પચાસ વર્ષ પછી પણ જીવિત છે રહસ્યમયતા… અગાથા ક્રિસ્ટીની અમર દુનિયા…

ટેકનોલોજી બદલાઈ ગઈ છે, સમાજ બદલાયો છે, પરંતુ લાલચ, પ્રેમ, ભય અને અપરાધવૃત્તિ આજે પણ એમની એમ અણનમ છે અને એટલે જ આ લેખિકાની કથાઓ 50 વર્ષ પછી પણ લોકભોગ્ય બની રહી છે
મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી
જે લોકોને, ખાસ કરીને વાચકોને, મર્ડર- મિસ્ટરી વાર્તાઓ વાંચવાનો શોખ હોય તેમના માટે અગાથા ક્રિસ્ટીનું નામ અજાણ્યું નહીં હોય. જેમને પુસ્તકોને બદલે એ પ્રકારની ફિલ્મો જોવાનો શોખ હોય, તેમના માટે પણ એ નામ અજાણ્યું નથી.
જે લોકો અંગ્રેજી પુસ્તકો કે અંગ્રેજી ફિલ્મોથી દૂર હોય અને હિન્દી પુસ્તકો અને ફિલ્મોથી ટેવાયેલા હોય, તેમના માટે પણ અગાથા ક્રિસ્ટી એક પરિચિત નામ હશે- જેમ કે મનોજ કુમારની ‘ગુમનામ,’ સંજય ખાનની ‘ધૂંધ,’ શર્મિલા ટાગોરની ‘શુભ મહુરત…. ’ કહેવાનો ભાવાર્થ એ કે ભારત હોય કે દુનિયાનો બીજો કોઈ દેશ, અગાથા ક્રિસ્ટી એક એવું નામ છે જે કોઈને કોઈ સ્વરૂપે તેમની ચેતનામાં હશે.
85 વર્ષનું આયુષ્ય ભોગવનાર અગાથાનો વૈશ્વિક વારસો તેમની 66 જાસૂસી નવલકથા અને 14 ટૂંકી વાર્તામાં ફેલાયેલો છે. તેમની આ કથાઓ એટલી આકર્ષક છે કે અલગ-અલગ ભાષાઓમાં અને અલગ-અલગ કળા સ્વરૂપોમાં તે આજે પણ જીવતી છે અને એટલે જ તેમના ચાહકો આ વર્ષે અગાથાની 50મી મૃત્યુજયંતી ઉજવી રહ્યા છે.
અગાથાની વિદાયને આજે પચાસ વર્ષ થઈ ગયાં, પણ દુનિયા આજે પણ એ ખામોશીમાં શ્વાસ લે છે- એ ખામોશી જેમાં કોઈ હત્યા છુપાયેલી છે, કોઈનું નકલી હાસ્ય છે અને સત્ય બહુ શાલીનતાથી કોઈ પડદા પાછળ બેઠું ઇંતેજાર કરી રહ્યું છે. આ ખામોશી અગાથા ક્રિસ્ટીની ઓળખ છે. 12 જાન્યુઆરી 1976માં મર્ડર મિસ્ટરીની આ મહારાણીનું અવસાન થયું પણ તેમણે સર્જેલી રહસ્યમય દુનિયા આજે પણ એવી જ રીતે જીવિત છે, જેવી રીતે ડ્રોઇંગ રૂમમાં ટીક-ટીક કરતી વોલ-ક્લોક.
અપરાધ અને રહસ્યની દુનિયામાં લેખકો તો અનેક થયા, પણ અગાથાનો વટ કંઈક અલગ જ રહ્યો. તેનું કારણ એ હતું કે તે કેવળ અપરાધ કથાઓની લેખિકા જ નહોતી, પણ માનવ સ્વભાવની સૂક્ષ્મ નિરીક્ષક હતી. તેમના માટે અપરાધ ખૂનામરકીનો ઉત્સવ નહોતો, બલ્કે મનુષ્યની કમજોરી, લાલચ, ઈર્ષા અને ભયમાંથી પરિણમતી ઘટના હતી. તેમણે આપણને એ નહોતું બતાવ્યું કે અપરાધ કેવી રીતે થાય છે; તેમનું જોર એ બતાવવા પર હતું કે અપરાધ કેમ થાય છે એટલા માટે જ તેમની વાર્તાઓ વાંચતો માણસ હિંસાથી વિચલિત નથી થતો, બલ્કે માનસિક ખેલમાં ગૂંચવાતો જાય છે.
