કવર સ્ટોરી: ભારતીય ક્રિકેટ ખેલાડી મોહમ્દ શમીનો રોજા વિવાદ, ફતવો કોણ બહાર પાડી શકે?
અવારનવાર બહાર પડતા જાત-ભાતના 'ફતવા' ને લઈને ગેરસમજ થતી રહે છે ત્યારે તવાની દુનિયા ને દુનિયાભરના ફતવા પાછળ ફેલાતા અર્થ-અનર્થ વિશે જાણી લેવું બહુ જરૂરી છે.

વિજય વ્યાસ
ઉત્તર પ્રદેશના બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીકા કરીને વણજોઈતો વિવાદ ખડો કરી દીધો છે.
પાકિસ્તાન-દુબઈમાં મિની વર્લ્ડ કપ ગણાતી “ચેમ્પિયન્સ ટ્રોફી”ની સેમી ફાઈનલ દરમિયાન મોહમ્મદ શમીએ મેદાન પર એનર્જી ડ્રિંક પીધું તેનાથી નારાજ થઈ ગયેલા ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત’ના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવીએ શમીની એ હરકતને ઈસ્લામ વિરોધી ગણાવી દીધી. મૌલાના રઝવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શમીનો એનર્જી ડ્રિસ પીતો વીડિયો વહેતો કરીને ટીકા કરી કે રમઝાન દરમિયાન શમી રોઝા ( રોજા ) નહીં રાખીને પાપ કરી રહ્યો છે. “રોઝા નહીં રાખીને’ શમીએ ગુનો કર્યો છે એટલે શરિયતની નજરમાં એ ગુનેગાર છે અને એણે ખુદાને જવાબ આપવો પડશે..
મૌલાના રઝવીની ટીકાએ એક તરફ દેશ મોટો કે ધર્મ એ ચર્ચાને છેડી દીધી છે ત્યારે બીજી તરફ ઈસ્લામના કહેવાતા વિદ્વાનોનાં વલણની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ‘દેશ મોટો કે ધર્મ” એ ચર્ચાને કમ સે કમ આ દેશમાં તો અવકાશ નથી. અહીં દેશ જ મોટો છે અને બીજું બધું પછી આવે છે, ધર્મ, સંપ્રદાય, આસ્થા બધું સેકન્ડરી છે- ગૌણ છે. દેશની તુલના કશા સાથે કરી જ ના શકાય અને જેમને પોતાનો ધર્મ મોટો લાગતો હોય એવા લોકો માટે આ રાષ્ટ્ર નથી…આ મુદ્દે કોઈ જ ચર્ચા શક્ય નથી તેથી એ વાતનો વિંટો વાળીએ ને બીજા મુદ્દા પર આવીએ.
બીજો મુદ્દો મુસ્લિમોનાં વર્તન કે હરકતો અંગે ઈસ્લામના કહેવાતા વિદ્વાનો દ્વારા અપાતા અભિપ્રાયોનો છે. મૌલાના રઝવીની વાતોને ઘણાંએ ‘ફતવો’ ગણાવ્યો છે, પણ મૌલાના રઝવીએ કોઈ ફતવો બહાર પાડ્યો નથી, મૌલાના રઝવીએ શમીની ટીકા કરી છે અને ઈસ્લામ અંગેનું પોતાનું જ્ઞાન પિરસ્યું છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : ચાઇનીઝ ડીપસીકના ભરડાથી ટેક કંપનીઓમાં ફફડાટ: ભારત ઝંપલાવશે…
ક્રિકેટર શમીનો બચાવ કરવા હિંદુ અને મુસ્લિમો બન્ને કૂદ્યા છે ને તેમાં ઈસ્લામના વિદ્વાનો પણ છે.
‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)’ ના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે “રમઝાન દરમિયાન બધા મુસ્લિમો માટે ઉપવાસ રાખવા અથવા રોઝા રાખવા ફરજિયાત છે, પણ પ્રવાસ કરનારા અથવા બીમાર લોકો તેમાં અપવાદ છે મોહમ્મદ શમી પ્રવાસમાં છે તેથી એની પાસે ઉપવાસ ન રાખવાનો વિકલ્પ છે માટે કોઈને પણ એના પર આંગળી ઉઠાવવાનો અધિકાર નથી.”
