ઉત્સવ

અમેરિકા-વેસ્ટર્ન રાષ્ટ્રો સામે પોતાનો પ્રભાવ વધારવા સજ્જ થઈ રહ્યાં છે ૪૦થી વધુ દેશો

વૈશ્ર્વિક સ્તરે અન્યાય અને શોષણ વિરુદ્ધ અવાજ ઊંચો કરવા

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

અમેરિકા અને વેસ્ટર્ન દેશો સામે પોતાની વગ વધારવા, પોતાની સાથે અન્યાય ન થાય, પોતાની ઉપેક્ષા ન થાય એ ધ્યેય સાથે વિવિધ વિકાસલક્ષી અથવા ઈમરજિંગ રાષ્ટ્રો વધુ સજ્જ થઈ રહ્યા છે. આ એક અન્યાય અને શોષણ સામેનું વેપાર-આર્થિક પણ યુદ્ધ કહી શકાય. હાલ ભારતમાં જી-૨૦ ની મિટિંગ ચાલી રહી છે ત્યારે આ વિષય સમજવો પણ મહત્ત્વનો છે.
એક દેશમાં નહિ, હવે જગતમાં પણ ચોકકસ બાબતોમાં અખંડિતતા ન રહે એવો માહોલ બની રહ્યો છે. આનો અર્થ એ નથી કે અત્યારસુધી વિશ્ર્વમાં અખંડિતતા હતી યા રહી છે. જરાય નહીં, જગતમાં હંમેશાં મજબૂત-સમૃદ્ધ રાષ્ટ્રોનું વર્ચસ્વ રહ્યું છે, આ રાષ્ટ્રો સદા જગતના અન્ય રાષ્ટ્રો પર રાજ યા દાદાગીરી કરતા રહ્યા છે. આમાં પણ સૌની આંખે ઊડીને વળગે એવા રાષ્ટ્રો યુરોપિયન-વેસ્ટર્ન અને અમેરિકા છે. જીસકી લાઠી ઉસકી ભેંસ જેવો કાનૂન આખા વિશ્ર્વમાં ચાલતો રહ્યો છે. સૌથી મજબૂત ડૉલર કેમ? સૌથી વધુ દાદાગીરી માત્ર અમેરિકાની કેમ? વિશ્ર્વ વેપારની નીતિઓ શા માટે શક્તિશાળી દેશોની-અમેરિકાની તરફેણમાં જ કેમ ઘડાય છે? જવાબ સરળ છે. આ દેશ ઘણીબધી રીતે સક્ષમ છે, તેની પાસે અનેક એવી ખાસિયતો છે, જે તેને સર્વોપરી રાખે છે. આ સંજોગોનો લાભ અમેરિકા વરસોથી લેતું રહ્યું છે, પરંતુ હવે આ સમય કરવટ બદલી રહ્યો છે. અમેરિકા સામે અગાઉ રશિયા હતું અને છે, ચીન હતું અને છે. હવે ભારત પણ ઊભું થયું છે. જોકે ભારત હજી મજબૂત બનવા માટે સમય લેશે. ભારત છેલ્લા દસ વરસમાં જ તેની પ્રતિભા અને પ્રભાવ બદલી શક્યું છે. હવે ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકા સહિતના દેશો પોતાના સંગઠન બ્રિકસને વિસ્તારીને મજબૂત કરી રહ્યા છે. આ સંગઠન નવા સ્વરૂપ અને શક્તિ સાથે વેસ્ટર્ન દેશો સામે-અમેરિકા સામે પડકાર ઊભો કરવા સજ્જ થઈ રહ્યા છે અને પોતાની તાકાત-સમર્થતા-પ્રભાવ વધારવા પોતાના સંગઠનને મજબૂત બનાવવા આગળ વધી રહ્યા છે.
