ઝબાન સંભાલ કે: રોટી તનસ્વી બનાવે, પૈસા મનસ્વી | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઝબાન સંભાલ કે: રોટી તનસ્વી બનાવે, પૈસા મનસ્વી

-હેન્રી શાસ્ત્રી

ધન બે અક્ષરી શબ્દ છે અને મન પણ બે અક્ષરી જ છે. આજે મન સતત ધન તરફ દોટ મૂકતું જોવા મળે છે. ધન પ્રવેશતાની સાથે ખિસ્સું પહોળું થવા માંડે છે ને મન સંકુચિત થવા લાગે છે. કોઈએ બહુ સરસ વાત કરી છે કે આજે માનવી સમાજ ધનસ્વી બની ગયો છે. ચંદ્રકાંત બક્ષીએ પૈસાના પાવર વિશે બહુ માર્મિક લખાણ કર્યું છે કે તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે. ધનમ્ શબ્દ ધનાતિ અર્થાત્ દોડવું પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ હતો દોડ અથવા દોડવાની સ્પર્ધામાં વિજેતાને મળતો પુરસ્કાર. આદિકાળથી જ દોડવું ધન સાથે જોડાઈ ગયું હતું.

પૈસાનો પાવર દેખાડતી ઘણી કહેવતો છે જેમ કે પૈસા, તો કહે ભર મિજલસમાં હસ્યા, નહિ મળે પૈસા, તો કહે ભર મિજલસથી ખસ્યા. પૈસાથી ચહેરા પર રોનક આવી જાય અને એના અભાવથી ફીકાશ આવી જાય.આવો જ ભાવાર્થ પૈસાદારના સૌ સાળા થાય, પણ ગરીબના કોઈ બનેવી પણ ન થાય કહેવત દ્વારા પ્રગટ થાય છે. જર કરે દરિયામાં ઘર-પૈસો હોય તો બધું જ શક્ય છે. પૈસા વગરનો ઘેલો ને સાબુ વગરનો મેલો-આર્થિક જગતના આયના જેવી આ કહેવતમાં પૈસા સાથે સાબુ રૂપક તરીકે વપરાયું છે.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : ખોંખારો, કાળો સાડલો: સંકેતની ભાષા…

સાબુ વાપરનાર ઉજળો દેખાય અને ન વાપર્યો હોય તો મેલો દેખાય એમ પૈસા પાસે હોય એ ડાહ્યો અને ન હોય તો એની ગણના ન થાય એવો ભાવાર્થ છે. પૈસાથી માન અને ન હોય તો અપમાન એ ભાવના નાણાં વિનાનો નાથિયો, ને નાણે નાથાલાલ કહેવતમાં સુપેરે પ્રગટ થાય છે. ખિસ્સું ખાલી હોય ત્યારે એ નાથિયા જેવા તુંકારે બોલાવનારા લોકો ખિસ્સું ભરેલું દેખાતા કેમ છો નાથાલાલ સાહેબ કહેવા
લાગે છે.

અલબત્ત કેટલીક એવી પણ કહેવતો છે જેમાં પૈસા-ધનને સર્વોત્તમ નથી ગણવામાં આવ્યા. ધનના મોટાથી ન થાય તે મનનો મોટો કરી બતાવે. શ્રીમંત માણસ કે પૈસાના જોરે ન થઈ શકે એ દરિયા જેવું દિલ ધરાવતી વ્યક્તિ કરી શકે એ અહીં કહેવામાં આવ્યું છે. ધન કરતાં આબરૂ ચડે મતલબ કે ધનથી જે ગૌરવ નથી મળતું તે આબરૂથી કે મોટા મનથી મળે છે. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, સાધુ સંત તો છૈયા છોકરાં, સેવા કરું હું કોની. પૈસો, પત્ની, સંત અને સંતતિ એમાંથી કોને પ્રાધાન્ય આપવું એ ગડમથલ અહીં વ્યક્ત થઈ છે.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે: ગુરુ કહે તેમ કરવું, ગુરુ કરે તેમ ન કરવું