ઇંગ્લેન્ડની ડેવોન કાઉન્ટીમાં આવેલા ટોર્કે નામના સમુદ્રી શહેરમાં 15 સપ્ટેમ્બર 1890ના રોજ જન્મેલી અગાથા મેરી ક્લેરિસા મિલરે યુદ્ધો, અસ્થિરતા અને નૈતિક સંકટોથી ભરેલા વીસમી સદીના પહેલા ભાગમાં લેખન શરૂ કર્યું હતું. એ સંયોગ નથી કે તેમની વાર્તાઓ અંતે વ્યવસ્થા તરફ આવીને પૂરી થાય છે; હત્યા થાય, અવ્યવસ્થા ફેલાય, અંતે સત્ય ઉજાગર થાય અને ન્યાય સ્થાપિત થાય. આ કેવળ કહાની નહોતી- આ એ સમયના વાચકોને એક પ્રકારનું સાહિત્યિક સાંત્વન હતું. આજે પણ, જ્યારે દુનિયા વધુ જટિલ અને ક્રૂર થઈ ગઈ છે, ત્યારે અગાથાનું આ ‘નૈતિક માળખું’ લોકોને ટાઢસ બંધાવે છે કે સૌ સારાં વાનાં થશે.
અગાથા ક્રિસ્ટીની કથાઓમાં અપરાધ ઘણીવાર બંધ કમરાઓમાં, સીમિત સ્થળોમાં અથવા નાના સમુદાયો વચ્ચે થાય છે.
ટ્રેન, જહાજ, હોટેલ, ગામ- આ બધાં સ્થળો સંયોગ નહીં, પરંતુ ઇરાદાપૂર્વકની પસંદગી છે. અપરાધસ્થળની સંકુચિતતા વાચકને એવી અનુભૂતિ કરાવે છે કે જાણે તે પણ એમાં પુરાઈ ગયો છે અને તે પણ એમાં એક શંકાસ્પદ છે.
રહસ્ય કથાલેખનની આ અદ્ભુત રણનીતિ છે, જેમાં વાચક માત્ર દર્શક નથી રહેતો, પરંતુ પોતે જ એક પાત્ર બની જાય છે. કદાચ એટલા માટે જ અગાથાને વાંચવું એક બુદ્ધિક આનંદ છે, કેવળ રોમાંચ નહીં.
આજકાલ અપરાધ પર આધારિત નવલકથાઓ અને વેબ-સિરીઝો ઘણી વખત અતિશય હિંસા, તેજ ગતિ અને સનસનાટી પર આધાર રાખે છે. એમાં લોહી વહે છે અને કેમેરો હટતો નથી. તેનાથી વિપરીત, અગાથાની કથાઓમાં હત્યા પછીનું દૃશ્ય શાંત થઈ જાય છે. ધ્યાન મૃતદેહ પર નહીં, જીવિત લોકો પર જાય છે- એ લોકો કેવી પ્રતિક્રિયાઓ આપે છે, એ ક્યાં શબ્દો ચૂકી જાય છે અને તેમના વ્યવહારમાં કેવી વિસંગતતાઓ છે તેનું અગાથા ધ્યાનપૂર્વક વર્ણન કરે છે.
આ સૂક્ષ્મતા આજે પણ તાજી લાગે છે, કારણ કે તેમાં વાચકની બુદ્ધિનું સન્માન થાય છે.
