ઉત્સવ

મિજાજ મસ્તી : શ્યામ રંગ સમીપે: આપણે સૌ ચામડીનાં ગણવેશમાં…

  • સંજય છેલ

ટાઇટલ્સ:
ગમે એનું બધું ગમે. (છેલવાણી)
‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી? મૈં ક્યું કાલા?’ આ ગીત, ખરેખર તો ગુજરાતનાં મહાન ગીતકાર-સંગીતકાર નીનુ મઝુમદારે 1940-50 દાયકામાં લખેલું અને ધૂન પણ બનાવેલી પછી છેક 1977માં રાજ કપૂરે એને ‘સત્યમ શિવમ સુંદરમ’ ફિલ્મમાં ફરી વાપરેલું. આજે પણ રૂપરંગનો વિષય એનો એ જ રહ્યો છે.

રૂપ પણ કમાલનો વિષય છે. કેમ આપણે ત્યાં ગોરા થવાનાં ક્રીમ, ટ્રીટમેંટોની વણઝાર જોવા મળે છે? કેમ ગૌરવર્ણ પર લોકો વધારે ‘ગૌર’ ફરમાવે છે? હજી યે લગ્નની જાહેરાતોમાં કન્યા માટે ગોરી, સુંદર, પાતળીની વ્યાખ્યા છાપવામાં આવે છે? જેને લીધે યંગ ક્ધયાઓ ને નવવધૂઓ અસંભવ અપેક્ષાઓનાં ભાર નીચે દટાઇ જાય છે. કેમ? શા માટે? અરે, જે દેશમાં કૃષ્ણ જેવો કામણગારો ઇશ્વર શ્યામ હોય, કાલિ માતા પૂજાતી હોય ત્યાં ‘શ્યામ રંગ’ને સેકન્ડ સિટીઝન કેમ માનવામાં છે?

જ્યોતિર્લતા ગિરીજા નામનાં તામિલ લેખિકાએ સત્યઘટના પરથી એક સુંદર વાર્તા લખેલી, જેમાં એક દિવસ પિતા રામભદ્રએ, પત્ની અને દીકરી વિમલાને કહ્યું કે ફોટા પરથી દક્ષિણ આફ્રિકાના એક વિદ્વાન છોકરાને આપણી વિમલા ગમે છે ને બે મહિનામાં છોકરો ભારત આવશે ત્યારે ફટાફટ લગન થઈ જશે- એવું છોકરાના પિતાએ પત્રમાં લખ્યું છે.

છોકરી વિમલા તો ખુશ થઇને શરમાઇ ગઇ પણ ત્યાં તો એને અચાનક યાદ આવ્યું કે 10 જ દિવસ અગાઉ એણે એક તમિળ મેગેઝિનમાં જલદ લેખ વાંચેલો કે- દક્ષિણ આફ્રિકામાં મુઠ્ઠીભર અંગ્રેજ શાસકો ત્યાનાં લોકલ કાળા લોકોને અછૂત બનાવીને કેવો અસહ્ય ત્રાસ ગુજારતા હતા. એનું રુંવાડા ઊભું કરતું વર્ણન એ લેખમાં તેજાબી ભાષામાં લખેલું. લેખકે દલીલ કરેલી કે ભારતમાં જે આભડછેટની પ્રથા છે એ અહીં દક્ષિણ આફ્રિકાના ગોરાઓના રંગભેદના અત્યાચાર સામે કંઈ જ નથી! સૌ મનુષ્યના શરીરમાં લોહીનો રંગ લાલ જ છેને? તો ચામડીની કાળાશ જોઈને કોઈની અવગણના કરવી એ માનવતાની વિરુદ્ધ છે.’

એ લેખ લખનાર ‘એ.એન.એ.સામી’ બીજો કોઈ નહીં, પણ દક્ષિણ આફ્રિકાનો મુરતિયો ‘અય્યાસ્વામી’ જ છે! આટલો સુંદર અને પ્રગતિશીલ લેખ લખનાર, પોતાનો ભાવિ પતિ હશે એ વિચારીને વિમલા ખૂબ ખુશ હતી.

લગભગ બે મહિના પછી અય્યાસ્વામી ભારત આવ્યો ને વિમલા સાથે મુલાકાત કરી. વિમલાને તો એ બહુ જ ગમ્યો. પણ છોકરાના મા-બાપે, વિમલાના પિતાને ગંભીર સ્વરમાં જણાવ્યું, ‘વેલ, ઉતાવળ ના કરશો. અમે વિચારીને ફાઇનલ જણાવીશું!’
થોડા દિવસ પછી પત્ર આવ્યો કે છોકરાએ લગ્ન માટે ના પાડી છે! કારણ? એ કે: ‘છોકરીનો રંગ કાળો છે!’ એટલે કે જે માણસ, દક્ષિણ આફ્રિકાનાં રંગભેદ વિશે મોટી મોટી હાંકતો હતો એ પોતાની જિંદગીમાં થનાર પત્નીના શ્યામ રંગ વિશે કેવા ‘ડબલ સ્ટાંડર્ડ’ ધરાવે છે!

