હાસ્ય વિનોદ: બુધ-પ્રભાવિત જાતક તો શત્રુઓ બનાવવામાં સ્વાવલંબી હોય છે! | મુંબઈ સમાચાર
ઉત્સવ

હાસ્ય વિનોદ: બુધ-પ્રભાવિત જાતક તો શત્રુઓ બનાવવામાં સ્વાવલંબી હોય છે!

  • વિનોદ ભટ્ટ

બુધ દરેક રાશિમાં એક મહિના સુધી રહે છે. તેને પોતાના ઘર કરતાં અન્ય ગ્રહોનાં ઘરમાં જવાનું વધારે ગમે છે. પોતાના બંગલામાં કોઈ ગેરકાયદે ઘૂસવા પ્રયત્ન કરે તો તેને રોકવા દરવાજે બંદૂકધારી પહેરેગીરને રોકવામાં આવે છે અથવા તો ખૂંખાર ડોબરમેનને બંગલાના કમ્પાઉન્ડમાં છૂટો મૂકી દેવામાં આવે છે, પણ એ જ માણસની કુંડળીમાં મંગળ, બુધ કે રાહુ-કેતુ તેને પૂછવાનીય તસ્દી લીધા વગર ઘૂસી જાય તો તેમને કોઈ અટકાવી શકતું નથી – અરે, સુપ્રીમ કોર્ટ જેવી સુપ્રીમ કોર્ટ પણ લાચાર છે…. આપણા માટે શુભ ક્યારે અને ક્યારે અશુભ હોય છે એ આપણને બુધની નહીં (રિપીટ બુધની નહીં) પણ જ્યોતિષીની મદદથી જ જાણવા મળે છે.

બુધ પ્રથમ ઘરમાં હોય એવો જાતક સ્વભાવે બાર્ગિંગ એટિટ્યૂડવાળો હોય, તેની સાથેના નિરર્થક વાદવિવાદથી સામેની વ્યક્તિ તનથી અને મનથી થાકી જાય. નંખાઈ જાય. તે પોતાનો કક્કો સાચો કરાવીને જ સામા પક્ષની છાલ છોડે. આ કારણે આવા પતિથી તેની પત્ની માટે છૂટાછેડા સુલભ બને. ખુદ જજ પોતે જ કંટાળીને જીવદયાથી પ્રેરાઈ આવા જાતકથી તેની સ્ત્રીને ડિવોર્સ અપાવે.

જોકે, બીજે અને આઠમે બુધ હોય એ જાતક પત્નીના કહ્યામાં જ રહે. તેને આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ આવે તો એ માટે ય તે પત્નીની પરવાનગી માગે. તે રેવન્યૂ સ્ટેમ્પના હિસાબ સાથે તેનો પૂરો પગાર પત્નીના હાથમાં મૂકી દે છે. આવા જાતકને ચપળ, ચાલાક અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતી પત્ની મળે. આ જાતક જિગર વગરનો, ડરપોક હોય. તેની પાસેથી પ્રેમપૂર્વક પૈસા મેળવી શકાય નહીં. દાદાગીરીથી નાણાં કાઢવી શકાય. આમ તો, એક નનામો ફોન કરવાથી જ કામ સરી જાય. તેને ધરમની બહેનો બનાવવાની હોબી હોય. તેની પત્ની સામે કોઈ જુએ, તેની પ્રશંસા કરે તો એથી તે હરખાય છે.

