મનોરંજનનું મેઘધનુષઃ દિગ્દર્શકનો માનીતો કલાકાર કે. કે. મેનન...
ઉત્સવ

મનોરંજનનું મેઘધનુષઃ દિગ્દર્શકનો માનીતો કલાકાર કે. કે. મેનન…

ઉમેશ ત્રિવેદી

ગુજરાતી-તમિળ-મરાઠી અને તેલુગુની અનેક ફિલ્મોના આ અદાકાર કૃષ્ણકુમાર મેનનને દર્શકો આજે કે. કે. મેનન તરીકે ઓળખે છે. ફિલ્મો હોય કે સિરિયલો કે ઓટીટી પર રજૂ થનારી સિરીઝ…

એ બધામાં જ પોતાનું એક અલગ જ સ્થાન ઊભું કર્યું છે તે એટલે સુધી કે ‘અ વેન્સડે’ જેવી ફિલ્મ અને ‘સ્પેશ્યલ ઑપ્સ’ જેવી સિરીઝ બનાવનારા દિગ્દર્શક નીરજ પાંડે પણ આ કલાકારના અભિનયને વખાણતા એમ કહે છે કે ‘સ્પેશ્યલ ઓપ્સ’ સિરીઝને કે. કે. મેનન સિવાય બીજા કોઈ એકટરને કલ્પી પણ શકતો નથી.

કે. કે. મેનને આજે પોતાની અભિનય ક્ષમતાથી પોતાની એક અલગ જ ઓળખ ઊભી જરૂર કરી છે, પણ આ ઓળખ ઊભી કરતાં એને 25 થી 30 વર્ષનો સમય લાગ્યો છે. બીબાંઢાળ ભૂમિકાઓથી કાંઈક અલગ કરવાની ધગશ કે. કે.ને પહેલાંથી જ રહી છે. બ્લેક ફ્રાયડે, દીવાર (2004), સરકાર, ગુલાલ, હૈદર, બેબી જેવી ફિલ્મોમાં એ દીપી ઉઠયો છે. તો સ્પેશ્યલ ઓપ્સ, ફર્ઝી, ધ રેલવે મેન, સિટાડેલ: હની-બની જેવી સિરીઝમાં પણ એનાં અભિનયના વખાણ થયા છે.

કેરળના કોઝીકોડેમાં એક મલયાલી કુટુંબમાં જન્મેલા કે. કે. નો ઉછેર મહારાષ્ટ્રના પુણે અને અંબરનાથમાં થયો છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી એણે ફિઝિક્સમાં ડિગ્રી મેળવી છે પછી પુણે યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું. દરમિયાન એને જાહેરખબરો મળવા લાગી તેનાં પગલે એ શોબીઝ સાથે સંકળાયો.

ત્યાર પછી એણે થિયેટર કરવા માંડયું. અહીં એની ઓળખાણ નિવેદિતા ભટ્ટાચાર્ય સાથે થઈ અને આ ઓળખાણ પ્રેમમાં અને પછી લગ્નમાં પરિણમી. કારકિર્દીની શરૂઆતમાં કે. કે.અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો. 1995માં આવેલી ‘નસીમ’ નામની ફિલ્મથી એણે બોલિવૂડમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી 1999માં આવેલી ‘ભોપાલ એક્સ્પ્રેસ’માં એની મુખ્ય ભૂમિકા હતી, પણ તે ફિલ્મ ‘સુપરફલોપ’ સાબિત થઈ.

ત્યાર બાદ અનુરાગ કશ્યપની ‘પાંચ’, ‘હજારો ખ્વાહીશે ઐસી’ અને ‘બ્લેક ફ્રાય-ડે’ પણ ફલોપ ગઈ. 2004માં અમિતાભ બચ્ચન, અક્ષય ખન્ના, સંજય દત્ત સાથેની ‘દીવાર’માં પહેલી જ વાર કે. કે. મેનનની નોંધ લેવાઈ. ત્યાર બાદ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચનની ‘સરકાર’માં વિષ્ણુ નાગેરની ભૂમિકામાં પણ એની નોંધ લેવાઈ પછી તો બોલિવૂડમાં જબરો જામી ગયો.

