ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : કોચિંગ ક્લાસની સરખામણીએ આજે તેનાથી અડધી સાર્વજનિક લાઈબ્રેરીઓ પણ રહી નથી!

-રાજ ગોસ્વામી

કોઇ પણ સાર્વજનિક મુદ્દાને બહેતર રીતે સમજવા માટે અને તેનું સમાધાન શોધવા માટે તેનો ડેટા- એટલે કે તેની બુનિયાદી માહિતી અને તથ્યાત્મક આંકડા મહત્ત્વના હોય છે. વહીવટમાં સુધાર આ ડેટાના આધારે થાય છે. ડેટા જનહિતના પત્રકારત્વનો જ હિસ્સો છે.‘ ઇન્ડિયાસ્પેન્ડ’ નામનું એક સંગઠન વિવિધ ક્ષેત્રોના ડેટા ઉપલબ્ધ કરાવીને જનહિતમાં જાગૃતિ ફેલાવાનું કામ કરે છે. તે એક મુંબઈથી કામ કરતું ચેરિટેબલ ટ્રસ્ટ છે. તમને કોઈ પણ વિષયની તથ્યાત્મક સમજ મેળવવી હોય તો તેની વેબસાઈટ પર મુલાકાત લેવા જેવી છે.

આ ‘ઇન્ડિયાસ્પેન્ડ’ તરફથી થોડાં વર્ષ પહેલાં સૂચનાના અધિકાર (આરટીઆઈ) હેઠળ અરજી કરીને સરકાર પાસે એવી માહિતી માગવામાં આવી હતી કે ભારત તેની સાર્વજનિક લાઈબ્રેરીઓ ચલાવવા માટે અને તેમાં સુધાર કરવા માટે કેટલા રૂપિયા ખર્ચે છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અનુસાર દેશમાં આજે 54,856 સાર્વજનિક લાઈબ્રેરી છે.

દેખીતી રીતે જ તેને ચલાવવા અને દેખભાળ કરવા માટેનું એક અલાયદું તંત્ર હશે. અને તો તેનું એક આર્થિક માળખું પણ હશે એવું આપણે માની લઈએ એ સહજ છે, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે ‘ઇન્ડિયાસ્પેન્ડ‘ ને એવો કોઈ સત્તાવાર દસ્તાવેજ ન મળ્યો, જે સાર્વજનિક લાઈબ્રેરીઓ પાછળ પ્રતિ વ્યક્તિ ખર્ચ આપી શકે. તેની આરટીઆઈ અરજીને સાંસ્કૃતિક મંત્રાલય તરફથી અલગ અલગ લાઈબ્રેરીઓ તરફ રવાના કરવામાં આવી- જેમ કે કલકત્તાની નેશનલ લાઈબ્રેરી, દિલ્હી પબ્લિક લાઈબ્રેરી અને કલકત્તાની રાજા રામમોહન રોય લાયબ્રેરી. ત્યાંથી પણ કોઈ માહિતી ન મળી. અમુક લાઈબ્રેરીઓએ તેમના વ્યક્તિગત ખર્ચની વિગતો ઉપલબ્ધ કરાવી, પણ રાષ્ટ્રીય સ્તરે દર વર્ષે લાઈબ્રેરીઓ પાછળ કેટલો ખર્ચ થાય છે એની કોઈ સ્પષ્ટતા નથી. આનો અર્થ એ થયો કે ભારતમાં સાર્વજનિક લાઈબ્રેરીઓને જીવંત રાખવા માટે કોઈ કેન્દ્રીય ચેક્સ એન્ડ બેલેન્સ નથી. સાંસ્કૃતિક મંત્રાલય તેને આર્થિક સહાયતા પૂરી પાડે છે, પરંતુ તે ફંડનો વહીવટ કરતું નથી.

સરકારી ઉપેક્ષા તો છે જ, તેની સાથે ડિજિટલ વાંચનના વધતા ચલણના પગલે ભારતમાં લાઈબ્રેરીઓની સંસ્કૃતિ મરણપથારીએ છે. જે લાઈબ્રેરીઓ પોતાની રીતે શ્વાસ લઇ રહી છે ત્યાં પણ પુસ્તકોની દેખરેખ ઉત્સાહવર્ધક નથી. લાઈબ્રેરીઓની સાફસફાઈ થતી નથી, તેની સાધન-સુવિધાઓ ગરીબ છે, ત્યાં કામ કરતા લોકોના પગાર મામૂલી હોય છે, વાચકો આવતા નથી એટલે તેને સરસ રીતે ચલાવવાનો જુસ્સો નથી.

બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં જાહેર સાર્વજનિક લાઈબ્રેરીઓને એક સૂત્રમાં બાંધી રાખે તેવી કોઈ વહીવટી વ્યવસ્થા નથી. રાજ્ય સરકારો તેમની સ્થાનિક વહીવટી સંસ્થાઓ, જેમ કે શહેર નિગમો અથવા ગ્રામ પરિષદોના કરમાંથી સાર્વજનિક લાઈબ્રેરીઓ ચલાવે છે.

‘ઇન્ડિયાસ્પેન્ડ’ લખે છે કે ભારતના 29 રાજ્ય અને સાત કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 19 રાજ્યોએ રાજ્ય પુસ્તકાલય કાયદો પસાર કર્યો છે, જેમાંથી માત્ર પાંચ રાજ્યમાં લાઈબ્રેરી સેસ અથવા કર વસૂલવાની જોગવાઈ છે.

