ઉત્સવ

ઝબાન સંભાલ કે : મામા કરે ગુણાકાર ને મામી કરે ભાગાકાર…

-હેન્રી શાસ્ત્રી

આજના યંગસ્ટર્સ જે કેટલીક મજા – આનંદ કે જલસાથી વંચિત રહી ગયા છે એમાંનો એક આનંદ છે મોસાળ યાને કે મામાનું ઘર. સંબંધોની વ્યાખ્યા અનુસાર માના ભાઈ મામા કહેવાય અને એમનાં પત્ની મામી થાય. એક બાળપણ હતું જ્યારે વેકેશનમાં રિઝોર્ટ કે ફોરેન ટૂર કે એક્ટિવિટી કેમ્પમાં બાળકો નહોતાં જતાં. બલ્કે મોસાળ – મામાનું ઘર એટલે મૌજા હી મૌજા એવું કહેવાતું. મીઠાશનું બીજું નામ હતું મામા. અત્યારે અનેક બાળકોને વેકેશન હશે પણ એ છુટ્ટીઓમાં આનંદ મેળવવાની વ્યાખ્યા સમૂળગી બદલાઈ ગઈ છે. ‘મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે’ કહેવત પણ હવે મોડર્ન સ્વરૂપમાં ‘મામાનું ઘર કેટલે? રિઝોર્ટ દેખાય એટલે’ જોવા અને અનુભવવા મળે છે. અખંડ ભારતમાં ચિત્તાગોંગ નામનું શહેર હતું (હવે બાંગલાદેશમાં છે) અને અહીં રહેવાસીઓ માટે મામા શબ્દ વાપરવાનું ચલણ હતું. મામાનો એક અર્થ ચોર પણ કરવામાં આવે છે. મામા મળવા એટલે ચોર મળવા. જોકે, કોઈ અકળ કારણસર મુંબઈની બોલચાલની ભાષામાં પોલીસ કે ટિકિટ ચેકર માટે પણ મામા શબ્દનો ઉપયોગ જોવા મળે છે. મામા પકડી ગયા રજૂઆતમાં પોલીસ અર્થ છે જ્યારે વગર ટિકિટે મુસાફરી કરનારને ‘ધ્યાન રાખજો, મામા ભટકાઈ જશે તો દંડ થશે’ એમ પણ કહેવામાં આવે છે.

ઉનાળુ વેકેશનમાં પિયર આવતી સ્ત્રી માટે મા જણ્યો ભાઈ હેતનો દરિયો હતો તો ભોજાઈ – ભાભી (બાળકોની મામી) સુખદુ:ખની વાત કરવા માટે સખીથી વિશેષ હતી. મામા-મામી ભાણેજડાઓ માટે આનંદનો આવાસ, સુખનું સરનામું હતા. મામા – મામીના સંદર્ભે એ ઓછી જાણીતી પણ સંસારચક્રની વાત કરતી કહેવત જાણવા જેવી છે. કહેવત છે મામા કરે ગુણાકાર અને મામી કરે ભાગાકાર. પ્રથમ દ્રષ્ટિએ આ કહેવત બંને વચ્ચેનો વિરોધાભાસ વ્યક્ત કરતી હોય એવું પ્રતીત થાય છે. આ કહેવતને ઊંડાણથી તપાસવી જરૂરી છે. આપણી સમાજ વ્યવસ્થા અનુસાર મામાની જવાબદારી નોકરી ધંધો અથવા મજૂરી કરીને બે પૈસા કમાઈ લેવા. મામા કમાણી કરતા હોવાથી ધનમાં વધારો થાય અને એટલે સંપત્તિનો ગુણકારી કર્યો કહેવાય. ગણિતમાં ગુણાકાર કરવાથી મોટી સંખ્યા મળે. આ મહેનતથી મેળવેલી મૂડી અંતે મામીના હાથમાં આવે અને એ આવકમાંથી મામી જરૂરિયાત અનુસાર પૈસા ખર્ચ કરે. એટલે મૂડીનો ભાગાકાર કર્યો કહેવાય. ગણિતમાં ભાગાકાર કરવાથી મૂળ સંખ્યા ઘટી જાય. જોકે, આ રીતે ગુણાકાર અને ભાગાકાર કરવાથી જ જીવન નિર્વાહ થાય અને દેશનું અર્થતંત્ર પણ આવક અને જાવકથી જ મજબૂત બને.

