મોર્નિંગ મ્યૂસિંગ: કબૂતર જા જા… કબૂતરો હવે ચિઠ્ઠી નથી લાવતા… બીમારીઓ લાવે છે

રાજ ગોસ્વામી
આજે અનેકની આંખે ચઢીને પળોજણ બની ગયેલાં એવાં આ પારેવાની ગઈ કાલ ને આજ જાણવા જેવી છે.
પૂર્વ પર્યાવરણ મંત્રી અને ભાજપનાં નેતા મેનકા ગાંધીએ આશા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં બંધ થઇ ગયેલાં કબૂતરખાનાઓ ફરીથી શરૂ કરવા અંગે હકારાત્મક રીતે વિચારશે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખતરો ગણાવીને તાજેતરમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ ફરમાવીને અમુક જૂનાં કબૂતરખાના બંધ કરી દીધાં છે. તાજેતરમાં મેનકા ગાંધીએ કહ્યું છે કે ‘ફટાકડા જેટલું પ્રદુષણ ફેલાવે છે તેવી હાનિ કબૂતરો નથી કરતાં. કબૂતરોથી કોઈ મરી ગયું હોય તેવો કોઈ દાખલો નથી, છતાં 57 જેટલાં કબૂતરખાના બંધ કરી દેવામાં આવ્યાં છે.’ એમ શ્રીમતી ગાંધીએ કહ્યું હતું.
વાસ્તવમાં, કબૂતરો હવા ગંદી કરે છે તેવા તર્ક સાથે મુંબઈ હાઈકોર્ટના આદેશના પગલે કબૂતરખાના બંધ કરવામાં આવ્યાં છે. જેમાં 1933માં બાંધવામાં આવેલા દાદરના પ્રસિદ્ધ કબૂતરખાનાનો પણ સમાવેશ થાય છે. જે લોકોએ જેકી શ્રોફ-અનિલ કપૂરની ‘પરિંદા’ ફિલ્મ જોઈ હશે તેમને આ કબૂતરખાનાનું દ્રશ્ય યાદ હશે. કબૂતરોનો ઉપયોગ સંદેશાવાહક તરીકે પણ થયો છે. સલમાન ખાનની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં આખું ગીત તેને અર્પણ કરવામાં આવ્યું હતું’
મુંબઈમાં કબૂતરખાનાનો ઈતિહાસ બહુ જૂનો છે અને તે ગુજરાતી અને જૈન વેપારીઓ સાથે જોડાયેલો છે. તેના કારણે જ મુંબઈમાં કબૂતરોની વસતિ વધી છે. છેક 1909માં, ‘કોમન બર્ડ્સ ઓફ બોમ્બે’ નામના એક પુસ્તકમાં એડવર્ડ હેમિલ્ટન એઈટકેન નામના સનદી અધિકારીએ આ વાતને નોંધતાં લખ્યું હતું કે, મુંબઈમાં મોટી સંખ્યામાં કબૂતરો બે કારણથી આવે છે; રહેવા માટે બહુ જગ્યાઓ છે અને આજના હિંદુ વેપારીઓમાં કરુણા બહુ છે.
આજે કબૂતરોનો ત્રાસ દુનિયાભરમાં છે, પરંતુ એક સમયે મુંબઈમાં કબૂતરોને ચણ નાખવું તે સૌથી મોટી જીવદયા પ્રવૃત્તિ ગણાતી હતી. એમ તો કબૂતરોને ચણ નાખવાની પ્રવૃત્તિ શહેરોમાં થતી રહે છે, પણ તેના માટે રહેવાની જગ્યાની વ્યવસ્થા માત્ર મુંબઈમાં જ છે.
વાસ્તવમાં, કબૂતરખાનાઓને અંગ્રેજો પણ પ્રોત્સાહન આપ્યું હતું. ઈંગ્લેંડમાં છેક સત્તરમી સદીમાં અમીર-ઉમરાવ લોકો કબૂતરો પાળતા હતા. કબૂતરો સ્ટેટ્સ સિમ્બલ ગણાતાં હતાં. એ લોકો તેમનાં એસ્ટેટ અથવા મહેલો બહાર કબૂતરો માટે ખાસ ઘર બનાવતા હતા. તેને ‘ડોવકોટ’ કહે છે. આવાં ડોવકોટ્સ ઘર તરફ આવતા રસ્તા કે મુખ્ય દરવાજા પાસે ચણવામાં આવતાં, જેથી આવતા-જતા લોકો તેને જોઈ શકે. તેમના માટે કબૂતરોની બે વ્યવહારિક ઉપયોગીતા હતી, તે આહારમાં કામ લાગતાં હતાં અને તેનાં પીંછાં ઘરના શણગારમાં વાપરતાં હતાં. કબૂતરોનું આધ્યામિક મહત્ત્વ પણ હતું, કારણ કે ઈસાઈ પરંપરામાં કબૂતરનો સંબંધ હોલી સ્પિરિટ સાથે છે.
