાઈલટ આંખોમાં સપનાં સાથે બેકાર અને બેરોજગાર હતો. ‘મારી પાસે ત્યારે કાણીયો પૈસો પણ નહોતો. કાર નહોતી, ફ્લેટ નહોતો, કશું જ નહીં અને હું રોજ વિચારતો હતો કે આમાંથી બહાર કેવી રીતે નીકળું?,’ એવું એમણે એકવાર કહ્યું હતું.

ગજવામાં બે પૈસા આવે અને દેવું ચૂકતે થાય તે માટે ફોર્સિથે પોલિટિકલ થ્રિલર પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. આમ તો એમને લેખક બનવું નહોતું, પણ પૈસાની સમસ્યાનું તાત્કાલિક સમાધાન નીકળે તે માટે એક જ પુસ્તક લખવાનું વિચાર્યું હતું. એ નિર્ણય એમને 20થી વધુ પુસ્તકો અને દોમદોમ સાહ્યબી તરફ લઇ જવાનો હતો.

1962-63માં ફોર્સિથ પેરિસમાં ‘રોયટર્સ’ સમાચાર સંસ્થા વતી કામ કરતા હતા, ત્યારે એક વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. એ ત્યાં આવ્યા ત્યારે ફ્રેંચ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલે આઠ વર્ષનું યુદ્ધ સમાપ્ત કરીને અલ્જીરિયાને આઝાદ કર્યું હતું. એનાથી અમુક લોકોમાં બહુ નારાજગી હતી. એવા એક અર્ધલશ્કરી સંગઠને એમની હત્યા કરવાની કસમ ખાઈ લીધી હતી.

કહેવાય છે કે ડી ગોલને મારવા માટે 30 વખત પ્રયાસ થયા હતા.ફોર્સિથે, પત્રકારની હેસિયતથી રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે દોસ્તી કરી લીધી હતી અને 1962ના ઓગસ્ટ મહિનામાં ચાર્લ્સ ડી ગોલેની હત્યાના એક પ્રયાસનું રિપોર્ટિંગ કર્યું હતું. ફોર્સિથ પાસે તે ષડ્યંત્રની ઝીણામાં ઝીણી વિગતો હતી.

એટલે એમણે જ્યારે વાર્તા લખવા માટે પહેલીવાર પેન ચલાવી ત્યારે એમણે આ આખા પ્રસંગને તેમાં સમાવી લીધો હતો. એમાં ફ્રાન્સની રાજનીતિ, તેના પ્રતિસ્પર્ધીઓ, ટાંટિયા ખેંચ, ઈર્ષ્યા, અહંકાર, ભ્રષ્ટાચાર, જાસૂસી, ષડ્યંત્રો વગેરે વાર્તા પણ હતી. તેમાંથી જે વાર્તા બની તેનું નામ હતું ‘ધ ડે ઓફ ધ જેકલ.’

ફોર્સિથે માત્ર 35 દિવસમાં આ નવલકથા લખી હતી, પરંતુ તે દોઢ વર્ષ સુધી અપ્રકાશિત રહી હતી. ચાર પ્રકાશકોએ એવું કહીને આ નવલકથા છાપવાની ના પાડી દીધી હતી, કારણ કે જે રાષ્ટ્રપતિ હજુ જીવતા હોય એની હત્યાના કાવતરામાં લોકોને શું રસ પડે? અને બીજું, એમને મારવા માટે એક બ્રિટિશ એજન્ટને ભાડે રાખવામાં આવે તે પણ લોકોને પસંદ નહીં આવે. આ બધી વાતો લોકોને સમાચારો મારફતે ખબર જ હતી, અને એમાં કોઈ રોમાંચ કે રહસ્ય નહોતું.

તે પછી, ફોર્સિથે નવલકથાનો એક ટૂંક સાર તૈયાર કર્યો અને એ સમજાવ્યું કે નવલકથામાં હત્યાની સંભાવના પર ફોકસ નથી, પરંતુ તેના ષડ્યંત્રની ટેક્નિકલ વિગતો અને હત્યારાને પકડવા માટેની કવાયત કેન્દ્રમાં છે. તે વાંચ્યા પછી, લંડનના એક ઓછા જાણીતા પ્રકાશન ‘હચિશન એન્ડ કંપની’ એ આઠ હજાર નકલો છાપવા તૈયારી બતાવી.

થોડા જ સમયમાં તેને વાચવાવાળા વધી ગયા અને વધારાની નકલો પણ છાપવી પડી. તેની ચર્ચા સાંભળીને ‘વાઈકિંગ પ્રેસ’ નામના જાણીતા પ્રકાશકે તેના અમેરિકન રાઈટ્સ ખરીદ્યા. જે લેખક પાસે રહેવાનું ઘર નહોતું તેના હાથમાં હવે 365,000 ડૉલરનો કોન્ટ્રાક્ટ હતો. પાછળથી ફોર્સિથે કહ્યું હતું, ‘મેં આટલા બધા પૈસા પહેલાં ક્યારેય જોયા નહોતા.’

ત્રણ મહિનામાં ફોર્સિથની એ નવલકથા ‘ટાઈમ્સ’ સમાચારપત્રના બેસ્ટ સેલર લિસ્ટમાં પહેલા નંબરે હતી. પાંચ વર્ષ પછી, દુનિયાભરમાં તેની અઢી કરોડ નકલો વેચાઈ ગઈ હતી. આજે ચાલીસ વર્ષો પછી પણ ‘ધ ડે ઓફ ધ જેકલ’ પુસ્તક છપાય છે. તેના 30 ભાષામાં અનુવાદ થયા છે. તેના પરથી ફિલ્મ બની છે, ટીવી સિરીઝ બની છે અને ઓડિયો આવૃત્તિ પણ આવી તે પછી ફ્રેડરિક ફોર્સિથે પાછું વાળીને જોયું નહોતું.

અવસાન સમયે, ફ્રેડરિક ફોર્સિથના નામે 7 કરોડ ડૉલરની સંપત્તિ હતી. તે મરતાં સુધી સાદગીથી જીવ્યા હતા. જે લોકોએ ગરીબી જોઈ હોય, એ લોકો ધનવાન થયા પછી પણ પોતાનો ભૂતકાળ ભૂલતા નથી અને સફળતામાં છકી જતા નથી.

ફોર્સિથ માનતા હતા કે નસીબે કાયમ એમને સાથ આપ્યો છે. નાઇજીરિયામાં ગૃહયુદ્ધ દરમિયાન એ એક બંદૂકની ગોળીથી વીંધાઈ જતાં બચી ગયા હતા. એમણે એક વર્ષ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘પૂરી જિંદગીમાં મારું નસીબ બહુ ચમકતું રહ્યું છે. મને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય માણસો અને યોગ્ય કામ મળતું રહ્યું છે- અને પેલી ગોળી મારી સામે આવી ત્યારે પણ મેં યોગ્ય સમયે માથું ઝૂકાવી દીધું હતું!.’

આપણ વાંચો : મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button