ઉત્સવ

મિજાજ મસ્તી : ખાડા જ સત્ય… રસ્તો ભ્રમણા: ગાલના ખંજનથી ભ્રષ્ટાચારના ભંજન સુધી!

  • સંજય છેલ

ટાઇટલ્સ:
સ્વીકારેલ દુ:ખ, દુ:ખ નથી રહેતું. (છેલવાણી)
1969માં છપાયેલું એક બાળનાટક છેક 1980માં અમે સ્કૂલમાં ભજવેલું, જેમાં ડાયલોગ હતો: ‘સાંભળ્યું છે કે ચાંદ પર પણ ખાડા છે. શું ત્યાં પણ મ્યુનિસિપાલિટી છે?’ વિચાર કરો કે 1969 પછી દુનિયામાં પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા, જર્મનીના બે ટુકડા જોડાઇ ગયા, રશિયાના અનેક ટુકડાઓ થઇ ગયા પણ ચાંદ પરનાં ખાડાની જેમ વર્ષો જૂના રોડનાં ખાડા આજે પણ એમના એમ જ છે. લાગે છે કે જેમ પહેલા લોકો ગુફામાં રહેતા હતા એમ ભવિષ્યમાં લોકો ખાડામાં ઘર માંડીને રહેશે. પ્લેટો નામના વિચારકે ‘ગુફા સિદ્ધાંત’ પુસ્તકમાં લખેલું કે જે લોકો ગુફામાં રહે છે એ આગની રોશનીને જ સત્ય માને છે ને સૂરજથી અણજાણ રહે છે! જેમ આપણે ત્યાં દરેક શહેરનાં સત્તાવાળાઓ રોડ પરનાં ખાડાથી સાવ અજાણ જ છે. મહારાષટ્રમાં હમણાં જ કરોડોનાં ખર્ચે બનેલા આધુનિક હાઇવે ‘સમૃદ્ધિ મહામાર્ગ’માં ઠેર ઠેર ખાડા પડ્યાની ફરિયાદો આવી છે. હશે, રોડ છે, ખાડા પડે અમને લાગે છે કે આપણે હવે પહેલા વરસાદ બાદનાં રોડ પરના ખાડાઓને પ્રેમથી સ્વીકારી લેવા જોઇએ, જેથી જનતાને દુ:ખ ઓછું થાય. જો કે ‘ચાંદ’ પર વારેવારે ગીત લખનાર ગુલઝારે, ચાંદ કે રસ્તાના ખાડા પર (તકિયા-ચાદર, બર્તન પછી) હજુ કોઇ ગીત કેમ નથી લખ્યું એ નવાઇની વાત છે. જોકે આપણે આપણી અસ્મિતા જેવાં વરસો જૂના ખાડાઓને સાચવી રાખ્યા છે, જે ખરેખર તો આપણી સિદ્ધિ કહેવાય. ભારત દેશના દરેક શહેરમાં વરસાદમાં ખાડા હોય છે જ તો કહી શકાય કે આ બાબતમાં દેશમાં ખરેખર એકતા છે. વળી, ગુજરાતમાં રોડ પરના ખાડાને ‘ભૂવા’ કેમ કહેવાય છે એનો જવાબ તો ભૂવાઓ કે ભાષાશાસ્ત્રીઓ કોઇ પાસે નથી. દેશમાં સરકારો આવે છે, જાય છે પણ ખાડાઓ નથી જતા એટલે ખાડાની બાબતે બધી રાજકીય પાર્ટીઓ દેશને સરખી રીતે ચાહે છે. બધી સરકારો મળીને દેશમાં ખાડા ખોદે છે પણ કોઇ ખાડા પૂરતું નથી! ગુજરાતી રોમેંટિક કવિઓની કલમ, વરસાદ પડવાથી બહુ ખીલે છે અને ઊછળી ઊછળીને વરસાદ પર કવિતાઓ લખે છે, પણ ખાડાઓ પર ઊછળવા વિશે હજુ કોઇ કાવ્યો નથી લખાયાં, એ ચિંતાનો વિષય છે. મારા મત મુજબ કાર બનાવનારી કંપનીઓએ ખાડામાં ઊછળીને આગળ વધી શકે એવી રબરની કાર બનાવવી જોઇએ. જો રણમાં ચાલી શકે એવી ટેંક કે જીપ બની શકે તો ખાડાવાળા રસ્તા પર ઊછળીને ચાલે એવી કાર કેમ નહીં? લુવિસ હેમિલ્ટન જેવા કાર-રેસિંગના ચેમ્પિયન પણ મુંબઇ-અમદાવાદના ખાડાવાળા રસ્તા પર ગાડી ચલાવવા જાય તો કાર છોડીને પદયાત્રા પર ઊતરી આવે.

