મોર્નિંગ મ્યૂસિંગ : ઝુબિન ગર્ગ ને ડો. હિમા સાને: જીવનની મર્યાદા આપણા મનની મર્યાદા નથી

- રાજ ગોસ્વામી
ગયા અઠવાડિયે, બે ‘સાધારણ’ ભારતીયોનાં અવસાનથી મન વિચારે ચઢી ગયું કે આપણી આસપાસમાં જિંદગી (કે મૃત્યુ?) કેવા અજીબોગરીબ રંગમાં જોવા મળે છે. આસામના સુપરસ્ટાર સિંગર જુબિન ગર્ગનું સિંગાપુરમાં સ્કૂબા ડાઈવિંગ દરમિયાન મૃત્યુ થયું. 52 વર્ષના ગર્ગને દુનિયાએ ‘ગેંગસ્ટર’ ફિલ્મના શાનદાર સૂફી ગીત ‘યા અલી મદદ અલી’થી ઓળખ્યો હતો.
ગર્ગની ઉંમર તો હજુ નાની જ હતી પણ એણે કેવી રીતે મરવું છે તેની ઈચ્છા સેવી રાખી હતી. જાન્યુઆરી મહિનામાં એક આખરી ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું હતું, ‘હું પાગલ છું, હું લોકોને મારું બધું જ આપવા માગુ છું.’ એણે કહ્યું હતું કે એ પોતાનો અંતિમ સમય એક ટિલ્લા (ટેકરા)માં પસાર કરવા માગે છે. ટિલ્લા બ્રહ્મપુત્ર નદીનું બ્રિટિશ રાજ સમયનું હેરિટેજ સેન્ટર છે, જેને બોરફુકોનર ટિલ્લા અથવા ઇટાખુલી ટિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગર્ગે કહ્યું હતું, ‘આ સુંદર જગ્યા છે. આ સૌથી અદ્ભુત સ્થળોમાંનું એક છે. ત્યાં એક નાનો બંગલો છે. હું અહીં જ રહીશ અને અહીં જ મરી જઈશ. જ્યારે હું મરી જાઉં ત્યારે મને ત્યાં અગ્નિદાહ આપવામાં આવે અથવા બ્રહ્મપુત્રમાં વિસર્જિત કરવામાં આવે.’
એની કિસ્મતમાં ઈચ્છાપૂર્તિ જેવું નહીં હોય. એટલે એનો અંત હજારો કિલોમીટર દૂર સિંગાપુરના દરિયામાં આવ્યો. લાઈફ જેકેટ પહેર્યા વગર એ દરિયામાં કુદ્યો હતો અને પછી પાછો આવી ન શક્યો. જુબિન ગર્ગ એની શોહરતના શિખર પર હતો અને હજુ ઘણી મંજિલ કાપવાની હતી. એની પાસે સફળતા હતી, સંપત્તિ હતી અને ઈજ્જત હતી. હજુ ઘણું કરવાનું હતું. એ બધાનો અચાનક અંત આવી ગયો. એ અંત એની ઈચ્છા મુજબનો નહોતો. અતૃપ્ત આત્મા જેવું કશું હોય તો તે અત્યારે ભટકતો હશેને? જીવનમાં ઇચ્છિત જિંદગી અને ઇચ્છિત મોત મળે તેના જેવું સુખ બીજું કશું નહીં. ઘણા લોકો અકસ્માતે જીવે છે અને અકસ્માતે મરી જાય છે.
એક દિવસ પછી બીજા સમાચાર આવ્યા. પુણે સ્થિત પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને અબાસાહેબ ગવારે કોલેજના નિવૃત્ત પ્રોફેસર ડો. હિમા સાનેનું શુક્રવારે 85 વર્ષની વયે અવસાન થયું. ડો. સાનેની વિશેષતા એ હતી કે એ આખું જીવન અત્યંત સાદાઈથી જીવ્યાં હતાં. પુણેમાં બુધવાર પેઠના તાંબાડી જોગેશ્વરી મંદિર વિસ્તારમાં એક જર્જરિત ‘વાડા’માં રહેતાં હતાં. એમના અવસાનના સમાચાર રાષ્ટ્રીય સ્તરે ચમક્યા તેનું કારણ એ હતું કે એ ઘરમાં વીજળી વગર રહેતાં હતાં. રેફ્રિજરેટર, ટીવી અથવા કોઈ આધુનિક ઇલેક્ટ્રોનિક સુવિધાનો એ ઉપયોગ કરતાં નહોતાં.
એમણે જીવન જીવવાની એક ફિલસૂફીનું અનુસરણ કર્યું હતું: રોટલો અને ઓટલો એ મૂળભૂત જરૂરિયાત છે, વીજળી પછીથી આવે. મને આ જીવનની આદત છે અને મને તે ગમે છે.
ડો. સાનેએ પોતાની કારકિર્દીમાં વનસ્પતિશાસ્ત્ર શીખવવાનું પસંદ કર્યું હતું. એમણે અબાસાહેબ ગવારે કોલેજમાં પ્રોફેસર તરીકે લાંબા સમય સુધી કામ કર્યું હતું અને આ સમયગાળા દરમિયાન 30થી વધુ પુસ્તકો પણ લખ્યાં હતાં. એમનાં લેખન અને શિક્ષણથી ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી હતી.