કબૂતરોની ઉપયોગિતા પૂરા યુરોપ અને મધ્ય પૂર્વમાં હતી. દુનિયાનું સૌથી જૂનું ડોવકોટ ઈજીપ્ત અને ઈરાનમાં છે, જે એક કિલ્લાનૂમા જગ્યા છે. અહીંના ખેડૂતો કબૂતરોની હગારને ખાતર તરીકે વાપરતા હતા અને તે ચામડું ચમકાવવા તેમ જ ગનપાવડર બનાવવામાં પણ ઉપયોગમાં લેવાતી હતી. મધ્યયુગીન યુરોપમાં તો એવો કાયદો પણ હતો માત્ર અમીર લોકો જ કબૂતરો રાખી શકે. ફ્રાન્સ અને ઈંગ્લેંડમાં ઘણાં ડોવકોટ્સ આજે પણ ર્જીણશીર્ણ હાલતમાં જોવા મળે છે. 1650ના દાયકામાં આર્થર કૂક નામના એક ‘કબૂતર નિષ્ણાંતે’ ગણતરી કરી હતી કે એકલા ઈંગ્લેંડમાં જ 26,000 ડોવકોટ્સ હતાં.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : કસમ- સોગંદ- પ્રતિજ્ઞા- વચન લેવાથી માણસ વધુ પ્રામાણિક બની જાય?
આજે તો ખબર નથી, પરંતુ લંડનના ટ્રાફલગર સ્કવેરમાં કબૂતરોને ચણ નાખવાની પ્રવૃત્તિ એટલી લોકપ્રિય હતી કે સ્થાનિક લોકો તો ખરા, લંડન ફરવા માટે આવેલા લોકો પણ ત્યાં અચુક જતા અને કબૂતરો વચ્ચે ફોટા પડાવતા. આ સ્કવેર 1844માં ચણવામાં આવ્યો હતો અને કબૂતરો તે પહેલાંથી ત્યાં આવતાં હતાં. કબૂતરોમાં ચહેરાઓ અને જગ્યાઓને યાદ રાખવાની ક્ષમતા છે. લોકો જેમ જેમ ચણ નાખતા ગયા, કબૂતરો ટ્રાફલગર સ્કવેરમાં આવતાં ગયાં. એક સમયે ત્યાં 4,000 કબૂતરો આવતાં હતાં.
આવું જ મુંબઈમાં થયું હતું. અંગ્રેજો મુંબઈના ગુજરાતી વેપારીઓ સાથે સારા સંબંધો રાખતા હતા એટલે એમણે કબૂતરોને ચણ નાખવાને પ્રોત્સાહન આપ્યું હતું. એમ તો મુંબઈમાં પણ બ્રિટિશરોમાં પહેલાંથી આ પ્રવૃત્તિ હતી અને તેનાં મૂળ ધાર્મિક છે. હિંદુ ધર્મમાં પશુ-પંખીઓને ખવાડવાને પુણ્યનું કામ ગણાય છે. જૈન ધર્મમાં અહિંસા પર વધુ ભાર હોવાથી જીવદયા રિવાજનો હિસ્સો છે. ઇસ્લામમાં ખૈરાતની પરંપરા છે અને પક્ષીઓને ખવાડવામાં આવે છે અને મૃતાત્માઓ માટે મન્નત માનવામાં આવે છે.
મુંબઈમાં દાદર, ભૂલેશ્વર અને ચર્ની રોડ વિસ્તાર એક સમયે કબૂતરોનું નિવાસ્થાન હતા. બ્રિટિશરોએ ખુલ્લાં મેદાનો, બગીચાઓ અને ચોક બનાવ્યા હતા એટલે કબૂતરો માટે અનુકૂળતા સર્જાઈ હતી. એમણે ચણ નાખવાની આ એક સદી જૂની પ્રવૃત્તિ હવે કાનૂની લડાઈનું કેન્દ્ર બની છે. એક તરફ એક મોટો વર્ગ આ પ્રવૃત્તિને સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખતરો ગણે છે તો બીજો વર્ગ તેને જીવદયાનો અભિન્ન હિસ્સો માને છે.
પહેલા – બીજા વિશ્વયુદ્ધમાં સીમા પાર દુશ્મનો અંગેના સંદેશાઓ લઇ જવાનું કામ કરતાં કબૂતરો એક સમયે મદદગાર નજર આવતાં હતાં, પરંતુ તે રોગાણુંઓ પણ લઇ આવે છે તે આજની ચિંતા છે. શાંત અને માસૂમ નજર આવતાં આ પક્ષી ભારતમાં દરેક શહેરોમાં ઘરોની બાલ્કનીઓ, છતો અને બારીઓમાં નજર આવે છે અને ગંદકીથી લોકોને પરેશાન કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કબૂતરો ચેપી નથી, પરંતુ કબૂતરખાના જેવી મોટી જગ્યામાં તેમની હગાર, પીંછાં અને માળાનો કચરાના સંપર્કમાં નિયમિત રીતે આવવાથી તે માણસોમાં મુખ્યત્વે ફેફસાં સાથે સંકળાયેલા રોગો જેવા કે હિસ્ટોપ્લાઝ્મોસીસ, ક્રિપ્ટોકોકોસિસ અને હાઈપરસેન્સિટિવિટી ન્યુમોનિટિસ ફેલાવે છે.
વિશ્વ આરોગ્ય સંગઠને પણ સાવધાની રાખવાની ચેતવણી ઉચ્ચારી છે. મુંબઈ હાઈકોર્ટે પણ આ વાત માની છે, પણ ત્યાં ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોવાથી એક જુદી જ લડાઈ ચાલી રહી છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : બોડીગાર્ડનો સશક્ત ઈતિહાસ, મુઘલોનાં હરમની ઉર્દૂ બેગીસથી સલમાનના શેરા સુધી…