જો કે હવે લગ્ન માટે ગોરા હોવું ને પાતળી કાયાની વ્યાખ્યા બદલાઇ રહી છે. હવે છોકરીઓ આત્મવિશ્વાસ ધરાવતી અને ‘ચોકલેટી કે કેરેમલ’ રંગની ત્વચાને અપનાવીને જુનવાણી વિચારમાંથી રૂઆબ સાથે મક્કમ પગલે આગળ વધી રહી છે. વ્હાય નોટ?

ઇન્ટરવલ:
અબ મૈં સમઝા, તેરે રૂખસાર પર તિલ કા મતલબ,
દૌલતે હુસ્ન પર દરવાન બિઠા રખા હૈ!

(કમર મુરાદાબાદી)
હમણાં એક સર્વેમાં 23 વર્ષની રિયાએ (બધાં નામ બદલ્યાં છે) કહ્યું ‘પહેલાં મને લાગતું કે મારા આ ‘શ્યામ’ રંગને કારણે મને કોઇ પરણશે નહીં તો? પણ હવે લાગે છે કે મારી આ ચોકલેટી કે કેરેમલ ત્વચા જ મારી ખૂબસૂરતી છે, ઓળખ છે, તાકાત છે. જે મને ખરેખર ચાહશે એને મારા રંગથી કોઇ ફરક નહીં પડે.’

15 વરસની પ્રિયા પણ એનાં ડાર્ક રંગને અને ભરાવદાર શરીરને અપનાવતા કહે છે: ‘મને થતું કે મોટી થઇને મારે અમુક જ પ્રકારનાં કપડાં પહેરવા પડશે. પણ હવે સમજાય છે કે એ વિચારો કેટલા ડિપ્રેસિવ હતા. હવે મેં આઇનામાં ખુદને તાકીને હું જેવી છું તેવી- પર્સનાલિટીને સ્વીકારવાનું નક્કી કર્યું છે.’

19 વર્ષની સ્ટુડન્ટ નઝમાએ કહ્યું કે, ‘વર્ષોથી મેં લગ્નની જાહેરાતોમાં ગોરા ને પાતળા હોવા વિશે વાંચ્યું હતું. મને ફિલ્ટર કર્યા વગરના ફોટાઓ સોશિયલ મીડિયા પર મૂકવામાં વર્ષો લાગ્યા. આપણે જાડા હોઈએ અથવા આપણી ચામડીનો રંગ થોડો કાળો હોય તો એના પર નકલી મુખવટો પહેરીને સારા દેખાવાનું! તો યે લોકો તો વાત કરવાના જ છે. માટે બધાં ફિલ્ટર કાઢીને જેવા છીએ એવા જ રહેવાનું!’

ફોરેનની ગૌરવર્ણી કન્યાઓ જાતને તડકામાં શેકી શેકીને ‘ટેન’ કરીને બ્રાઉન થવાની કોશિશ કરે છે ને આપણે ત્યાં ડાર્ક છોકરીઓ ગોરી બનવા માટે વ્રત, એકટાણાં, બાધા રાખે છે. જેનીફર લોપેઝ જેવી રોકસ્ટાર કે હેલી બેરી જેવી બ્લેક ફિલ્મસ્ટારને વિદેશમાં સેક્સી ગણવામાં આવે છે,

આપણ વાંચો:  ટ્રાવેલ પ્લસ : લીલોછમ્મ ગરવો ગઢ ગિરનાર!

પણ ભારતમાં અદ્ભુત અભિનેત્રી સ્મિતા પાટીલને બોલિવૂડમાં સ્વીકારવામાં વરસો લાગી ગયેલાં. એવું જ રજનીકાંત કે કમલ હાસન વિશે બોલિવૂડમાં હતું. સત્ય એ છે કે આજેય મિડલક્લાસની છોકરીઓ લોન લઇને ચામડીનાં સ્પેશ્યાલિસ્ટો પાસે જઇને ટ્રીટમેંટ કરાવે છે. પોતાની ઓળખ જેવો ચામડીનો રંગ છોલાવી છોલાવીને સફેદ બનવા ધમપછાડા કરે છે.

ઘણાં વખત પહેલા ‘ડાર્ક ઇઝ બ્યુટીફૂલ’ (કાળી એટલે બદસૂરત નહીં) નામે એક ચળવળ ગુજરાતીનાં ખ્યાતનામ લેખક મોહનલાલ મહેતા ‘સોપાન’ની દોહિત્રી નંદિતા દાસે શરૂ કરેલી. ગોરો કે કાળો, ખૂબસૂરત કે સાધારણ કોઇપણ પ્રકારનો કોમપ્લેક્સ જાનલેવા છે. અર્થાત ગોરી છોકરીઓ જેટલી જ ‘ડાર્ક છોકરીઓ પણ બ્યુટીફૂલ’ હોય જ છે, પણ જો રૂપ જોવાની દ્રષ્ટિ હોય તો…

એંડ-ટાઇટલ્સ:
આદમ: તને મારો દેખાવ ગમે છે?
ઈવ: ચાલશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button