ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : સીઝફાયર: બંદૂકો વચ્ચે આગ ઓલવવાની એક હજાર વર્ષ જૂની ઈસાઈ ધારણા…

  • રાજ ગોસ્વામી

આપણે ત્યાં આજકાલ લોકોના મોઢે એક શબ્દ ચઢી ગયો છે: સીઝફાયર (સીસ-ફાયર ) થોડા સમય પહેલાં આપણા ‘ઑપરેશન સિંદૂર’ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે જે ચાર દિવસ માટે સૈનિક ટકરાવ થયો ત્યારે આ શબ્દ ચર્ચામાં આવ્યો હતો અને હવે ઈરાન-ઇઝરાયલના બાર દિવસના યુદ્ધ પછી સીઝફાયરની જાહેરાત થઇ છે. બંને સીઝફાયરમાં અમેરિકાની વિવાદાસ્પદ ભૂમિકાના કારણે તે વિશેષ ચર્ચામાં છે.

ભારત-પાકિસ્તાનના ચાર દિવસના ટકરાર પછી ડોનલ્ડ ટ્રમ્પે પોતાની મેળે જ એવી જાહેરાત કરી હતી કે એમણે આ બે પરમાણુ પાડોશીઓ વચ્ચે સીઝફાયર કરાવ્યો છે. એવું એમણે એક નહીં, વીસ વાર કહ્યું હતું. ભારતે જો કે એવો ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન તરફથી સીઝફાયરનો પ્રસ્તાવ આવ્યો હતો.

ઈરાન-ઇઝરાયલના કિસ્સામાં પણ ટ્રમ્પે જ સીઝફાયરની ઘોષણા કરી હતી. ઈરાનની પરમાણુ યોજનાને રોકવા માટે ઈઝરાયલે હુમલા કર્યા હતા, જેના જવાબમાં ઈરાને મિસાઈલો અને ડ્રોનથી આક્રમણ કર્યું હતું. ઈરાનના તેવર જોતાં, અમેરિકાએ ઇઝરાયલ ની મદદ માટે ઈરાનના પરમાણુ ઠેકાણાં પર હુમલા કર્યા તો તેના જવાબમાં ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. તે હુમલાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી.

હવે એવું લાગે છે કે ટ્રમ્પ આ વખતનો શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર લઇ જશે. વિડંબના કેવી છે કે પાકિસ્તાને જ એમને નોબેલ આપવાની ભલામણ કરી છે…. ટ્રમ્પ પણ સામેથી નોબેલ માગી રહ્યા છે! એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એમણે પોતાની ‘પીડા’ વ્યક્ત કરતાં લખ્યું છે, ‘મેં કાંગો અને રવાંડા વચ્ચે સમજૂતી કરાવી, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોક્યું, સર્બિયા અને કોસોવોની વચ્ચે શાંતિ સ્થાપી, મિસ્ત્ર અને ઇથોપિયાની વચ્ચે ટકરાવ અટકાવ્યો અને મિડલ ઇસ્ટમાં સમજૂતી કરી. તેમ છતાં, મને શાંતિ પુરસ્કાર નહીં મળે.’

જોકે, અહીં આપણો વિષય નોબેલ નહીં, પણ સીઝફાયર છે. આ શબ્દ નવો નથી. રાષ્ટ્ર સુરક્ષા સાથે સંકળાયેલા લોકોમાં અને મીડિયામાં આ શબ્દ ઘણો પ્રચલિત છે, પરંતુ ટ્રમ્પે વીસ વખત એકનો એક દાવો દોહરાવે રાખ્યો કે ‘મેં ભારત-પાક વચ્ચે સીઝફાયર કરાવ્યો છે’ એટલે સામાન્ય લોકોમાં પણ એ મજાકનું પાત્ર બન્યા અને લોકો આ શબ્દ પર જોક્સ કરવા લાગ્યા.

