મોર્નિંગ મ્યૂસિંગઃ જ્ઞાનનું વૈશ્વિક કેન્દ્ર નાલંદા કેવી રીતે ઈતિહાસના પટલ પરથી ભુંસાઈ ગયું…?

રાજ ગોસ્વામી
પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય, જેનું નામ વિશ્વભરમાં જ્ઞાનના એક ઉત્તમ કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે, તેનો ગૌરવશાળી ઈતિહાસ હવે તો એક દુ:ખદ સ્મૃતિ બનીને રહી ગયો છે. શિક્ષણના ક્ષેત્રે ભારત આજે ભલે દુનિયામાં પાછળ રહી ગયું હોય, પરંતુ એક સમયે આ દેશ જ્ઞાનનો સ્ત્રોત હતો.
તેનું પતન કેમ થયું તે એક ગંભીર અભ્યાસનો વિષય છે. બૌદ્ધકાળમાં ભારત શિક્ષણનું કેન્દ્ર હતું. તે વખતનાં વિશ્વવિદ્યાલયો વિક્રમાશીલા, તક્ષશિલા અને નાલંદાની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાઈ હતી.
નાલંદા આજે તો એક ખંડેર અવસ્થામાં છે. 2006માં, રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે નાલંદાની પુન:સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું. પાછળથી બિહાર વિધાનસભા અને કેન્દ્રમાં યુપીએની સરકારે તેના પર મંજુરીની મહોર મારી હતી. ગયા વર્ષે, વડા પ્રધાન મોદીએ તેના નવા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું હતું. બસ, ત્યારથી આ પેઢીના ઈતિહાસકારોને નાલંદામાં ભવ્ય ભૂતકાળમાં નવેસરથી રસ પડવા લાગ્યો છે.
નાલંદા જ્યાં આવેલી છે તે બિહારના રાજગીર (રાજગૃહ) શહેરમાં જન્મેલા ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાઈને રાજનીતિજ્ઞ બનેલા અભય કુમારે તાજેતરમાં જ તેના ઈતિહાસ પર ‘નાલંદા: હાઉ ઇટ ચેન્જડ ધ વર્લ્ડ’ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે. મહાવિહાર (મોનેસ્ટ્રી) તરીકે જાણીતા ઈતિહાસના આ ભવ્ય વિશ્વવિદ્યાલયે 14મી સદીમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું (તેના પતનને લઈને ઘણા મતભેદો છે), પરંતુ તેની વિરાસત આજે પણ અભ્યાસનો વિષય છે.
બ્રિટિશ સેનાના બંગાળ એન્જિનિયર ગ્રુપમાં કામ કરતા એલેકઝાન્ડર કનિંધમ નામના પુરાતત્ત્વશાસ્ત્રીએ પહેલી વાર તેના અવશેષો શોધ્યા પછી નાલંદાનો ઈતિહાસ ઉજાગર થયો હતો. ભારતમાં ઈતિહાસ ભણવા માટે આવેલા ચીની યાત્રીઓ હેન્સાંગ (હ્યુ એન સાંગ) અને ઇત્સિંગનાં પ્રવાસ વર્ણનો પરથી નાલંદા વિશે વિસ્તૃત જાણકારી મળે છે.
નાલંદા દુનિયાની પહેલી રેસિડેન્શિયલ યુનિવર્સિટી હતી, જ્યાં એક જ પરિસરમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રહેતા હતા. એક સમયે તેના પ્રાંગણમાં 10,000 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. લગભગ 1600 વર્ષ પહેલાં ગુપ્ત રાજવંશના શાસક કુમાર ગુપ્તએ શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં અનન્ય યોગદાન માટે આ બૌદ્ધ મહાવિહારની સ્થાપના કરી હતી. પાછળથી હર્ષવર્ધન અને પાલ શાસકોએ પણ તેનું સંરક્ષણ કર્યું હતું.
આ વિશ્વવિદ્યાલયની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 300 ઓરડાઓ, 7 મોટા વર્ગ અને અભ્યાસ માટે 9 માળનું એક વિશાળ પુસ્તકાલય હતું. તેમાં 90 લાખથી વધુ પુસ્તકો હતાં.! એવું કહેવાય છે કે 13મી સદીમાં અફઘાનિસ્તાનમાં જન્મેલા તૂર્કી શાસક બખ્તિયાર ખિલજીએ બંગાળ અને બિહારમાં એનું શાસન મજબૂત કરવા માટે નાલંદા પર હુમલો કર્યો હતો અને નાલંદાને પૂરી રીતે નષ્ટ કરી નાખી હતી. ઈતિહાસકારોમાં આ વાતનાં પ્રમાણોને લઈને મતભેદો છે.
જોકે, અભય કુમારનો દાવો એવો છે કે નાલંદાનાં મૂળિયાં હર્યક રાજવંશના સ્થાપક રાજા બિમ્બિસાર (ઇસુ પૂર્વે 544- 492)ના વખતમાં નાખવામાં આવ્યાં હતાં અને ગુપ્ત વંશમાં તેનો વિકાસ થયો હતો. કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને યુરોપનાં ઘણાં વિશ્વવિદ્યાલયો અને કોલેજોની સંરચના પરથી નાલંદાની પ્રેરણા લેવામાં આવી હતી.