ફિરંગી મહલીના આ વળતા પ્રહાર પછી મૌલાના રઝવી ઠંડા પડી ગયા છે, પણ આ મુદ્દો ઠંડો પડ્યો નથી. મૌલાના રઝવીએ એક રીતે શમી સામે ફતવો જ બહાર પાડ્યો છે તેથી ફતવાની ચર્ચા જોરશોરથી છે માટે આપણે ફતવો શું છે ને તેનો કેવો દુરૂપયોગ થાય છે એ સમજવું જરૂરી છે.
મુસ્લિમોમાં મુલ્લા-મૌલવીઓનો એક વર્ગ એવો પ્રચાર કરે છે કે, ફતવો એ કુરાન, હદીશ અને શરીયાનું અર્થઘટન છે પણ આ વાત ખોટી છે. કુરાને શરીફ મુસ્લિમોનો સર્વોચ્ચ ધર્મગ્રંથ છે. મુસ્લિમોની ધાર્મિક માન્યતા પ્રમાણે કુરાનમાં અલ્લાહના શબ્દો છે અને અલ્લાહે પોતે મોહમ્મદ પયગંબરના માધ્યમથી આ પુસ્તક લખ્યું છે. શરિયા ઈસ્લામમાં શ્રદ્ધા ધરાવતા લોકોએ કઈ રીતે રહેવું એ માટેનો ધાર્મિક કાયદો છે. મુહમ્મદ પયગંબર સાહેબે કુરાનમાં લખાયેલી વિગતો અને હદીશના આધારે શરીયા બનાવ્યો છે. હદીશ એટલે પયગંબર સાહેબનાં કર્મ, ઉપદેશ, આદતો, કાર્યો વગેરે. દરેક સાચા મુસલમાને પયંગબર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને એમને અનુસરવું જોઈએ એવી ભાવના સાથે હદીશ લખાયા છે. હદીશની ઘણી વાતો અત્યારે ઈસ્લામનું અવિભાજ્ય અંગ છે. દરેક મુસ્લિમે દિવસમાં પાંચ વાર નમાઝ પઢવી જોઈએ એ હદીશમાં લખાયેલું છે ને દુનિયાભરના મુસ્લિમો તેને અનુસરે છે. ઈસ્લામમાં કુરાને શરીફ પછી હદીશનું સ્થાન છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : દિલ્હીની ચૂંટણી, અહીં જનાદેશ નહીં – ધનાદેશ બાજી મારી જશે?!
આ બધા વચ્ચે ફતવા એકદમ અલગ બાબત છે. મૌલાના વહીદુદ્દીન ખાન ઈસ્લામિક સ્કોલર છે. “પદ્મભૂષણ’ એવોર્ડ જેમને એનાયત થયો છે એવા મૌલાના વહીદુદ્દીન ખાનને ઈસ્લામને લગતી બાબતોમાં શ્રેષ્ઠ વિદ્વાનોમાં સ્થાન મળે છે.
મૌલાના વહીદુદ્દીન ખાન ફતવા વિશે શું કહે છે એ જાણવા જેવું છે.
મૌલાના સાહેબના મતે, ફતવાનો શાબ્દિક અર્થ “અભિપ્રાય” છે અને ફતવો કાયદેસર રીતે બંધનકર્તા નથી. ફતવો ફક્ત સંબંધિત વ્યક્તિને લાગુ પડે છે. ફતવાને સ્વીકારવો કે નહીં એ જે તે વ્યક્તિ નક્કી કરી શકે છે.
