મહામશ્કરો માર્ક ટ્વેન: મજૂરીથી મહોબ્બતનો મતવાલો…

મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઇટલ્સ:
જોકર રાજ કરે તો ભૂખી પ્રજા પણ ખુશ. (છેલવાણી)
‘નેતાઓ અને ‘ડાયપરો’(બાળોતિયાંઓ) સમય-સમય પર બદલ્યે રાખવાનાં, કારણ કે બેઉ માટે કારણ સરખાં જ છે.’
‘સાહિત્યનો પુરસ્કાર લેવાની ના પાડવી એટલે વધારે હોબાળો કરી એનો એ પુરસ્કાર લેવાની ચતુરાઇ છે.’
‘ધારો કે તમે ભૂખથી મરતા કૂતરાને બચાવીને માલદાર બનાવશો તો એ તમને કરડશે નહીં. પણ માણસ? મનુષ્ય ને કૂતરામાં આ જ સૈદ્ધાંતિક ફરક છે.’
‘ખુલ્લું મગજ, ખુલ્લા વિચારો રાખવા, પણ બહુ વધારે પડતું ખુલ્લુ મગજ રાખવું નહીં કે જેથી કોઈપણ આવીને પોતાનો કચરો ઠાલવી જાય!’
કોઇ અજાણ્યો આગંતુક, નાનાં શહેરમાં દાઢી કરાવવા ગયો ને દાઢી કરનારને પૂછ્યું, ‘અલ્યા, આજે શહેરમાં શેની ચહેલ-પહેલ છે?’
‘સાહેબ, તમે બહુ નસીબદાર છો કે આજે પધાર્યા… બહુ મોટા લેખક માર્ક ટ્વેનનું અહીં લેક્ચર છે. તમે એની ટિકિટ લીધી?’
‘ના… પણ લઇ લઇશ’ આગંતુકે કહ્યું.
‘તો તો સાહેબ, તમારે ઊભા ઊભા સાંભળવું પડશે, કારણ કે હોલ તો હાઉસફૂલ છે!’
આગંતુકે કહ્યું, ‘મારું નસીબ જ ખરાબ છે. જ્યાં પણ સાલા ‘માર્ક ટ્વેન’નું વ્યાખ્યાન હોય છે. મારે ઊભા જ રહેવું પડે છે.’
‘એટલે?’
‘દોસ્ત… હું જ માર્ક ટ્વેન છું!’ આગંતુકે આંખ મારીને કહ્યું.
દંતકથા સમા હાસ્યવ્યંગકાર ને વિવાદપ્રેમી માર્ક ટ્વેન, આજે એટલે યાદ આવે છે કે આજકાલ દેશમાં હાસ્યવ્યંગ પર અગાઉ ક્યારેય નહીં એટલી ચર્ચાઓ ચાલે છે. થોડા વખત પહેલાં યુટયૂબ પર છવાયેલ કોઇ બદઝુબાન જુવાન, સોશ્યલ મીડિયા પર સેક્સ વિશે ઘટિયા વલ્ગર વાત કરે છે એનાથી સમાજ સહેમી જાય છે! સારી વાત છે. આજે લોકો હાસ્યમાં ગંદકીનો વિરોધ કરે છે તો કાલે કદાચ હિંસાનોયે વિરોધ કરશે કે પછી રાજકારણમાં ગંદકીનોયે વિરોધ કરશે, કદાચ!
(આ કેવળ વ્યંગ છે, આમાં આશાવાદ નથી જ નથી.)
…પણ વ્યંગકાર માર્ક ટ્વેન કમાલના લેખક હતા. એમની વાતવાતમાં ‘પંચ’ હતા, જે ‘પ્રપંચ’થી પ્રજાને જાગૃત કરતા. જો કે આજે ભલે માર્ક ટ્વેનને ‘ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર’ના લેખક તરીકે યાદ કરવામાં આવે, પણ માર્ક ટ્વેન, મહાન અમેરિકન લેખક હતા, જે પાછાં અમેરિકાની જ સતત ટીકા કરતા. હથિયારના સોદાગર, એવા અમેરિકાની યુદ્ધખોરી નીતિ માટે માર્કે ચાબખા મારેલા : ‘ઇશ્વરે જાનલેવાં યુદ્ધનું સર્જન જ એટલે કર્યું જેથી અભણ અમેરિકાને દુનિયાની ભૂગોળ સમજાય.’
(આપણે ત્યાં આવું લખીએ તો વાક્ય પતે એ પહેલા જ ‘દેશવિરોધી’ ઘોષિત!)
