મિજાજ મસ્તી: પૈણવું તો પડશે જ… લગ્ન-લહેરપાણી ને લોકશાહી

- સંજય છેલ
ટાઇટલ્સ:
લગ્નનાં ચાંદલા પર જી.એસ.ટી. લાગે? (છેલવાણી)
એક માએ ગામનાં વડીલને કહ્યું, ‘મારો દીકરો 45 વરસે ય કુંવારો છે. 40ની કોઇ ક્ધયા શોધી આપોને!’
‘20-20 ની 2 ચાલશે?’, વડીલે પૂછ્યું.
‘મને ચાલશે!’, પરણવા માટે પાગલ દીકરાએ કહ્યું!
આ સાંભળતાં જ માએ લાકડી વડે બેઉને ઘરની બહાર કાઢી મૂકયાં.
લગનમાં ભલભલાં લોજિક ગુમાવી દે છે. ભારતમાં ચૂંટણીની મોસમ ભલે દર 5 વરસે આવે પણ શાદીની મોસમ દર વરસે આવે છે. અમુક વર્ષ પહેલા રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની હતી પણ એ જ દિવસે દેવઊઠી અગિયારસ હોવાથી રાજ્યમાં લાખો લગ્ન થવાના છે એવી ખબર પડી. લોકોનું ‘લગનમાં જવું કે વોટ આપવા જવું?’ એવી દુવિધાથી વોટિંગની વાટ લાગી જશે- એવું દરેક રાજકીય પાર્ટીને લાગ્યું અને તમામ પાર્ટીએ આમાં ગજબની એકતા દેખાડેલી અને મંડપવાળાં-કેટરિંગવાળાં સાથે જઇને ઈલેક્શન કમિશનને સમજાવ્યું અને પછી લગ્ન સામે લોકશાહી બચાવવા, ચૂંટણીની તારીખ બદલાવી નાખેલી! દેશમાં ફિલ્મ હોય, સાહિત્ય હોય, રાજકારણ હોય કે લોકશાહી હોય, લગ્નની બધા પર એકસરખી પકડ છે.
લગન-લીલાથી અબાલ-વૃદ્ધ. કોઇ બચ્યું નથી. દિલ્હી ની ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’નો સફળ અભિનેતા-નાટ્યકાર અને ‘બેંડિટ ક્વીન’ કે ’જાને ભી દો યારોં’ જેવી ફિલ્મના લેખક રણજીત કપૂર લગ્નની બાબતમાં હંમેશાં વધારે પડતા ઉત્સાહી. 60 વરસે રણજિતજીએ, પોતાની દીકરીની જ 22 વરસની જુવાન ફ્રેન્ડને પટાવી અને મંદિરમાં ગાંધર્વ-લગ્ન કરવા પહોંચી ગયા. એમની પત્નીને ખબર પડી તો એમણે મંદિરમાં હંગામો કરીને લગ્ન અટકાવ્યાં. ત્યારે દુ:ખી રણજીતજીએ મિત્રોને ફરિયાદ કરતાં કહ્યું, ‘વો ઔરત (પત્ની) મેરા સુખ કભી હી નહીં દેખ સકતી!’
કદાચ લગ્ન એ એકમાત્ર એવું સુખ છે, જે સૌને જોઇએ છે, જે કોઇને સમજાતું નથી ને એમાંથી કોઇ બાકાત નથી. ‘વિવાહ’ નામનાં વાઇરલથી લોકો સદા પીડિત છે. ‘જય જય ગરવી ગુજરાત’ ગીત લખનાર, કવિ નર્મદના સમકાલીન નવલરામ નામના ગુજરાતી લેખકે છેક 1879માં ‘લગન-ઘેલછા’ પર ‘નાતવરા ને વરઘોડો’ નામનો તેજાબી નિબંધ લખેલો જે ત્યારની ભાષામાં વાંચો:
‘આપણે ત્યાં નાતવરા અને વરઘોડાના ખર્ચ કરવાને માટે પોતાની આખી જિંદગી દુ:ખમાં અને કંગાલીઅતમાં ગુજારે છે. આખી જિંદગી પેટ બાળે છે, ચીંથરેહાલ ફરે છે, ધિક્કારવા લાયક કરકસર કરે છે, સંસારમાં સુખ શું છે તે તરફ આડી નજરે પણ જોતો નથી અને એટલાથી પણ ન ધરાતાં અનેક કાળાંધોળાં કરે છે, ઇશ્વરનો ચોર થાય છે, લોકમાં બેઆબરૂ થાય છે. પણ નાત જમાડવામાં અને વરઘોડા કાઢવામાં પોતે લખલૂટ ખર્ચ કરી શકે ખરો!’
ઇન્ટરવલ:
‘પબ્લિક કી દુઆએં લેતી જા,
જા, તુઝ કો અચ્છી સરકાર મિલે.
