
- સંજય છેલ
ટાઈટલ્સ:
એક ઇરાનિયન ફિલ્મમાં હીરો ખજાનાની શોધમાં અફઘાનિસ્તાન-રશિયા પાસે રખડતો હોય છે ત્યારે એને ‘શકુનિ’ નામનો માણસ મળે છે. હીરોએ એને પૂછ્યું, ‘તું કામ શું કરે છે?’ શકુનિએ કહ્યું, ‘હું ‘શબ્દ’ વેચું છું! અહીં વણઝારાઓ-સોદાગરો દેશ-વિદેશથી આવે તો એમને શબ્દોના અર્થ- વિરોધી શબ્દો વેચું છું.’ હીરોને નવાઈ લાગે છે કે આવો ધંધો પણ હોય શકે?
ત્યારે શબ્દસોદાગર ‘શકુનિ’ કહે છે: ‘હવે આ ધંધો બહુ નથી ચાલતો, પણ બાપ-દાદાના જમાનામાં શબ્દો ખૂબ વેંચાતા…આજકાલ શબ્દોનો વેપલો પડી ભાંગ્યો છે!’
ભાષા નદી છે ને શબ્દો પાણી. નદીનું પાણી હરપળ બદલાતું રહે છે. સ્થગિત પાણી સડી જાય ને ભાષા પણ એટલે વખત જતાં યોગ્ય શબ્દો ન મળે તો આપણે નવો જ શબ્દ ‘કોઇન કરવો’ પડે અર્થાત્ ઘડવો પડે. પછી એ શબ્દ લોકજીભે ચઢે. દર વર્ષે ડિસેંબરમાં ‘કેમ્બ્રિજ’ અને ‘ઓક્સફર્ડ’ યુનિવર્સિટિવાળાંઓ લગભગ 4000 નવા શબ્દો અંગ્રેજી ડિક્શનરીઓમાં ઉમેરે છે. 2024ના વરસમાં ‘ઓક્સફર્ડે યુનિવર્સિટીએ ‘બ્રેન રોટ’ શબ્દને ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કર્યો છે. ‘બ્રેન રોટ’ એટલે સાદી ગુજરાતીમાં ‘મગજનો સડો’. આ ‘મગજનો સડો’ એટલે શું?
વોટ્સ એપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર (X) પર સતત રીલ્સ જોઈ જોઇને દિમાગની જે હાલત થાય એને આજકાલ ‘બ્રેન રોટ’ કહેવામાં આવે છે. જોકે ઇન્ટરનેટના યુગ અગાઉ છેક 1854માં હેનરી ડેવિડે, ‘વેલડેન’ પુસ્તકમાં ‘બ્રેન રોટ’ શબ્દનો ઉપયોગ પહેલીવાર કરેલો, પણ આજની પેઢી એ શબ્દ ફરી વાપરવા માંડી છે.
આજકાલ નરનારીના નાજુક સંબંધોમાં ‘ડ્રાય બેગિંગ’ શબ્દ બહુ ચાલે છે. ‘ડ્રાય બેગિંગ’ એટલે ‘સૂકી ભીખ’. આ શબ્દ સાંભળીને અજીબ લાગશે, પણ ‘ડ્રાય બેગિંગ’ એટલે તમને તમારા પાર્ટનર પાસેથી કંઈ જોઈતું હોય પણ એ સીધેસીધું માગવાની બદલે આડકતરી રીતે માગવાની સ્માર્ટ રીત.,
જેમ કે છોકરી બોયફ્રેન્ડને કહે, ‘મારી ફ્રેન્ડ શીતલને એના બોયફ્રેન્ડે બર્થ-ડે પર સાચી ડાઇમંડ રિંગ આપી, બોલ! કેટલી લકી છેને શીતલ કે આવો બોયફ્રેન્ડ મળ્યો?’ અથવા ‘પપ્પુને એની ગર્લફ્રેન્ડે 3-3 છોકરી સાથે ગોવા જવાની હા પાડી! કેટલી સમજુ કહેવાયને? કાશ, સૌને આવી મળે..’
અગાઉ ‘ઝટ જાઓ ચંદનહાર લાઓ, ઘૂંઘટ નહીં ખોલું રે’ જેવાં ગીતોમાં ડાયરેક્ટ ડિમાન્ડની દાદાગીરી હતી,. હવે ચાહતમાં ચાલાકી અજમાવાય છે.. ઓફકોર્સ, શુદ્ધ ભાષાપ્રેમીઓને આવા વિચિત્ર ભેળસેળિયા શબ્દો અને ખીચડી ડિક્શનેરી નહીં જ ગમે, પણ શું થાય? આ યુગનાં યંગ લોકોની માગ છે. વળી જો આપણે ધોતિયાલૂંગીમાંથી જીન્સ પર આવી ગયા હોઇએ તો ભાષામાં પણ કદીક નવા પ્રયોગો થઇ જ શકેને? એમાં કોઇએ બહુ ’વેવલાત્મક’ ન બનવું જોઇએ, વ્હાલા વિદ્વાનો!
ઇન્ટરવલ:
ડોલ શબ્દની કાણી રે
ઊંડા કૂવાનાં પાણી રે.. (લાભશંકર ઠાકર)
‘અંધા યુગ’ જેવા યાદગાર નાટકનાં લેખક અને કવિ ધર્મવીર ભારતીનાં બુઝૂર્ગ પત્નીએ એક કાર્યક્રમમાં કહેલું કે ‘ઇસ પીઢી કી ખીચડી ભાષા દેખ કે મેરી ‘ટેન્શનાત્મક’ હાલત હો જાતી હૈ!’ ત્યારથી એ શબ્દ અમને બહુ ગમી ગયો ને જ્યાં ત્યાં ‘ત્મક’ લગાડીને વાપરીએ છીએ.