કોર્પોરેટ, હનીમૂન ટ્રાવેલ્સ, લાઈફ ઈન અ મેટ્રો, ભેજા ફ્રાય, એબીસીડી, બેબી, બોબ્બે વેલ્વેટ, સિંઘ ઈઝ બ્લિંગ, અ ફલાઈંગ જાટ, ધાડ (ગુજરાતી ફિલ્મ) જેવી ફિલ્મોમાં એ વિવિધ પ્રકારની ભૂમિકામાં ખાસ કરીને વિલનની ભૂમિકામાં રીતસરનો છવાઈ ગયો.

2020માં આવેલી ‘સ્પે.ઑપ્સ’ની પહેલી સિઝનમાં હિમ્મતસિંહના પાત્રમાં એનો અભિનય ખૂબ વખાણાયો, 2021માં ‘સ્પેશ્યલ ઓપ્સ 1.5’, પછી ફર્ઝી, મુર્શીદ, સિટાડેલ- હની બની, રેલવે મેન જેવી સિરીઝમાં મુખ્ય ભૂમિકા જાણે કે. કે. મેનન માટે જ લખાઈ હતી અને અત્યારે ‘સ્પેશ્યલ ઑપ્સ-ટુ’માં એ એકવાર ફરી છવાઈ ગયો છે.

આમ, કે. કે. મેનન વિવિધતાથી ભરપૂર ભૂમિકા કરવામાં માહિર છે, પણ એ દિગ્દર્શકનો માનીતો કલાકાર છે. દરેક પાત્ર જાણે એનાં માટે લખાયું હોય એ રીતે તે પાત્રમાં ઢળી જાય છે અને લોકો એને જુએ ત્યારે એમને કે. કે. મેનન નહીં, પણ હિમ્મતસિંહ જ દેખાય છે.

દેશભક્તિના જુવાળ વચ્ચે સલમાન ખાન ‘બિગ બોસ’ સાથે તમારા ડ્રોઈંગ રૂમમાં…

OTTનું હોટસ્પોટ

જિયો હોટસ્ટાર પર ‘સલાકાર’ નામની સિરીઝ થરૂ થતાંની સાથે જ તે ‘નંબર વન’ બની ગઈ છે. હજી હાલમાં જ 15મી ઑગસ્ટ ગઈ છે ત્યારે ઓટીટી પર દેશભક્તિવાળી ફિલ્મો અને સિરીઝ ધૂમ મચાવી રહી છે.

જિયો હોટસ્ટાર પર ‘સ્પેશેયલ ઑપ્સ-ટુ’, ‘સલાકાર’ અને પૃથ્વીરાજ સુકુમારન, કાજોલ સાથે ઈબ્રાહીમ અલી ખાન’ની ‘સરઝમીન’ ફિલ્મ પણ ધ્યાન ખેંચી રહી છે.

‘બિગ બોસ’ની 19મી સીઝન ‘કલર્સ’ અને ‘જિયો હોટસ્ટાર’ પર શરૂ થઈ રહી છે. સલમાન ખાનના સંચાલન હેઠળના આ રિયાલિટી શોનાં ચાહકો ઘણા છે એટલે એ બધા આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે.

-નેટફિલકસ પર 16મી ઑગસ્ટે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસ’ ફિલ્મનાં બધા જ ભાગ એક સાથે રજૂ થયા પછી 18 ઓગસ્ટે ‘કોકોમેલોન લેન’ની પાંચમી સિઝન, ‘એકસટન્ટ’ની’ પહેલી- બીજી સિઝન, 21 ઓગસ્ટે ‘ધ355’ નામની જાસૂસી-થ્રીલર ‘હોસ્ટેજ’, ‘ગોલ્ડ રશ ગેંગ’ જેવી ફિલ્મો જોવા મળશે.

-એમેઝોન પ્રાઈમ પર 20 ઓગસ્ટે ‘ધ મેન ધેટ લિડ્સ ટુ યુ’, જિયો હોટસ્ટાર પર 22 ઓગસ્ટે ‘પીસમેકર સિઝન-ટુ’ જોવા મળશે.

આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષ્ય : ધૂંઆધાર અભિનયથી છવાઈ જતી ‘ધૂરંધર’ની અભિનેત્રી સારા અર્જૂન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button