પૈસા માટે પ્રચલિત શબ્દો ઉપરાંત કાવડિયું અને દોકડા શબ્દો પણ અગાઉ વપરાશમાં હતા. કાવડિયું એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અમલ દરમિયાન તાંબાના પૈસાની પાછલી બાજુએ ‘ત્રાજવું’ છાપેલું એને ‘કાવડ’ લેખી લોકોએ પ્રચલિત કરેલી સંજ્ઞા એટલે કાવડિયું. દોકડો એટલે જૂનો તાંબાનો સિક્કો. ખણખણાટ એટલે કોઈ ધાતુ અથડાવાથી થતો અવાજ. કોઈ વ્યક્તિ ઉદાર બની જાય કે જરૂર ન હોય એવી જગ્યાએ પૈસા વાપરવા લાગે ત્યારે કેમ, ખિસ્સામાં બહુ ખણખણતા લાગે છે એવું કહેવાતું હોય છે. પૈસો તો હાથનો મેલ છે એવું ઘણી વાર સાંભળ્યું હશે. લક્ષ્મી સતત એક હાથમાંથી બીજા હાથ તરફ વહેતી રહે છે એ અહીં તાત્પર્ય છે.

BLOOD MONEY

પશ્ચિમ એશિયાનો અરેબિયન દેશ યમન હાલ ભારતીય અખબારોમાં ખાસ્સો ચમકી રહ્યો છે. નિમીષા પ્રિયા નામની કેરળની નર્સને તેની સતામણી કરનારા પુરુષની હત્યા કરવા બદલ દેહાંત દંડની સજા થઈ છે. હત્યા થઈ છે એ પુરુષનો પરિવાર એના મૃત્યુના આર્થિક વળતર પેટે ‘બ્લડ મની’ સ્વીકારી લે તો નિમીષા ઉગરી જશે એવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!

અહીંયા આપણે એ કેસની વિગતમાં નથી પડવું, બલ્કે ‘બ્લડ મની’ એટલે શું એ સમજવું છે. Blood Money is money paid to the family of the person killed in exchange for a pardon. હત્યા થઈ હોય એ વ્યક્તિનો પરિવાર વળતર તરીકે જે પૈસા સ્વીકારી હત્યારાને માફી બક્ષે એ પૈસા ‘બ્લડ મની’ તરીકે ઓળખાય છે. સ્કૂલ – કોલેજમાં ભણતા સંતાનોને વાપરવા માટે જે નાનકડી રકમ મળતી એ ‘પોકેટ મની’ તરીકે જાણીતી છે. Pocket Money means a small amount of money given to a child by their parents, typically on a regular basis. આ પૈસા નિયમિત ધોરણે મળતા. કેટલાક કેસમાં તો સંતાનોએ પોકેટમની બચાવી તેનો સદુપયોગ કર્યો હોવાના ઉદાહરણો પણ નોંધાયા છે. જોકે, હવે આ રકમ નાની નથી રહી. Break the Bank means to be very expensive or cost a lot of money. It’s often used in negative statements to indicate that something is not affordable. બ્રેક ધ બેંક પ્રયોગમાં ખાતર પાડવાની કે બેંકમાં લૂંટ ચલાવવાની કોઈ વાત નથી. અતિશય ખર્ચાળ વસ્તુ દર્શાવવા કે ખિસ્સાને પરવડતું ન હોવા છતાં એ ખરીદવાની વૃત્તિ પર પ્રકાશ છે. Going Dutch means that each person in a group pays their own expenses, especially for meals or activities. ખાણીપીણી કે હરવા ફરવા દરમિયાન દરેકે પોતે પોતાનો ખર્ચ ઉપાડી લેવો એ અર્થ આ રૂઢિપ્રયોગમાં વ્યક્ત થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button