(સાહિરની માફી સાથે)
લેખક નવલરામનો ત્યારનો ગુસ્સો આજે પણ ભર બપોરે, રોડ પર ભારી કપડાંમાં ‘નાગીન ડાંસ ’ કરનારાં આપણાં સૌ પર ફિટ થતો લાગે છે:
‘જેમ ખેતી કરવા બળદને સરજ્યો છે તેમ જાણે માણસને નાત-વરાં કરવા અને ઢોલ વગડાવવા સારું જ પરમેશ્વરે સરજ્યો હોય એમ વર્તે છે!’
જાતે એક પાઇનું શાક ન ખાય, ભૂખે મરતાને મોઢે એક દાણો ન નાંખે ને પોતાનો એકનો એક છોકરો મરવા પડ્યો હોય તો પણ વૈદને એક રૂપિયો ન આપે, તે માણસ હજારોને (જમણવારની) ઉજાણી આપવામાં અને વરઘોડા કાઢવામાં જનમની કમાઇ ઉડાવી દે, તેને શું કહેવું સૂઝતું નથી!
જીંદગીમાં બેચાર ટાણે ફૂલણજી થઇ ફરવા આખી જિંદગી દુ:ખ વેઠવું એના જેવી ગાંડાઇ કઇ?
વળી આ લેખ માટે ત્યારના સમાજમાં નવલરામનો બહુ જ વિરોધ થયેલો કે ‘લગ્ન જેવા પવિત્ર કર્મની ટીકા કઇ રીતે થઈ શકે?’ અને હા, છેક 1879માં દુકાળના સમયમાં પણ આપણાં લોકો મેરેજમાં મહાલવામાંથી ઊંચા નહોતા આવતા! વાંચો, દુકાળમાં પણ આપણી પ્રજાની લગન-લીલા:
1876ના વરસથી આપણા ગુજરાત પ્રાંતમાં ભારે મોંઘવારી છે અને ગયા વરસથી તો દુકાળ છે. હજારો માણસનાં ટોળાં ભૂખનાં માર્યા ગામે ગામ રખડે છે, દુર્બળ અને રોગિષ્ઠ શરીર જોઇને કંપારી છૂટે છે, ભૂખમરાથી લોકો છડેચોક લૂંટફાટ કરવા નીકળી પડ્યા છે. પણ બીજી તરફ સુરત, અમદાવાદ જેવાં શહેરોમાં કે નાનામાં નાના ગામડામાં પણ લગનગાળાનો ખર્ચો થતા જોઇએ છીએ, ત્યારે થાય કે દુકાળનો પોકાર બિલકુલ ખોટો છે? વરઘોડાનો શો ઠાઠ! રોશનીનો શો ભભકો! બગ્ગીઓ અને ઘોડાઓના સોનેરી રૂપેરી સાજનો શો અજબ ચળકાટ! લગનમાં જમણ પણ કેવાં! ઘેબર ને ખાજાં, જલેબી ને લાડવા, પાંચે પકવાન, સાતે પકવાન, બાસુંદી-પૂરી, શિખંડ-પૂરી, બરફી-પૂરી ને ઉપર બિરંજ ને દૂધ! શાક તરકારી અને ભજિયાની તો આટલી બધી જુક્તિ કે પત્રાળી પણ હાલ નાની ગણાય છે, અને આ પ્રમાણે જમાડનારાં ઉદાર પુરુષ શેરીએ શેરીએ અને ઘેરઘેર દેખાય છે. એક સૂકા રોટલાને માટે માણસો ટળવળી મરે છે તે વેળા તેની સામે નજર ન કરતાં જે આવા જમણવારોમાં પૈસા ખર્ચી નાખે છે તે કેવા નિર્દય અને દુષ્ટ જાણવા! આ તો મુડદાંનાં માથાં ઉપર બેસીને ઉજાણી કરવા જેવું રાક્ષસી કર્મ છે. જે પૈસા નોધારાંને જીવાડવા સારું વાપરવા જોઇએ તે પૈસાના નાતવરા જમવા એ તેમનાં લોહી તથા માંસ ખાવા બરોબર છે. જમનાર ને જમાડનાર બન્ને દુષ્ટ તથા પાપી ઠરે છે.
લગન-ઝનૂન માટે વ્યંગકાર શરદ જોશી સાચું જ કહે છે:
લગ્ન કરવા નીકળેલો માણસ કોઈની યે સલાહ માનતો નથી. પોતાના સગા આત્માની પણ નહીં. લગ્નની ઘેલછામાં એ લગભગ હિપ્નોટાઈઝ જેવો જ થઈ ગયો હોય છે.
શું તમે પણ તમારા લગ્નનું આલ્બમ ચેક કરવા બેસી ગયા ?!
એંડ-ટાઇટલ્સ:
આદમ: પરણવું છે?
ઇવ: ના, જીવવું છે!
આપણ વાંચો: સર્જકના સથવારે: આગવી કેડી કંડારી રહેલા શાયર દિનેશ ડોંગરે