બુધ ત્રીજા ઘરમાં હોય તો કોઈ બેવકૂફ સાથે દોસ્તી થાય જે ભાગીદારીના ધંધામાં પરિણમે. જેના ફલસ્વરૂપ, પેલી જૂની ઉક્તિ પ્રમાણે, પૈસા રોકનાર ભાગીદારના ભાગે મબલક અનુભવ આવે, જાતકના ભાગે નાણાં આવે…આવા જાતકને મિત્રોથી અર્થપ્રાપ્તિ થાય છે. (ટીપ: આવા દરેક સુદામાએ એકાદ કૃષ્ણ શોધી લેવો.) સ્ત્રીઓની બાબતમાં તે સ્પષ્ટપણે દેખાઈ આવે એટલે બધો લીસો રહે. તેની ખુદની પત્ની પણ ખીજમાં તેને ‘લંપટ’ના વિશેષણથી બોલાવે. આથી લાંબા ગાળે જાતકને પોતાને જ એવો વહેમ પડવા માંડે. પત્ની જેનો વિશેષણ લેખે ઉપયોગ કરે છે એ તેની અટક તો નહીં પડી જાયને !… જીવનને તે ભરપટ્ટે માણે ને પછી એ બધાથી થાકી જઈને- ઉબઈ જઈને સંસારનો ત્યાગ કરી સાધુ થાય. અને સાધુ-બાવા બન્યા બાદ ઘણાં વર્ષે તેને સમજાય કે સંસારની માફક સાધુત્વ પણ અસાર છે એટલે પછી એનાથી કંટાળીને કોઈ અતિ શ્રીમંત વિધવાનું હૃદયપરિવર્તન કરી તેની સાથે સંસાર માંડે. બોલવામાં તે એટલો બધો મીઠડો હોય કે તેને લાં…બો સમય સાંભળનારને બ્લડ-યુરીનમાં સાકરનું પ્રમાણ એકદમ વધી જાય.

જેને ચોથે બુધ હોય એ જાતકનું મિત્રમંડળ બહોળું હોય, તેને ઘણા સારા મિત્રો મળે. જોકે તેના એ મિત્રો હંમેશાં એવું વિચારતા રહે કે અમને અચ્છો મિત્ર મળ્યો હોત તો કેટલું સારું થાત! તેનું મન અકળ હોય, તે પીઠ પાછળ ઘા કરવાની પ્રકૃતિ ધરાવતો હોય – પાછો આદિલ મન્સૂરીની કાવ્યપંક્તિ જાણે પોતે જ લખી હોય એમ ગણગણ્યા કરે કે ‘પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી…’ તેના આ પ્રકારના મિજાજને પોલિટિક્સ વધારે માફક આવે.

પાંચમે બુધ હોય એ વ્યક્તિ પોતે ચોપડા અને / અથવા ચોપડીઓ લખનાર હોય. ચોપડા લખતો હોય તો દેશીનામા-સેન્ટર (કમ્પ્યુટરાઈઝ્ડ નામા સેન્ટર) ચલાવે અને લેખક હોય તો તાબાના માણસો પાસે પુસ્તકો લખાવી પોતાના નામે પ્રગટ કરાવે.

છઠ્ઠે બુધ હોય એ જાતકની પત્ની સુંદર હોય. અથવા તો તેને કાયમ રૂપાળી લાગે. આથી તેનો સ્વભાવ વહેમી બને. દરેક પુરુષ સામે શંકાની નજરે જુએ.

સાતમે બુધવાળો જાતક શત્રુઓ બનાવવામાં સ્વાવલંબી હોય. આ ઉપરાંત માણસોને અંદર અંદર લડાવી પોતાનું ટટ્ટ કાઢે. તે બધાંને પજવી શકે, તેને કોઈ ન પજવે.

અને જેની જન્મ કુંડળીમાં આઠમે બુધ હોય તે સો વરસ જેટલી આવરદા ભોગવે, પરંતુ આ ઉંમર સુધી પહોંચવા ઈચ્છનાર જાતકે ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તવાને બદલે નેચરોપથી યાને નિસર્ગોપચાર તેમ જ એ પ્રકારના ઉપચારોના આશરે જવું.

નવમા સ્થાને બુધ હોય તેને સ્વપત્ની સાથે મનમેળ ઓછો રહે ને બીજી ડાળ પર મન લાગે. કોઈ નિર્દોષ ડિવોર્સી સાથે મિત્રતા થાય. એ નિર્દોષ ડિવોર્સી નિર્દોષ ભલે હોય કે ન હોય, પણ તેના ડિવોર્સ તો નિર્દોષ જ હોય. પછી એ નિર્દોષ ડિવોર્સી જાતકના જ કોઈ પરમ ધનાઢ્ય મિત્ર સાથે નાસી જઈને નિર્દોષ ભાવે પરણી જાય, ને જાતક માટે ‘દોસ્ત દોસ્તના રહા’ જેવું ગીત છોડતી જાય.

