ઉફ્ફ ઉતરાણ… ધાબે ધાબે ધબકારાની ધીંગામસ્તી!

મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઇટલ્સ:
વ્યંગ ને પતંગ બન્નેને કંટ્રોલમાં રાખવા! (છેલવાણી)
એક બાપ ને દીકરો પતંગ ઉત્સવમાં ગયા. છોકરાએ પતંગ ઉડાવવાનું શરૂ કર્યું ને પતંગ આકાશમાં ઊંચે ગયો. પછી છોકરાએ કહ્યું, પપ્પા, મને લાગે છે કે પતંગને ઊંચે ઉડવાથી આ દોરી રોકી રહી છે. જો દોરીને તોડી નાખીએ તો પતંગ વધારે ઊંચો ઊડશે.’ બાપે તરત પતંગની દોરી તોડી નાખી. પછી પતંગ થોડી જ વારમાં નીચે આવીને એક બિલ્ડિંગના ટેરેસ પર જઈને પડ્યો. આ જોઈને છોકરો નિરાશ થઈ ગયો. એણે બાપને પૂછ્યું,મેં તો પતંગની દોરી એટલા માટે કાપી જેથી કરીને પતંગ મુક્તપણે ઊંચે ઊડી શકે પણ એ નીચે કેમ પડી ગયો?’
બાપે સમજાવ્યું, `બેટા, દોરી પતંગને ઊંચે જતા નહોતી અટકાવતી. પણ જ્યારે પવન ધીમો પડે કે વધે ત્યારે દોરી પતંગને યોગ્ય દિશામાં ઊંચે જવામાં મદદ કરતી હતી અને જ્યારે એને તેં કાપી નાખી ત્યારે દોરી દ્વારા પતંગને જે ટેકો હતો, એ છૂટી ગયો ને પતંગ નીચે પડી ગયો.’
જીવનમાં સંબંધોનું પણ એવું જ છે. આપણને લાગે કે જો આપણે આપણા પરિવાર સાથે કે ઘર સાથે બંધાયેલા ન હોત તો આપણે ઝડપથી પ્રગતિ કરી શક્યા હોત પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણો પરિવાર, આપણા મિત્રો કે આપણા પ્રિયજનો આપણા જીવનમાં આવતા મુશ્કેલ સમયમાં આપણને ટકી રહેવામાં મદદ કરે છે… એટલે સંબંધોની દોરીને કદીયે કાપશો નહીં!
અરેરે, ઉફ્ફ, ઓયવોય તમને થશે કે ઉતરાણના બહાને સવાર સવારમાં આ શું ફિલોસોફી માંડી છે? પણ ફ્રેંકલી સ્પીકીંગ, શું છે કે અમને પતંગ ચગાવતા આવડતી નથી, એ બહુ અઘરી કલા છે પણ એના કરતાં આ ફિલોસોફીની વાતો કરવી સહેલી પડે છે! અને આમેય ગુજરાતીઓને ફેશન, ફાફડા અને ફિલોસોફી વધારે ગમે છે!
નાનપણમાં મુંબઈમાં અમારો પાર્લા ઈસ્ટમાં ટેરેસ ફ્લેટ હતો ત્યારે પણ અમને પતંગ ઉડાડતા આવડતી નહીં ને અમે નિ:સ્પૃહની જેમ પતંગ ચગાવવાની કલાને જોતા રહેતા, મકાનના છોકરાઓ અમને ચીડવતા, તારી પોતાની ટેરેસ છે અને તને પતંગ ચગાવતાં નથી આવડતી?ત્યારે અમે સ્માર્ટલી કહેતા,એમ તો અમારી ટેરેસની ઉપર વિમાનો યે ઊડે છે, એટલે અમારે વિમાનો ઉડાડતાં શીખી લેવાનું?’ પણ અમારા આવા વાયડા જવાબ સાંભળવામાં એ લોકોને રસ નહોતો. એ લોકો તો ઝનૂનથી પતંગ ચગાવતા ને બીજાની પતંગ કાપતા.
પતંગ ચગાવવી એક કાતિલ-કમીની પણ કોમળ કળા છે. પતંગમાં ક્યાં કાણાં પાડવાં, ક્યાં કન્ની બાંધવી, કન્ની બાંધતી વખતે કેવું માપ લેવું, એ એક ગહન શાસ્ત્ર છે. આ ગુહ્ય શાસ્ત્રની વાત, જૂના જમાનામાં ગુરુ પોતાના શિષ્યને શિખવાડતા એમ મકાનના સિનિયર બાળકો જુનિયરોને આ કળા શીખવતા હોય છે. જો કન્ની સારી બંધાય તો પતંગ ઊંચે ઊડે અને બરોબર ના બંધાય તો ગોળ-ગોળ ફરતી થઈ જાય. પરણેલાંઓનું પણ એવું જ છે. સારું પાત્ર મળે તો પ્રેમ-પતંગ ઊંચી ઊડે નહિતર ગોળ-ગોળ ગોથાં ખાયા કરે! (આ વિધાન જીવંત, મૃત, તાજા જન્મેલા કે ન જન્મેલા, એવા કોઈપણ માણસને ઉદ્દેશીને નથી માટે કોઈએ કલ્પનાની પતંગો ઉડાવવી નહીં.)
