મિજાજ મસ્તી: જોક્સ કે જીવન… શાકાહાર એટલે શાકાહાર

-સંજય છેલ
ટાઇટલ્સ:
અતિમાં નહીં, ગતિમાં મજા છે. (છેલવાણી)
એક ચોખવટ:
અમે જન્મથી ને બાય ચોઇસ, શાકાહારી છીએ અને શાકાહારનું સમર્થન કરીએ છીએ. શાકાહાર કે માંસાહાર. એ સેન્સિટિવ સબ્જેક્ટ છે, જે ગાંધીથી લઇને ગુજરાતમાં નોન-વેજની લારી સુધી, કકળાટની કવ્વાલી રૂપે ચાલે જ રાખે છે.
અહીં મુદ્દો જીવદયાનો છે, જેને સો-સો સલામ, પણ અત્યારનાં સોશ્યલ મીડિયાનાં ઉગ્ર-વ્યગ્ર જમાનામાં પશુ-પંખીની જાનહાનિની ચર્ચાને ચ્યુંઇગમ જેમ ખાલીપીલી ખેંચીને, અમારે અમારી જાનહાનિનું જોખમ નથી લેવું. વળી ઘણા વખત પહેલાં એક ન્યૂઝ વાંચ્યાં હતા કે શાકાહારીઓને કારણે પૃથ્વીમાં પ્રદૂષણ વધે છે!
બોલો?!! પશુઓને સાચવવા કે ખેતીમાં પાણી ને કુદરતી સંપત્તિઓ વપરાય છે માટે નોન-વેજ ખાનારાઓ જ પર્યાવરણ માટે દુનિયાની સેવા કરે છે!
આમાં શું કહેવું? આપણે આઇસક્રીમ, રબડી કે ખીર છોડી દેવાની? હમણાં કોઇ ફૂડ ડિલિવરી એપમાં વેજ આઇટેમ માટે લીલાં ને નોન-વેજ માટે લાલ કપડાં પહેરવાની શરૂઆત થઈ તો ખરી,પણ પછી એનો વિરોધ થયો એટલે આઇડિયા પાછો ખેંચાયો.
આ પણ વાંચો: મિજાજ મસ્તી : ગુજ્જુ જીવનયાત્રા રોમમાં રસપૂરી ને પાર્લામાં પાણીપુરી
બીજી બાજુ, અમુક તહેવારોએ નોનવેજની દુકાનો હોટલો બંધ રાખીને જીવહત્યા રોકવી એવા જીવહિંસા રોકવાના પ્રયાસ પછી એને માટે જ્યાં ત્યાં માનવ હિંસા શરૂ થવા લાગી છે!
શું છેક કોઇની જીવન પદ્ધતિ બીજા માટે હિંસા હોઇ શકે. મિઝોરમની શાળામાં બાળકોએ એક નાટકમાં અહિંસક ગાંધીજીને હાથમાં ભાલો લઇને બ્રિટિશરો સાથે લડતા દેખાડેલા. હવે ત્યાંના ભોળાં બાળકોનાં મનમાં ‘યોદ્ધા એટલે સશસ્ત્ર હિંસક માણસ જ હોય’-એવી વ્યાખ્યા. શત્રુ સામે અહિંસાથી પણ લડી શકાય એવી એમને ખબર ક્યાંથી હોય? બાળકો, ખોટાં નહોતાં, પણ આવા ‘હિંસક ગાંધીજી’ આપણને કોમેડી લાગે, પણ એમાં ત્યાંનાં બચ્ચાઓનું એ ભોળપણ છે.
ખોરાકનું પણ એવું જ છે. કોણ, કેવા દેશ-પ્રદેશ કે આબોહવામાં ઉછરે છે એના પર બધું નિર્ભર છે. શાકાહારીઓને નોન-વેજ ખાવામાં હિંસા કે પાપ દેખાય,પણ માંસાહારીઓ માટે મામલો અલગ જ છે. વેજિટેરિયનને જ્યાં સૂગ ચઢે ત્યાં કોઇને ટેસ્ટ મળે! જો કે આમાં ગલગલિયાં કરતા નોન-વેજ જોકસ પણ આવી જાય છે, જે કોઇને એ ગમે, કોઇ એમાં ભવા ચઢાવે.
આજન્મ વેજિટેરિયન હોવાથી ફિલ્મ શૂટિંગમાં અમને રોમાનિયા કે ચીનમાં વેજ ખાવાનું દિવસો સુધી મળતું નહીં. એવી પરિસ્થિતિમાં અમારી સ્થિતિ વિશ્વામિત્ર જેવી થતી. સામે મેનકા જેવી નોન-વેજ ડિશ લલચાવતી હોય ત્યારે પણ અમે ‘શાકાહારી’ સંયમ જ પાળેલો. વેલ, ખરેખર તો વેજિટેરિયનો માટે અમને પક્ષપાત છે.
આ પણ વાંચો: મિજાજ મસ્તી : સવાલાત’નીલાત’: પૂછો મગર પ્યાર સે
શાકાહારથી જીવહત્યા તો અટકે જ પણ રોગ ઓછા થાય, વળી ‘મનુષ્યનું પેટ જાનવરોનું કબ્રસ્તાન નથી!’ એ અમારું ફેવરિટ વાક્ય છે બટ, બટબાબુ મોશાય, એટલે અન્યના અધિકારો પર અહિંસા થોપવા માટે હિંસક હુમલો ના કરાય.
