મિજાજ મસ્તી: રવિવાર : સૌથી મોટો તહેવાર… સુખનો મામૂલી સિક્કો

- સંજય છેલ
દુ:ખમાં રજા… સજા લાગે. (છેલવાણી)
યાદ છે બાળપણમાં વૃદ્ધ દાદીમા પહેલાં તો એક પોટલી ખોલતાં. પછી પોટલીમાંથી નાની થેલી, થેલીમાંથી બટવો, બટવામાંથી રૂમાલ કાઢતાં ને રૂમાલમાંથી 1રૂ.નો સિક્કો કાઢીને તમને ખૂબ પ્રેમથી આપતાં!
રવિવારની રજાનુંયે એવું જ છે. સોમ મંગળ બુધ વગેરે દિવસોની પોટલી-થેલી- બટવામાંથી નીકળેલો ‘સુખ નામનો મામૂલી સિક્કો એટલે સંડે!’
સંડે પર તમને ઘરે ઘરે અમુક શબ્દો અચુક સાંભળવા મળશે : ‘ચાલોને કશુંક કરીએ’ કે ‘કંઈક પ્લાન બનાવીએ.’ રવિવારે તમે ખાસ કંઈ ના કરો તોયે ‘શું શું કરવું?’
ને ‘તમે શું શું નથી કરી શક્યા?’ એની ચિંતા જ તમને હજારો હાર્ટ-એટેક આપી શકે છે.
ગીતામાં એક શબ્દ છે: ‘અકર્મ’. બસ તો રવિવાર, ‘અ-કર્મ‘ને ઊજવવાનો વાર છે તોયે મનગમતા સંડેની સળગતી સમસ્યા છે: ‘બોરડમ કંટાળો’. તમે પરણેલા હશો તો પત્ની કે પતિ અચાનક હાથમાંથી છાપું પછાડીને કહેશે, ‘શું દર અઠવાડિયાની જેમ રાશિ ભવિષ્ય વાંચવાનું? વર્તમાનનું વિચારોને કંઇ! અમારે રજામાં આમ જ સડવાનું છે. કંઈક તો એક્સાઇટિંગ હોય? આ કાંઇ લાઈફ છે!’
તમને કહેવાનું મન થશે, ‘હમણાં સુધી તો તમે વાંચવામાં મશગૂલ હતા ને અડધેથી આર્ટિકલ બોરિંગ બની ગયો એટલે લાઈફ બોરિંગ લાગવા માંડી? અચાનક ‘કંઈક કરવું જોઈએ’ નું મહાજ્ઞાન પ્રગટ્યું?’ રવિવાર ચીજ જ એવી છે.
એમાં યે ભૂલથી પણ રવિ-પૂર્તિમાં કોઇ લેખ વાંચતી વખતે ‘અરેરે…શું થવા બેઠું છે સમાજમાં?’
એમ બોલો તો સૌ તરત જ પૂછશે : ‘શું થયું? શું થયું’ તમે ભોળાભાવે ખાલી સમાચાર શેર કરશો કે ‘ચંદીગઢમાં એક ગૃહિણીએ વરને ડિવોર્સ આપ્યા, કારણકે એ રવિવારે પત્નીને બહાર ફરવા ના લઇ જતો ને બસ ઘોર્યા કરતો!’
…અને બસ થઈ રહ્યું! તરત જ ઘરનાં સ્ત્રીપાત્રો તૂટી પડશે: ‘તે એમાં એકલીનો વાંક? વરની જવાબદારી નહીં કે પત્નીને પિક્ચર જોવા લઇ જાય? ત્યાં થિએટરમાં ભલેને ઘોરતો!’ પછી સમસ્ત પુરુષજાતિ તરફથી ચૂપ થઇને તમારે માથું ઢાળી દેવું પડે!
ઈન્ટરવલ:
હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે,
ઇતવાર મનાને કે અરમાન થે, હર અરમાન કમ નિકલે.
(‘ગાલિબ’ની માફી સાથે)
તમે માનશો કે 1890 સુધી ભારતમાં રવિવાર જેવી સાપ્તાહિક રજા જ નહોતી! અંગ્રેજોના શાસનમાં મજૂરોએ 7 દિન આખું અઠવાડિયું કામ કરવું પડતું, પણ અંગ્રેજોને છુટ્ટી મળતી કારણ કે અંગ્રેજીમાં રજાને ‘હોલિડે’ અર્થાત્ ‘પવિત્ર દિવસ’ કહેવાય ને એ ગોરાઓનો ચર્ચમાં જવાનો દિવસ..
આ પણ વાંચો…મિજાજ મસ્તી : આજની દિવાળી… ત્યારની દિવાળી: થોડી ખરબચડી… થોડી સુંવાળી!
ત્યારે નારાયણ મેઘાજી લોખંડે નામના ભારતીય મિલ મજૂર નેતાએ બ્રિટિશ સરકારને અરજ કરી કે ભારતીય મજૂરોને પણ એક દિવસ રજા મળવી જ જોઈએ, જેને અંગ્રજોએ સંપૂર્ણપણે ફગાવી દીધી.
