લગ્ન પર એક્સપાયરી ડેટ: ખતરનાક વિચાર કે ઈમાનદાર સત્ય?

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી
અભિનેત્રી કાજોલે તાજેતરમાં લગ્નમાં રીન્યૂઅલનો વિકલ્પ અને એક્સપાયરી ડેટ હોવી જોઈએ’ એવું કહીને સોશ્યલ મીડિયા અને પોપ-કલ્ચરમાં એક એવી ચર્ચાને જન્મ આપ્યો છે, જે ભારતનો સમાજ લાંબા સમયથી અનુભવી રહ્યો હતો, પણ બોલતાં અચકાતો હતો.લગ્નની એક્સપાયરી ડેટ હોવી જોઈએ’ તેવું વિધાન જેટલું ઉશ્કેરણીજનક લાગે છે એટલું જ તે આપણા બદલાતા સંબંધો, બદલાતાં મૂલ્યો અને લગ્ન-સંસ્થાની બદલાતી વ્યાખ્યાને પણ સામે લાવે છે.
અહીં દિલચસ્પ બાબત એ છે કે કાજોલ લગભગ ત્રણ દાયકાથી એક સ્થિર અને સફળ લગ્નમાં છે એટલે તેનું આ નિવેદન કોઈ અંગત અસંતોષનો સંકેત નથી, પરંતુ આજના યુગમાં સંબંધોની મનોવૈજ્ઞાનિક સચ્ચાઈ પર આધારિત એક ટિપ્પણી છે. મુદ્દો એ નથી કે તેની વાત સાચી' છે કેખોટી,’ પ્રશ્ન એ છે કે શું સમાજનાં એ થર- જે સદીઓથી લગ્નને સ્થાયિત્વ અને પવિત્રતાના પ્રતીક તરીકે જુવે છે- તે હવે એ પરિવર્તનોને સ્વીકરવા સક્ષમ છે જેમાંથી નવી પેઢી પસાર થઇ રહી છે?
લગ્નની મૂળ કલ્પના સ્થાયિત્વ પર આધારિત હતી- એક એવું બંધન જે આજીવન નિભાવાનું હોય, પછી ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય. આવાં લગ્નોનો આ વિચાર તે સમયનો હતો જ્યારે પરિવાર આર્થિક વ્યવસ્થાનો હતો, જ્યારે સ્ત્રી-પુષ બંનેની ભૂમિકા નક્કી હતી અને જ્યારે સામાજિક સ્વીકૃતિ વ્યક્તિના અસ્તિત્વનો મુખ્ય આધાર હતી, પરંતુ આધુનિક સમયમાં માત્ર સામાજિક માળખાં જ બદલાયા નથી, વ્યક્તિની આશાઓ, સ્વતંત્રતા, ભાવનાત્મક જરૂરિયાતો અને સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ છે. તેવા સમયે આ પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે જીવનભરની ગેરંટી આપતું આ મોડેલ હવે એટલું અસરકારક છે જેટલું અગાઉ હતું?
આ સંદર્ભમાં કાજોલનું નિવેદન એક પ્રતીક તરીકે ઊભરે છે- એવું કહેવા માટે કે આજના સમયમાં સંબંધો આદતથી નહીં, ઈચ્છાથી ચાલે છે; બાંધછોડથી નહીં, પરસ્પર સન્માન અને ભાવનાત્મક સહયોગથી ચાલે છે; સમાજના હિત માટે નહીં, પ્રેમ માટે ચાલે છે.
એક્સપાયરી ડેટનો વિચાર પહેલી નજરમાં કદાચ લગ્નની અસ્થિરતા વધારતો લાગે, પરંતુ તેની પાછળનો વિચાર એ છે કે સંબંધોને ઓટોમેટિક અજરામર માનવામાં ન આવવા જોઈએ. સંબંધ ત્યારે જ ટકી રહે છે જ્યારે બંને વ્યક્તિ તેને રોજેરોજ, ઈમાનદારી અને બરાબરીથી નિભાવે. જો સંબંધમાં સંવાદ, સંગતિ અને સન્માન ખતમ થઈ જાય તો માત્ર સમાજની શરમે અથવા દબાણથી તેને વેંઢારી રાખવો તે વ્યક્તિ અને પરિવાર માટે હાનિકારક બની શકે છે.