આજકાલ ઘણાંને બેઠાં બેઠાં ટી.વી. જોવાની કે મોબાઈલ ગેમ રમવાની લત હોય છે એવા આળસુઓ માટે એક ફાસ્ટ ડાન્સની કસરત બની છે, જેને માટે તાંડવ પરથી શબ્દ બન્યો: ‘થાડંવ’.
બીજો ચિંતાજનક શબ્દ બન્યો છે ‘ગ્રે ડિવોર્સ’. 50ની ઉંમર પછી જે કપલ છૂટાછેડા લે એને ‘ગ્રે ડિવોર્સ’ કહે છે. ફોરેનમાં આનું પ્રમાણ વધુ છે. આપણે ત્યાંયે ‘જા નથી રમવું’ કહીને જીવનસંધ્યાએ એકમેકને કિટ્ટા કરીને ‘ગ્રે ડિવોર્સ’ અપાઇ રહ્યા છે.
નવી પેઢીમાં જૂના શબ્દોનાં નવા અર્થો બન્યા છે, જેમ કે-‘ક્યા સીન હૈ?’ મતલબ કે ‘આજે રાતનો શું પ્રોગ્રામ છે?’ બીજો બંબૈયા ભાષાનો જૂનો ‘ટપોરીજન્ય’ શબ્દ છે: ‘ઝક્કાસ’. વ્યક્તિ કે વસ્તુ ખૂબ સુંદર હોય તો ‘ઝક્કાસ’ કહેવાનું ફરી ચલણમાં છે.
એ જ રીતે બોલાય છે: ‘ચિલ માર!’ કોઈ સ્ટ્રેસમાં કે ગુસ્સામાં હોય તો શાંત કરવા ‘ચિલ માર…યાર’ કહેવાનું તો ભારતનાં શ્રેષ્ઠ વ્યંગકાર શરદ જોશી કહેતા:
આપણ વાંચો: સુખનો પાસવર્ડ : જીવનનો ઉત્તરાર્ધ સુખમય પસાર કરવાનું શું છે રહસ્ય?
‘આપણી ભાષાઓ સમૃદ્ધ છે, પણ બદલાતા સમયની સાથે નવી પરિસ્થિતિઓ માટે ભાષાઓએ વિકાસ કરવાનો બાકી છે’ જેમ કે- પાર્ટીમાં કોઈ ઓળખીતી છોકરી આવી છે, પણ તમને હજી સુધી મળી નથી..તમે એ મહેકતી ક્ષણની રાહ જુઓ છો કે પેલી તમારી પાસેથી પસાર થાય ને સ્માઇલ કરે. જવાબમાં તમેય સ્માઇલ કરો એ માટે તમે હાથમાં આઈસક્રીમનો કપ લઈને વારેવારે અહીંતહીં જગ્યા બદલીબદલીને ટળવળો છો.. એકબીજાની પાસે જ છો, પણ મેળ નથી ખાતો આવી સ્થિતિને માટે કોઇ શબ્દ છે? જી ના. બસ, અહીં જ જૂની ભાષા આડી આવે છે.
અહીં નવો શબ્દ બનાવી શકાય ‘લંબગડાવું’.(‘લંબગડાવું’ એટલે ‘લબડવું’ ને ‘લંગડાવું’ બેઉનું મિક્ષ્ચર) ‘પ્રશાંત ભૈ, આખી પાર્ટી દરમિયાન કેવા પેલી પૂનાવાળી પૂજાને મળવા લટૂડા થઇને ‘લંબગડાતા’ રહ્યા!’ અથવા તો ‘પ્રશાંતજી, બહુ ‘લંબગડાયા’ પણ જાલિમ જવાનીએ, (એટલે કે પેલી પૂજાએ) આંખ ઉઠાવીને એમની સામે જોયું સુદ્ધાં નહીં!’
હમણાં જુવાનિયાઓમાં ‘સિચ્યુએશનશીપ’ શબ્દ બહુ વપરાય છે. આ એક એવો સંબંધ છે, જેમાં બે લોકો એકબીજા સાથે સમય વિતાવે છે અને શારીરિક કે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે, પણ એમની વચ્ચે કોઈ ઔપચારિક કે લાંબા ગાળાનું કમિટમેન્ટ નથી હોતું. બીજો સૌથી કાતિલ શબ્દ આવ્યો છે: ‘ઘોસ્ટિંગ‘!
કોઈ વ્યક્તિ તમારી સાથે અચાનક વાત કરવાનું બંધ કરે કે ફોન ના ઉપાડે, મેસેજનાં જવાબ ના આપે એ માટે ‘ઘોસ્ટિંગ’ આજકાલ વપરાય છે. કોઇ પ્રિયપાત્ર, જીવનમાંથી જાણી કરીને ગાયબ થઇ જાય ત્યારે સંબંધોનાં ભૂત આપણને બહુ સતાવે, કેટલો ક્રૂર પણ કાવ્યાત્મક શબ્દ છેને?
એંડ-ટાઇટલ્સ:
આદમ: પ્રેમમાં શબ્દ નક્કામા
ઈવ: તારા પ્રેમમાં શબ્દ ‘પણ‘ નક્કામા…