પછી તો લોખંડેજીએ લોખંડી મનોબળ સાથે મજૂરોને ભેગા કર્યા અને ‘બોમ્બે હેન્ડ્સ એસોસિએશન’ દ્વારા, પહેલીવાર 1881માં ફેક્ટરી એક્ટમાં ફેરફાર માટે પ્રચંડ આંદોલન કર્યું. મુંબઇનાં રેસકોર્સ મેદાનમાં દેશભરના 10,000 કામદારોએ હડતાળની જાહેરાત કરી ને આખરે 10મી જૂન,1890ના રોજ, ગોરાઓએ સ્વીકારવું પડ્યું કે ભારતીય કામદારોને પણ રવિવારે રજા ને બપોરે અડધો કલાક ‘લંચબ્રેક’ મળશે.
તો થેંક્યુ લોખંડેજી, ‘સંડે રજા’ અપાવવા માટે પણ જેમ સુખ-દુ:ખ કાયમ માટે ટકતાં નથી, એમ રવિવાર પણ ટકતો નથી. આવે છે ને જાય છે ને પાછળ મૂકી જાય છે એવરગ્રીન અધૂરા પ્રશ્નો. સોમવારે નોકરી-ધંધે વળગો કે સૌ એકબીજા પર પ્રશ્નોની વણઝાર લઈને તૂટી પડે :
‘રજામાં શું મઝા કરી?’ કે પછી ‘રજામાં આપણે એવું તે શું કરીએ કે સામેનો માણસ ઈમ્પ્રેસ થાય? એ વાતનું પ્રેશરાત્મક ટેંશન જન્મે! રવિવારની મજા જાણે ‘આધાર કાર્ડ’ની જેમ કંપલ્સરી હોય એમ આપણે નિરાધાર થઈને અકળાઈએ. ક્યારેક તો ગુસ્સામાં કહેવાનું મન થાય કે ‘અમે આ શનિવારે હિમાલય ચઢેલા ને રવિવારે ઊતરી ગયા! હવે બોલો?’ કે પછી ‘સંડે તો અમે રોકેટ ભાડે લીધું ને શુક્રગ્રહ પર શનિ-રવિ ઊજવી આવ્યાં. આવતા મંગળવારે રજા આવશે ત્યારે બુધના ગ્રહ પર જઈશું,
ગુરુપૂર્ણિમાની રજાએ ગુરુ પર પણ જઈ આવશું! આવવું છે તમારે આંટો મારવા?!’
હકીકતમાં રજામાં આપણે મોટેભાગે કાં તો કરિયાણું લેવા કે મોલમાં અટવાવા જેવાં વાહિયાત કામ કરીએ છીએં અથવા ઘોરતા હોઈએ છીએ, પણ આપણે એમ કહીએ કે: ‘આખો સંડે સૂતો હતો’ તો એમાંયે હરખપદૂડાઓ કહેશે, ‘વાઉ, રવિવારે જાતને ‘રિચાર્જ’ કરી, એમને?’ તમને થશે કે તમારું શરીર મોબાઈલની બેટરી છે કે 45 કલાક ઊંઘવાથી આપણાંમાં ઝમ ઝમ કરતું જોબન ઊતરી આવે?
ઘણાં લોકો રવિવારે હોસ્પિટલમાં માંદાઓને જોવા જઈને સાત્ત્વિક આનંદ લે! કોઇક છાપા મેગેઝિન બૂક વાંચવાને મહાન કલાત્મક પ્રવૃત્તિ ગણે છે. અઠવાડિયામાં જે જે નહોતું વાંચ્યું એ બધું જ રવિવારની પૂર્તિમાં વિટામિનની ગોળીની જેમ એકસાથે ગળી જશે! રવિવારની ટિપિકલ વાત માર્ક કરી છે? ઘરના બીજા સભ્યના હાથમાં જે પાનું હોય એ જ પાનું તમને વાંચવાનું મન થશે!
બીજાના હાથમાં જે પાનું હોય એમાં છપાયેલા સ્વિટ્ઝરલેંડનો ફોટો તમને અચાનક ગમવા માંડશે અને તમે એ પાનું છીનવવાની ટ્રાય કરશો! વળી ટી.વી.ની 350 ચેનલમાંથી એક પણ ચેનલ જોવા જેવી ન લાગે અને કોઈ પણ વેબસિરીઝ દીઠી ના ગમે, એ માટે જ રાસ્કલ રવિવાર સર્જાયો છે!
આ દુનિયામાં અબજો લોકો છે પણ તોયે ‘આપણે સાવ એકલા છીએ રે‘ એવી ફિલિંગ આપણને રવિવારે જ થાય! ખરું ને?
એંડ-ટાઇટલ્સ:
આદમ: આજે રવિવાર છે.
ઈવ: પૂછે છે કે કહે છે?