MEANING CHANGE
અંગ્રેજી ભાષામાં એવા કેટલાક શબ્દો છે જે મૂળ સ્વરૂપે જ ગુજરાતીમાં રૂઢ થયા છે અને નિયમિતપણે બોલાય પણ છે. એને સમાનાર્થી ગુજરાતી શબ્દ હોવા છતાં એ વ્યવહારમાં ઓછો જોવા મળે છે. NICE is one such word. ગુજરાતીમાં એનો અર્થ સરસ, સુંદર, મજાનું, મનોહર, નયનરમ્ય એવો થાય છે. જોકે, આ ડ્રેસ નાઈસ છે કે પેરિસ બહુ નાઈસ સિટી છે એમ કહેવાતું હોય છે. હવે તમને જો કહેવામાં આવે કે એનો મૂળ અર્થ trivial, foolish or stupid – મામૂલી, મૂરખ કે બુદ્ધુ હતો તો મગજ ચકરાવે ચડી જાય ને. When nice came into English in the 14th century it meant “foolish,” which is also what it meant in the Anglo-French that it came from, and ultimately also in Latin nescire meaning “not to know.” 14મી સદીમાં નાઈસ શબ્દ અંગ્રેજીમાં આવ્યો ત્યારે એનો અર્થ મૂરખ એવો થતો હતો. લેટિનમાં પણ આ શબ્દનો અર્થ અજાણ એવો કરવામાં આવતો હતો. સમય સાથે બદલાવ આવ્યો અને એ સાથે ચોકસાઈ એવો અર્થ અસ્તિત્વમાં આવ્યો. In the 19th century NICE acquired the present meaning PLEASANT or AGREEABLE. 19મી સદીમાં આનંદ આપનાર કે રુચિકર એ અર્થ ધારણ થયો. કેવી નાઈસ યાત્રા છે નાઈસ શબ્દની, હેં ને.

અર્થની કાયાપલટ કરનારો બીજો અંગ્રેજી શબ્દ છે Garbage. નામ પડતા જ મોઢું બગડી અજય અથવા વાંકુ થઈ જાય. ગંદકી, કચરો, પૂંજો કે વાસીદું એના અર્થ છે. જોકે, કોઈ બકવાસ વાત કરે તો He talks garbage એમ કહેવાય છે. હેરત પમાડનારી વાત એ છે કે એનો મૂળ અર્થ શરીરના અવયવ સંબંધિત છે. Originally Garbage meant the internal parts of an animal: viscera. પ્રાચીન કાળમાં પ્રાણીઓના શરીરના અવયવો કે આંતરડા એવો અર્થ પ્રચલિત હતો. અલબત્ત ગાર્બેજ એક માત્ર ખોરાક સંબંધિત શબ્દ નથી જેના અર્થમાં ધરમૂળથી બદલાવ જોવા મળ્યો છે. Meat formerly was used to refer to food of any kind, and not just to the flesh of an animal. મીટ માત્ર પ્રાણીના માંસ માટે વપરાતો શબ્દ નહોતો. અનેક પ્રકારના ખોરાક માટે એનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. Also liquor was once used to refer to liquid of any sort, rather than to a substance that is productive of hangovers. એ જ રીતે લિકર શબ્દ કોઈ પણ પ્રકારના પ્રવાહી માટે ઉપયોગમાં લેવાતો હતો. આજે હવે એ દારૂ – શરાબ માટે ઈસ્તેમાલ થાય છે.