કોઈ આસ્તિક એના અંગત વર્તન વિશે જાણવા માગે તો તે કોઈ ઇસ્લામિક વિદ્વાનને મળી શકે છે અને એને વ્યક્તિગત પ્રશ્ન પૂછી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિને એની ઉપાસનાની રીત વિશે જાણવાની ઈચ્છા હોય અથવા એની વ્યક્તિગત પસંદગીઓ ઇસ્લામ અનુસાર છે કે નહીં એ જાણવાની ઈચ્છા હોય તો એ ઈસ્લામના વિદ્વાનને મળીને એને થતા સવાલોના સમાધાન વિશે પૂછી શકે છે અને પેલા વિદ્વાન પોતાના ઇસ્લામના જ્ઞાન અનુસાર પોતાનો અભિપ્રાય આપી શકે છે. આ જ્ઞાન જે તે વિદ્વાનનો અભિપ્રાય છે તેથી એક ફતવો છે. આ ફતવાનું મૂલ્ય એક અભિપ્રાયથી વધારે કંઈ નથી. ફતવો બંધનકર્તા નથી અને ફક્ત વ્યક્તિની વ્યક્તિગત બાબત માટે જ માગી શકાય છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : હિંડનબર્ગનો આમ અચાનક સંકેલો કેમ?
એક ઉદાહરણ લઈએ….. કોઈ વ્યક્તિ ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ કેવાં કપડાં પહેરવાં તે મુદ્દે ફતવો માગી શકતો નથી. પોતાના સિવાયની અન્ય વ્યક્તિ માટે ફતવો માગી શકાતો નથી. ઇસ્લામમાં આ વાત અસ્વીકાર્ય અને પ્રતિબંધિત છે.
મૌલાના વહીદુદ્દીન ખાનના મતે, “ફતવા” અને ‘કઝા’ વચ્ચે શું તફાવત છે એ શરિયા એટલે કે ઈસ્લામિક કાયદામાં સ્પષ્ટ છે. ફતવાનો અર્થ મુફ્તી દ્વારા આપવામાં આવેલો અભિપ્રાય થાય છે અને આ અભિપ્રાય ત્યારે જ આપી શકાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિગત બાબત અંગે મુફતીની સલાહ માગે…
બીજી તરફ, ‘કઝા”નો અર્થ ન્યાયિક ચુકાદો થાય છે, પણ કોઈ પણ મુફ્તીને કઝા બહાર પાડવાની પરવાનગી કે અધિકાર નથી. કઝા આપવો એ દેશ અથવા બંધારણ દ્વારા અધિકૃત કોર્ટનો વિશેષાધિકાર છે અને દરેકને બંધનકર્તા છે. કઝા એટલે એવો મુદ્દો જે ન્યાયાધીશના અધિકાર ક્ષેત્રમાં હોય અને જે મુદ્દો ન્યાયાધીશના અધિકાર ક્ષેત્રને લગતો હોય એવા કિસ્સામાં મુફ્તી ફતવો બહાર પાડી શકે નહીં. આ કિસ્સામાં, કાં તો સરકાર ન્યાયાધીશની નિમણૂક કરે છે અથવા કોઈને સામેલ પક્ષો પર બંધનકર્તા નિર્ણયો આપવા માટે ખાસ મંજૂરી મળે છે. આધુનિક અંગ્રેજી ભાષામાં “કઝા’ એ ‘કાયદા’ નો સમાનાર્થી શબ્દ છે.
શમીના કિસ્સામાં ફરજિયાત રોઝાનો નિયમ લાગુ પડતો નથી એ મૌલાના ફિરંગી મહલીએ સ્પષ્ટ કરી દીધું પછી એ મુદ્દો તો રહેતો જ નથી.
મૌલાના વહીદુદ્દીન ખાને એ પણ સ્પષ્ટ કરી દીધું કે, બીજી વ્યક્તિના વર્તન વિશે કોઈને ફતવાનો અધિકાર નથી ને એવું કોઈ કરે તો એ ઈસ્લામની વિરૂધ્ધ છે.
આમ ખાન સાહેબના અર્થઘટનને અનુસરીએ તો મોહમ્મદ શમીએ નહીં, પણ મૌલાના રઝવી પોતે ખુદાના ગુનેગાર છે.!