ઉત્સવ

મિજાજ મસ્તી : વરસાદ આવ્યો રે… વહેલો વરસાદ-પહેલો વરસાદ…

-સંજય છેલ

ટાઇટલ્સ:
આકાશ છે ત્યાં સુધી વરસાદ છે. (છેલવાણી)
એક કવિએ કહેલું: ‘વરસાદની ફિંગરપ્રિંટ જોવી હોય તો હથેળીની છાજલી કરીને આકાશને તાકતા ખેડૂતનો ચહેરો જોઇ લેવો!’

જોકે, આપણાં ખેતીપ્રધાન દેશમાં યા તો અતિવૃષ્ટિને લીધે પૂર આવે અથવા તો સાવ દુકાળ પડે. આ બે જ શક્યતા હંમેશની હોય છે. આ વર્ષે વરસાદ ધાર્યા કરતાં વહેલો આવ્યો. છાપાળી ભાષામાં કહીએ તો ‘મુંબઈમાં પડેલા વરસાદે સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે…’

આપણે ત્યાં દરેક ચોમાસું જુગારની બાજીમાં ઉઘડતાં આખરી પત્તા જેવું અકળ હોય છે. બસ, ખાલી બે વાત નક્કી છે: રસ્તા પર પડતા ખાડા ને ગરીબોના ધોવાઇ જતાં ઘર ને જીવતર! પણ અજાયબ દુનિયામાં વિચિત્ર વરસાદના અજીબ કિસ્સાઓ તમે વાંચશો તો તમારું ભેજું, જૂની છત્રીની જેમ કાગડો બનીને ઊડી જશે.

આપણે ત્યાં 1857માં અંગ્રજો સામે બળવો થયેલો એ જ વરસે કેલિફોર્નિયાના નાપા કાઉન્ટી વિસ્તારમાં, 27 ઑગસ્ટે, અચાનક છાંટા પડવા શરૂ થયા ને એક ભરવાડના હોઠ પર પાણી પડયું જે એને સ્વાદમાં શરબત જેવું લાગ્યું. એણે હથેળીમાં પાણી ઝીલી લઈને પીધું. એ ચોંકી ગયો કે એ પાણી નહીં, પણ ખરેખર શરબત હતું! આવો જ અનુભવ ત્યાંના ભણેલાગણેલા લોકોને પણ થયો એટલે અફવા તો નહોતી જ. પછી તો આખા ઇલાકામાં લોકોએ વરસાદી શરબતનો ફ્રીમાં આસ્વાદ માણ્યો.

પુરાણોમાંયે કથાઓ છે કે ભગવાને ભૂખ્યા-તરસ્યા માણસ માટે આકાશમાંથી ભોજન મોકલ્યું કે અપંગ માટે વાહન મોકલ્યું હોય. જેમ કે- ભૂખ્યા-તરસ્યા ઉત્તેજકને ઈંદ્રદેવે અન્ન ને પાણી આપ્યાં હતાં. બાઈબલમાં પણ છે કે દેવતાઓએ ઈશુ માટે ‘દેવભોગ’ મોકલેલો… આવી કથાઓમાં શ્રદ્ધાનો શ્રાવણ વરસતો હોય છે એની વે, તો પેલા નાપા કાઉન્ટીમાં દિવસો સુધી લોકોએ વરસાદનું સંઘરેલું પાણી શરબત તરીકે વાપર્યું. ત્યાનાં વૈજ્ઞાનિકોએ એ પાણી સૂકવીને તેમાં ઓગળેલું ‘મોરસ’ નામનું તત્ત્વ અલગ પાડી રસાયણિક પૃથક્કરણ કર્યું પણ વરસાદમાં મોરસ કયાંથી આવ્યું તેનો જવાબ હજુ મળ્યો નથી!

આપણે ત્યાં સુદર્શન ફાખિર જેવા શાયરો કહેતા હોય છે કે-‘હમ તો સમઝે થે કિ બરસાત મેં બરસેગી શરાબ, આઇ બરસાત તો બરસાતને દિલ તોડ દિયા’ પણ અહીં તો ઉપરવાળાએ શરાબની બદલે શરબત વરસાવ્યું!

ઇન્ટરવલ:
કિતની શર્મિલી લજીલી હૈ હવા બરસાત કી,
મિલતી હૈ ઉન કી અદા સે હર અદા બરસાત કી.

(નઝીર બનારસી)
અરે, શરબતી બારિશ છોડો આખેઆખા પ્રાણીઓ વરસાદમાં વરસ્યાં હોય એવા અતરંગી કિસ્સાઓ પણ છે. 29 મે 1991ના દિવસે ઈંગ્લેન્ડના વરસેન્ટર શાયર એરિયામાં ભયંકર તોફાન સાથે ઝીંગા માછલી અને કરચલાં આકાશમાંથી વરસ્યા હતા! પછી તો લોકો, તરત જ ગાડીઓમાં, થેલામાં માછલાં ને કરચલાં ભરી ભરીને ઘેર લઇ આવ્યા. કેટલાંક તો બાજુના ગામની બજારમાં વેંચી પણ આવ્યા!