મૂળ વાત પર આવીએ તો સીઝફાયર એટલે ‘આગ ઓલવવી.’ બે દેશ તેમના મતભેદો અને વિવાદોના પગલે સશસ્ત્ર સંઘર્ષ કરે તેને ‘ઓપન ફાયર’ કહે અને જ્યારે તેમનો હેતુ સિદ્ધ થઇ જાય અને શસ્ત્રો મ્યાન કરી દે તેને સીઝફાયર કહે. આ શબ્દ અથવા તેની ધારણા યુરોપમાંથી આવે છે. ગુજરાતી ભાષામાં તેને શસ્ત્ર-વિરામ કહે છે.

સીઝફાયર ત્યારે અમલમાં આવે જ્યારે સંઘર્ષ વખતે નુકસાન વધી જાય અને દુશ્મનો માટે જાનમાલને બચાવવાની પ્રાથમિકતા આવી જાય. બીજું, સીઝફાયરની સંભાવના ત્યારે વધી જાય જ્યારે દુશ્મનોને એકબીજા વિશે પૂરતી જાણકારી હોય અને સમજૂતી કરવા તૈયાર થાય. એક અંદાજ પ્રમાણે, 1989થી 2020 દરમિયાન 66 રાષ્ટ્ર વચ્ચે કુલ 109 સિવિલિયન સંઘર્ષોમાં 2202 સીઝફાયર થયા હતા. કાશ્મીરમાં ભારત-પાક સીમા પર છેક 1949થી અવારનવાર સીઝફાયર અને સીઝફાયરનું ઉલ્લંઘન થતું રહ્યું છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સીઝફાયરની ધારણા ક્રિશ્ચિયન ધર્મ સાથે સંબંધિત છે. ‘ઓક્સફર્ડ ઈંગ્લીશ ડિક્ષનરી’ કહે છે કે સીઝફાયર શબ્દનો સૌથી પહેલો સાર્વજનિક ઉપયોગ 1844માં એડિનબરો-સ્કોટલેન્ડના એક સમાચારપત્ર ‘કાલેડોનિયન મર્ક્યુરી’માં થયો હતો. તે પત્રની 9મી ડિસેમ્બરની આવૃત્તિમાં એક મિલિટરી અધિકારીનું બયાન છપાયું હતું; ‘મારા માણસો અશ્વદળને હાનિ પહોંચાડશે તેવા ભયથી મેં ‘અટકવાનો’ અને ‘સીઝફાયર’નો આદેશ આપ્યો હતો.

‘સીઝફાયર’ની ધારણા એથીય આગળ જાય છે. યુરોપિયન મધ્યયુગમાં તેના માટે Truce of God શબ્દ હતો અર્થાત ઈશ્વરની શાંતિ અને સંધિ. યુરોપ તો અત્યારે સૌથી શાંત અને સમૃદ્ધ છે, પરંતુ મધ્ય યુગમાં આ જગ્યા સૌથી ખૂંખાર અને લોહિયાળ હતી. તે સમયે યુરોપમાં મૂળ જર્મનીના ફ્રેન્ક જાતિના લોકોનું કેરોલિન્જિયન સામ્રાજ્ય હતું.

9મી સદીના મધ્યમાં આંતરિક વિખવાદોના પગલે આ સામ્રાજ્યનું પતન થયું હતું અને તેના પગલે પશ્ચિમ યુરોપમાં હિંસા ફેલાઈ ગઈ હતી. તેને રોકવા માટે કેથોલિક ચર્ચે લોકો પર આધ્યાત્મિક પ્રતિબંધોની બીક બતાવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે લોકોનો આ આધ્યાત્મિક ચળવળમાં વિશ્વાસ વધતો ગયો હતો અને ઘણા આગેવાનોએ એવો તર્ક લોકપ્રિય બનાવ્યો હતો કે દુષ્કાળ, હિંસા અને સામાજિક અવ્યવસ્થાનો ઉકેલ ઈશ્વરની ઈચ્છાને તાબે થવાથી જ આવશે.