બ્રિકસમાં જોડાવાની કતાર
આ રાષ્ટ્રોનું સંગઠન અત્યારસુધી બ્રિકસ તરીકે ઓળખાતું રહ્યું છે, જેમાં અત્યાર સુધી બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા સામેલ હતા, જેને લીધે તેનું નામ પણ બ્રિકસ (બીઆરઆઈસીએસ- ઇછઈંઈજ) રહ્યું. હવે તેમાં સાઉદી અરેબિયા, આર્જેન્ટિના, યુએઈ, ઈથિયોપિયા, ઈરાન અને ઈજિપ્ત વગેરે દેશો પણ સામેલ થયા છે. વરસ ૨૦૧૦ બાદ બ્રિકસનું આ પ્રથમ વિસ્તરણ છે, નોંધનીય એ છે કે બ્રિકસ તરફથી વધુ દેશો માટે પણ દરવાજા ખુલ્લા રખાયા હોવાથી હજી ૪૦ જેટલાં દેશો બ્રિકસમાં જોડાવા ઉત્સુક છે. આ નવા જોડાનાર દેશો મહત્ત્વની ભૂમિકા ભજવશે એવી આશા છે. જોકે તેમાં વર્ચસ્વ કોનું રહે છે યા બને છે એ મહત્ત્વનું રહેશે. હાલ તો બધાંને ચીન અને રશિયાનો ભય છે. છેલ્લા અમુક સમયથી ભારતે જે વૈશ્ર્વિક ઈમેજ બનાવી છે તેને ધ્યાનમાં રાખતા ભારત પણ તેનું વજન અને વર્ચસ્વ રાખી શકશે એમ લાગે છે. અલબત્ત, ભારતે આ માટે સખત મહેનત કરવાની રહેશે.
બ્રિકસનું લક્ષ્ય
બ્રિકસનું લક્ષ્ય અમેરિકન-વેસ્ટર્ન રાષ્ટ્રોના વર્ચસ્વ કે ડિકટેટરશિપ સામે અવાજ ઊઠાવવાનું રહ્યું છે. અત્યાર સુધી આ પાંચ દેશો વિશ્ર્વની ૪૦ ટકાથી વધુ વસ્તીને આવરી લે છે. આ ગ્રૂપનું ફોકસ જિઓપોલિટિકલ મુદ્દા ઉપરાંત મલ્ટિલેટરલ બિઝનેસ, આર્થિક પ્રવૃત્તિઓ અને સમજૂતીઓનું છે. જોકે આ સંગઠન હજી વર્લ્ડ બૅંક, ઓપેક, યુનાઈટેડ નેશન્સ જેવું ઔપચારિક સ્વરૂપ કે દરજ્જો ધરાવતું નથી. જયારે કે હવે વધુ દેશો તેમાં જોડાતા તેનું વજન-વર્ચસ્વ વધવાની આશા ચોકકસ રાખી શકાય, તેનો ફાળો પણ વધશે.
વધુ દેશો, વધુ મજબૂતી
બ્રિકસ સંગઠન હવે પછી ગ્લોબલ મંચ પર કેટલી ઝડપથી ફેલાય છે એ જોવાનું રહેશે. આનું પરિણામ મળતા ત્રણથી પાંચ વરસ લાગી શકે. અલબત્ત, બ્રિકસનો પાયો વિસ્તર્યા બાદ મજબૂત પણ બનશે. ભવિષ્યમાં વધુ દેશોના જોડાવા સાથે બ્રિકસનું નામ બદલવાની નોબત પણ આવે તો નવાઈ નહીં, કારણ કે હાલનું નામ માત્ર પાંચ દેશોના નામ મુજબ બન્યું છે, અન્ય સભ્ય દેશો પોતાના નામનું પ્રતિનિધિત્વ માગી શકે યા તેમને આપવું પડે એવું બની શકે. જોકે આ દેશો વચ્ચે નામ કરતા એકતા અને સમાન વિચારધારા રહેવા મહત્ત્વના છે. વિશ્ર્વના વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલા એક યા બીજા સ્વરૂપના વેપાર તનાવ, યુદ્ધ કે આર્થિક વ્યવહારો અને તેમની સામે આવતા અવરોધોને કારણે આ નવું સંગઠન સર્જન પામ્યું હતું. બ્રિકસના વિસ્તરણ માટે ભારત ખુલ્લું મન ધરાવતું હોવાનું ભારત તરફથી વ્યકત થયું છે. આમ તો બ્રિકસના અમુક દેશો તો