મોર્નિંગ મ્યૂસિંગ: કેથાર્સિસ એટલે રમત-સ્પર્ધા-સિનેમા મારફત આક્રમકતાનું શુદ્ધિકરણ

- રાજ ગોસ્વામી
કેન્દ્ર સરકારે દેશમાં તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં અસંખ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રોકડ ઇનામ જીતી શકાય તેવી રમત રમાડવામાં આવે છે. સરકારનો મત છે કે બાળકો અને યુવાનોમાં આવી રમતોનું વળગણ થઇ ગયું છે અને એમને આર્થિક તેમ જ માનસિક સ્વાસ્થ્યનું નુકસાન થઇ રહ્યું છે. ઘણાં રાજ્યોએ પોતપોતાની રીતે આવાં પ્લેટફોર્મ્સ પર નિયંત્રણો મૂક્યાં છે, જેના પરિણામે એક રાષ્ટ્રીય કાનૂનની જરૂર પડી હતી. આવી જ બીજી ચિંતા હિંસક વીડિયો ગેમ્સને લઈને છે. ભારતમાં યુવાનોમાં તેનું પણ મોટું વળગણ છે. રાજકીય પક્ષો સમય સમય પર તેના વધતા પ્રભાવ સામે ચેતવણી આપતા રહ્યા છે. મીડિયાએ પણ મનોરંજનના ઈરાદે પેશ થતી હિંસાની અસલ જીવનમાં કેવી અસર પડે છે.
તાજેતરના વર્ષોમાં દેશની સ્કૂલોમાં બનેલી હિંસક ઘટનાઓ માટે સ્ક્રીન પરની હિંસાને પ્રેરણા માનવામાં આવે છે. સમાજમાં પણ એક મોટો વર્ગ એવું માને છે કે મીડિયામાં આવતી હિંસા જોઇને યુવાનોમાં નકારાત્મકતા અને આક્રમકતા વધે છે.
અમુક અભ્યાસોમાં પણ એવાં તારણ નીકળ્યાં છે કે હિંસક વીડિયો ગેમ્સ યુવાનોમાં આક્રમકતા વધારે છે, પરંતુ ઘણા લોકો (અને મનોવિજ્ઞાન પણ) તેનાથી વિપરીત માને છે. હિંસક વીડિયો ગેમ્સ રમવાથી આક્રમક લાગણીઓ રિલીઝ થાય છે અને આક્રમક વ્યવહારમાં ઘટાડો થાય છે.
આ સમજવા જેવું છે. જનરલ અગ્રેશન મોડેલ અને મૂડ મેનેજમેન્ટ થિયરી અનુસાર આક્રમક વીડિયો ગેમ્સ રમ્યા પછી ખેલાડીને ‘સારું’ લાગે છે, કારણ કે રમત દરમિયાન એની અંદરની આક્રમક લાગણીઓ, વિચારો અને મૂડનું કેથાર્સિસ થાય છે.
મનની દુનિયામાં આ ‘કેથાર્સિસ’ શબ્દ મજાનો છે. તે મૂળ ગ્રીક શબ્દ ‘કથાર્સિસ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘શુદ્ધિકરણ’ અથવા ‘સફાઈ.’ એરિસ્ટોટલે ગ્રીક નાટ્યકળાના સંદર્ભમાં લખ્યું હતું કે નાટકો જોવાથી દર્શકોમાં દયા, ભય અને ગુસ્સા જેવી નકારાત્મક લાગણીઓનું કથાર્સિસ થાય છે.
આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આપણી લાગણીઓને દિલના ઊંડાણમાં દબાવી રાખવી માનસિક સ્વાસ્થ્ય માટે ઉચિત નથી હોતી. આપણે ત્યાં એવું શીખવાડવામાં આવે છે કે જે વ્યક્તિ લાગણીઓ વ્યક્ત ન કરે તે મજબૂત મનની ગણાય છે, પરંતુ દબાયેલી લાગણીઓ માનસિક રીતે જ નહીં, શારીરિક રીતે પણ વ્યક્તિને પરેશાન કરે છે. લાગણીઓને વ્યક્ત કરી દેવાથી વ્યક્તિ હળવાશ અનુભવે છે. આ અભિવ્યક્તિને કેથાર્સિસ કહે છે. જરૂરી નથી કે તે બોલીને જ થાય… તમે કોઈક સર્જનાત્મક ક્રિયા કરીને પણ એવું કરી શકો. અમુક નિષ્ણાતો કહે છે વીડિયો ગેમ્સની હિંસા આ જ પ્રકારની અભિવ્યક્તિ છે. માણસો તેમના રોજિંદા જીવનમાં એટલી અડચણો અને પરેશાનીઓમાંથી પસાર થતા હોય છે જેનાથી તેમની અંદર નારાજગી, હતાશા અને ગુસ્સો ભરાતો રહે છે. એને અસલી દુનિયામાં કાઢવાનો કોઈ રસ્તો નથી હોતો એટલે એ સિનેમામાં, ઓનલાઈન દુનિયામાં ગેમ્સ દ્વારા વ્યક્ત કરે છે.
ભારતમાં સિનેમા (અને એમાંય ખાસ એક્શન ફિલ્મ) તેમ જ ક્રિકેટ આટલાં લોકપ્રિય હોવાનું કારણ એ છે કે લાખો લોકો એમની અંદરની દબાયેલી લાગણીઓને સિનેમાની હિંસાને જોઇને અથવા ક્રિકેટ મેદાનની આક્રમક હરીફાઈમાં રિલીઝ થતી જોઇને રાહત અનુભવે છે.
અમેરિકામાં એવા બે અભ્યાસ થયા હતા, જેમાં વીડિયો ગેમ્સનું વ્યસન હોય તેવા ખેલાડીઓના મૂડનું, બે અઠવાડિયા સુધી, રોજેરોજ ગેમ પહેલાં અને પછી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં એવું જાણવા મળ્યું હતું કે વીડિયો ગેમ્સ રમવાથી એમનો મૂડ બહેતર થયો હતો. બીજા અભ્યાસમાં, જેમાં વીડિયો ગેમ્સ હિંસક નહોતી એમાં એવું જાણવા મળ્યું હતું કે ખેલાડીઓની લાગણીઓ જૈસે થે હતી. અભ્યાસકર્તાએ તારણ કાઢ્યું હતું કે નકારાત્મક લાગણીને સ્ક્રીન પર ‘મેચિંગ’ મળવાથી તેનો પ્રભાવ નબળો પડી ગયો હતો, જે કેથાર્સિસની નિશાની છે.
આપણે ત્યાં લાખો સિનેપ્રેમીઓ એવું કહેતા હોય છે કે અઢી કલાકની મારધાડવાળી ફિલ્મ જોવાથી ટેન્શન ખતમ થઇ જાય છે. આપણે તેને ‘ફ્રેશ’ થવું કહીએ છીએ. મિત્રો એકબીજાને કહેતા હોય છે, ચાલો, ફિલ્મ જોઇને ફ્રેશ થઇ જઈએ. ફ્રેશ થવું એટલે આપણા મનને જબરદસ્તી પકડી રાખે તેવા અપ્રિય અથવા નકારાત્મક વિચારો કે લાગણીઓમાંથી મુક્ત થવું તે.
તમે જો સમાચાર વાંચ્યા હોય તો, તાજેતરમાં શાહરુખ ખાનને તેની ‘જવાન’ ફિલ્મમાં શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આપણે જે મુદ્દાની ચર્ચા કરીએ છીએ તેમાં આ આ ફિલ્મ લેટેસ્ટ ઉદાહરણ છે. આ ફિલ્મ બહુ મોટી હિટ સાબિત થઇ હતી. લોકોને કેમ એ જોવાની મજા આવી હતી? કારણ કે એમાં દેશની ભ્રષ્ટ વ્યવસ્થા સામે એક જવાન એની રીતે લડાઈ આદરે છે.