અનેક દેશમાં `રીન્યૂએબલ મેરેજ કોન્ટ્રાક્ટ’ની ચર્ચા સમય-સમય પર થતી રહી છે. તેમાં નિશ્ચિત વર્ષો બાદ બંને સાથીદાર એ નક્કી કરી શકે કે એ બન્ને આગળ સાથે રહેવા માગે છે કે નહીં. આ વિચાર એટલા માટે પણ લોકપ્રિય થઈ રહ્યો છે, કારણ કે તે લોકોને સંબંધમાં રહેવા માટે નબળા બનાવતો નથી પરંતુ તેમને એ વિકલ્પ આપે છે કે એ પોતાની ખુશી અને માનસિક શાંતિ પ્રમાણે નિર્ણય કરી શકે.
એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે આજે છૂટાછેડા લેવા તે એટલું મોટું કલંક નથી જેટલું અગાઉ હતું. આજે લોકો બહેતર જીવન અને બહેતર માનસિક સ્વાસ્થ્ય માટે સંબંધોમાં પરિવર્તનોને સ્વીકારતા થઈ રહ્યાં છે. તેમ છતાં, સામાજિક
શરમ કે દબાવના કારણે ઘણા લોકો એવા સંબંધોમાં પણ બંધાયેલા રહે છે, જ્યાં ન પ્રેમ છે, ન માન કે ન મનમેળ. તેવા સમયે એક્સપાયરી' અથવારીન્યૂઅલ’નો વિચાર તેમને માનસિક સ્વાતંત્ર્ય આપે છે- એવા ભાવ સાથે કે સંબંધનો અંત થવો કોઈની નિષ્ફળતા નથી, પણ બે વ્યક્તિઓના વિકાસની અલગ-અલગ મંજિલોનું પરિણામ છે.
સાથે એ પણ એટલું જ સાચું છે કે લગ્ન માત્ર બે લોકોનો ખાનગી કરાર નથી હોતા; તેમાં પરિવાર, સામાજિક જવાબદારીઓ, આર્થિક વ્યવસ્થાઓ અને બાળકોનું ભવિષ્ય પણ સામેલ હોય છે. એક્સપાયરીના મોડેલને મૂળમાં લાગુ કરવું ભારતીય સામાજિક પરિપેક્ષ્યમાં હજી મુશ્કેલ છે કારણ કે અહીં સંબંધો માત્ર બે વ્યક્તિની ભાવનાઓ આધારિત નથી હોતા- તે સામાજિક મૂલ્યો પર પણ ટકેલાં હોય છે.
આ ચર્ચામાં એક બીજું પાસું પણ છે; પ્રતિબદ્ધતાનું મહત્ત્વ. લાંબી આવરદાવાળા સંબંધો સરળતાથી નથી બનતા. તે ઉતારચઢાવ, જતું કરવાની ભાવના અને જાતને સુધારવાની તકોમાંથી પસાર થાય છે. આવા સંબંધો ઊંડા એટલા માટે થાય છે, કારણ કે લોકો મુશ્કેલીઓથી ભાગતા નથી, પરંતુ સહકાર સાધીને તેનો સામનો કરે છે. એક્સપાયરી ડેટનો વિચાર ક્યારેક આ ઊંડાણને પણ તકલાદી બનાવી શકે છે, કારણ કે તે એક મનોવૈજ્ઞાનિક છીંડું બને છે- એક એવું છીંડું જેના કારણે વ્યક્તિ દરેક સમસ્યા પર એવું વિચારવા લાગે છે કે `જો ન ચાલ્યું તો છૂટા થઇ જઈશું.’ સંબંધો સરળતાથી સમાપ્ત થઈ શકે તો લોકો તેની પાછળ એટલી મહેનત ન કરે તેવું પણ બને. આ એક વાસ્તવિક ચિંતાનો મુદ્દો છે અને તેને અવગણી ન શકાય.