એક વાત એ પણ નોંધવા જેવી છે કે અગાથાએ ક્યારેય અપરાધનો મહિમા ગાયો નથી. તેમના હત્યારાઓ ઘણીવાર સાવ સામાન્ય લોકો હોય છે- સન્માનીય, પરિચિત અને વિશ્વસનીય. આવાં પાત્રો, એક વાચક તરીકે, આપણને એ યાદ અપાવે છે કે બુરાઈ બહારથી નથી આવતી -તે આપણી વચ્ચે જ જન્મ લે છે.
આ દૃષ્ટિ આજના સમાજ માટે વધુ પ્રાસંગિક છે, જ્યાં અપરાધને ઘણીવાર બીજા લોકો સાથે સાંકળી લેવામાં આવે છે.
કદાચ એ જ કારણ હતું કે ક્રિસ્ટીની પહેલી જ ક્રાઇમ નવલકથા ‘ધ મિસ્ટીરિયસ અફેર એટ સ્ટાઇલ્સ’ અંગ્રેજોના ફેવરિટ હિલ સ્ટેશન મસૂરીની ઘટનાથી પ્રેરાઈને રચાઈ હતી. 15 જાન્યુઆરી 1911ના રોજ મસૂરીની પ્રખ્યાત સેવોય હોટેલમાં 49 વર્ષીય મહિલા ફ્રાન્સિસ ગાર્નેટ ઓર્મ મૃત હાલતમાં મળી આવી હતી. આ વાસ્તવિક અને વણઉકેલ્યા હત્યાકાંડથી પ્રેરાઈને અગાથા ક્રિસ્ટીએ પહેલી ડિટેક્ટિવ નવલકથા લખી હતી, જેમાં અનેક શંકાસ્પદ પાત્રો, અનેકવિધ માનસિક રમત અને અંતે ચોંકાવનારો ખુલાસો જોવા મળે છે. આ ઘટનાએ તેમની સાહિત્યિક કારકિર્દીની દિશા નક્કી કરી અને વિશ્વપ્રસિદ્ધ રહસ્યકથાઓના યુગની શરૂઆત કરી.
અગાથાની લોકપ્રિયતાનું એક મોટું કારણ તેમની ભાષા અને વાર્તારચના છે. તેમની વાર્તાઓ જટિલ છે, પરંતુ ગૂંચવણભરી નથી. વાચકને એવું ન લાગે કે તે ખોવાઈ ગયો છે -ઊલટાનું તેને એવું મહેસૂસ થાય છે કે તે પણ રહસ્ય શોધવામાં મદદગાર છે. તેમની વાર્તાઓમાં દરેક સંકેત, દરેક સંવાદ અને દરેક નાની ઘટનાનો અંતે કોઈને કોઈ અર્થ જરૂર હોય છે. આ કારીગરી છે- એવી કારીગરી, જે સરળ દેખાય છે, પરંતુ અત્યંત શિસ્તબદ્ધ દિમાગની માગ કરે છે.
ભારત સહિત આખા વિશ્વમાં અગાથા ક્રિસ્ટી આજે પણ વાંચવામાં આવે છે. કદાચ એટલા માટે કે તેમનાં પુસ્તકો પરિવારમાં સૌ વચ્ચે ફરતા રહે છે- કિશોર પણ વાંચી શકે છે, વયસ્ક પણ. તેમાં અશ્લીલતા નથી, અનાવશ્યક ક્રૂરતા નથી, પરંતુ છતાં ઊંડી ઉત્તેજના છે. આ સંતુલન આજે દુર્લભ બની ગયું છે.
પચાસ વર્ષ પછી પણ અગાથા ક્રિસ્ટી આજે પણ પ્રાસંગિક છે, કારણ કે તેમણે માનવ સ્વભાવ અને વૃત્તિઓનો ગહન અભ્યાસ કર્યો હતો. ટેકનોલોજી બદલાઈ ગઈ છે, સમાજ બદલાયો છે, પરંતુ લાલચ, પ્રેમ, ભય અને અપરાધવૃત્તિ આજે પણ એમની એમ અણનમ છે. તેમણે આ સ્થાયી તત્ત્વો પર વાર્તાઓ રચી હતી, અને એટલે જ તે સમયથી આગળ રહી છે.