આધુનિક ભારતમાં લાઈબ્રેરીઓનો વિકાસ અપેક્ષા મુજબ નથી થઈ રહ્યો. દેશ ગુલામીની જાળમાં ફસાયેલો હતો. આ કારણે, લાઈબ્રેરીઓને વધુ ધ્યાન મળ્યું ન હતું અને લાઈબ્રેરીઓ રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો મેળવી ન શકી. 1882માં મુંબઈ રાજ્યમાં, 1890માં કર્ણાટકમાં અને 1910ની આસપાસ વડોદરા રાજ્યમાં લાઈબ્રેરીઓ તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે, લાઈબ્રેરીઓના વિકાસ માટે 1924માં બેલગામ, 1927માં મદ્રાસ રાજ્ય અને 1929માં કર્ણાટકના ધારવાડમાં લાઈબ્રેરી સંગઠનોની બેઠકો યોજાઈ હતી. ભારતમાં લાઈબ્રેરી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા ડો. એસ. આર. રંગનાથનનાં પ્રયાસોથી 1933માં મદ્રાસ વિધાનસભામાં લાઈબ્રેરી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન લાઈબ્રેરીઓ વિજ્ઞાન પર વીસ પુસ્તકો પણ પ્રકાશિત થયા હતા.

વડોદરા રાજ્યના ભૂતપૂર્વ શાસક સર સયાજીરાવ ગાયકવાડે એમના રાજ્યમાં વાંચન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 1910માં એક અલગ લાઈબ્રેરી વિભાગની સ્થાપના કરી હતી. તે જ વર્ષે વડોદરામાં ગુજરાતનું સૌથી મોટું કેન્દ્રીય પુસ્તકાલય સ્થાપવામાં આવ્યું હતું. 1947 સુધીમાં વડોદરા રાજ્યમાં આશરે 2,300 લાઈબ્રેરી હતી. 1911માં વડનગરમાં અને પછીનાં વર્ષોમાં અમરેલી, નવસારી, કડી, ઓખા, ડભોઈ, શિનોર, વિસનગર, વરણામા, પલાણા, વસો, ધર્મજ, ઉંઝા, વાઘોડિયા, બિલીમોરા, મહેસાણા, વ્યારા, વિજાપુર, સોજિત્રા, કરનાલી, કરજણ, સંખેડામાં લાઈબ્રેરીઓ બનાવવવામાં આવી હતી.1925માં વડોદરા રાજ્યમાં 4 પ્રાંતીય લાઈબ્રેરીઓ, 433 નગર લાઈબ્રેરીઓ, 618 જાહેર લાઈબ્રેરીઓ, 87 વાંચન ખંડો અને 84 મોટી લાઈબ્રેરીઓ હતી.

ભારતમાં સાર્વજનિક લાઈબ્રેરીઓ માટેનો કાનૂન છેક 1948માં બન્યો હતો. તે પહેલાં ગાયકવાડ જેવા રાજા- મહારાજાઓ, અમુક બ્રિટિશ અધિકારીઓ અને ભારતીય વિદ્વાનો વ્યક્તિગત સ્તરે લોકોમાં વાંચનનો પ્રેમ જગાડવા માટે મહેનત કરતા હતા. દેશમાં આઝાદીની ચળવળની લગોલગ અને તે પહેલાં એક સામાજિક ચળવળ શરૂ થઇ હતી. તેનો ઉદેશ્ય ભારતમાં સમાજને અજ્ઞાન અને નિરક્ષરતા દૂર કરવાનો હતો, જેથી બ્રિટિશ રાજ સામે જાગૃતિ આવે. પુસ્તકોના વાંચનને આ દરમિયાન જ ધક્કો વાગ્યો હતો, પરંતુ આઝાદી મળી ગઈ અને દેશને આર્થિક રીતે સદ્ધર બનાવાની પ્રાથમિકતા આવી તેમાં લાઈબ્રેરીઓ તરફથી ધ્યાન ભટકી ગયું.

2011ની થયેલી વસતિ ગણતરી અનુસાર, ભારતમાં શહેરી ક્ષેત્રોમાં માત્ર 4,580 લાઈબ્રેરીઓ છે, જે અંદાજે 37 કરોડ લોકોને પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જો કે એ સર્વેમાં તે લાઈબ્રેરીઓ કેવી સ્થિતિમાં છે અને તે શું સેવા પૂરી પાડે છે તેની વિગતો નહોતી. એક માહિતી અનુસાર, અમેરિકા સાર્વજનિક લાઈબ્રેરીઓ પાછળ પ્રતિ વ્યક્તિ 36 ડૉલર ખર્ચે છે, ભારતમાં માત્ર 7 પૈસા ખર્ચાય છે.!

આનો બીજો એક ગેરફાયદો એ થયો છે કે વિદ્યાર્થીઓને ભણવા માટે, અભ્યાસ કરવા માટે સ્કૂલ-કોલેજ સિવાય બીજી જગ્યાઓ ઉપલબ્ધ નથી. પશ્ર્ચિમમાં (અને જૂના જમાનામાં ભારતમાં પણ) છોકરાઓ ભણવા માટે લાઈબ્રેરીઓનો ઉપયોગ કરતા હતા. એક તો સમયની અનુકૂળતા હોય, ત્યાં વિશાળ સંદર્ભો ઉપલબ્ધ હોય અને સુવિધાઓ હોય.એ વાંચનાલય સ્ટડી સેન્ટરની ગરજ સારતી હતી, પરંતુ સરકારની ઉપેક્ષાના કારણે એવી જગ્યાઓ હવે સીમિત થઇ ગઈ છે અથવા પ્રતિકૂળ બની ગઈ છે. આજે એક શહેરમાં જેટલા કોચિંગ ક્લાસ છે, તેનાથી પણ અડધી સાર્વજનિક લાઈબ્રેરીઓ હોત તો?!

આપણ વાંચો : મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button