જોકે તેનાથી ઊલટું પાસું પણ એટલું જ સાચું છે. ઘણા સંબંધો તો એટલા માટે જ તૂટી જાય છે, કારણ કે લોકો શરૂઆતથી જ એવું મન બનાવી લે છે કે લગ્ન થઇ ગયાં છે એટલે હવે ગંગા નાહ્યા- હવે તો આ કાયમ ચાલશે. એવી માનસિકતાના કારણે તેઓ લગ્નને સ્વસ્થ રાખવા માટે મહેનત નથી કરતા, સંવાદ અને સહકાર ઘટી જાય છે અને સંબંધ ફક્ત ઔપચારિક બનીને રહી જાય છે.
એટલે કાજોલના બયાનને એક ચેતવણીની જેમ પણ જોઈ શકાય છે કે કોઈપણ સંબંધ સ્વયં ટકાઉ નથી હોતો. તેને જીવંત રાખવો તે એક સતત ચાલતી પ્રક્રિયા છે- આ એક એવો નિર્ણય છે જે ફેરા ફરવાની તારીખ પૂરતો મર્યાદિત નથી હોતો,પણ રોજ સવારે ઊઠતી વખતે અને રોજ રાતે સૂતી વખતે રીન્યૂ કરવો પડતો હોય છે.
લગ્નો સપ્તપદીનાં વચનોની નીપજ નથી, તે દૈનિક ક્રિયા છે.
એક્સપાયરી ડેટનો વિચાર સમાજનાં કઠોર બંધનોના વિરોધમાં નથી, પરંતુ સંબંધોની ગુણવત્તાના સમર્થનમાં છે. તે કહે છે કે વિવાહને પવિત્ર અથવા સ્થાયી માનવો ખોટો નથી, તેને અનિવાર્ય માનવો ખોટું છે. સંબંધો સફળ ત્યારે થાય છે જ્યારે તેમાં સ્વતંત્રતા, સન્માન અને વાસ્તવિક ભાવનાઓ હોય. અને જો આ ચીજો ખતમ થઇ જાય, તો સમાજે એવી વ્યવસ્થા કરવી જોઈએ જ્યાં લોકો અપરાધબોધ વગર પોતાના જીવન વિશે વિચાર અને નિર્ણય કરી શકે.
લગ્ન પર એક્સપાયરી ડેટનું સ્ટીકર એક પ્રતીક છે- તે આપણને યાદ અપાવે છે કે સંબંધોને નિભાવવાનો નિર્ણય કોઈ ફરજનું પરિણામ ન હોવું જોઈએ પરંતુ તે એક એવો સ્વૈચ્છિક વિકલ્પ હોવો જોઈએ જેને બે લોકો દરરોજ ફરી ફરી પસંદ કરવા ઇચ્છે.
આમ એક્સપાયરી ડેટને સનસનાટી તરીકે ન જોવું જોઈએ. આ વિચાર આપણી માનસિકતાને પડકારે છે અને એ સવાલ કરવા માટે મજબૂર કરે છે કે શું આપણે લગ્નને એક સંસ્થા તરીકે આધુનિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત બનાવી શક્યા છીએ? તે આપણને એ વિચારવા માટે વિવશ કરે છે કે સંબંધોની સફળતાનો માપદંડ સમય નથી, પરંતુ ગુણવત્તા હોવી જોઈએ. અને આ જ વાત તે વિચારને પ્રાસંગિક બનાવે છે. એક્સપાયરી ડેટનો વિચાર સાચો કે ખોટો તે નક્કી કરવાનું તો બહુ આસાન છે, પણ તેની પાછળ જે મુદ્દાઓ છુપાયેલા છે તે નિશ્ચિતપણે આજના સમાજ માટે બહુ જરૂરી છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: જૂની હિન્દી સિનેમા સાથેની આખરી કડી એવી એક બેનમૂન અભિનેત્રી કામિની કૌશલ