ઇન્ટરવલ:
પહેલે હર બાત પે આતી થી હંસી
અબ કિસી બાત પે નહીં આતી (ગાલિબ)
માર્ક ટ્વેન, હાસ્યલેખક હતા, પણ જીવનમાં બહુ રડેલા. પરિવાર ખૂબ ગરીબ અને કહેવાય છે કે ‘ગરીબી, રમૂજની પાઠશાળા છે.’ માર્ક ટ્વેને, નાનપણથી જ ગદ્ધાવૈંતરું કરેલું. કદીક પ્રિન્ટિંગ પ્રેસમાં તો ક્યારેક સ્ટીમરમાં નોકરી, પછી ચાંદીની ખાણમાં મજૂરી, ભૂખ, બેકારી, દેવાદારી ને આ બધાંનાં નિચોડ રૂપે આખરે, જાત ને જગત પર હસતાહસાવતા લેખક તરીકે સફળતા મળી.
‘જોકે કરુણતામાંથી જ હાસ્ય જન્મે છે.’ એ જ નિયમે, માર્ક ટ્વેને પોતાની આંખ સામે ભાઈનું મોત જોયેલું, 4માંથી 3 બાળક મરી ગયેલા, પૈસાની મોટી છેતરપિંડીંમાં નાદારી નોંધાવીને રોડ પર આવવું પડેલું. જીવનનાં જાનલેવાં જખમોને લીધે જ માર્ક ટ્વેનનાં હાસ્યવ્યંગને વલૂરતી વેદનાની ધાર મળેલી.
માર્ક ટ્વેનને કંગાળીના દિવસોમાં એક ‘ઓલિવિયા’ નામની ક્ધયાનો ફોટો જોઈને ઇંસ્ટંટ ઇશ્ક થઈ ગયેલો ને અઠવાડિયામાં જ એણે 10 વરસ નાની અમીર ઓલિવિયા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો!
બેકાર કંગાળ માર્કની ભાષા કે રીતભાત જરાયે ‘ક્લાસી’ કે ભદ્ર નહોતી. અમીર ઉમરાવ ઓલિવિયાને માર્ક અને એમની લેખન પ્રતિભા ગમતી, પણ એટલાથી કંઇ પરણાય થોડું? માર્ક ટ્વેને, ફરી પ્રયત્ન કરી જોયો, પણ ઓલિવિયાએ કહ્યું:
‘સોરી, તમારામાં ધાર્મિક વિચારોનો અભાવ છે.’
માર્કે તરત પંચ માર્યો : ‘બસ આટલું જ? તો આજથી હું ચુસ્ત ખ્રિસ્તી, હવે બોલ!’ છતાંયે ઓલિવિયાએ ફરી ના પાડી.
ઓલિવિયાને બેતહાશા પ્રેમમાં માર્કે લખેલું :
‘જો ઓલિવિયા કહે કે ‘મોજાં પહેરવા અનૈતિક છે’-
તો હું તરત જ મારા મોજા બાળી નાખીશ.’
આખરે માર્ક શહેર છોડવા સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ને એમની ઘોડાગાડી ઊંધી પડી ગઇ. આ સિચ્યુએશનમાં, માર્ક ટ્વેન ખૂબ ઘવાયેલા હોય એમ ઓલિવિયાના ઘરે પહોંચી ગયા. પછી ત્યાં ઓલિવિયાએ સારવાર કરી ત્યારે માર્ક ટ્વેને પ્રપોઝ કર્યું ને ત્યાં સુધી તો ઓલિવિયા પણ મશ્કરા માર્કના પ્રેમમાં પડી ગયેલી!
મહોબ્બતમાં મતવાલો માર્ક, પત્નીને એ હદે ચાહતો કે એને જે વાર્તાઓ ના ગમે એ કેંસલ! આમ ને આમ માર્કનાં લખેલા 15,000થી વધુ પાનાં અપ્રકાશિત રહ્યા. સમાજ, સંપાદક કે સેંસરથી પહેલાં માર્કની અર્ધાંગિની ઓલિવિયા અલ્ટિમેટ આલોચક!
પત્ન ીઘેલા માર્ક ટ્વેને કહેલું, ‘જો મને ખબર હોત કે લગ્નજીવન આટલું સુખદ હોઈ શકે તો મેં દાંત ઉગાડવામાં મારો સમય બગાડવાને બદલે 30 વર્ષ પહેલાં જ લગ્ન કરી લીધા હોત.’
બાય ધ વે, ત્યારે માર્ક 32 જ વર્ષના હતા. જોક સમજાયો?
એંડ-ટાઇટલ્સ:
ઈવ: મારે મહાકુંભમાં જવું છે.
આદમ: ‘ખોવાઇ જવાનું’ પ્રોમિસ?