હમણાં વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ-હિંસાનાં વિવાદમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ-ચાન્સેલરે કહ્યું; ‘ગુજરાત તો શાકાહારી પ્રદેશ છે!’ વરસોથી અમને ય આ ભ્રમણા હતી, પણ આંકડા મુજબ, ગુજરાતમાં 60 ટકાથી વધુ લોકો જાહેરમાં કે ખાનગીમાં નોન-વેજ વાનગી ખાય છે. એકચ્યૂલી, ‘ઇંડિયા ધેટ ઇઝ ભારત’ માં યાનેં કિ હિંદુસ્તાનમાં સરકારી આંકડાઓ મુજબ સૌથી વધુ શાકાહારીઓ હરિયાણામાં છે ને એના પછી પંજાબમાં છે!
કિં મૈં જૂઠ બોલિયાં?
ઇન્ટરવલ:
બચકે રહેના વો સાદગી સે ભી
બૈર હો જિસે ઝિંદગી સે ભી.
વળી, શિદ્દતવાળા શાકાહારીઓ ઘણી ટાઇપનાં હોય છે. જેમ કે- ક્ટ વેજિટેરિઅન-’ કેકમાં પણ ઈંડાં તો નહીં જ! ’એવું ગર્વથી કહે.. એમ લાગે કે સ્ટ્રિકટ શાકાહારીઓ, એવા જ ઘઉંની રોટલી ખાતા હશે, જે ખેતરમાં બધાં ઘઉંના રોપાઓ,
શિસ્તબદ્ધ સ્ટુડન્ટની જેમ એક કતારમાં કે એક સાઇઝમાં ઉગતા હશે અથવા એવા ભાત કે ખીચડી જમતાં હશે, જેમાંનાં ચોખાને વર્દીધારી સૈનિકો માર્ચિંગ કરીને ખેતરમાં વાવતા હશે. કે એ જ ટામેટાં ખાતા હશે, જે સવારે એક્ઝેટ સાડા-છ વાગે ઊઠીને સૂર્યદેવતાને ‘ગુડ મોર્નિંગ’ કહેતાં હશે!
આ પણ વાંચો: મિજાજ મસ્તી: અહો આશ્ચર્યમ્…….. દિમાગ પર સે બાઉન્સર બાતેં!
સરકાર હોય કે સમાજ,‘સ્ટ્રિક્ટ’ વિશેષણમાં જ તીખી તાનાશાહીની વાસ આવે છે. આવા શિસ્તાળુ શાકાહારીઓ પછીથી ઉગ્ર શાકાહારી બનવા માંડે. આસપાસનાં લોકો સાથે સવાર-સાંજ નોન-વેજ બદ્દલ બાખડે કે દોજખનાં દ્વારનો ભય દેખાડીને ડરાવે. આવા જિદ્દિ વેજિટેરિયનો ધીમે ધીમે ‘વિગન’ બની જાય. વિગન હોવું આજકાલ બહુ ફેશનમાં છે. વિગન એટલે પશુ-પંખી-માછલીનાં મટન-ચિકન-ઇંડાં તો છોડો પણ પશુજન્ય દૂધ કે ચામડી બધાંથી જ કિટ્ટા!
જાનવરની ત્વચાની ચપ્પલ કે પાકિટ-પર્સ પણ ‘નો,ના..નકો નકો રે બાબા’ કહે. જો કે ઘણી દવાઓમાં પશુજન્ય પદાર્થો જ હોય છે, એમાં શું કરતા હશે? રબ જાને!
મનોચિકિત્સકો કહે છે-કેટલાંક હાઇપર વેજ કે અતિ-શાકાહારી હોય એવા મનુષ્યો એનિમલ જેવી દેખાતી ચીજથી જ મોં ફેરવી લે (કદાચ એ ‘એનિમલ’ ફિલ્મ પણ ન જુવે ! )
આ પણ વાંચો: મિજાજ મસ્તી: વિચાર- ખયાલ – થોટ્સ…: વિશ્વાસ-વિદ્રોહ- વિધ્વંસ
એ લોકો ફકત ‘કાચાં શાકભાજી’ જ આરોગે. જો આમ ને આમ જ ચાલશે તો એ લોકો, એ જ શાક-ફળ ખાશે, જે વૃક્ષ પરથી આપોઆપ ધરતી પર ખરશે! એમણે ઝાડ નીચે સૂઇને મોંમાં ફળ કે શાક ડાયરેક્ટલી મળે તો જ ખાવાનું?
જોક્સ અપાર્ટ, શાકાહારી હોવું એ ઉદાત વાત છે, લેકિન-કિંતુ-પરંતુ બીજાઓ જો શાકાહારી ના હોય તો એમને સમજાવી શકાય, પણ ધિક્કાર કે ટોંટ મારવાના?
અમારા મતે, લાઇફમાં બીજાનું લોહી ના પીને, કોઇના પૈસા ન ખાઇને કે અકારણ કોઇને ના નડીને, પારકી પંચાતમાં ના પડીને, શાંતિથી જીવવું અને જીવવા દેવું -એ પણ એક જાતની અહિંસા જ છેને?
બાય ધ વે, લાખો યહૂદીઓને રિબાવી રિબાવીને મારનારો જર્મન જુમલાબાજ વક્તા, નફરતી નેતા અને તાનાશાહ, હિટલર શુદ્ધ શાકાહારી હતો.
એન્ડ-ટાઇટલ્સ:
આદમ: ખાવામાં શુ છે?
ઇવ: મારો જીવ.