ભ્રષ્ટાચાર આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા છે. દેશનો દરેક માણસ એના રોજિંદા જીવનમાં ચારેતરફ નાના-મોટા ભ્રષ્ટાચારને જુવે છે અને ખુદ તેનો ભોગ પણ બને છે, અને છતાં પણ એના જીવનની ગુણવત્તામાં તો કોઈ સુધારો થતો નથી. પરિણામે અંદર હતાશા અને ગુસ્સાની લાગણી રોજ બળવત્તર બને છે. એ જ્યારે એની એ લાગણીઓને કોઈ ફિલ્મમાં પ્રતિબિંબિત થતી જુવે અને ન્યાય થતો હોય તેવું અનુભવે ત્યારે એ વિજયની એક અંગત લાગણી સાથે થિયેટરમાંથી બહાર નીકળે છે. એક જમાનામાં દર્શકો અમિતાભનું ‘એન્ગ્રી યંગ મેન’ રૂપ જોઈને આવું અનુભવતા હતા! દર્શકને એવું લાગે જાણે એની સમસ્યાનું સમાધાન થયું છે અને એની લાગણીઓનું શુદ્ધિકરણ થયું છે.
અહીં એવું કહેવાનો ઈરાદો નથી કે હિંસા જોવી ઈચ્છનીય છે. મનોવિજ્ઞાન એવું પણ કહે છે કે નિયમિતપણે હિંસા જોવાથી દર્શકોના મનમાં તેનું ‘નોર્મલાઈઝેશન’ થાય છે અને જે નોર્મલ લાગવા માંડે એનો અસલ જીવનમાં છોછ નીકળી જાય છે. દાખલા તરીકે, કાશ્મીરના યુવાનો માટે હિંસાનો સહારો લેવો એટલા માટે સહજ બની ગયો છે, કારણ કે એ બધા તેની વચ્ચે મોટા થયા છે એટલે હિંસાના પરિચયથી વ્યક્તિગત રીતે આક્રમકતા આસાન બની જાય તે સાચું, પરંતુ તેની વિરોધી દલીલ એવી છે કે માણસોની નકારાત્મક લાગણીઓને જો કાલ્પનિક અથવા મનોરંજનના માધ્યમથી રિલીઝ મળતી ન હોત તો સમાજમાં કેટલા મોટા પાયે આક્રમકતા હોત!
આ કારણથી જ તમામ ક્રિકેટ સ્પર્ધાઓમાંથી ભારત-પાકિસ્તાનની મેચો વખતે જ સૌથી વધુ ઉત્તેજના અને ઉત્સાહ હોય છે કારણ કે અસલ જીવનમાં એકબીજા માટેની નફરત આ રીતે ચેનલાઈઝ થાય છે. અસલી યુદ્ધ પોષાય તેમ નથી હોતું એટલે આપણે ક્રિકેટનો સહારો લઈએ છીએ. એ જ રીતે, અસલ જીવનમાં આપણે ભ્રષ્ટ રાજકારણીઓ અથવા અત્યાચારી પોલીસનું કશું ઉખાડી શકતા નથી એટલે પડદા પર આપણો હીરો એમનો ખાત્મો બોલાવે તો આપણે અંગત રીતે હાશ અનુભવીએ છીએ.
એરિસ્ટોટલના વખતમાં રાજાઓ સ્ટેડિયમમાં પશુઓને લડાવીને આનંદ લેતા હતા. આજે તે આપણે રમતનાં મેદાનો અને સિનેમાના પડદા પર કરીએ છીએ.
આપણ વાંચો: વલો કચ્છ” કચ્છ પ્રવાસની પૂર્વભૂમિકા: ગાંધીજીનું મુંબઈમાં ભાષણ…