नानी – दादी की कहावतें
વિજ્ઞાને ભલે ગમે એટલી પ્રગતિ કરી, માણસના મનમાં અમુક ખૂણે હજી પણ વર્ષો જૂના ખ્યાલો – વિચારો ધરબાઈ પડ્યા છે. માનવ સમાજની પ્રગતિના ભલે ગમે એટલા ગુણગાન ગાવામાં આવે, એ સમાજ આજની તારીખમાં પણ મહદંશે પિતૃસત્તાક સમાજ જ છે. હિન્દી ભાષાની એક પ્રચલિત કહેવત પરથી આ વાત સ્પષ્ટ થાય છે. કહેવત છે नानी के टुकड़े खावे, दादी का पोता कहावे. નાની એટલે મમ્મીની મમ્મી – મોસાળ પક્ષ અને દાદી એટલે પપ્પાની મમ્મી. પિતૃ પક્ષ. આ કહેવત અનુસાર कोई व्यक्ति भले ही ननिहाल के सहारे रहा हो, लेकिन वह अपने को दादी के पोते के रूप में ही पहचाना चाहता है। यह एक पितृसत्तात्मक समाज में प्रचलित कहावत है, जहाँ व्यक्ति का संबंध उसकी दादी के माध्यम से ही माना जाता है, चाहे वह ननिहाल में बड़ा हुआ हो। નનિહાલ એટલે નાનાનું ઘર – મોસાળ. કોઈ વ્યક્તિ ભલે મોસાળમાં ઉછરી હોય, એના ટેકાથી જીવતી હોય, અંતે એની ઓળખાણ તો દાદીના પૌત્ર તરીકે જ આપવામાં આવે છે અને નહીં કે નાનીના દોહિત્ર તરીકે. પિતૃસત્તાક સમાજની આ લાક્ષણિકતા છે. અચ્છાઈ અને બુરાઈ આપણા કર્મોનું ફળ છે, પ્રતિબિંબ છે એ સમજવું જોઈએ, હિન્દી કહેવત છે कौआ के कोसे ढोर मरे तो, रोज कोसे, रोज मारे, रोज खाए। કોસ એટલે કોઈનું અહિત વિચારવું, એના વિશે બૂરા વિચારો કરવા. કહેવતનો ભાવાર્થ એમ છે કે કોઈનું ખરાબ વિચારવાથી જ જો એનું અહિત થવાનું હોય તો લોકો બેઠા બેઠા જ બીજાની બુરાઈ કરતા ફરે. કાગડો ખોરાક માટે કોઈ જાનવરના મૃત્યુની રાહ જોતો ન બેઠો રહેત. રોજ કોઈ જાનવરના મૃત્યુ વિશે વિચારી લેત અને એને ભોજન મળી જાત. ટૂંકમાં કોઈનું અહિત એના ખરાબ કર્મોને લીધે થાય છે, નહીં કે બીજા કોઈએ એનું અહિત વિચાર્યું હોવાથી. જીવનનો મર્મ સમજાવે છે આ કહેવત.

आधुनिक म्हणी
સમય મોડર્ન છે, આધુનિક યુગ ચાલી રહ્યો છે. ભાષામાં અને એના પગલે કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ આધુનિકતા પ્રવેશે એ સાહજિક ગણાય. મરાઠીની અમુક કહેવતો નવા અવતારમાં જોવા મળી છે. જૂની અને જાણીતી કહેવત છે थेंबे थेंबे तळे साचे. આટલું વાંચી તમને ગુજરાતી કહેવત ટીપે ટીપે સરોવર ભરાય જરૂર યાદ આવી હશે. થેમ્બ એટલે ટીપું અને તળે એટલે નાનકડું તળાવ. थोडं थोडं करून साठवल्यास मोठा संग्रह होतो. थोडक्यात, नियमितपणे आणि सतत प्रयत्न केल्याने यश मिळवता येते, असे या म्हणीचे तात्पर्य आहे. કાંકરે કાંકરે પાળ બંધાય, મતલબ કે સતત અને નિયમિત પ્રયત્નો કરવાથી સફળતા મળે એ આ કહેવતનો ભાવાર્થ છે. આને મળતી આધુનિક કહેવત છે थेंबे थेंबे लोकसंख्या वाढे! માનવવસ્તી એ મોડર્ન સમસ્યા છે. મનુષ્ય જન્મ (એક હોય કે અનેક) લોકસંખ્યા વધારવામાં નિમિત્ત બને છે એ આશય છે. બીજી કહેવત છે कष्टानं कमावलं, पावसानं हरवलं. મહેનત કરી, પરસેવો પાડી ખેતરમાં વાવણી કરી હોય પણ કમોસમી વરસાદને કારણે ઊભો પાક નાશ પામે અને ઉજ્જવળ વર્ષની આશા ઠગારી નીવડે એવું બનતું હોય છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યામાં આ પરિબળ જવાબદાર ગણાય છે. આ કહેવતનું આધુનિક સંસ્કરણ છે कष्टानं कमावलं बाटलीनं गमावलं! વાત ઉદ્યમની જ છે, પણ પરિશ્રમથી કરેલું ઉપાર્જન બાટલીમાં મતલબ કે શરાબના વ્યસનમાં વેડફાઈ જાય એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

આપણ વાંચો : ઝબાન સંભાલ કે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button