ઇન્ટરવલ:
એક રાસ્તા હૈ ‘ઝિંદગી’
જો થમ ગયે તો કુછ નહીં. (સાહિર)

થોડા સમય પહેલાં. સુરતમાં રસ્તા પર પડેલા મોટા ખાડામાં એક માણસ, ગાદલું મૂકીને આરામ કરતો હતો એવો ફોટો પ્રગટ થયો હતો. અમુક રસ્તા કે ચોક, નેતા કે કલાકારને નામ કરીએ છીએ એમ ખાડાઓ પણ મહાન હસ્તીઓને નામે ઓફિશિયલ કરી દેવાના જેથી લોકો ખાડાને ગાળો ન આપે. વળી, હસતી છોકરીના ગાલના ખાડામાં પડીને કેટકેટલાં પુરુષો જીવનભર ઘવાતા જ રહ્યા છે ને? તો પછી બિચ્ચારા રોડના ખાડાઓનો જ શું વાંક કે ગાળો ખાય? ખાડા, ખાડા છે! દેશમાં આઝાદી પછી આટલા વરસથી 90% લોકોના પેટના ખાડા નથી પુરાતા તો પછી માત્ર રોડના ખાડાઓ જ કેમ બદનામ થાય?ખરેખર તો રોડના ખાડાઓને ‘રાષ્ટ્રીય વારસો’ કે ‘નેશનલ હેરિટેજ’ ઘોષિત કરી દેવા જોઇએ, જેથી બિચારા ખાડાઓની ટીકા બંધ થાય. જે ઇલાકામાં સૌથી વધુ ખાડા હોય એવા વિસ્તારના નગરસેવક કે એમ.એલ.એ.નું જાહેર સન્માન કરી નાખવાનું, જેથી એમને પણ ખ્યાલ આવે કે એમને ત્યાં કેવા રસ્તાઓ છે. ‘પ્રિ-વોશ્ડ જીન્સ’ની જેમ રોડ બનાવનારી કંપનીઓને અગાઉથી જ કહી દેવાનું કે ક્યાં ક્યાં કેટલા ખાડા કરવાના છે. પછી એ રેડીમેઇડ ખાડાઓની આસપાસ જ ભૂલભૂલામણીની જેમ રસ્તો બનાવવાનો! એ માટે બેંકો કે મોટી કંપનીઓએ ખાડાઓને સ્પોન્સર કરવા જોઇએ. ખાડાઓ પર બેંકવાળા જાહેરાત મૂકી શકે: ‘અમારી બેંક કદીયે ખાડામાં નહીં જાય, તમારા પૈસા સલામત છે!’

જો કે એક સમાચાર કહે છે કે વરસાદી ખાડાઓને લીધે હાડકાઓના ડોક્ટરોની આવક ચોમાચામાં વધે છે માટે એવા ડોક્ટરો પણ ખાડાઓને સ્પોન્સર કરી જ શકેને?

અરે, જો ‘મોંઘવારી તો નોર્મલ વાત છે ને દેશમાં બેકારી છે જ નહીં’- એવું જ્યારે કહેવાતું હોય તો ખાડા પણ લાભ માટે જ છે એવું સરકાર આસાનીથી આપણા મનમાં ઠસાવી શકશે. તેમ છતાં પણ જો કોઇ ખાડાઓનો વિરોધ કરે તો એને દેશદ્રોહી સાબિત કરવાની કળા આપણી પાસે છે જ ને? જેમ કે-‘જો તમે આ દેશને ચાહતા હોવ તો દેશના રસ્તા પર પડેલા ખાડાઓને પણ ચાહવા જોઇએ! જો તમને મહાન દેશના રસ્તા પરના ખાડા ન ગમતા હોય તો બીજા દેશનો રસ્તો પકડો! શું ત્યાંના રસ્તા પર ખાડા નહીં હોય?’ આવી દલીલ કરી કરીને લોકો, આપણા કાનમાં ખાડા પાડી નાખે તો નવાઇ નહીં! ઘણા તો એમ પણ કહેશે કે રસ્તાની ડાબી બાજુના ખાડા ‘ડાબેરીઓ’ વિચારધારાવાળાઓને કારણે છે ને જમણી બાજુના ખાડા ‘જમણેરીઓ’ને લીધે છે.

આપણ વાંચો:  સુખનો પાસવર્ડ : તમે કોઈના માટે ‘સુખનો પાસવર્ડ’ બની શકો છો?

હવે ગુજરાતી છાપાં કે મેગેઝિનોમાં ‘ખાડા-અખાડા’ જેવી નોવેલ હપ્તાવાર લખાય ને હિટ જાય તો નવાઈ નહીં. એમાં ખાડામાં પડીને બે ઓલરેડી પરણેલાં પાત્રો કઇ રીતે એકમેકના પ્રેમમાં પડે છે એ વિશેની ‘આડા-સંબંધ’ની જેમ ‘ખાડા-સંબંધ’વાળી વાર્તા હશેને? અત્યાર સુધી ‘દો રાસ્તે’, ‘રોડ’, ‘હાઇ-વે’, ‘નેશનલ હાઇવે-10’ જેવી હિન્દી ફિલ્મો બની છે તો હવે ખાડા પર પણ ‘ખડ્ડે’, ‘તૂટા રોડ’, ‘ખડ્ડેમેં અંડરવર્લ્ડકે અડ્ડે’ જેવી ફિલ્મો બનવી જોઇએ. ટૂંકમાં, જેમ જીવન છે તો મૃત્યુ છે. એમ રોડ છે તો ખાડા છે.

એંડ-ટાઇટલ્સ:
આદમ: તારા ગાલમાં સરસ ખાડા પડે છે.
ઈવ: લે, આજે જોયું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button