989માં ફ્રાન્સના ક્રિશ્ચિયન મઠ ‘ચારોક્સ એબી’માં યુરોપિયન કેથોલિક વડાઓની એક બેઠક મળી હતી. તેને ‘પીસ ઓફ ગોડ’ ચળવળની પહેલી બેઠક ગણવામાં આવે છે. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું વારંવાર ફાટી નીકળતી હિંસા અને યુદ્ધમાં પાદરીઓ, ખેડૂતો અને કામદારો જેવા સામાન્ય લોકોનો અને એમની સંપત્તિનો ભોગ લેવાય છે અને તેને બચાવવા માટે સક્રિય પ્રયાસ કરવા જોઈએ. આ સહમતીના પગલે આગામી વર્ષોમાં Peace and Truce of God councilsની રચના થઇ હતી.

તે પછી 1027માં ‘પીસ ઓફ ગોડ’ની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં વર્ષમાં ક્યા સમયે કેટલા દિવસો માટે યુદ્ધ કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું હતું, જેથી ધંધો-વેપાર કરવાવાળા અને સામાન્ય લોકો આગોતરું આયોજન કરી શકે. છેક 13 સદી સુધી પીસ ઓફ ગોડની આ ચળવળ ચાલુ રહી હતી.

ટૂંકમાં, ચર્ચે હિંસાને ‘સત્તાવાર’ માન્યતા આપીને’ લડવા’ માટેનું એક-એક ટાઈમટેબલ બનાવી આપ્યું! આ ધારણાનું મૂળ પણ રોમન સામ્રાજ્યના 200 વર્ષના સુવર્ણયુગ પરથી આવ્યું છે. તેને ‘પાક્સ રોમના’ (રોમન શાંતિ) કહે છે.

આપણ વાંચો:  બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વાંક કોનો… ‘પ્રાદા’નો કે આપણો?

આ સમય દરમિયાન અપાર શાંતિ અને સમૃદ્ધિ હતી. તે વખતે પોપ જેલેસિયસ અને મહારાજા અનાસ્તાસિયસ વચ્ચે એવી સમજૂતી થઇ હતી કે રાજાઓ એમના નિર્ણયો કરે તે પહેલાં ધાર્મિક વડાઓનાં સલાહ-સૂચન મેળવે. તે પછી એડોમનન નામના એક ધાર્મિક નેતાએ ફરમાન જારી કરીને રાજ્યો દ્વારા ચર્ચની જમીન પર બાળકો, પાદરીઓ, વિદ્યાર્થીઓ અને કિસાનોને મારવા પર પ્રતિબંધ મુક્યો હતો.

બીજા શબ્દોમાં કહો તો સત્તા જાળવી રાખવા માટે હિંસા કરવી અનિવાર્ય હતી એટલે ચર્ચે હિંસા ક્યારે કરવી અને કોની પર ન કરવી તેની એક વ્યવસ્થા બનાવી હતી. ચર્ચનું પતન થયું અને લોકતંત્રનો જન્મ થયો તે પછી આધુનિક સૈન્યોએ શાંતિ અને હિંસા વચ્ચેનું આ સંતુલન જાળવી રાખ્યું હતું અને તેમાંથી જ સીઝફાયરની આધુનિક ધારણાનો જન્મ થયો હતો.

‘ધ હેન્રી સેશન્સ’ નામની એક ઈરોટિક નવલકથામાં એક પાત્ર કહે છે, ‘પણ તને ખબર છે? શાંતિ કાલ્પનિક છે. પૃથ્વી પર ક્યારેય શાંતિ નહીં હોય. હા, સીઝફાયર અને સંધિઓ હશે, પણ આપણને અસલી શાંતિનો અનુભવ ક્યારેય નહીં થાય. દુનિયાની આ નગ્ન સચ્ચાઈ છે.!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button