-અને દસમા ગૃહમાં બુધ હોય એ જાતકે આર્થિક ક્ષેત્રે સાવધ રહેવું. તેનો ધનભંડાર લુચ્ચા, ઠગ અથવા તો વકીલોના હાથમાં પડી ન જાય એની તકેદારી રાખવી. દસમે બુધવાળી વ્યક્તિની વાણી અસરકારક હોય. જેમને શુદ્ધ ગુજરાતીમાં ‘પરધાનિયા’ કહે છે, જે પર-ધાન પર નભતા હોય છે એવા પ્રધાનોમાંના એકાદ પ્રધાન પાસેથી આ જાતક પોતાની વક્તૃત્વકળાથી મિલકત મેળવે-અવળી ગંગા જેવું થાય.

હા, પણ અગિયારમા સ્થાને બુધ હોય એ જાતક ઓછાબોલો હોય. થોડું બોલ્યો ઝાઝું કરી સમજશો એવું કહ્યા વગર પણ તે શોર્ટ હેન્ડ કે ટેલિગ્રામ જેટલું ઓછું બોલે. આ જાતકની વિશેષતા એ હોય છે કે તેને કોઈ પણ કાર્યક્રમ, પછી ભલે તે શ્રદ્ધાંજલિનો હોય, તેમાં પણ સ્ટેજ પર બેસી, સ્ટેજ શોભાવવાનું ગમે છે.

બારમે બુધ હોય એ જાતકનો શબ્દકોશ નેપોલિયનના શબ્દકોશ જેવો અધૂરો હોય. નેપોલિયનના શબ્દકોશમાં ‘ઈમ્પોસિબલ’ – અશક્ય શબ્દ નહોતો એ રીતે આ જાતકના શબ્દકોશમાં ‘વિશ્ર્વાસ’ જેવો શબ્દ શોધ્યોય ન જડે. તે કોઈના પર વિશ્ર્વાસ ન મૂકે. અને તેના પર વિશ્ર્વાસ મૂકનારનો એક ટેવ લેખે વિશ્ર્વાસઘાત કરવાનું ન ચૂકે. તેની સમાજમાં આ જાતની છાપ હોવા છતાં તેનો વિશ્ર્વાસ કરનારા સદાય તેને મળતા રહે.

સૂર્ય, શુક્ર અને રાહુ જેવા બળિયા ગ્રહો બુધના મિત્ર છે, જ્યારે મંગળ, ગુરુ અને ચંદ્ર તેના શત્રુ છે.. બુધ તો ચંદ્રને પોતાનો મોટો શત્રુ ગણે છે, પરંતુ ચંદ્ર તેને પોતાના શત્રુ હોવાનું ગૌરવ આપે છે કે કેમ તે માટે આપણે ચંદ્રને જ પૂછવું પડે,

પણ મંગળ અને બુધ જે રીતે વાર તરીકે એકબીજાની સાવ નજીક છે એ રીતે ગ્રહ તરીકેય એકબીજાની પાસે હોય તો? મહાત્મા ગાંધી અને એ જ અટકધારી શ્રીમતી ઈન્દિરાજી, આ બન્નેની કુંડળીમાં લગ્ને મંગળ-બુધ હતા એટલે તે અત્યંત લોકપ્રિય અને મહાન થઈ શક્યાં, બન્ને મિલેનિયમના મહાન વ્યક્તિનું ગૌરવ પામ્યાં. અલબત્ત, અમરત્વ પામવા માટે આ બન્નેને સમય પહેલાં ગોળીઓથી વીંધાવું પડ્યું. આપણી પાસે અબ્રાહમ લિંકન અને જ્હોન કેનેડીની કુંડળી નથી, પણ જે રીતે એ બંને મરીને મહાન થાય તે પરથી અનુમાન કરવાનું મન થાય કે તેમની કુંડળીમાં પણ મંગળ-બુધ સાથે હોવા જોઈએ. ભગવાન રજનીશને તો કદાચ ખબર પણ નહીં હોય કે તેમની કુંડળીમાં પણ મંગળ-બુધનો ગાઢ સંબંધ હતો. અને જેમની વાણીમાં સોક્રેટિસ જેવો જાદુ હતો એવા આપણા અટલ બિહારી બાજપાઈ ત્રણ ત્રણ વખત વડા પ્રધાન થઈ શક્યા, તેમની કુંડળીમાંય મંગળ-બુધ પ્રગાઢ રીતે જોડાયેલા છે. તેમને પત્ની ભલે ન મળી, પણ મંત્રમુગ્ધ કરે એવી વાણી મળી. શક્ય છે કે વાચાળતાનું વરદાન તેમને સ્ત્રી નહીં મળવાને લીધે જ પ્રાપ્ત થયું હશે, કે પછી વિકસ્યું હશે. બાકી જો તે પરણ્યા હોત તો માત્ર એક આદર્શ શ્રોતા જ બની રહ્યા હોત, આપણે એક ઉત્તમ વક્તા ગુમાવ્યો હોત.