ઉપર્યુકત સંગઠનોમાં પણ સ્થાન ધરાવે છે. અમેરિકાને સંદેહ છે કે ચીન અને રશિયા બ્રિકસને એન્ટિ વેસ્ટર્ન ફોરમ બનાવવા માગે છે. હકીકતમાં હવેના સમયમાં માત્ર અમેરિકા સહિત વેસ્ટની દાદાગીરીને સતત માન્ય રાખી ચાલ્યા કરવાનું અન્ય દેશોને પણ હવે અનુકૂળ રહ્યું નથી, જેથી બ્રિકસ પોતાનો અવાજ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે પરસ્પર દેશો વચ્ચે વેપાર માટે નેશનલ કરન્સી અને આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
બ્રિકસનો હિસ્સો વધશે
ગ્લોબલ ઈકોનોમીના નિષ્ણાતો કહે છે, વિશ્ર્વ હવે વિવિધ સ્તરે વિભાજિત થઈ રહ્યું છે, ગ્લોબલ સ્તરે ઈયુ (યુરોપિયન યુનિયન), જી-૭, જી-૨૦, નાટો, ઓપેક, વગેરે સમાન સંગઠનો છે. તેમછતાં પોતાને અન્યાય થતો હોવાનું ધ્યાનમાં રાખીને સમાન આર્થિક-સામાજિક-રાજકીય મામલે સમાન હિત ધરાવતા ચોક્કસ રાષ્ટ્રો એક થઈ પોતાના અલગ સંગઠનને મજબૂત બનાવવા ઈચ્છે છે. આમ જોવા જઈએ તો ગ્લોબલ જીડીપીમાં બ્રિકસનો હિસ્સો વેસ્ટર્ન રાષ્ટ્રો કરતા વધુ છે અને વધુ દેશોમાં બ્રિકસમાં જોડાતા આ હિસ્સો હજી વધશે. જોકે બ્રિકસનો વૈશ્ર્વિક સ્તરે પ્રભાવ બનતા સમય લાગી શકે. ભારત માટે આ માર્ગે પણ વિશ્ર્વમાં પોતાનો પ્રભાવ વધારવાની તક છે.
ભારતનું મહત્ત્વ સમજવું જરૂરી
આજે ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનીને હજી આગળ વધી રહ્યું છે, જોકે ભારતે ચીન અને રશિયાના મામલે સાવચેત રહેવું જોઈશે. ચીન વિશે કહેવાય છે કે તેને ભારતના વિકાસ સામે ભરપૂર ઈર્ષ્યા છે, કેમ કે તેની સાથેની હરીફાઈમાં ભારત મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે, જેથી ચીન આ સંગઠનમાં ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને સામેલ કરવાનો પ્રયાસ કરશે ત્યારે આ મુદે ભારતે અડગ રહેવું પડશે. પાકને આમાં સ્થાન આપવામાં ભારતના હિતને વિપરીત અસર થઈ શકે. ભારતે રશિયા અને યુએસ સાથેના સંબંધોને પણ જાળવવા અને સમતોલ રાખવા જોઈશે. ભારતની લીડરશિપ હાલ પાવરફુલ છે, જેણે ભારતની સ્થિતિ મજબૂત અને અસરકારક રાખવા શક્તિશાળી અને કુનેહભરી વ્યુહરચના ઘડવી જોઈશે. બ્રિકસની મજબૂતી માટે ભારતમાં વર્તમાન મોદી સરકારનું ટકી રહેવું અને વધુ સક્ષમ બનવું આવશ્યક છે. હાલ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી ધરાવતું ભારત ઘણી બધી રીતે વિશ્ર્વના કેન્દ્રમાં છે. બ્રિકસે પોતે પણ મજબૂતી માટે ભારતને માન આપવું રહ્યું. ભારતનું મહત્ત્વ સમજવું અને જાળવવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button