ડો. સાને પોતાનું ઘર માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ ખુલ્લું રહેતું હતું. એ હંમેશાં પોતાની જાતને માલિક તરીકે નહીં પરંતુ સંભાળ રાખનાર તરીકે જોતા હતા. ‘આ કૂતરાઓ, બિલાડીઓ, નોળિયાઓ અને પક્ષીઓ માટેનું સ્થળ છે, હું ફક્ત તેની સંભાળ રાખું છું,’ એમ તે કહેતાં હતાં.
એમનું અવસાન થયું તે સમાચાર વાંચીને સુષમા દાતે નામનાં અન્ય એક પર્યાવરણવાદીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે : ડો. હિમા સાનેનો વિચાર કરું છું, ત્યારે મને સોક્રેટીસની જૂની વાર્તા યાદ આવે છે. એકવાર એણે એથેન્સના બજારમાં ચીજવસ્તુઓની ચકાચોંધ જોઈને કહ્યું હતું : ‘મને કેટલી વસ્તુઓની જરૂર નથી!’ ડો. સાને ટિનની એક નાનકડી ઝૂંપડી જેવા ઘરમાં રહેતાં હતાં. આખો દિવસ વાંચન- લેખનમાં પસાર થતો હતો. દુનિયા સાથે જોડાયેલા રહેવા માટે મોબાઇલ હતો, જે સૌર બેટરીથી ચાર્જ થતો હતો.
કોટનની સાડી પહેરેલાં ડો. સાને જીવ્યાં ત્યાં સુધી લાકડીના ટેકે ઘરમાં ફરીને કામ કરતાં હતાં. 1940થી અહીં રહેતાં હતાં. માતા-પિતા અને દાદા-દાદી પણ અહીં જ રહ્યાં હતાં. તેમના જેવું જ જીવન તેમને માફક આવી ગયું હતું. એમણે કબૂલ્યું નહોતું, પણ વીજળી વગર રહેવાની પસંદગી પાછળ પર્યાવરણ પ્રત્યેનો એમનો પ્રેમ હતો. વીજળીનો અભાવ એમને નડ્યો નહોતો. એમણે વનસ્પતિશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી અને 46 વર્ષની ઉંમરે ઇતિહાસના પ્રેમને કારણે ઇન્ડોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.
‘તમને આ જંગલ જેવી જગ્યામાં સાપ વગેરેની બીક નથી લગતી?’ કોઈએ ડો. સાનેને પૂછ્યું હતું. જવાબમાં એમણે કહ્યું હતું, ‘કદાચ આસપાસમાં હશે. સાચું કહું તો, મને કોઈ જનાવર કરતાં માણસની વધુ બીક લાગે છે. માણસો વધુ ખતરનાક છે. હું આજમાં જીવું છું. આવતીકાલની ચિંતા નથી કરતી.’
જુબિન ગર્ગ અને ડો. હેમા સાનેના જીવનનો આ કેવો વિરોધાભાસ! શાયર મરીઝની એક ગઝલનો લોકપ્રિય શેર છે:
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
જન્મ અને મૃત્યુ નક્કી છે એનો અર્થ એ નથી કે જીવનમાં આનંદ નથી કે તેનો ઉદ્દેશ નથી. સ્કૂપમાં આઈસક્રીમ અંતત: ઓગળી જવાનો છે તે સૌને ખબર છે અને એટલે જ તો તેને ખાવાની મજા આવે છે. આપણે એવું નથી વિચારતા કે આઈસક્રીમ કાયમ નથી રહેવાનો એટલે હું તેનો આનંદ નહીં લઉં. ઈન ફેક્ટ, તેની ક્ષણભંગુરતા જ આપણને તેનો આનંદ લેવા પ્રેરે છે.
જીવનનું પણ એવું છે. વિધાતાએ જન્મ અને મૃત્યુ નક્કી કરી રાખ્યું છે એટલે જ આપણે આનંદમય અને સાર્થક બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. એક દિવસ મરી જવાના છીએ એટલા માટે જ તો રોજ સવારે દુ:ખી થઈને ઉઠવાનો અર્થ નથી. જીવન એટલું સાર્થક અથવા નિરર્થક બને છે જેટલું આપણે તેને બનાવીએ છીએ. જીવનની મર્યાદા આપણા દિલ અને દિમાગની મર્યાદા નથી.
જીવન હોવાનો અર્થ એ નથી કે આપણે આપણી ઈચ્છા મુજબ પેદા થઈએ અને આપણી ઈચ્છા મુજબ વિદાય લઈએ.
જીવન હોવાનો અર્થ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયનો અનુભવ કરવાનો છે. તમે તેને કેવી રીતે અનુભવ કરો છો તે વિધાતાના નહીં, આપણા હાથમાં છે.
આપણ વાંચો: ઝબાન સંભાલ કે: ગરબામાં પારિવારિક મહેણાં ટોણાંની મોજ