નાલંદાનું સંપૂર્ણ સંકુલ પ્રવેશ માટેના મુખ્ય દરવાજા સાથે એક વિશાળ દીવાલથી ઘેરાયેલું હતું. ઉત્તરથી દક્ષિણ તરફ મઠોની કતાર હતી. કેન્દ્રિય વિદ્યાલયમાં સાત મોટા વર્ગ હતા. મઠોમાં એક કરતાં વધુ માળના હતા, દરેક મઠના આંગણામાં કૂવો બનાવવામાં આવ્યો હતો. આઠ વિશાળ ઇમારત, દસ મંદિર, અનેક પ્રાર્થના કક્ષ અને અભ્યાસ રૂમ ઉપરાંત આ પરિસરમાં સુંદર બગીચા અને તળાવો પણ હતા.
તેમાં પ્રવેશ સૌ માટે સુલભ હતો, પરંતુ તેની પરીક્ષા એટલી મુશ્કેલ હતી કે ફક્ત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકતા હતા. આજની યુનિવર્સિટીઓની જેમ, નાલંદાના વિદ્યાર્થીઓ પણ પોતાનો સંઘ ધરાવતા હતા. વિદ્યાર્થીઓને કોઈ આર્થિક ચિંતા નહોતી. શિક્ષણ, ખોરાક, કપડાંની દવા અને સારવાર એમના માટે આ બધું નિ:શુલ્ક હતું. રાજ્ય તરફથી, નાલંદાને દાનમાં 200 ગામ મળ્યાં હતાં, જેની આવક અને અનાજમાંથી તેનો ખર્ચો નીકળતો હતો.
કેવી કમાલની વાત છે કે છેક તે સમયે વિજ્ઞાન, ચિકિત્સા, ગણિત, ખગોળશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, તર્ક, વ્યાકરણ, લિપિ, પુસ્તક લેખન, અનુવાદ, સાહિત્ય, કળા અને વાસ્તુશાસ્ત્રના વિકાસમાં નાલંદાનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું., જેનાથી ભારત જ નહીં, દુનિયાને પણ લાભ મળ્યો હતો. અહીં ભારત ઉપરાંત ચીન, જાપાન, કોરિયા, તિબેટ, ઇન્ડોનેશિયા, ઈરાન, ગ્રીસ, મંગોલિયા જેવા દેશોના વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા.
આ વિશ્વવિદ્યાલયમાંથી જ ભારતમાં પદ્ધતિસરની વૈજ્ઞાનિક શિક્ષણ પ્રણાલીનો વિકાસ શક્ય બન્યો હતો. ‘યુનિવર્સિટી’ શબ્દ તે સમયે ચલણમાં નહોતો એટલે નાલંદા માટે ‘મહાવિહાર ’શબ્દ સામાન્ય રીતે વપરાય છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટી ‘શ્રી નાલંદ મહાવિહાર’, તરીકે જાણીતી હતી. નાલંદા શબ્દ સંસ્કૃત નાલમ+દા પરથી આવ્યો છે. સંસ્કૃતમાં ‘નાલમ’ એટલે કમળ…. કમળ જ્ઞાનનું પ્રતીક છે. ‘દા’ એટલે ‘આપે તે’. નાલમ+દા એટલે જે કમળ આપે તે… !
ભારતીય ગણિતના પિતામહ કહેવાતા આર્યભટ્ટ, છઠ્ઠી સદીમાં નાલંદાના સૌથી પ્રખર ગણિતજ્ઞ હતા. ત્યાં નાગાર્જુન, વાસુબંધુ, સંતરક્ષિતા અને કમલસિલા જેવા મહાન વિદ્વાનોએ તર્કશાસ્ત્રને આગળ વધારવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો, જેના કારણે મધ્યયુગીન વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ થયો. આ અભિગમ મધ્ય એશિયા અને છેવટે આરબ જગત અને યુરોપ સહિત વિશ્વના વિવિધ ભાગો સુધી પહોંચ્યો હતો.
ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના આશરે 650 વર્ષ પહેલાં નાલંદાની સ્થાપના થઈ હતી. ઓક્સફર્ડ આજે પણ ચાલે છે એટલું જ નહીં, તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીનું માન ભોગવે છે. બીજી બાજુ, નાલંદા આજે ખંડેર છે અને ત્યાં ફરવા આવતા યાત્રીઓની નજરમાં એક પીડા બનીને ભોંકાય છે.
‘અમને લોકોને જે પણ બૌદ્ધ જ્ઞાન મળ્યું છે તે નાલંદામાંથી આવ્યું છે,’ તેવું એકવાર તિબેટિયન ધાર્મિક નેતા દલાઈ લામાએ કહ્યું હતું. નાલંદા ગુમાવીને ભારતે માત્ર શિક્ષણનું કેન્દ્ર જ ગુમાવ્યું નથી, તેણે વિશ્વ પટલ પરથી તેની મહાનતા પણ ગુમાવી છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : કોચિંગ ક્લાસની સરખામણીએ આજે તેનાથી અડધી સાર્વજનિક લાઈબ્રેરીઓ પણ રહી નથી!