(વેલ, આપણે ત્યાં તો વરસાદ સાથે ગરમાગરમ ભજિયા વરસે તો માનીએ કે ચમત્કાર થયો કહેવાય!)
અરે, માછલી, દેડકાં, છીપલાં તેમ જ અન્ય પ્રાણીઓના વરસાદની ઘટનાઓ પણ બની છે. ‘સિંગાપોર ટાઇમ્સ’માં એક સમાચાર હતા કે 16 ફેબ્રુઆરી 1961ના દિવસે ત્યાંના શહેરમાં ભારે વરસાદની સાથે દરિયામાં તોફાન આવેલું. વરસાદ બંધ થયો ને રસ્તાનું પાણી ઓસરી ગયું ત્યારે ઠેરઠેર ઢગલાબંધ માછલીઓ જોવા મળી! એ ઘટના વિશે લખનાર પત્રકારના મકાનના પાછલા ભાગમાં પણ માછલીઓનો ઢગલો ખડકાઈ ગયો હતો. મકાન ચારે બાજુએથી દીવાલોથી ઘેરાયેલું હતું જેથી એ તો સાબિત થતું હતું કે માછલીઓ દરિયાઇ પાણીમાંથી આવી નથી પણ વરસાદથી જ વરસી છે!.શાકાહારી લોકો માટે આવો માછલિયો વરસાદ શ્રાપ ગણાય,પણ માંસાહારના રસિયાઓ માટે આશીર્વાદ !

માછલીઓના વરસાદમાં પાછી કમાલની વાત એ છે કે જમીન પર પડતાં પહેલાં પકડી લેવામાં આવે તોયે જીવતી રહેતી નહોતી. જોકે, આમ તો જીવતી માછલીઓના વરસાદની એક ઘટના પણ છે, હોં! 11 ફેબ્રુઆરી 1859માં વેલ્સની એશ પહાડીઓમાં જોન લેવિસ નામનો ખેડૂત કામ કરતો હતો.

અચાનક એની પીઠ પર કંઈક અથડાયું. આજુબાજુ જોતાં એ નવાઈ પામ્યો કે આખું ખેતર નાની નાની માછલીઓથી ભરાઈ ગયું હતું અને આકાશમાંથી માછલીઓનો વરસાદ ચાલુ હતો. એણે ટોપી ઉતારી આકાશમાંથી વરસતી માછલીઓ એમાં ઝીલી લીધી એમાં નવાઇ તો એ વાતની કે બધી માછલીઓ જીવતી હતી ને ઊછળકૂદ કરતી હતી. એ બધી માછલીઓ દરિયાઇ હશે એમ માનીને લેવિસે અમુકને મીઠાવાળા પાણીમાં નાખી પણ તરત જ બધી મરી ગઈ! બાકીની માછલીઓ સાદા પાણીમાં નાખી જે બચી ગઇ! લંડનના ‘ટાઈમ્સ’માં છપાયેલ આ ઘટના પાછળનું રહસ્ય હજી સાયન્સની સમજની બહાર છે!

વાહ રે ઇંદ્ર દેવ, ખરી છે તારી માયા, પણ ક્યારેક સોનાના સિક્કા કે ચાંદીની નોટ વરસાવ અમારા દેશમાં તો દરિદ્રનારાયણનું આયખું સુધરી જાય! એકવાર ફ્રાન્સના કલેરમોન્ટમાં લોહી જેવો લાલ વરસાદ થયો. કોઇનું કહેવું હતું કે સહરાના રણમાંથી લાલ પથ્થરોના હલકા કણો હવામાં ઊડીને વરાળ સાથે ભળી જઈ લાલ રંગનો વરસાદ બનીને વરસ્યો હશે, પણ વિજ્ઞાન પાસે આનો કોઇ નક્કર જવાબ નથી. કદાચ કુદરત લોહીનાં આંસુએ વરસી હશે- એવો કોઇ પોએટિક સંદેશ એમાં હોઇ શકે?
બાકી, આપણે ત્યાં તો મુંબઇ-અમદાવાદ જેવાં શહેરોમાં ઉપરવાળો, સારા રસ્તા બનાવનારા કોંટ્રાક્ટરો ધરતી પર વરસાવે તોયે ઘણું!

એંન્ડ ટાઇટલ્સ:
આદમ: વરસાદની રોમેંટિક મોસમમાં તું વધારે સુંદર લાગે છે…
ઈવ: મને કહે છે કે પેલી પ્લેટના ભજિયાંને?

આપણ વાંચો : મિજાજ મસ્તી : ગુજ્જુ જીવનયાત્રા રોમમાં રસપૂરી ને પાર્લામાં પાણીપુરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button