મિજાજ મસ્તી: ‘મા’ નામે મહાકથા… કોમળ-કુનેહબાજ ને ક્રાંતિકારી

-સંજય છેલ
ટાઇટલ્સ:
માતૃપ્રેમ માર્કેટીંગની ચીજ નથી! (છેલવાણી)
‘મા’ વહાલનો દરિયો, સદા રાહ જોતી મૂર્તિ, આશીર્વાદનો ભંડાર વગેરે વાતો તો આજે ‘મધર્સ-ડે’ પર થશે જ પણ આજે અમુક અલગ માતાઓની વાત કરીશું, જે માતાઓ મધઝરતી ચાસણીમાં ડૂબાડેલાં ચીકણા-ચૂપડાં વર્ણનોની સીમામાં સમાતી નથી.
વાત્સલ્યની મૂર્તિ ગણાતી માતામાં ઠંડી ક્રૂરતા હોઇ શકે?
ફ્રાંસની વૃદ્ધ વિધવા સાવેરીનીના દીકરાને કોઇ ગુંડો મારી નાખે છે. સાવેરીની એના દીકરાની લાશ પર કરચલીવાળો હાથ ફેરવીને ધ્રુજતા અવાજે કહે છે : ‘દીકરા, તારું વેર તો લેવાશે!’
દીકરાનો હત્યારો નિકોલા ભાગીને સામેની પહાડી પર છુપાઈ ગયો, પણ અશક્ત ને વૃદ્ધ સાવેરીની રોજ બારીની બહાર જોઈને વિચારે છે કે મરતાં પહેલાં બદલો કેવી રીતે લઉં? એક રાતે સાવેરીનીની કૂતરીએ ભસવાનું શરૂ કર્યું ત્યારે એને અચાનક ભયાનક વિચાર આવ્યો. સવારે એણે ઘરના આંગણામાં ઝાડ સાથે કૂતરીને બાંધી અને બે દિવસ કંઇ જ ખાવાનું આપ્યું નહીં. કૂતરી ભૂખથી ગુસ્સે થઈને જોરજોરથી સાંકળ ખેંચીને ભસતી હતી. સાવેરીનીએ પતિના જૂના કપડાંમાં ઘાસ ભરી માણસ જેવો આકાર આપી એના ગળામાં માંસનો ટુકડો બાંધ્યો. બાંધેલી કૂતરીની સામે પૂતળાને બાંધી દીધું ને પછી કૂતરીને છોડી મૂકી. ભૂખી કૂતરીએ છલાંગ મારીને પૂતળાનાં ગળાને ફાડીને ટુકડે ટુકડાં કરી નાખ્યાં. ત્યારે વૃદ્ધ માતા સાવેરીની મૌન અને સ્થિર નજરે જોતી રહી.
આ જ રીતે મહિના સુધી એણે કૂતરીને દાંત-પંજાથી ખાવાનું ઝપટવાની તાલીમ આપી. હવે કૂતરી જેવી પૂતળામાં માનવ આકૃતિ જોતી ત્યારે ભસતી અને પછી સાવેરીની એની આંગળીથી ઈશારો કરતી: ‘જા’ ત્યારે કૂતરી પૂતળા પર તૂટી પડતી. પછી એક દિવસ સાવેરીની કૂતરી સાથે હત્યારા નિકોલાના ગામે પહોંચી. એનું સરનામું શોધ્યું અને ત્યાં ગઇ, જ્યાં એક દુકાનમાં એ કામ કરતો હતો. સાવેરીનીએ ધીમેકથી દુકાનનું બારણું ખોલી નિકોલાને બૂમ પાડી. નિકોલાએ જેવું સાવેરીની તરફ પાછા ફરીને જોયું કે સાવરીનીએ ત્રાડ પાડીને- ‘જા’ કહીને કૂતરીને છોડી મૂકી. બે દિવસથી ભૂખી ને ઉશ્કેરાયેલી કૂતરીએ તરાપ મારી હત્યારા નિકોલાનું ગળું પાશવી રીતે ફાડી ખાધું…!
આ પણ વાંચો….મિજાજ મસ્તી : અલગ અવતરણ ગંગા….‘શબ્દો મેં ડૂબ ગયા સો પાર’
એ પછી સાંજે થાકેલી વૃદ્ધ માતા સાવેરીની ઘરે આવીને શાંતિથી સૂતી, જાણે આજે એણે દીકરાનું ખરું તર્પણ ના કર્યું હોય! ફ્રેંચ લેખક મોપાસૉંની આ કાતિલાના કથાનાં માતૃત્વમાં લાચારી નહીં, પણ ખૂનખાર ખુમારી છે. આપણે ત્યાંની ‘બેટા, થાળી પીરસું?’-વાળી પોચટ વાર્તાઓથી ઔર ભી અધર મધર હૈ, ઝમાને મેં.