ઈન્ટરવલ:
કરતા હૈ શાદ (પ્રસન્ન) દિલ કો ઉડાના પતંગ કા,
ક્યા, ક્યા કહું, મૈં શોર મચાના પતંગ કા. (નઝીર અકબરાબાદી)
ઘણા લોકોને પોતાની પતંગ ચગાવવા કરતાં બીજાની પતંગ કાપવામાં વધારે રસ હોય છે. પછી એ જીવનમાં હોય કે આકાશમાં હોય! જેમ કે વિપક્ષો સતત સરકારની પતંગ કાપતા હોય છે, સેંસરવાળા ફિલ્મ નિર્માતા કે લેખક-નિર્દેશકોની પતંગ કાપતા હોય છે, મીડિયાવાળા સૌની ફિરકી પકડીને જયાં લાગ મળે ત્યાં ઢીલ આપીને કે ખેંચીને પતંગ કાપતા હોય છે. ક્રિકેટ બોર્ડના મેમ્બર્સ ખેલાડીઓની પતંગ કાપતા જ રહે છે, ન્યુઝ ચેનલમાં બોલનારાઓ બૂમો પાડીને એકમેકની વાતના પતંગ કાપતા હોય છે.
આ બધા વચ્ચે ઘણા એવાયે હોય છે જે માત્ર કટી પતંગનો તરત પીછો કરીને એને કબજે કરી લે. જેવી કપાયેલી પતંગ હાથમાં આવે કે તરત જ પોતાનો જન્મસિદ્ધ હક્ક હોય એમ ઝડપી લે. ઘણા સાહિત્યના વિવેચકો કે ફિલ્મોને રીવ્યુ કરનારાઓ કે પછી પાનના ગલ્લે ઊભા રહેનારા સફળ માણસના પતંગની કાપાકાપીમાં ભરપૂર રસ લેતા હોય છે. આમાં એમને ખુશખુશાલ ખૂજલીનો આનંદ આવતો હોય છે.
એક માણસ પતંગ ચગાવતો હતો ત્યાં એક બીજો માણસ આવ્યો. બીજાએ પહેલા માણસને પૂછ્યું કે, `શું પતંગ ઉડાવો છો?’
તો પહેલાએ ભડકીને કહ્યું, `ના, આકાશમાં માછલી પકડું છું!’
બીજા માણસે કહ્યું, `આકાશમાં માછલી ક્યાં હોય?’
પહેલાએ કહ્યું, `જો ધરતી પર તારા જેવા મૂર્ખાઓ હોય, તો આકાશમાં માછલી કેમ ન હોય!’
થોડી વાર પછી પેલો બીજો માણસ પતંગ લઈને આવ્યો. એણે પતંગ ચગાવી પહેલા માણસની પતંગ કાપી નાખી.
પેલાએ પૂછ્યું, `તેં મારી પતંગ કેમ કાપી નાખી?’
બીજા માણસે કહ્યું, `મેં તને એપ્રિલફૂલ બનાવ્યો!’
તો પહેલાએ કહ્યું, `પણ આજે ક્યાં પહેલી એપ્રિલ છે?’
પેલાએ કહ્યું, `એમ તો આકાશમાં પણ માછલી ક્યાં હોય છે?’
આ બે માણસ વચ્ચેની વાતનો કોઈ જ અર્થ નથી, પણ પતંગને બહાને આપણે કઈ રીતે એકબીજાને નડતા હોઇએ છીએ, એની આમાં ફિરકીસભર ફિલોસોફી છે. બસ અમને તો કાગળનો પતંગ નહીં પણ વાણીનો પતંગ ચગાવતાં જ આવડે છે. આમ તો હવે મુંબઈમાં ઉત્તરાયણ બહુ ઓછો ઉજવાય છે, પણ જેટલા ઉજવે છે એ તમતમારે ધાબે ચઢીને, લાઉડ મ્યુઝિક વગાડીને, ઊંધિયું-જલેબી ખાઈને, એઇને જલસાથી ઉતરાણ મનાવજો.
એડવાંસમાં હેપ્પી ઉતરાણ!
એન્ડટાઈટલ્સ:
આદમ: મને કન્ની બાંધતાં આવડે છે.
ઈવ: મારો ચોટલો બાંધી આપે તો જાણું!
આ પણ વાંચો…મિજાજ મસ્તી : અવસાદનો વરસાદ…મને કેદ કરો કોઇ!