આ બુધને રાજી કરવા ચન્દ્રની ગેરહાજરી અનિવાર્ય હોવાથી પૂનમને બદલે અમાવાસ્યાનું વ્રત કરવામાં આવે છે. અને સુપાત્રને જેટલું વધારે દાન આપવામાં આવે એટલો બુધ વધુ ખુશ થાય છે. આ દાનમાં ટાલિયો હોય તેને કાંસકો, દાંત પડી ગયા હોય તેને હાથીદાંત, ડાયાબિટીસ થયો હોય તેને મધ, સાકર અથવા તો સ્યુગર ફ્રી ટેબ્લેટ્સનું દાન કરવું. બિલ્ડર ન હોય તેને ભૂમિ, જમીન કે પછી પ્લોટનું દાન કરવું જેથી તે બિલ્ડરો પાસેથી બે નંબરનાં નાણાં પ્રાપ્ત કરી શકે. બીકણ હોય તેને શસ્ત્ર અને દાણચોરને સુવર્ણદાન કરવાથી બુધ (અને/અથવા તો દાન લેનાર) રાજીનો રેડ થઈ જશે.

જમણા હાથની ટચલી આંગળીની નીચેનો હૃદય-રેખા સુધીનો ભાગ બુધનો પર્વત કહેવાય છે. આ પર્વત પર જે આડી રેખાઓ પડેલી છે તે પ્રેમની એટલે કે પ્રેમિકાઓની અથવા તો લગ્નની રેખાઓ ગણાય છે. આ રેખા જો હૃદયરેખા અને ટચલી આંગળીના મૂળની વચ્ચેના ભાગ સુધી લંબાયેલી હોય તો લગ્ન મોડાં યા વહેલાંય થશે તો ખરાં જ, કુંવારા મરવાનો યોગ નહીં આવે, પરંતુ એ રેખા જો એથી ઊંચે જતી હોય તો લગ્ન ઘણી મોટી ઉંમરે થાય, અને લગ્નજીવનના પાંચ વર્ષના ગાળામાં પત્ની પોતે જે તેના પતિને અંકલ કહેવાનું શરૂ કરે છે. આ પર્વત પર જેટલી વધારે રેખાઓ હોય એ બધી રેખાઓની સંખ્યા જેટલાં પ્રેમપ્રકરણો થાય, છતાં આમાંની એક પણ છોકરીનું નામ રેખા કે સુરેખા નહીં હોય. અને એવી કોઈ આડીઅવળી રેખા ન હોય, રેખાનો એકાદ ટુકડોય હોય તો એવો જાતક પત્ની સિવાયની સ્ત્રીના ઈતર પ્રવૃત્તિના પ્રેમમાં ઊંધા માથે પટકાય છે. કિંતુ રેખા જો તૂટેલી, ફૂટેલી, ગૂંચવાળી, સાંકળીવાળી કે આગળ યા પાછળથી ચીપિયા આકારની હોય તો જાતક માટે તે પ્રેમભંગ, લગ્નભંગ યા અસ્થિભંગ સૂચવે છે..

અમુક જ્યોતિષીઓના મત પ્રમાણે બુધ-પ્રધાન જાતકનું મૃત્યુ તાવથી થાય છે. આ તાવ ટાઢિયો પણ હોઈ શકે. આ બુધ આમ તો ઘણો નાનો ગ્રહ છે એટલે તેના વિશે આનાથી વધારે કેટલું લખાય…!

આપણ વાંચો:  તમને એકલા રહેવું ગમે…?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button