ઇંટરવલ:
મોડે મોડે ખબર પડી,
બા, તું જ જ્યોર્તિધામ (કરસનદાસ માણેક)
જંગલી જાનવરનું મોઘમ માતૃત્વ જોયું છે? થોડા સમય પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના તાડોબા ટાઈગર પાર્કમાં પ્રવાસીઓએ મધુ નામની વાઘણને તારૂ નામના વાઘ સાથે સંભોગ કરતા જોઈ, પણ જ્યારે તારૂ- મધુ સંભોગ કરી રહ્યા હતા ત્યારે મધુના 16 મહિનાના 3 બચ્ચા ગભરાઈને ઝાડીમાં છુપાઈને બેઠાં હતાં. સામાન્ય રીતે વાઘ વાઘણ સાથે સેક્સ કરતાં પહેલાં બીજા વાઘથી થયેલા વાઘણનાં બચ્ચાંઓને મારી નાખે છે એટલે બચ્ચા 2 વર્ષથી નાના હોય ત્યારે વાઘણ લાચાર માતૃપ્રેમના કારણે અન્ય વાઘને સંભોગ કરવા દે છે, જેથી એના બચ્ચાંઓ સલામત રહે!
પશુઓમાં પણ કેવી ‘મા’ હોય છે, જે પોતાના સંતાનને બચાવવા શું શું કરી શકે છે અને એ વાત જ કેટલી અજબ છે. કહે છે કે ‘ક્રાંતિ’ પોતાનાં જ સંતાનોને ભરખી જાય છે! પણ માભોમ માટે હાથ ફેલાવી મોતને બોલાવનારા ક્રાંતિકારી સંતાનોની માતાઓ પર શું વિતતું હોય છે, કોઇએ વિચાર્યું છે?
આવા જ એક ક્રાંતિકારી લાલની વિધવા મા જાનકી. લાલ અંગ્રેજોના અત્યાચારનો વિરોધ કરનારા નવયુવકોનો લીડર છે. લાલના ક્રાંતિકારી મિત્રો જ્યારે ઘરે આવે ત્યારે જાનકી બધાંને હોંશે હોંશે પ્રેમથી જમાડતી. એક દિવસ એણે લાલ અને એના મિત્રોને વાત કરતા સાંભળ્યા કે, ‘પોલીસ, માત્ર શકને લીધે નિર્દોષ છોકરાઓને પકડીને, માર મારીને સતાવે છે. આવા નીચ શાસનને ખતમ કરી નાખવું જોઈએ.’ બિચારી જાનકીને શું ખબર કે લાલ અને મિત્રો બળવો પોકારવાની ફિરાકમાં હતા! પછી લાલ અને સાથીદારો હથિયાર રાખવાના જૂઠાં આરોપસર પકડાઈ જાય છે.
જાનકી પોતાના ઘરેણાં, વાસણ બધું વેંચીસાટીને સવાર-સાંજ છોકરાઓને જેલમાં ખાવાનું પહોંચાડતી. વકીલોને ત્યાં ધક્કા ખાઇને કહેતી, ‘આ બધું જુઠ્ઠું છે. છોકરાઓ નિર્દોષ છે માત્ર ક્રાંતિની વાતો કરતા હતા!’ જાનકીનું શરીર સુકાઇને કાંટા જેવું થઇ ગયું, કમર વળીને ધનુષ્ય જેવી બની ગઇ, આંખો નિસ્તેજ થઇ ગઇ, છતાં છોકરાઓ માટે દોડાદોડ બંધ ન કરી. જાનકીને ભરોસો હતો એક દિવસ છોકરાઓ નિર્દોષ છૂટી જશે ને ઘરે આવીને ફરી ધમાલ-મસ્તી કરશે..પણ જ્યારે લાલ ને એના મિત્રોને ફાંસીની સજા ફરમાવામાં આવી ત્યારે જાનકી ભાંગી ગઈ.
આ પણ વાંચો….મિજાજ મસ્તી : સમાચારના સમાચાર: લાલચમાં લપસાવતી લીલા
કમરથી વળી ગયેલી જાનકીને કોર્ટમાં લાલે જોઈ ત્યારે બોલી પડ્યો, ‘એ બા, તું કેટલી સૂકાઇ ગઇ છે….જો હવે સાંભળ, હું જ્યાં જવાનો છું ત્યાં તું પણ વહેલી વહેલી આવી જજે હોંને?….આવીશ ને બા? જાનકી સ્તબ્ધ બનીને લાલને જોતી રહી. ફાંસીના એક દિવસ પહેલા લાલ માને કાગળ લખે છે : ‘બા, તને આ પત્ર મળશે ત્યારે હું નહીં હોઉં, પણ યાદ રાખજે, આપણે મળ્યા હતા, મળ્યા છીએ અને ફરી મળીશું.’
એક તરફ લાલને ફાંસી અપાય છે ને બીજી બાજુ, વૃદ્ધ મા પત્ર વાંચીને ફસડાઈને મરી જાય છે. શહાદતના માર્ગ પર મૃત્યુનાં વળાંકે મા-દીકરાને મૂકી દેતી, હિંદી લેખક બેચેન શર્મા ‘ઉગ્ર’ની વાર્તા આપણને જો ઉગ્ર ના કરી મૂકે તો પછી એ ‘મધર્સ-ડે’ શેનો?
એંડ-ટાઇટલ્સ:
આદમ: કેમ ખુશ છે?
ઈવ: મારે સાસુ નથી ને!